મેડિકલમાં અનામત હવે કાયમી થઈ જશે

એકસ્ટ્રા અફેર - રાજીવ પંડિત
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે આ વર્ષના જુલાઈમાં એક બહુ જ મોટો અને લાખો વિદ્યાર્થીઓને અસર કરે એવો નિર્ણય લઈને મેડિકલ કોલેજોમાં અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ બંને અભ્યાસક્રમોમાં અન્ય પછાત જાતિ (ઓબીસી) અને સવર્ણોમાં આર્થિક રીતે નબળા (ઈડબલ્યુએસ)ને અનામત આપવાનું એલાન કરેલું. મોદી સરકારે ઓલ ઈન્ડિયા ક્વોટા હેઠળ રાજ્યોની સરકારી મેડિકલ કોલેજોમાં ૨૭ ટકા બેઠકો ઓબીસી માટે અને ૧૦ ટકા બેઠકો ઈડબલ્યુએસ માટે અનામત રાખવાનું એલાન કરેલું. ધરમના કામમાં ઢીલ નહીં એમ માનીને ને શુભસ્ય શીઘ્રમ કરીને મોદી સરકારે આ નિર્ણયનો અમલ વર્તમાન એટલે ૨૦૨૧-૨૨ના સત્રથી જ લાગુ કરવાનું પણ એલાન કરી નાખેલું.
આપણે ત્યાં સત્તામાં બેઠેલા લોકો ગમે તે નિર્ણય લઈ લેતા હોય છે ને તેની સામે કોર્ટમાં જનારા પણ પડ્યા છે. આ નિર્ણય સામે પણ સુપ્રીમ કોર્ટમાં અરજી થયેલી. અત્યાર લગી મેડિકલ કોર્સમાં એડ્મિશન માટે ઓલ ઈન્ડિયા કોટામાં માત્ર અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી) કેટેગરીના વિદ્યાર્થીઓ માટે જ અનામત હતી. તેમાં હવે વધારાની અનમાત ઉમેરાઈ એ એક વાંધો હતો. બીજો વાંધો સવર્ણોમાં આર્થિક રીતે નબળા (ઈડબલ્યુએસ) વર્ગ માટે આવક મર્યાદા ૮ લાખ રૂપિયા રાખવા સામે હતો.
સુપ્રીમ કોર્ટે સરકારના નિર્ણય સામેના વાંધાને માન્ય રાખીને અરજી સ્વીકારી તેમાં મેડિકલના પોસ્ટ ગ્રેજ્યુએશનનાં એડમિશન અટવાઈ ગયેલાં. આખું સત્ર પૂરું થવા આડે ઝાઝા મહિના બચ્યા નથી છતાં પોસ્ટ ગ્રેજ્યુએશન અભ્યાસક્રમોમાં એડમિશન માટે કાઉન્સેલિંગ પણ શરૂના થતાં મેડિકલના વિદ્યાર્થીઓ ઉંચાનીચા થવા માંડેલા. આંદોલન પણ શરૂ થયેલું ને જેમ બને તેમ આ કોકડું ઝડપથી ઉકેલાય એવી માગણી શરૂ થયેલી. મોદી સરકાર આ રીતે અનામતની લહાણી કરી રહી હોવાથી જનરલ કેટેગરીમાં આવતા સવર્ણોમાં કચવાટ પણ હતો.
સુપ્રીમ કોર્ટે ઉંચાનીચા થતા ડોક્ટરોની લાગણીને સમજીને શુક્રવારે પોસ્ટ ગ્રેજ્યુએશન માટેની નેશનલ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (નીટ) અંગેની પ્રક્રિયા શરૂ કરવા લીલી ઝંડી આપી દીધી. સુપ્રીમ કોર્ટે મેડિકલ અભ્યાસક્રમોમાં પોસ્ટ ગ્રેજ્યુએશનમાં અન્ય પછાત વર્ગ (ઓબીસી) માટેની ૨૭ ટકા અનામત અને ઈકોનોમિકલી વીકર સેક્શન્સ (ઈડબલ્યુએસ) માટેની ૧૦ ટકા અનામતને પણ મંજૂરી આપી છે. પોસ્ટ ગ્રેજ્યુએશનમાં ઈકોનોમિકલી વીકર સેક્શન્સ (ઈડબલ્યુએસ) માટે ૮ લાખ રૂપિયાની આવક મર્યાદાને પણ મંજૂરી મળી છે.
સ્વાભાવિક રીતે જ આ ચુકાદાથી જનરલ કેટેગરીના ઉમેદવારો નારાજ છે. અત્યાર લગી મેડિકલ કોર્સમાં એડ્મિશન માટે ઓલ ઈન્ડિયા કોટામાં માત્ર અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી) કેટેગરીના વિદ્યાર્થીઓ માટે જ અનામત હતી. આ બંને માટે થઈને ૨૨.૫ ટકા બેઠકો અનામત હતી. હવે તેમાં ૨૭ ટકા ઓબીસી ને ૧૦ ટકા ઈડબલ્યુએસ અનમાત ઉમેરાશે. તેના કારણે ઓલ ઈન્ડિયા ક્વોટા હેઠળની મેડિકલ કોલેજોની બેઠકોમાં હવે ૬૦ ટકા જેટલી બેઠકો અનામત થઈ જશે. તેના કારણે જનરલ કેટેગરીના ઉમેદવારો માટે ૪૦ ટકાની આસપાસ બેઠકો થઈ જશે.
જેમના માટે અનામતની જોગવાઈ કરાઈ છે એ જ્ઞાતિ કે વર્ગનાં લોકોનું મેરિટ ઊંચું હોય તો એ લોકો પણ જનરલ કેટેગરીમાં તો લાભ લઈ જ શકશે. એ રીતે બીજી બે-પાંચ ટકા બેઠકો ઓછી થાય જ એ જોતાં જનરલ કેટેગરીના સવર્ણો માટે અસરકારક રીતે ૩૫ ટકાની આસપાસ જ બેઠકો બચશે તેથી તેમને કચવાટ થાય એ સમજાય એવી વાત છે. જનરલ કેટેગરીના સવર્ણોએ લેવું હોય તો એટલું આશ્ર્વાસન લઈ શકે કે, સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો આ વર્ષ માટે જ છે. સુપ્રીમ કોર્ટે આ વચગાળાનો આદેશ આપ્યો છે ને હવે પછીના સત્રમાં શું કરવું એ મુદ્દે માર્ચ મહિનામાં સુનાવણી થશે. ટૂંકમાં એટલું આશ્ર્વાસન લઈ શકાય કે, આ ચુકાદા સાથે લાંબા સમયથી ચાલતા ટંટાનો અંત આવ્યો છે પણ જે સમસ્યા છે તેનો કાયમી નિવેડો નથી આવ્યો.
જો કે આ આશ્ર્વાસન ઠગારું છે કેમ કે આપણે ત્યાં એક વાર અનામત ઘૂસે પછી એ જતી નથી એવો આપણો અનુભવ છે. આ કિસ્સામાં પણ એવું જ થશે કેમ કે સરકારે રાજકીય લાભ ખાતર આ નિર્ણય લીધો છે. મોદી સરકારના આ નિર્ણય પાછળ ઉત્તર પ્રદેશની ચૂંટણી જીતવાની ગણતરી છે. યુપીમાં ૨૦૨૨ના ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં વિધાનસભાની ચૂંટણી છે ને ખેડૂત આંદોલનના કારણે ભાજપ ચિંતામાં છે. સમાજવાદી પાર્ટી મુસ્લિમ અને ઓબીસી મતબેંકના કારણે તાકતવર છે તેથી આ મતબેંકમાં ગાબડું પાડવા માટે ઓબીસી અનામતનો દાવ રમાયો છે.
મોદી સરકારને રાજકીય ફાયદો થાય તેની રમતમાં જનરલ કેટેગરીના સવર્ણોનો ખો નીકળી જશે. આ વાત સમજવા ભારતમાં મેડિકલ એજ્યુકેશનમાં એડમિશનની વ્યવસ્થાને સમજવી જરૂરી છે. ભારતમાં તમામ રાજ્યોની સરકારી મેડિકલ કોલેજોમાં ઓલ ઇન્ડિયા ક્વોટા (એઆઈક્યુ) અને સ્ટેટ ક્વોટા એમ બે કેટેગરીમાં એડમિશન અપાય છે. ઓલ ઈન્ડિયા ક્વોટા હેઠળ સીબીએસઈ સહિતનાં કેન્દ્ર સરકાર દ્વાર માન્ય આખા દેશમાં ચાલતાં હોય એવાં બોર્ડમાંથી ધોરણ ૧૨ સાયન્સ પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓને એડમિશન મળે છે. દેશનાં તમામ રાજ્યોમાં રાજ્ય સરકારો દ્વારા સંચાલિત જુદી જુદી સરકારી મેડિકલ કોલેજોમાં આ વિદ્યાર્થીઓ એડમિશન લઈ શકે છે.
સ્ટેટ ક્વોટા હેઠળ રાજ્ય સરકારનાં બોર્ડ દ્વારા લેવાતી ધોરણ ૧૨ સાયન્સની પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓને એડમિશન મળે છે. અંડર ગ્રેજ્યુએટ કોર્સીસ માટે નીટ ફરજિયાત છે તેથી ઓલ ઈન્ડિયા ક્વોટામાં તેના મેરિટના આધારે એડમિશન મળે છે. સ્ટેટ ક્વોટામાં કેટલાંક રાજ્યો નીટને માન્ય ગણે છે તો કેટલાંક રાજ્યની પોતાની પરીક્ષા છે તેના આધારે એડમિશન અપાય છે.
અત્યારે જે વ્યવસ્થા છે તે પ્રમાણે દેશની તમામ સરકારી મેડિકલ કોલેજોમાં અંડર ગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં ૧૫ ટકા બેઠકો ઓલ ઈન્ડિયા ક્વોટા હેઠળ ભરાય છે જ્યારે ૮૫ ટકા બેઠકો સ્ટેટ ક્વોટા હેઠળ ભરાય છે. પોસ્ટ ગ્રેજ્યુએશન અભ્યાસક્રમોમાં ૫૦ ટકા બેઠકો ઓલ ઈન્ડિયા ક્વોટા હેઠળ અને ૫૦ ટકા બેઠકો સ્ટેટ ક્વોટા હેઠળ ભરાય છે. ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછી જેમાં એડમિશન મળે એ બધા અંડર ગ્રેજ્યુએટ અભ્યાસક્રમ કહેવાય. એમબીબીએસ, બીડીએસ વગેરે આ પ્રકારના અભ્યાસક્રમ છે. આ ડીગ્રી મેળવ્યા પછી આગળ ભણવું હોય તો એમ.એસ., એમ.ડી. વગેરે પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમમાં જવું પડે.
ભારતમાં હાલમાં એમબીબીએસમાં કુલ ૮૪,૬૪૯ બેઠકો છે ને તેમાંથી ૧૫ ટકા ઓલ ઈન્ડિયા ક્વોટા હેઠળ આવે છે. મતલબ કે, ૧૨,૬૯૭ બેઠકો ઓલ ઈન્ડિયા ક્વોટા હેઠળ આવે. મોદી સરકારે ૨૭ ટકા ઓબીસી અને ૧૦ ટકા ઈડબલ્યુએસ અનામતનો અમલ કરવાનું નક્કી કર્યું તેના કારણે એમબીબીએસની ૩૪૨૮ બેઠકો ઓબીસી વિદ્યાર્થીઓ માટે અનામત થઈ જશે જ્યારે ૧૨૬૯ બેઠકો આર્થિક રીતે નબળા સવર્ણો માટે અનામત થઈ જશે. એસસી અને એસટી માટે પહેલાંથી અનામત છે જ ને એ પણ બાદ કરો તો સવર્ણ મધ્યમ વર્ગીય વિદ્યાર્થીઓ માટે ૫૦૭૫ બેઠકો બચશે.
પોસ્ટ ગ્રેજ્યુએશનમાં ૫૦ ટકા ઓલ ઈન્ડિયા ક્વોટા છે. દેશમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સમાં ૫૪,૨૭૫ બેઠકો છે તેથી ૨૭,૧૩૭ બેઠકો ઓલ ઈન્ડિયા ક્વોટામાં જશે. તેમાંથી ૨૭ ટકા એટલે કે ૭૩૨૭ બેઠકો ઓબીસી માટે અનામત થશે જ્યારે ૧૦ ટકા એટલે કે ૨,૭૧૩ બેઠકો આર્થિક રીતે નબળા સવર્ણો માટે અનામત થઈ જશે. એસસી-એસટી અનામતની બેઠકો પણ ગણતરીમાં લો તો સવર્ણ જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ૧૦,૮૫૪ બેઠકો બચશે.
જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ માટેની બેઠકોમાં ઘટાડો થશે. તેના કારણે હજારો સવર્ણ એટલે કે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ લાયકાત હોવા છતાં મેડિકલ કોલેજોમાં એડમિશન નહીં મેળવી શકે. માત્ર જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને જ અન્યાય થશે એવું નથી. ક્રીમી લેયરમાં આવતા ઓબીસી કેટેગરીના હોંશિયાર વિદ્યાર્થીઓને પણ નુકસાન જશે. તેમણે પણ હવે જનરલ કેટેગરીની ઘટેલી બેઠકો પર આકરી સ્પર્ધાનો સામનો કરવો પડશે. એ રીતે ઓબીસીમાં પણ ઊંચી આવક ધરાવતા પરિવારનાં સંતાનો જનરલ કેટેગરીમાં અરજી કરશે. તેના કારણે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓમાં ગળાકાપ સ્પર્ધા પેદા થશે જ્યારે અનામત કેટેગરીના વિદ્યાર્થીઓને પ્રમાણમાં સરળતાથી એડમિશન મળશે. પછાત વર્ગનાં લોકોને અનામત મળે કે તક મળે તેની સામે વાંધો નથી પણ જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને અન્યાય એ રીતે થાય કે તેમને માટે ઉપલબ્ધ બેઠકોમાં કાપ આવશે.
કમનસીબે આ અન્યાયનો કોઈ ઉપાય નથી. અનામત પ્રથાનો સીધો સંબંધ મતબેંકના રાજકારણ સાથે છે તેથી હવે પછી ચુકાદો આવે ત્યારે પણ આ અનામત જશે એવી આશા રાખવા જેવી નથી.
Comments

Vasant Joshi
January 08, 2022
Expect medical standards to fall when other than competency is criterion for admission.