ગુજરાતમાં હવે પોલીસ ભરતી કૌભાંડ: રાજકોટમાં બંટી-બબલી ઝડપાયા

રાજકોટ: ગુજરાતમાં સરકારી નોકરી બાબતે ભરતી કૌભાંડ એક બાદ એક સામે આવી રહ્યા છે ત્યારે રાજકોટ ગાંધીગ્રામ પોલીસ દ્વારા ક્રિષ્ના ભરડવા અને જેનિસ પરસાણા નામના બે આરોપીઓની ગુનો નોંધી અટકાયત કરી લેવામાં આવી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ક્રિષ્ના ભરડવા તેમ જ જેનિસ પરસાણા દ્વારા સૌપ્રથમ ૮૦ ફુટ રોડ પર રહેતા આશિષભાઈ સિયારામભાઈ ભગત નામના પરીક્ષાર્થીને પોતાની જાળમાં ફસાવ્યો હતો. ત્યારબાદ આશિષ પાસેથી તેના મિત્રવર્તુળ તેમ જ તેની સાથે પરીક્ષા ફોર્મ ભરનાર અન્ય પરીક્ષાર્થીઓની વિગત પણ મેળવી હતી. એલ.આર.ડી તેમ જ પીએસઆઇની ભરતી મામલે જે પણ પરીક્ષાર્થીઓએ ફોર્મ ભર્યા હતા તેમને લાલચ આપી હતી કે તેઓને કોઈપણ જાતની ફિઝિકલ ટેસ્ટ આપ્યા વગર કે રાઇટિંગ ટેસ્ટ આપ્યા વગર તેમને પાસ કરી આપવામાં આવશે, જે માટે તેમને લાખો રૂપિયાની રકમ બંને આરોપીઓને આપવી પડશે. આરોપીઓએ પરીક્ષાર્થીઓ પાસેથી ૧,૧૦,૦૦૦ થી લઇ ૪,૦૦,૦૦૦ રૂપિયા સુધીની રકમ મેળવી હોવાનું પણ હાલ સામે આવી રહ્યું છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.