વિશ્ર્વ બજાર પાછળ આયાતી તેલમાં વનવે તેજી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઈન્ડોનેશિયાએ પામતેલની નિકાસ નિયંત્રિત કરવાનો નિર્ણય લીધો હોવાથી તેમ જ મલયેશિયા ખાતે પામતેલનું ઉત્પાદન ઓછું થઈ રહ્યું હોવાથી હાલ વિશ્ર્વ બજારમાં આયાતી તેલમાં તેજીનો ટોન જળવાઈ રહેતાં આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં ૧૮૯ રિંગિટનો ઉછાળો આવ્યો હતો. આ ઉપરાંત, ગઈકાલે શિકાગો ખાતેના સોયાતેલના વાયદામાં ૪૧ સેન્ટના સુધારાના ઓવરનાઈટ અહેવાલને ધ્યાનમાં લેતાં સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં આયાતી તેલમાં વનવે તેજી આગળ ધપી હતી. આજે હાજરમાં ૧૦ કિલોદીઠ સન રિફાઈન્ડ અને સન ક્રૂડમાં રૂ. ૨૦, સોયા ડિગમમાં રૂ. ૧૫, આરબીડી પામોલિન અને ક્રૂડ પામતેલમાં રૂ. ૧૦ અને સોયા રિફાઈન્ડમાં રૂ. પાંચની આગેકૂચ જોવા મળી હતી.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ગઈકાલે ઈન્ડોનેશિયાએ નિકાસકારોને શિપમેન્ટનો ૨૦ ટકા માલ સ્થાનિકમાં ફરજિયાત વેચવાની ટ્રેડ મિનિસ્ટરે જાહેરાત કરી હતી. તેમ જ આજે આગામી ફેબ્રુઆરી મહિના માટેની પામતેલની નિકાસના રેફરન્સ રેટ જે ટનદીઠ ૧૩૦૭.૭૬ ડૉલર હતા તે વધારીને ૧૨૧૪.૭૮ ડૉલર કર્યાના અહેવાલ હતા. આમ એક તરફ ઈન્ડોનેશિયાની પામતેલની નિકાસ માટેની નિયંત્રાત્મક નીતિ તેમ જ મલયેશિયા ખાતે પામતેલના ઉત્પાદનમાં ઘટાડો થઈ રહ્યો હોવાથી તેજીનું વલણ જળવાઈ રહ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં સેલરિસેલ અને ડાયરેક્ટ ડિલિવરી શરતે અંદાજે ૨૦૦થી ૨૫૦ ટન આરબીડી પામોલિનના વેપાર થયા હતા, જેમાં ડાયરેક્ટ ડિલિવરી શરતે વેપાર ૧૦ કિલોદીઠ રૂ. ૧૨૧૫માં અને સેલરિસેલ ધોરણે વેપાર રૂ. ૧૨૦૭થી ૧૨૧૦ આસપાસના મથાળે થયા હતા.
દરમિયાન આજે સ્થાનિકમાં વિવિધ દેશી-આયાતી ખાદ્યતેલના ૧૦ કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. ૧૨૧૦થી ૧૨૧૫, ક્રૂડ પામતેલના રૂ. ૧૧૮૫, સોયા રિફાઈન્ડના રૂ. ૧૨૪૫, સોયા ડિગમના રૂ. ૧૨૧૦, સન રિફાઈન્ડના રૂ. ૧૨૭૫, સન ક્રૂડના રૂ. ૧૨૨૦, સિંગતેલના રૂ. ૧૩૪૦, કપાસિયા રિફાઈન્ડના રૂ. ૧૨૮૦ અને સરસવના રૂ. ૧૬૫૦ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે ગુજરાતનાં મથકો પર સિંગતેલમાં તેલિયા ટીનના વેપાર રૂ. ૨૦૮૦થી ૨૦૯૦માં, લૂઝમાં રૂ. ૧૩૦૦માં અને વૉશ્ડ કૉટનના રૂ. ૧૨૨૫થી ૧૨૩૦માં થયા હતા.
આજે મધ્ય પ્રદેશનાં મથકો પર અંદાજે એક લાખ ગૂણી સોયાસીડની આવક સામે મંડીમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૫૯૦૦થી ૬૩૦૦માં અને પ્લાન્ટ ડિલિવરી શરતે રૂ. ૬૩૦૦થી ૬૪૦૦માં થયા હતા, જ્યારે ઈન્દોર ખાતે હાજરમાં સોયા રિફાઈન્ડના વેપાર ૧૦ કિલોદીઠ રૂ. ૧૨૫૭થી ૧૨૬૦ આસપાસના મથાળે થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.