ચૂંટણી પહેલાં વચનોની ખેરાત પર નિયંત્રણ જરૂરી

એકસ્ટ્રા અફેર - રાજીવ પંડિત
આપણે ત્યાં ચૂંટણી ઢૂંકડી આવે એ સાથે જ ખેરાતોની મોસમ શરૂ થઈ જાય છે. રાજકારણીઓ રીતસરના મતોની ખરીદી કરવા નીકળ્યા હોય એ રીતે નીકળી પડે છે ને મતબેંકને પોતાની તરફ વાળવા માટે આડેધડ વચનોની લહાણી શરૂ કરી દે છે. લોકો કલ્પના પણ ના કરી શકે એવો ફાયદો કરાવવાની જાહેરાતો કરવા માંડે છે. ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી છે તેથી ખેરાતોની મોસમ જામી ગઈ છે. મફત વીજળીથી માંડીને દીકરીઓને મફત લેપટોપ આપવા સુધીનાં વચનોની લહાણી કરાઈ રહી છે ને મતદારોને લાલચની જાળમાં રીઝવવાનો ખેલ ધમધોકાર ચાલી રહ્યો છે.
આ ખેલ સામે ભાજપના નેતા અને વકીલ અશ્ર્વિની ઉપાધ્યાયે સુપ્રીમ કોર્ટમાં અરજી કરેલી. ઉપાધ્યાયનો દાવો છે કે, રાજકીય પક્ષો ભલે વચનો પોતાની રીતે આપે પણ અંતે બધો ભાર ક્ધયાની કેડે આવે એ રીતે લોકો પર જ બધો બોજ આવીને પડે છે. પક્ષો તો અતાર્કિક લાગે એવાં વચનો ચૂંટણી જીતવા માટે આપી દે છે ને સત્તામાં આવે તો તેનો અમલ કરવા પ્રજાના પૈસે ભરાતી સરકારી તિજોરીનાં નાણાં પાણીની જેમ વહાવે છે તેમાં રાજ્યો દેવામાં ડૂબતાં જાય છે. ચૂંટણીપંચે આદર્શ આચારસંહિતા બનાવી છે પણ તેની ઐસીતૈસી કરીને નાગરિકોનાં નાણાંનો દુર્વ્યય થાય છે.
ઉપાધ્યાયની બીજી દલીલ એ પણ છે કે, આ રીતે અપાતી ખેરાતોની લાલચના કારણે ચૂંટણી મુક્ત અને ન્યાયી રહેવી જોઈએ એ લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતની જ વાટ લાગી ગઈ છે. તેના કારણે ચૂંટણીની પવિત્રતા પણ જળવાતી નથી તેથી આ ગોરખધંધો બંધ થવો જોઈએ. ઉપાધ્યાયના મતે તો ચૂંટણી જીતવા માટે લોકોને ખેરાતોની જાહેરાતો કરવાનો જે ટ્રેન્ડ અત્યારે જોવા મળી રહ્યો છે તેના કારણે લોકશાહીના સિદ્ધાંતોના અસ્તિત્વ સામે જ ગંભીર ખતરો નથી પણ બંધારણની મૂળભૂત વિભાનાને પણ નુકસાન થાય છે. ઉપાધ્યાયે વિનંતી કરી છે કે, લોકશાહીના સિદ્ધાંતો અને પરંપરાઓના જતન માટે આ અનૈતિક પ્રથા બંધ કરવી જોઈએ. મતદારોને લાંચ આપવાનો આ ગોરખધંધો બંધ કરવો જોઈએ.
સુપ્રીમ કોર્ટે આ અરજી સ્વીકારીને કેન્દ્ર સરકાર અને ચૂંટણીપંચને નોટિસ ફટકારી છે. આ મુદ્દો જાહેર હિતનો છે તેથી સુપ્રીમ નોટિસ ફટકારે તેમાં નવાઈ નથી પણ સુપ્રીમે જે ટિપ્પણીઓ કરી છે એ મહત્ત્વનું છે. સુપ્રીમે આ મુદ્દાને એકદમ ગંભીર ગણાવીને કહ્યું છે કે, મફતમાં કરાતી ખેરાતોનું બજેટ સામાન્ય બજેટ કરતાં પણ વધી જાય છે એ જોતાં આ મુદ્દે ચિંતા કરવી જરૂરી છે. ચીફ જસ્ટિસ એન.વી. રામનાના વડપણ હેઠળની બેંચે આડકતરી રીતે ચૂંટણીપંચની પણ ધોલાઈ કરી છે. ચીફ જસ્ટિસે કહ્યું કે, બીજા એક મુદ્દે સુપ્રીમ કોર્ટે ચૂંટણીપંચને આ ખેરાતો અંગે ગાઈડલાઈન બનાવવા કહેલું પણ પંચે અત્યાર સુધીમાં એક બેઠક કરી છે. આ બેઠકનું શું પરિણામ આવ્યું એ પણ અમને તો ખબર નથી. સુપ્રીમ કોર્ટે આ પ્રથાને કારણે ચૂંટણીમાં સમાન તકના સિદ્ધાંતનો પણ ભંગ થાય છે એવું પહેલાં કહેલું ને ફરી આ વાત પણ દોહરાવી છે.
ઉપાધ્યાયે ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવ, અરવિંદ કેજરીવાલ વગેરે મફત વીજળી સહિતનાં વચનો આપે છે તેના સંદર્ભમાં આ અરજી કરી છે પણ આ ગોરખધંધો બધા પક્ષ કરે જ છે. ખેડૂતોનાં દેવાં માફ કરવાથી માંડીને અનામતની જોગવાઈ સુધીની લહાણીઓ થાય છે. સામાન્ય માન્યતા એવી છે કે, પ્રાદેશિક પક્ષો આવાં વચનો આપે છે પણ કૉંગ્રેસ અને ભાજપ જેવા રાષ્ટ્રીય પક્ષો પણ પાછળ નથી. લોકસભાની ૨૦૧૯ની ચૂંટણીમાં કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ વલસાડથી જનાક્રોશ રેલીથી કૉંગ્રેસના ચૂંટણી પ્રચારનાં શ્રીગણેશ કર્યા ત્યારે વચન આપી દીધું હતું કે, લોકસભાની ૨૦૧૯ની ચૂંટણી કૉંગ્રેસ જીતી જાય તો દેશના તમામ ગરીબોને ‘મિનિમમ ઈન્કમ’ આપશે.
રાહુલે તો ખેડૂતોનાં દેવાં માફ કરવાની પણ જાહેરાત કરી હતી ને તેના પગલે મોદી સરકારે પણ ગરીબ ખેડૂતોને વર્ષે છ હજાર રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરવી પડી હતી. કૉંગ્રેસે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વખતે પણ ખેડૂતોની લોન માફ કરવાની જાહેરાત કરી નાખેલી. એ પછી ૨૦૧૮માં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કૉંગ્રેસે ખેડૂતોનાં દેવા માફ કરેલાં. કૉંગ્રેસે ત્રણ રાજ્યોમાં વિજય મેળવ્યા પછી ચૂંટણી પ્રચારમાં આપેલા વચન મુજબ ત્રણેય રાજ્યોમાં સત્તામાં આવશે તો ખેડૂતોનાં દેવા માફ કરવાની જાહેરાત કરી તેથી મોદી સરકારે પણ પાછળ ઢસડાવું પડ્યું છે. ભાજપે ગુજરાતમાં ૬૨૦ કરોડના વીજ બિલ માફ કરવાં પડ્યાં તો આસામમાં રૂપિયા ૬૦૦ કરોડનાં ખેડૂતોના દેવા માફ કરવા પડ્યાં.
કર્ણાટક વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપે બી.પી.એલ. પરિવારો માટે સ્માર્ટફોન અને કૉલેજના વિદ્યાર્થીઓને લેપટોપનું વચન આપેલું. ૨૦ લાખ નાના ખેડૂતોને વરસે ઓછામાં ઓછા રૂપિયા ૧૦ હજાર દર વરસે આપવાનું વચન પણ આપેલું. ભાગ્યલક્ષ્મી યોજના હેઠળ દરેક મહિલાને બે લાખ આપવામાં આવશે એવી જાહેરાત કરેલી. સામે કૉંગ્રેસે દરેક પરિવારને ત્રણ ગ્રામની સોનાની થાળીનું વચન આપેલું. મહિલાઓને મફતમાં મંગળસૂત્ર, સ્માર્ટફોન, સસ્તા વ્યાજદરે લોન આપવાનું વચન પણ આપેલું. પ્રાદેશિક પક્ષો દ્વારા અપાતાં વચનોની વાત કરવા બેસીશું તો પાર જ નહીં આવે પણ ટૂંકમાં વાત એટલી જ છે કે, કોઈ પાછળ નથી.
આ કેસમાં હવે શું થશે એ ખબર નથી પણ આ મુદ્દો લાંબા સમયથી ચર્ચાય છે ને ચોવટ પણ ચાલ્યા કરે છે. આ પ્રકારની જાહેરાતો લોકશાહીના હિતમાં છે કે નહીં એ મુદ્દે દલીલો પણ થયા કરે છે ને આ અંગે તીવ્ર મતભેદો પણ છે. એક મોટો વર્ગ માને છે કે, રાજકીય પક્ષો આ રીતે વચનો આપે તેમાં કશું ખોટું નથી. સરકારી તિજોરીમાં જે પૈસો હોય છે તે લોકોના કલ્યાણ માટે વાપરવાનો હોય છે. રાજકારણીઓ આ વચનો દ્વારા લોકોનું કલ્યાણ કરે છે ત્યારે તેમાં કશું ખોટું નથી. બીજો વર્ગ એવું માને છે કે, આ બધું મતદારોને ભોળવવાના કારસા છે તેથી તેના પર પ્રતિબંધ જરૂરી છે. મતદારોને લાલચ આપીને પોતાની તરફ વાળવા એ લોકશાહીની સિદ્ધાંતોની વિરુદ્ધ છે. લોકો લાલચમાં આવીને સારા-નરસાનો ભેદ ના કરી શકે ને ટૂંકો ફાયદો લેવા માટે મતદાન કરે એ બરાબર નથી જ.
આ બંનેમાંથી કયો અભિપ્રાય સાચો છે તે સુપ્રીમ કોર્ટ નક્કી કરશે પણ એક વાસ્તવિકતાને નજરઅંદાજ ના કરી શકાય. આ રીતે ખેરાતો કરવાથી કે આવાં વચનો આપવાથી દેશના પ્રમાણિક કરદાતાઓમાં કચવાટ વધતો જાય છે. તેનું કારણ એ છે કે, આ ખેરાતો ચોક્કસ વર્ગને ધ્યાનમાં રાખીને કરાય છે જ્યારે મધ્યમ વર્ગને તો કશું મળતું જ નથી. તેના કારણે મધ્યમ વર્ગને એમ જ લાગે છે કે, આ દેશમાં પ્રમાણિકતા કે ઈમાનદારીની કોઈ કિંમત નથી. તમે પ્રમાણિકતાથી કમાઓ, ઈમાનદારીથી કર ભરો તેના બદલામાં તમને આ દેશની સરકારો કશું આપતી નથી. ઊલટાનું કર વધારી વધારીને તમને કઈ રીતે વધારે ને વધારે ચીરવા તેની વેતરણમાં લાગેલી હોય છે. બીજી તરફ જે લોકો કશું કરતા નથી, કર ભરતા નથી તેમને સરકાર લહાણીઓ કર્યા કરે છે.
આ પ્રમાણિક લોકોની લાગણી છે કે, જે લોકો પ્રમાણિકતાથી કર ચૂકવે છે એ લોકો દેશના વિકાસ માટે એ રકમ આપે છે. એ રકમ દેશના વિકાસમાં વપરાય, દેશમાં વધારે સારી સવલતો માટે વપરાય, દેશનાં લોકોનું જીવન વધારે બહેતર બને એ માટે વપરાય તેવું માનીને કરવેરો આપતા હોય છે. તેની સામે આપણા સત્તાધીશો એ રકમનો ઉપયોગ પોતાની મતબેંકના ફાયદા માટે કરે છે. આ કારણે પ્રમાણિક લોકોમાં પણ અસંતોષ ઊભો થતો જાય છે. આ પ્રકારનો અસંતોષ લાંબા ગાળે સમાજમાં વિખવાદ પેદા કરશે ને વર્ગવિગ્રહ જેવી સ્થિતી સર્જાશે એવો ખતરો ખરો.
કમનસીબી એ છે કે, રાજકારણીઓને આ બધી વાતોની કોઈ પરવા નથી. રાજકારણીઓને મતબેંકના ફાયદા સિવાય બીજા કશામાં રસ જ નથી તેથી તેમને કશો ફરક નથી પડતો. એ લોકો મતબેંકની લાલચમાં આ ગોરખધંધો કર્યા જ કરે છે ને લોકશાહીના સિદ્ધાંતોની મજાક બનાવ્યા કરે છે. આ સમસ્યાનો ઉકેલ સુપ્રીમ કોર્ટ લાવી શકશે કે નહીં એ ખબર નથી પણ મતદારો જાગૃત થાય અને કોઈ પણ લાલચમાં ના ફસાય તો ચોક્કસ આવી શકે. બધાં વચનો પાળી ના શકાય એવાં નથી હોતાં. જે વચન પાળી શકાય હોય તેમના કિસ્સામાં રાજકારણીઓ પાસે ભૂતકાળમાં આપેલાં વચનોનો હિસાબ માગવામાં આવે ને તેના આધારે જ તેમનું મૂલ્યાંકન કરાય તો રાજકારણીઓ ખોટાં વચનો આપતાં પહેલાં સો વાર વિચારશે. જે વચન લોકોને ઉલ્લુ બનાવવા અપાયાં હોય એવું લાગે એ વચન આપનારા રાજકારણીઓને કચરાટોપલીમાં ફેંકી દેવાના. રાજકારણીઓ પોતાની મેળે બદલાવાના નથી, મતદારોએ તેમને બદલવાની ફરજ પાડવી પડે.