નવી મુંબઈની દરિયાઇ સુરક્ષા ‘રામ ભરોસે’: પેટ્રોલિંગ માટેની સાતેય બોટ ખોટકાયેલી

નવી મુંબઈ: નવી મુંબઈમાં ૧૪૪ કિ.મી. જેટલો દરિયાકિનારો છે, પણ તેની સુરક્ષા છેલ્લા અનેક મહિનાથી ‘રામ ભરોસે’ છે, કારણ કે પોલીસને પેટ્રોલિંગ કરવા માટે આપવામાં આવેલી સાત બોટ ખોટકાયેલી હોવાથી દરિયામાં પેટ્રોલિંગ કેવી રીતે કરવું, એવો પ્રશ્ર્ન પોલીસ કર્મચારીઓમાં નિર્માણ થયો છે. મુંબઈમાં ૨૬/૧૧ના આતંકવાદી હુમલામાં દોઢસોથી વધુ લોકોનાં મોત થયાં હતાં. આતંકવાદી સંગઠન લશ્કરે તૈયબાના ૧૦ સભ્ય દરિયાઇ માર્ગે મુંબઈ આવ્યા હતા. ત્યાર બાદ ૨૦૧૬માં ઉરણ ખાતે આતંકવાદીઓ ઘૂસ્યા હોવાની માહિતી બાદ મિલિટરી ફોર્સને તહેનાત કરાઇ હતી. દરિયા કિનારાની હદમાં ઓએનજીસી, જેએનપીટી, ઘારાપુરી બેલ્ટ, બીએઆરસી જેવા સંવેદનશીલ પ્રોજેક્ટો હોવા છતાં સુરક્ષા પ્રત્યે લાપરવાહી થઇ રહી હોવાથી આશ્ર્ચર્ય વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ ખાડીને લાગીને આવેલા ભાગમાં ગેરકાયદે રેતી ઉલેચવાનું કામ, ડીઝલની તસ્કરી મોટા પ્રમાણમાં થાય છે. જોકે પેટ્રોલિંગ માટે પોલીસ પાસે બોટ નથી. ગુનાને રોકવા માટે પ્રશાસને પોલીસને યોગ્ય સામગ્રી પૂરી પાડવી જોઈએ.