પાંખાં કામકાજે આયાતી તેલમાં સાંકડી વધઘટ
મુંબઈ: મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે આજે ક્રૂડ પામતેલના વાયદામાં ૭૮ રિંગિટનો ઉછાળો આવ્યો હોવા છતાં સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં એકંદરે કામકાજો પાંખાં રહ્યા હોવાથી દેશી-આયાતી તેલના ભાવમાં સાંકડી વધઘટે ટકેલું વલણ રહ્યું હોવાનું બજારનાં સાધનોએ જણાવ્યું હતું. આજે સ્થાનિકમાં ડાયરેક્ટ ડિલિવરી શરતે આરબીડી પામોલિનના ૧૦ કિલોદીઠ ભાવમાં રૂચીના રૂ. ૧૧૬૫ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ગોલ્ડન એગ્રીના જેએનપીટી બંદરથી ૩૦ જાન્યુઆરી સુધી ડિલિવરી શરતે રૂ. ૧૧૬૫ અને તા. ૧થી ૧૫ ફેબ્રુઆરી સુધી ડિલિવરી શરતે રૂ. ૧૧૬૦ તથા મેંગ્લોરથી ડિલિવરી શરતે રૂ. ૧૧૬૫ ક્વૉટ થઈ રહ્યા હતા, પરંતુ વેપારનો અભાવ હતો. જોકે, આજે માત્ર સેલરિસેલ ધોરણે અંદાજે ૧૦૦થી ૧૫૦ ટન આરબીડી પામોલિનના વેપાર ૧૦ કિલોદીઠ રૂ. ૧૧૬૦થી ૧૧૬૨ આસપાસના મથાળે થયા હતા તેમ જ હાજરમાં પણ વેપાર નિરસ રહ્યા હતા. આજે હાજરમાં વિવિધ દેશી-આયાતી ખાદ્યતેલના ૧૦ કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. ૧૧૬૦થી ૧૧૬૨, ક્રૂડ પામતેલના રૂ. ૧૧૨૦, સોયા રિફાઈન્ડના રૂ. ૧૨૦૫, સોયા ડિગમના રૂ. ૧૧૪૦, સન રિફાઈન્ડના રૂ. ૧૨૩૦, સન ક્રૂડના રૂ. ૧૧૭૫, સિંગતેલના રૂ. ૧૩૪૦, કપાસિયા રિફાઈન્ડના રૂ. ૧૨૩૦ અને સરસવના રૂ. ૧૬૩૦ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે ગુજરાતનાં મથકો પર સિંગતેલમાં તેલિયા ટીનના વેપાર ૧૫ કિલોદીઠ રૂ. ૨૦૮૦થી ૨૦૯૦માં, લૂઝમાં ૧૦ કિલોદીઠ રૂ. ૧૩૦૦માં અને વૉશ્ડ કૉટનના ૧૦ કિલોદીઠ રૂ. ૧૧૮૦થી ૧૧૮૫માં થયા હતા. દરમિયાન આજે મધ્ય પ્રદેશનાં સોયાસીડનાં મથકો પર અંદાજે ૧.૧૦ લાખ ગૂણી સોયાસીડની આવક સામે મંડીમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૬૦૦૦થી ૬૩૦૦માં અને પ્લાન્ટ ડિલિવરી શરતે રૂ. ૬૩૦૦થી ૬૪૦૦માં થયા હતા, જ્યારે ઈન્દોર ખાતે હાજરમાં સોયા રિફાઈન્ડના વેપાર ૧૦ કિલોદીઠ રૂ. ૧૧૮૫થી ૧૧૯૦ આસપાસના મથાળે થયાના અહેવાલ હતા.