મૌર્યે હજુ બીજા કેસો માટે તૈયાર રહેવું પડશે

એકસ્ટ્રા અફેર - રાજીવ પંડિત
ઉત્તર પ્રદેશમાં ચૂંટણી જાહેર થતાં જ રાજકીય ગરમીનો માહોલ છે. જીતી શકે ને જીતાડી શકે એવા નેતાઓને તોડવાનો ખેલ શરૂ થઈ ગયો છે ને પોતાને ટિકિટ નહીં મળે એ બીકે વંડી ઠેકીને બીજા પક્ષમાં કૂદનારા પણ સક્રિય થઈ ગયા છે. આ વંડી ઠેકનારાંમાં સૌથી વધારે ચર્ચા સ્વામીપ્રસાદ મૌર્યે જગાવી છે. મંગળવારે યોગી આદિત્યનાથ સરકારના મંત્રી સ્વામીપ્રસાદ મૌર્ય ભાજપને ઝાઝા જુહાર કરીને અખિલેશની પંગતમાં બેસી ગયા તેની ચર્ચા હજુ પણ ચાલુ છે. મૌર્યની સાથે ભાજપના બીજા ત્રણ ધારાસભ્યોએ પણ ભાજપમાંથી રાજીનામાં ધરી દીધાં ને એ બધા પણ સાગમટે સમાજવાદી પાર્ટીમાં ભળી ગયા છે પણ તેમની કોઈ વાત કરતું નથી.
ભાજપે સ્વામીપ્રસાદ મૌર્યના રાજીનામા સામે વળતો ઘા કરવા મુલાયમસિંહ યાદવના વેવાઈ અને ધારાસભ્ય હરિઓમ યાદવને ખેંચી લાવી પણ તેમાં કોઈને રસ નથી પડ્યો. બુધવારે યોગી આદિત્યનાથ સરકારના બીજા એક મંત્રી દારાસિંહ ચૌહાણે રાજીનામું ધરી દીધું, બે દિવસમાં કોઈ સરકારમાંથી બે મંત્રી રાજીનામું ધરી દે એ મોટી વાત કહેવાય પણ તેની પણ ચર્ચા નથી. ચર્ચા સ્વામીપ્રસાદ મૌર્યની જ છે ને મૌર્યના જવાથી ભાજપને શું નુકસાન થશે, સમાજવાદી પાર્ટીને શું ફાયદો થશે તેની છે. ઓબીસી મતદારોના એક વર્ગ પર તેમનો પ્રભાવ છે. તેમના પોતાના મતવિસ્તારમાં તો તેમનો દબદબો છે જ પણ સ્વામીપ્રસાદ મૌર્યે હિંદુ ધર્મ છોડીને બૌધ્ધ ધર્મ અપનાવ્યો છે તેથી દલિત મતદારો પર પણ તેમનો પ્રભાવ છે. આ કારણે મૌર્યે ભાજપ છોડતાં કોને ફાયદો કોને નુકસાન તેની ચર્ચા થવી સ્વાભાવિક છે.
સ્વામીપ્રસાદ મૌર્ય સામે બુધવારે ૨૦૧૪ના એક કેસમાં બિનજામીનપાત્ર વોરંટ નિકળતાં મૌર્ય વધારે લાઈમલાઈટમાં આવ્યા છે. સ્વામીપ્રસાદ મૌર્ય એ વખતે માયાવતીની બહુજન સમાજ પાર્ટીમાં હતા. એક કાર્યક્રમમાં તેમણે કહેલું કે, ભગવાન ગણેશ કે ગૌરી માતાની લગ્ન સમયે પૂજા ના કરવી જોઈએ. દલિતો અને પછાત વર્ગનાં લોકોને ગેરમાર્ગે દોરવા માટે સવર્ણોએ બનાવેલાં કાવતરાં છે ને દલિતો તથા પછાત લોકોએ આ વાતોમાં ના આવવું જોઈએ. સ્વામીપ્રસાદ મૌર્યે બીજી ઘણ વાતો કરેલી ને એ બધી વાતો લખી શકાય એવી નથી. સવર્ણો સામે તેમણે બરાબર ઝેર ઓકેલું. યુપીમાં એ વખતે અખિલેશ યાદવ મુખ્યમંત્રી હતા ને સ્વામીપ્રસાદ મૌર્ય બસપામાં હતા તેથી સ્વામીપ્રસાદ મૌર્ય સામે ધાર્મિક લાગમી દુભાવીને ઉશ્કેરણીજનક પ્રવચન આપવાનો કેસ કરી દેવાયેલો. આ કેસમાં સ્વામીપ્રસાદ મૌર્યની ધરપકડનું વોરંટ નીકળેલું પણ ૨૦૧૬માં અલાહાબાદ હાઈ કોર્ટે સ્ટે આપતાં તેમને જામીન પણ મળી ગયેલા.
સ્વામીપ્રસાદ મૌર્ય ભાજપ છોડવાના છે એવી વાતો લાંબા સમયથી ચાલતી હતી તેથી આ વરસની શરૂઆતથી સળવળાટ શરૂ થઈ ગયેલો. સુલતાનપુર કોર્ટે આ કેસમાં ૬ જાન્યુઆરીએ હાજર થવા માટે ફરમાન કરેલું પણ મૌર્ય મંત્રી હતા તેથી હાજર ના થયા. એ વખતે કોઈ ઉહાપોહ નહોતો થયો પણ હવે ભાજપને રામ રામ કર્યા એ સાથે જ તેમની સામે બિનજામીનપાત્ર વોરંટ નીકળી ગયું.
આ મામલો કોર્ટનો છે તેથી તેના વિશે કોઈ ટીકાટિપ્પણી કરવી નથી પણ સવાલ છે એ છે કે, છેલ્લા સાત વર્ષથી આ કેસ કોરાણે મૂકાઈ ગયેલો? મૌર્ય યુપીમાં જ હાજર હતા ને પાંચ વર્ષથી તો યોગી આદિત્યનાથ સરકારમાં મંત્રી હતા. એ વખતે કેમ તેમની સામે કોઈ કાર્યવાહી ના કરાઈ કે કેમ વોરંટ ના નીકળ્યું? ને સ્વામીપ્રસાદ મૌર્ય ભાજપ છોડીને ના ગયા હોત તો અત્યારે પણ તેમની સામે બિનજામીનપાત્ર વોરંટ નીકળ્યું હોત ખરું? આ સવાલોના જવાબ કદાચ બધાં જાણે છે. સ્વામીપ્રસાદ મૌર્યે જે કંઈ કહેલું એ જોતા તેમને જેલભેગા કરવા જેવા જ હતા પણ એ યોગી સરકારમાં મંત્રી હતા તેથી તેમના બધાં પાપ માફ હતાં. એ હિંદુ દેવ-દેવીઓની ટીકા કરે એ પણ માફ હતું ને હિંદુવાદીઓને પણ તેની સામે વાંધો નહોતો. સાવ સામાન્ય વાતમાં જેમની લાગણી દુભાય છે એવા લોકોને મૌર્યની વાત અકારી નહોતી લાગી. હવે મૌર્ય ભાજપમાં નથી ત્યારે બધું બદલાઈ ગયું છે.
સ્વામીપ્રસાદ મૌર્યે અખિલેશનો હાથ ઝાલ્યો છે તો હવે તેમણે મોહમ્મઅલી ઝીણાને વખાણવા બદલ થનારા કેસ માટે પણ તૈયાર રહેવું પડશે ને સોશિયલ મીડિયા પર ગાળો ખાવા પણ તૈયાર રહેવું પડશે. સ્વામીપ્રસાદ મૌર્ય ભાજપ છોડીને સોશિયલ મીડિયા પર ગાળો ખાવા માટે ને વોટ્સએપ યુનિવર્સિટીના સિલેબસમાં દેશદ્રોહી કહેવડાવવા માટે લાયક બની ગયા છે. એક- બે દિવસમાં જ સ્વામીપ્રસાદ મૌર્ય સામે સોશિયલ મીડિયા પર ખટલો શરૂ થાય ને દેશદ્રોહી ગણાવીને ભાંડવાનો કાર્યક્રમ શરૂ થઈ જાય તો નવાઈ નહીં લાગે.
સ્વામીપ્રસાદ મૌર્ય મોહમ્મદઅલી ઝીણા પર ઓળઘોળ થઈ ગયેલા એ ઘટના ૨૦૧૮ની છે. ઉત્તર પ્રદેશમાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં મોહમ્મદઅલી ઝીણાના ચિત્રને મામલે હોળી સળગેલી. ઝીણાનું આ ચિત્ર યુનિવર્સિટીમાં દાયકાઓથી લાગેલું હતું પણ કોઈનું એ તરફ ધ્યાન જ નહોતું ગયું. અચાનક ૨૦૧૮ના મે મહિનામાં કોઈને ખબર પડી કે, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ યુનિયનની ઓફિસમાં તો પાકિસ્તાનના સ્થાપક ઝીણાનું ચિત્ર લગાવેલું છે.
આ વાત તેમણે ભાજપના સાંસદ સતિષ ગૌતમને પહોંચાડી. સતિષ ગૌતમે આ મામલે યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર તારીક મંસૂરને કાગળ લખીને વાંધો લીધો હતો. અલીગઢ યુનિવર્સિટીએ પહેલાં તો વાહિયાત કારણ રજૂ કરીને બચાવ કર્યો કે, ઝીણાએ યુનિવર્સિટી કોર્ટની સ્થાપના કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવેલી એટલે તેમનું ચિત્ર લગાવવામાં ખોટું નથી. યુનિવર્સિટીએ આ ચિત્ર ઉતારવાની પણ ઘસીને ના પાડી દીધી. ગૌતમે આ વાતને મીડિયા લગી પહોંચાડેલી તેથી કહેવાતા હિન્દુવાદીઓ લગી આ વાત પહોંચી જ ગયેલી. કહેવાતા હિન્દુવાદીઓ તો આવું બધું ખોળતા જ હોય છે.
આ બધું સાંભળીને તેમને શૂરાતનનો સણકો આવી જાય છે. તેમના માટે તો દોડવું તુ ને ઢાળ મળ્યો જેવો ઘાટ થયો. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખા શરૂ કરવાના મામલે યુનિવર્સિટીના સત્તાધીશો સાથે હિંદુવાદીઓને પહેલાં જ ઠેરેલી હતી ને તેમાં આ મુદ્દો મળ્યો તેથી હિંદુવાદીઓને પોતાની ખંજવાળ મટાડવાની તક મળી ગઈ. તેમણે યુનિવર્સિટીને માથે લીધી ને તોડફોડ કરી નાંખી. યુનિવર્સિટીના કારભારીઓ તેનાથી ગભરાયા એટલે ઝીણાનું ચિત્ર ત્યાંથી હટાવી લેવાયેલું.
યુનિવર્સિટીના કારભારીઓને ડહાપણની દાઢ ફૂટી એ સારું થયું પણ તેના કારણે યુનિવર્સિટીમાં ઝીણાના આશિકોને મરચા લાગી ગયાં. તેમણે યુનિવર્સિટીને માથે લીધી ને ધમાધમી કરી નાખેલી. સામે હિન્દુવાદીઓ પણ કૂદી પડ્યા તેથી હિંદુવાદીઓ ને ઝીણાવાદીઓ સામસામે આવી ગયા હતા. યુનિવર્સિટીમાં બરાબર ઘમાસાણ જામ્યું ને અઠવાડિયા લગી ધમાધમી ચાલી હતી. ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર છે તેથી પોલીસને પણ ઝીણાવાદીઓને પાંસરા કરવાનું શૂરાતન ચડી ગયું હતું. પોલીસે ડંડાવાળી કરીને ઘણાંને ઝૂડી નાખેલા. લાંબા સમય લગી છમકલાં ચાલ્યાં હતાં ને માંડ માંડ બધું થાળે પડેલું.
ભાજપના નેતા આ હોળીને ઠારવાના બદલે વણજોઈતા ડબકા મૂકીને વાતને બગાડતા હતા ને તેમાં ભાજપના બે મૌર્ય સામસામે આવી ગયેલા. નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યે ઝીણાને વિલન ગણાવેલા ને દેશના ભાગલા પાડનારા ઝીણાને બરાબરના ભાંડેલા. સામે ભાજપના બીજા પ્રકારના મૌર્ય સ્વામીપ્રસાદ મૌર્યને આ વાત માફક નહોતી આવી. તેમણે ઝીણાને મહાપુરૂષ જાહેર કરી દીધા હતા. મૌર્યે જાહેર કર્યું કે, દેશ આઝાદ નહોતો થયો એ વખતે દેશના રાજકારણમાં ઝીણાએ બહુ મોટું યોગદાન આપેલું તેથી ઝીણા આ દેશનાં લોકો માટે પણ મહાપુરૂષ જ કહેવાય.
સ્વામીપ્રસાદ મૌર્યની વાતથી યોગી આદિત્યનાથ સરકારના બીજા પ્રધાન ઓમપ્રકાશ રાજભરને મરચાં લાગી ગયાં હતાં. તેમણે ઝીણાને તો ગાળો આપી જ પણ સ્વામીપ્રસાદ મૌર્યને પણ ગાળો આપીને જાહેર કર્યું હતું કે, મૌર્યને ઝીણા પર આટલું હેત ઊભરાયું છે તો ઝીણા તેમના સગાં હશે. આ મામલે લાંબી મગજમારી ચાલેલી. ભાજપવાળા ઝીણાને વખાણનારાને અબઘડી દેશદ્રોહીનું લેબલ લગાડી દે છે. સ્વામીપ્રસાદ મૌર્ય એ વખતે ભાજપમાં હતા ને યોગી આદિત્યનાથ સરકારમા મંત્રી હતા તેથી ભાજપવાળા કે હિંદુવાદીઓ કંઈ બોલી શકે તેમ નહોતા. યોગીની સરકાર પણ મૌર્યને કંઈ કરી શકે તેમ નહોતી તેથી ડબલ સ્ટાન્ડર્ડ બતાવીને બે પગ વચ્ચે પૂંછડી દબાવીને બેસી ગયેલા.
હવે સ્વામીપ્રસાદ મૌર્ય ભાજપમાં નથી ને યોગી સરકારમાં મંત્રી પણ નથી. ભાજપ જેમને મુસ્લિમોના પીઠ્ઠુ ગણાવે છે એવા અખિલેશ યાદવના પડખામાં ભરાઈને બેઠા છે તેથી હવે સ્વામીપ્રસાદ મૌર્ય સામે બધો ખાર કાઢવાની તક મળશે. મૌર્ય કેવા દેશદ્રોહી છે તેના કિસ્સા સાંભળવા હવે તૈયાર થઈ જજો. વોટ્સએપ યુનિવર્સિટી પર બહુ જલદી આ મસાલો પિરસાવા માંડશે. આ તો એક કિસ્સો યાદ આવ્યો તેની વાત કરી પણ હવે મૌર્યનાં બીજાં પાપ પણ છાપરે ચડીને પોકારશે.