ભીષ્મ અને કર્ણ પાસે આટલું શીખીએ...

મા ફલેષુ કદાચન-અંકિત દેસાઈ
યુધિષ્ઠિરને સ્વર્ગમાં સ્થાન મળ્યું અને તેને શાતા વળી તેની સાથે કુરુવંશીઓના સદીઓ જૂના રઝળપાટનો પણ અંત આવ્યો. આ તો ઠીક યુધિષ્ઠિર, અર્જુન કે દુર્યોધનના સમયમાં કે તેમની સાથે જે કોઈ પણ જીવ્યું એ સૌ કોઈને કોઈ ને કોઈ રીતે મોક્ષ મળ્યો અને તેઓ પોતપોતાના નિયત સ્થાને ફરી પહોંચ્યા. આ પાત્રોમાં અનેક એવાં પણ હતાં, જેમણે પૃથ્વી પર પાપ આચરવા સિવાય અન્ય કશું જ નહોતું કર્યું, પરંતુ એ પાપી આત્માઓને માટે પણ સજાનો એક સમયગાળો નક્કી થયો હતો, જે સજા પૂર્ણ કરીને તેમણે જન્મ અને મરણના ફેરામાંથી મુક્તિ મેળવી હતી.
યુધિષ્ઠિરથી લઈ ભીષ્મ અને કર્ણથી લઈ દુર્યોધન જેવાં પાત્રોએ આ ધરતી પર દૃષ્ટાંત બેસાડ્યાં છે કે માણસ એ માત્ર કર્મ કે માત્ર નિયતિને આધારે જીવતું પ્રાણી નથી. બલકે તે નિયતિ અને કર્મની વચ્ચે ઝોલા ખાતું, ક્યારેક એ સમયાંતરે એ બંનેથી દોરવાતું અને ક્યારેક એ બંનેની સજાનો ભોગ બનતું પ્રાણી છે.
આ મહાકાવ્યનાં અન્ય પાત્રોની વાત જવા દઈએ અને માત્ર દેવવ્રત ભીષ્મ અને કર્ણની વાત કરીએ તો ખ્યાલ આવે કે આ બંને પાત્રોને નિયતિ અને કર્મ બંનેએ એકસરખી રીતે દોરવ્યાં છે. તે બંને પાત્રો વ્યક્તિગત રીતે અત્યંત મહાન અને પ્રચંડ પ્રતિભાશાળી છે. વળી તેમણે આજીવન સત્કર્મ કરવાનો આગ્રહ રાખ્યો. આ તો ઠીક તેઓ બંને મહાન માતા-પિતાનાં સંતાનો! ભીષ્મ ગંગાનો પુત્ર, તો કર્ણ સૂર્યનો! અને તો પણ આ બંને પાત્રો આ મહાકાવ્યનાં એવાં પાત્રો છે, જેઓ તેમનાં કર્મો ઉપરાંત નિયતિનો ભોગ બન્યાં છે.
કર્ણએ તો તેના જીવનમાં દુર્યોધનને સાથ આપ્યો એટલું જ. તો ભીષ્મે અંબા-અંબાલિકાના અપહરણ ઉપરાંત કોઈ પાપ આચર્યું હોય એવા પુરાવા લગભગ નહીં મળે. એની સામે આ બંને પાત્રોએ જીવનભર ઉદ્યોગ કર્યો, અથાક પરિશ્રમ કર્યો અને પોતાને પક્ષે હંમેશાં નૈતિકતા રાખી. પણ અંતમાં થયું શું? બંને સાથે કપટ થયું. ભીષ્મની સામે શિખંડીને ઊભો કરી દેવાયો અને પાછળથી અર્જુને બાણ છોડ્યાં તો કર્ણના હાથમાં પણ જ્યારે હથિયાર નહોતું ત્યારે તેના પર હુમલો થયો. આખરે થયું શું? બંને પાસે પ્રચંડ પ્રતિભા હોવા ઉપરાંત તેમણે તેમની નિયતિની સામે તેમનાં હથિયાર હેઠાં મૂકવાં પડ્યાં અને તેમણે હારવું પડ્યું.
અહીં એમ જરાય નથી કહેવું કે અર્જુન કે કૃષ્ણ છળ આચરવામાં માહેર હતા. એ તો જો અર્જુન અને માધવે ન કર્યું હોત તો કોઈક બીજાના હાથે ભીષ્મ અને કર્ણની સાથે છળ થાત, પરંતુ મુદ્દો એ છે કે પૃથ્વીલોક પર અવતરતો કોઈ પણ માણસ માત્ર કર્મને આધારે કે માત્ર નિયતિને આધારે સફળ કે નિષ્ફળ થતો નથી. તેનું કર્મ અને તેની નિયતિ તેની સાથે એકસરખી રીતે ચાલે છે અને એ બંનેનો પ્રભાવ તેના જીવન પર સમયાંતરે પડતો રહે છે. એમાં કર્ણ અને ભીષ્મ પણ બાકાત નથી રહ્યા તો સામાન્ય માણસ એ બાબતથી કઈ રીતે બાકાત રહે?
પરંતુ સામાન્ય માણસ આ સિદ્ધાંતને હંમેશાં ભૂલી જાય છે અને એટલે જ ક્યાં તો તે તેની નિયતિ (નસીબ)ને દોષ દઈને બેઠો રહે છે અને ‘મારા નસીબમાં જ નથી’ એમ માની પ્રયત્નો પર પૂર્ણવિરામ મૂકી દે છે. તો ક્યારેક અથાક પ્રયત્નો કર્યા પછી કશુંક ન મળે કે તેને ભાગે હાર આવે ત્યારે નાસીપાસ થઈને કશુંક ન કરવાનું કરે છે, પરંતુ એવા સમયે ભીષ્મ અને કર્ણનું સ્મરણ શું કામ ન થાય? કે જેમણે આજીવન અથાક પ્રયત્નો કર્યા અને પોતેય પ્રચંડ પ્રતિભાવાન હોવા છતાં તેમણે ખેલદિલીપૂર્વક તેમના અંતને સ્વીકાર્યો છે.
ભીષ્મ અને કર્ણ પાસે આ જ બાબત શીખવાની હતી કે અંતે જે મળે એ હાર કે જીત નથી હોતી. હા, અંત સારો અથવા ખરાબ હોઈ શકે, પરંતુ ખરાબ અંતને હાર તરીકે સ્વીકારી ન શકાય. જો એવું હોત તો ભીષ્મ અને કર્ણ બંનેને મહાભારતકારે પરાસ્ત થયેલા કે નિષ્ફળ તરીકે વર્ણવ્યા હોત, પરંતુ એવું નથી થયું. મહાભારતકારે તો તેમને મહાન દર્શાવ્યા જ છે, પરંતુ આજેય તેમને કોઈ નિષ્ફળ કે પરાસ્ત થયેલાં પાત્રો તરીકે નથી ઓળખતું.
તો પછી આપણે આપણા પ્રયત્નો પછી જો આપણને કશુંક ન મળે તો એને મન પર હાવિ શું કામ થવા દેવું? ભીષ્મ અને કર્ણ પાસે એટલી ખેલદિલી ન શીખી શકીએ? ‘મા ફલેષુ કદાચન’ની ફલશ્રુતિ જ એમાં છે.
આભાર. (સમાપ્ત)
Comments

Hitesh Laxmidas Shah
January 20, 2022
umda, ati uttam