કેરળના પાદરી નિર્દોષ, મહિલાપંચ કેમ આઘાતમાં?

એકસ્ટ્રા અફેર - રાજીવ પંડિત
કેરળમાં અઢી વર્ષ પહેલાં બે સેક્સ કૌભાંડ બહુ ગાજ્યાં હતાં ને આ બંને સેક્સ કૌભાંડમાં ખ્રિસ્તી પાદરીઓ સંડોવાયેલા હતા. આ પૈકી એક કેસ રોમન કેથોલિક સંપ્રદાયના પાદરી બિશપ ફ્રાન્કો મુલાક્કલન લગતો હતો. ફ્રાન્કો મુલાક્કલ સામે એક એક સાધ્વીએ જ બળાત્કારનો આક્ષેપ કરેલો. શુક્રવારે આ કેસમાં ચુકાદો આવ્યો ને કેરળના કોટ્ટયમની એડિશનલ સેશન્સ કોર્ટે ફ્રાન્કો મુલક્કલને બાઈજજત બરી કરી દીધા. કોર્ટનું કહેવું છે કે, પોલીસ આરોપી પાદરી સામે મજબૂત પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ ગઈ છે તેથી પાદરીને છોડી મૂકવા સિવાય છૂટકો નથી.
આપણે ત્યાં સામાન્ય રીતે કોર્ટના ચુકાદા સામે પોલીસ કે સરકારી સંસ્થાઓ આકરી પ્રતિક્રિયા આપતી નથી પણ આ ચુકાદા સામે પોલીસ અને રાષ્ટ્રીય મહિલાપંચ બંનેએ આઘાત વ્યક્ત કર્યો છે. પોલીસનું કહેવું છે કે, આ ચુકાદો આઘાતજનક છે કેમ કે ફ્રાન્કો સામે મજબૂત સાંયોગિક પુરાવા હતા. ફ્રાન્કો સામે એકદમ સામાન્ય કહેવાય એવા લોકોએ તો જુબાની આપેલી જ પણ રોમન કેથોલિક સંપ્રદાયના ધર્મગુરૂઓએ પણ જુબાની આપી હતી. તેમાં કેરળના મેજર આર્કબિશપ પણ આવી ગયા. ફ્રાન્કો સામે કુલ ૩૯ સાક્ષીઓએ જુબાની આપેલી ને ફ્રાન્કોના બચાવમાં છ સાક્ષી હતા પણ કોર્ટને છ સાક્ષી પર વધારે ભરોસો બેઠો છે. રાષ્ટ્રીય મહિલાપંચનાં ચેરપર્સન રેખા શર્માએ પણ આ ચુકાદાને કારણે પોતાને આઘાત લાગ્યો હોવાની લાગણી વ્યક્ત કરી છે. રેખા શર્માએ પીડિત મહિલાને આ ચુકાદા સામે હાઈ કોર્ટમાં જવા વિનંતી કરી છે ને ખાતરી આપી છે કે, રાષ્ટ્રીય મહિલાપંચમાં આ લડાઈમાં પીડિત મહિલા સાથે છે.
ફ્રાન્કો સામે બળાત્કારનો આરોપ મૂકનારી મહિલા હાઈ કોર્ટમાં જશે કે નહીં એ ખબર નથી પણ પોલીસ અને મહિલાપંચ બંને કોર્ટના ચુકાદા સામે આઘાત વ્યક્ત કરી રહ્યાં છે એ મોટી વાત છે. બંનેને કેમ આઘાત લાગ્યો છે એ સમજવા આ કેસ સમજવો જરૂરી છે, આ કેસમાં મહિલા પંચનાં રેખા શર્માએ શું ભૂમિકા ભજવી હતી એ સમજવું જરૂરી છે.
ફ્રાન્કો સામે ફરિયાદ કરનારાં મહિલા ખ્રિસ્તી ધર્મનાં નન એટલે કે સાધ્વી છે. આ સાધ્વીએ બિશપ ફ્રાન્કો સામે હવસનો શિકાર બનાવીને બળાત્કાર ગુજારવાનો આરોપ મૂક્યો હતો. મૂળ પંજાબની આ યુવતી ૨૦૧૪માં કેરળનાં કોટ્ટાયનના એક ચર્ચમાં આવેલી ને એ વખતે બિશપે તેને પહેલી વાર પોતાની હવસનો શિકાર બનાવી. કોટ્ટાયમના મિશન હાઉસમાં બિશપે પહેલી વાર સાધ્વી સાથે બળજબરી કરીને શરીર સંબંધ બાંધ્યા હતા. પછી તો એ સિલસિલો શરૂ થઈ ગયો ને ફ્રાન્કો જ્યારે પણ કોટ્ટયમના મિશન હાઉસમાં આવે ત્યારે સાધ્વી સાથે બળજબરી કરીને બળાત્કાર કરતા હતા. એ પછીનાં બે વર્ષમાં મુલક્કલે સાધ્વીને તેની ઈચ્છા વિરુદ્ધ ૧૩ વાર ભોગવીને બળાત્કાર ગુજાર્યો હતો. સાધ્વી પર બળાત્કાર કરનારા ફ્રાન્કો મુલક્કલ પછી પંજાબના જલંધરમાં આર્ક બિશપ બન્યા તો પણ યુવતીને પોતાની સાથે સંબંધ રાખવા દબાણ કર્યા કરતા હતા.
આ બધું અસહ્ય થયું પછી સાધ્વીએ તાબે થવાની ના પાડી એટલે મુલક્કલે તેને ખતમ કરવાની ધમકી આપી. યુવતીએ ફ્રાન્કોનાં કરતૂત સામે તેમની ઉપરના ધર્મગુરૂઓને ફરિયાદ કરી પણ તેમણે કશું ના કર્યું. આ વાત ધર્મગુરૂઓએ પોતાની જુબાનીમાં કબૂલી છે. સાધ્વીએ તેમને લેખિતમાં ફરિયાદ આપી હોવાની કબૂલાત છે જ.
ફ્રાન્કોને આ વાતની ખબર પડતાં તેણે ચોર કોટવાલ કો ડાંટે એમ સાધ્વી તથા તેના પરિવાર સામે બ્લેકમેઈલિંગની ફરિયાદ નોંધાવી દીધી. પોલીસ ફ્રાન્કોની ફરિયાદના આધારે સાધ્વીના ઘરે નિવેદન લેવા ગઈ ત્યારે ફ્રાન્કોનાં કરતૂતની ખબર પડી. સાધ્વીએ ફ્રાન્કો સામે વળતી પોલીસમાં ફરિયાદ કરી ને તેના કારણે પાદરીનું પાપ છાપરે ચડીને પોકાર્યું. પાદરીએ સાધ્વી વળતી ફરિયાદ કરશે એવી આશા નહોતી રાખી તેથી બઘવાઈ ગયા. તેમણે સાધ્વીના પરિવારને પોતે ફરિયાદ પાછી ખેંચવા તૈયાર હોવાની ઓફર કરી ને બદલામાં સાધ્વી ફરિયાદ પાછી ખેંચી લે તેવું કહ્યું હતું સાધ્વી કે તેમનો પરિવાર ના માનતાં તેમના પર દબાણ લાવીને કેસનો વીંટો કરાવી દેવાનાં ઉધામા શરૂ કર્યા. તેના કારણે મહિલાએ રાષ્ટ્રીયપંચમાં ફરિયાદ કરતાં મામલો પંચ પાસે પહોંચ્યો ને રેખા શર્મા મેદાનમાં આવ્યાં.
યોગાનુયોગ એ વખતે કેરળના બીજા ચાર પાદરીનાં કુકર્મોનો કેસ પણ ગાજતો હતો. આ બીજો કેસ ૩૪ વર્ષની એક શિક્ષિકાનો હતો. આ શિક્ષિકાને માલનકરા ઓર્થોડોક્સ સિરિયલ ચર્ચના ચાર પાદરીઓએ વરસો લગી પોતાની હવસનો શિકાર બનાવી હતી અને તેનું શારીરિક શોષણ કર્યું હતું. આ પાદરીઓ ઈચ્છા થાય ત્યારે તેને પોતાની હવસ સંતોષવા બોલાવતા અને તેને ભોગવતા હતા. મહિલા લાંબા સમય લગી આ અત્યાચાર સહેતી રહી પણ પછી ના સહેવાય એવી સ્થિતિ થઈ ત્યારે તેણે પોતાના પતિને આ વાત કહી.
આઘાતજનક વાત એ હતી કે, શિક્ષિકાએ પાદરીઓ પર ભરોસો મૂકીને ક્ધફેશન કર્યું તેના આધારે પાદરીઓએ તેને બ્લેકમેઈલ કરી હતી. શિક્ષિકાને લગ્ન પહેલાં કોઈ યુવક સાથે પ્રેમ સંબધ હતો ને તેની સાથે શારીરિક સંબંધો પણ હતા. કેરળમાં ઘણાં ચર્ચ એવાં છે કે જે બેપ્ટાઈઝ કરતાં પહેલાં એટલે કે વિધિવત રીતે ખ્રિસ્તી ધર્મને અપનાવતાં પહેલાં તથા લગ્ન પહેલાં ક્ધફેશનની ફરજ પાડે છે. વ્યક્તિ પોતાની ભૂલો અને પાપની કબૂલાત કરે એ પછ જ તેને બેપ્ટાઈઝ કરાય અને લગ્ન કરાવી અપાય. શિક્ષિકાના પતિએ ધર્મની પરંપરા પ્રમાણે ભાવિ પત્નીને કબૂલાત માટે ચર્ચમાં મોકલી તેમાં ફસાઈ ગઈ.
આ શિક્ષિકાએ પણ ભોળા ભાવે પોતાના લગ્ન પહેલાંના સંબંધની કબૂલાત કરી ને તેમાં તેની કમબખ્તી બેઠી. જેની સામે તેણે કબૂલાત કરેલી તે પાદરીએ બ્લેકમેઈલ કરીને સૌથી પહેલાં તેને પોતાની સાથે શારીરિક સંબંધો બાંધવાની ફરજ પાડી. આ સંબંધોની ખબર બીજા પાદરીને પડી એટલે તેણે બ્લેકમેઈલિંગ કરીને પોતાની સાથે સૂવા મજબૂર કરી. બીજામાંથી ત્રીજો પાદરી આવ્યો ને ને ત્રીજામાંથી ચોથો પાદરી આવ્યો એમ પાદરી વધતા ગયા. પતિને ખબર ના પડે ને લગ્નજીવન ના તૂટે એટલા માટે આ શિક્ષિકા બિચારી તેમની હવસ સંતોષવાનું રમકડું બનીને રહી ગઈ. પાદરીઓ તેને ભોગવીને હવસ સંતોષતા રહ્યા એટલે શિક્ષિકા થાકી ગઈ. આ અત્યાચાર સહન કરવા કરતાં પતિ સામે કબૂલાત કરવી સારી એમ સમજીને શિક્ષિકાએ પોતાના પતિને આ વાત કરી. સમજદાર પતિએ કાગળ લખીને ચર્ચના વડાને જાણ કરી. પતિએ પોલીસને પણ કાગળ લખેલો તેથી આ કેસમાં તપાસ શરૂ થઈ. બે પાદરીની ધરપકડ થઈ ને બે ભાગી ગયા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી કરી પણ એ અરજી ફગાવાતાં એ જેલની હવા ખાતા થઈ ગયેલા.
રેખા શર્મા આ કેસની પણ તપાસમાં હતાં તેથી તેમણે બંને કેસમાં સાધ્વીઓને મળીને વાત કરી. ભોગ બનેલી શિક્ષિકા અને
સાધ્વી ઉપરાંત બીજી સાધ્વીઓને મળીને જે વાતો જાણી તે ચોંકાવનારી છે. સાધ્વીઓના કહેવા પ્રમાણે, આ ઘટના તો પાશેરામાં પહેલી પૂણી છે ને ખણખોદ કરો તો આવી તો કેટલીય ઘટનાઓ બહાર આવશે. કેરળમાં ખ્રિસ્તીઓની વસતી નોંધપાત્ર છે તેથી રાજકીય રીતે દબાણ શરૂ થયું તેમાં પહેલાં પોલીસ ગલ્લાંતલ્લાં કરતી હતી. પોલીસનું કહેવું હતું કે, સાધ્વીએ જે આક્ષેપ કર્યો છે તેમાં વૈજ્ઞાનિક રીતે મજબૂત કહેવાય તેવા કોઈ પુરાવા નથી મળ્યા. જો કે મહિલા પંચ મેદાનમાં આવી પછી પોલીસના સૂર બદલાયા ને ફ્રાન્કો સામે બે હજાર પાનાંની ચાર્જશીટ રજૂ કરી હતી.
આ કેસ એટલા માટે પણ ગાજેલો કે, મહિલાપંચે કેન્દ્ર સરકારને મોકલેલા રિપોર્ટમાં ભલામણ કરી હતી કે, આ હવસનો આખો ખેલ ખેલાયો તેમાં ચર્ચમાં ક્ધફેશન એટલે કે કબૂલાત કરવાની પ્રથા છે તે જવાબદાર છે. મહિલાઓ ધર્મમાં શ્રદ્ધા રાખીને ભોળા ભાવે ચર્ચમાં જઈને પોતાની ભૂલોની કબૂલાત કરે પણ ચર્ચમાં બેઠેલ પાદરીઓ તેનો દુરુપયોગ કરીને પછી બ્લેકમેઈલિંગ શરૂ કરી દે છે. એ રીતે પાદરીઓ મહિલોઓને પોતાની સાથે શારીરિક સંબંધો બાંધવાની ફરજ પાડે છે ને ધર્મનો ઉપયોગ પોતાની હવસ સંતોષવા કરે છે. આવું ના બને એટલા માટે આ પ્રથા જ બંધ કરી દેવી જોઈએ.
આ ભલામણ સામે ભારે ઊહાપોહ મચેલો. રાજકીય પક્ષોએ મહિલાપંચની ભલામણને વાહિયાત ગણાવેલી. એ મુદ્દો અલગ છે પણ મહિલાપંચના કારણે કેસ મજબૂત થઈ ગયેલો. હવે અઢી વર્ષ પછી એ જ કેસમાં પાદરી છૂટી જાય ત્યારે મહિલા પંચને પોતાની મહેનત એળે ગઈ હોય એવું લાગે એ સ્વાભાવિક છે. આશા રાખીએ કે, મહિલા હાઈ કોર્ટમાં જાય ને ન્યાય મેળવે કે જેથી ભવિષ્યમાં ધર્મના નામે ધતિંગ કરતાં કોઈ પણ વિચાર કરે.
Comments

ડૉ પારિતોષ સરકાર
January 15, 2022
ખૂબ જ સરસ રીતે આ ઘટના અંગે સમજ આપી.આભાર.

ડૉ પારિતોષ સરકાર
January 15, 2022
ખૂબ જ સરસ રીતે આ ઘટના અંગે સમજ આપી.આભાર.