બાહુબલીનાં 'કટપ્પા' કોરોના પોઝિટિવ, હોસ્પિટલમાં થયા દાખલ

દેશ અને દુનિયામાં ગાજેલી સુપરહિટ ફિલ્મ બાહુબલીમાં કટપ્પાનું પાત્ર ભજવીને લોકપ્રિય થયેલા સાઉથ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા સત્યરાજને પણ કોરોનાનો ચેપ લાગ્યો હોવાના સમાચાર મળ્યા છે. તાજેતરમાં મળેલા અહેવાલ અનુસાર તેમની તબિયત ખરાબ થતાં હોસ્પિટલમાં દાખલ કરવાની નોબત આવી છે.
એક શૂટિંગ દરમ્યાન સત્યરાજનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો અને તેમને કોરોનાના ખૂબ જ હળવા લક્ષણો હતા. રિપોર્ટ આવ્યા બાદ તેઓ હોમ આઈસોલેશનમાં હતાં, પરંતુ તેમની તબિયત ખરાબ થતાં ચેન્નઈમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે, સત્યરાજની તબિયતને લઇને કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.
ઉલ્લેખનીય છે કે સત્યરાજને તામિલ ફિલ્મોના સુપરસ્ટાર કહેવામાં આવે છે. તેમણે 1978માં પોતાના ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ ઘણી ફિલ્મોમાં કામ કર્યુ હતું. પરંતુ ફિલ્મ બાહુબલીમાં કટપ્પાના પાત્રએ તેમને આખા દેશમાં લોકપ્રિય થઈ ગયા છે. શાહરુખ ખાન સ્ટારર બોલીવૂડ ફિલ્મ 'ચેન્નઈ એક્સપ્રેસ'માં અભિનેતા સત્યરાજે દીપિકાના પિતા અને એક ડૉનનુ પાત્ર ભજવ્યું હતુ.