આઈટી, ઑટો અને એનર્જી સ્ટોકમાં લેવાલીએ સેન્સેક્સ-નિફ્ટીમાં ધીમો સુધારો

મુંબઈ: યુરોપનાં બજારોમાં મક્કમ વલણ રહ્યું હોવાના નિર્દેશ સાથે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ખાસ કરીને આઈટી, ઑટો અને એનર્જી ક્ષેત્રના શૅરોમાં રોકાણકારોની લેવાલીને ટેકે બૉમ્બે સ્ટોક એક્સચેન્જના ૩૦ શૅરના બૅન્ચમાર્ક સેન્સેક્સમાં ૮૫.૮૮ પૉઈન્ટનો અને નેશનલ સ્ટોક એક્સચેન્જના બૅન્ચમાર્ક નિફ્ટીમાં ૫૨.૩૫ પૉઈન્ટનો સુધારો આવ્યો હતો.
આજે બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો ૩૦ શૅરનો બૅન્ચમાર્ક સેન્સેક્સ ગત શુક્રવારના ૬૧,૨૨૩.૦૩ના બંધ સામે સાધારણ નરમાઈના ટોને ૬૧,૨૧૯.૬૪ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૬૧,૧૦૭.૬૦ અને ઉપરમાં ૬૧,૩૮૫.૪૮ની રેન્જમાં અથડાઈને અંતે આગલા બંધથી ૦.૧૪ ટકા અથવા તો ૮૫.૮૮ પૉઈન્ટ વધીને ૬૧,૩૦૮.૯૧ની સપાટીએ બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે નેશનલ સ્ટોક એક્સચેન્જનો બૅન્ચમાર્ક નિફ્ટી ગત શુક્રવારના ૧૮,૨૫૫.૭૫ના બંધ સામે ૧૮,૨૩૫.૬૫ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ૧૮,૨૨૮.૭૫થી ૧૮,૩૨૧.૫૫ની રેન્જમાં અથડાઈને અંતે આગલા બંધથી ૦.૨૯ ટકા અથવા તો ૫૨.૩૫ પૉઈન્ટ વધીને ૧૮,૩૦૮.૧૦ની સપાટીએ બંધ રહ્યો હતો.
વિવિધ કોર્પોરેટ પરિણામોની જાહેરાત સાથે આજે બૅન્ચમાર્ક સાંકડી વધઘટે અથડાયા બાદ ખાસ કરીને ક્ધઝ્યુમર ડ્યુરેબલ્સ, ઑટો અને એનર્જી સ્ટોકમાં રોકાણકારોની લેવાલી નીકળતા સત્રના અંતે સાધારણ સુધારા સાથે બંધ રહ્યા હોવાનું જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવતા ઉમેર્યું હતું કે આજે ચીનના ડિસેમ્બર અંતના ચોથા ત્રિમાસિકગાળામાં ખાસ કરીને કોવિડ-૧૯ને લગતા નિયંત્રણો અને પ્રોપર્ટી ક્ષેત્રમાં ઘટેલી માગને કારણે જીડીપીમાં વર્ષાનુવર્ષ ધોરણે ચાર ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. આમ ચીનનો અપેક્ષા કરતાં ઓછો આર્થિક વૃદ્ધિદર અને વૈશ્ર્વિક સ્તરે વધી રહેલા કોવિડ-૧૯ના કેસની સંખ્યાને કારણે એશિયન ઈક્વિટી માર્કેટમાં મિશ્ર વલણ રહ્યું હોવાને કારણે પણ સ્થાનિકમાં બજાર સાંકડી વધઘટે અથડાઈ ગઈ હતી.
એકંદરે આજે મધ્ય સત્ર બાદ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોનું ભારતીય બજારમાં વેચાણ અટકીને રૂ. ૩૧૧૭ કરોડનું રોકાણ કર્યું હોવાના નિર્દેશો સાથે રોકાણકારોનાં માનસમાં બદલાવ આવતા બજાર સુધારા સાથે બંધ રહી હોવાનું આનંદ રાઠી શૅર્સ ઍન્ડ સ્ટોક બ્રોકર્સના ઈક્વિટી રિસર્ચ વિભાગના હેડ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું. જોકે, અમુક ફાઈનાન્સ, આઈટી અને હૅલ્થકૅર ક્ષેત્રની કંપનીનાં પરિણામો અપેક્ષા કરતાં નબળાં આવ્યાં હોવાથી સુધારો મર્યાદિત રહ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું.
દરમિયાન આજે સેન્સેક્સ હેઠળના ૩૦ શૅર પૈકી ૧૯ શૅરના ભાવ વધીને અને ૧૧ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. આજે મુખ્ય વધનાર શૅરોમાં ખાસ કરીને અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના જાહેર થયેલા ત્રીજા ત્રિમાસિકગાળાનાં પરિણામોમાં કંપનીનો ચોખ્ખો નફો આઠ ટકાથી વધીને રૂ. ૧૭૧૦.૧૪ કરોડની સપાટીએ રહ્યો હોવાના નિર્દેશે સૌથી વધુ ૨.૭૮ ટકાનો સુધારો જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે મારુતિ સુઝુકીમાં ૨.૨૬ ટકાનો, મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રામાં ૨.૧૯ ટકાનો, ટાટા સ્ટીલમાં ૧.૩૫ ટકાનો, ટીસીએસમાં ૧.૨૬ ટકાનો અને લાર્સન ઍન્ડ ટૂબ્રોમાં ૧.૨૦ ટકાનો સુધાારો જોવા મળ્યો હતો. આ સિવાય મુખ્ય ઘટનાર શૅરોમાં સૌથી વધુ ૫.૮૯ ટકાનો ઘટાડો એચસીએલ ટૅક્નોલોજીસમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે એચડીએફસી બૅન્કમાં ૧.૫૩ ટકાનો, એક્સિસ બૅન્કમાં ૧.૨૫ ટકાનો, ટૅક મહિન્દ્રામાં ૧.૦૧ ટકાનો, સન ફાર્મામાં ૦.૮૨ ટકાનો અને પાવરગ્રીડ કોર્પોરેશનમાં ૦.૭૭ ટકાનો ઘટાડો આવ્યો હતો. તેમ જ આજે બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ પણ અનુક્રમે ૦.૨૩ ટકા અને ૦.૬૧ ટકા વધીને બંધ રહ્યો હતો.
સેક્ટર અનુસાર આજે બીએસઈ ઑટો ઈન્ડેક્સમાં ૧.૯૮ ટકાની, યુટિલિટી ઈન્ડેક્સમાં ૧.૫૧ ટકાની, પાવર ઈન્ડેક્સમાં ૧.૪૧ ટકાની, રિયલ્ટી ઈન્ડેક્સમાં ૧.૩૭ ટકાની, ક્ધઝ્યુમર ડિસ્ક્રિેશનરી ગૂડ્સ ઍન્ડ સર્વિસીસમાં ૧.૦૨ ટકાની અને બેઝિક મટિરિયલ ઈન્ડેક્સમાં ૦.૯૮ ટકાની વૃદ્ધિ જોવા મળી હતી, જ્યારે આજે માત્ર બીએસઈ હૅલ્થકૅર ઈન્ડેક્સમાં ૦.૭૬ ટકાનો, બૅન્કેક્સમાં ૦.૩૩ ટકાનો અને ફાઈનાન્સ ઈન્ડેક્સમાં ૦.૧૮ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
એકંદરે આજે ૩૭૩૯ શૅરમાં ટ્રેડિંગ થયું હતું, જેમાં ૨૨૯૭ શૅરના ભાવ વધીને, ૧૩૦૮ શૅરના ભાવ ઘટીને અને ૧૩૪ શૅરના ભાવ ટકેલા ધોરણે બંધ રહ્યા હતા અને બીએસઈના ઈક્વિટી સેગ્મેન્ટમાં રૂ. ૫૪૮૪.૧૧ કરોડનું ટર્નઓવર થયું હતું.
દરમિયાન આજે એશિયા ખાતે શાંઘાઈ અને ટોકિયોની બજાર સુધારા સાથે તથા હૉંગકૉંગ અને સિઉલની બજાર નરમાઈના ટોને બંધ રહી હતી અને યુરોપની બજારોમાં મધ્ય સત્ર દરમિયાન સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું. પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ આગલા બંધથી ૦.૨૬ ટકા ઘટીને બેરલદીઠ ૮૫.૮૪ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૧૦ પૈસા નબળો પડીને ૭૪.૨૫ની સપાટીએ બંધ રહ્યો હતો.