સ્થાનિકમાં સોનાએ રૂ. ૬૧૩નાં ઘટાડા સાથે રૂ. ૪૮,૦૦૦ની સપાટી ગુમાવી, ચાંદી રૂ. ૧૪૬૭ ગબડી
ડૉલરની મજબૂતી સાથે વૈશ્ર્વિક સોનું છ સપ્તાહની નીચી સપાટીએ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ દ્વારા માર્ચમાં વ્યાજ વધારો કરે તેવા સંકેત સાથે વૈશ્ર્વિક વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સ જુલાઈ, ૨૦૨૦ પછીની સૌથી ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. તેમ જ અમેરિકી બે વર્ષીય ટ્રેઝરીની યિલ્ડ વધીને ફેબ્રુઆરી, ૨૦૨૦ પછીની ઊંચી સપાટીએ પહોચતા આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ઘટીને છ સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યાના અહેવાલ તેમ જ ચાંદીના ભાવમાં પણ ૧.૧ ટકાનો કડાકો બોલાયો હોવાથી સ્થાનિક ઝવેરી બજારમાં પણ બન્ને કીમતી ધાતુઓમાં પીછેહઠ જળવાઈ રહેતાં આજે હાજરમાં સોનાના ભાવે ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૧૧થી ૬૧૩ના ઘટાડા સાથે રૂ. ૪૮,૦૦૦ની સપાટી ગુમાવી હતી, જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૧૪૬૭ ગબડી ગયા હતા.
આજે સ્થાનિક સોના ચાંદી બજારમાં સોનામાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ વેચવાલી સામે નવી લેવાલીનો અભાવ તેમ જ વધુ ભાવ ઘટાડાના આશાવાદે જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની લેવાલી ખપપૂરતી મર્યાદિત રહેતાં હાજરમાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૧૧ ઘટીને રૂ. ૪૭,૭૨૩ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૧૩ ઘટીને રૂ. ૪૭,૯૧૫ની સપાટીએ બંધ રહ્યા હતા. તે જ પ્રમાણે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની આક્રમક સટ્ટાકીય વેચવાલીના દબાણ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી ખપપૂરતી મર્યાદિત રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૪૬૭ના ઘટાડા સાથે રૂ. ૬૧,૨૨૦ના મથાળે રહ્યા હતા.
ફેડરલ રિઝર્વના વ્યાજ વધારાના સંકેત સાથે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂતી અને ટ્રેઝરીની યિલ્ડમાં વધારો થતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં રોકાણકારોની વેચવાલીનું દબાણ અને નવી લેવાલીનો અભાવ રહેતાં સત્રના આરંભે હાજરમાં ભાવ ગઈકાલના બંધથી વધુ ૦.૬ ટકા ઘટીને ઔંસદીઠ ૧૭૮૫.૧૦ ડૉલર આસપાસ અને વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૫ ટકા ઘટીને ૧૭૮૪.૪૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તે જ પ્રમાણે ચાંદીમાં પણ સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલી રહેતાં ભાવ ૧.૧ ટકાના કડાકા સાથે ઔંસદીઠ ૨૨.૪૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ન્યૂ યોર્ક ખાતે સોનાના ભાવ ઘટીને ૧૦૦ દિવસ અને ૨૦૦ દિવસની દૈનિક સરેરાશ ભાવસપાટીથી પણ નીચા ઊતરી ગયા હોવાથી ઔંસદીઠ ૧૮૦૦ ડૉલરની સપાટી સુધી પહોંચવા માટે મજબૂત પરિબળની આવશ્યકતા હોવાનું એક વિશ્ર્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે ફેડ ફ્યુચર્સને ધ્યાનમાં લેતાં ફેડરલ રિઝર્વ બીજી વખત પણ વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા હોવાથી સોનાના ભાવ વધુ દબાણ હેઠળ આવે તેવી શક્યતા નકારી ન શકાય.