જેન્ડરલેસ દેખાવાની હોડમાં કરાવી નાખી સેંકડો સર્જરી
સુંદર દેખાવું કોને ન ગમે અને લોકો સુંદર દેખાવા માટે હજારો-લાખો રૂપિયા ખર્ચીને કોસ્મેટિક સર્જરી પણ કરાવતા હોય છે, પરંતુ ક્યારેય કોઈ દિવસ એવી વ્યક્તિ વિશે સાંભળ્યું છે કે જેણે જેન્ડરલેસ બનવા માટે લાખો રૂપિયાનો ધુમાડો કરીને સેંકડો સર્જરી કરાવી હોય? કદાચ નહીંને? પણ આજે આપણે અહીં એક એવા મેકઅપ આર્ટિસ્ટ વિશે વાત કરીએ કે જેણે પોતાનો દેખાવ એલિયન જેવો કરવા માટે ૧૦૦થી પણ વધારે કોસ્મેટિક સર્જરી કરાવી ૩૭ લાખથી વધુ રૂપિયાનો ધુમાડો કર્યો. અમેરિકામાં લોસ એન્જલસમાં રહેતો ૨૭ વર્ષીય વિની ઓહ પોતે મેકઅપ આર્ટિસ્ટ છે અને તેણે પોતાને જેન્ડરલેસ બનાવવા માટે ૧૭ વર્ષની નાની ઉંમરથી જ કોસ્મેટિક સર્જરી કરાવવાનું શરૂ કરી દીધું હતું.
વિનીને બાળપણથી બીજા ગ્રહ પર રહેતા લોકોમાં વધારે ઇન્ટરેસ્ટ હતો. તેની પર રિયલ લાઈફ એલિયન બનવાનું ભૂત સવાર હતું. ૧૦ વર્ષ પછીના વિનીને ઓળખવો પણ મુશ્કેલ બની ગયો છે. એટલું જ નહીં, પણ તદ્દન એલિયન જેવા લુક માટે વિની બ્લેક કલરના કોન્ટેક્ટ લેન્સ પહેરે છે.
પોતાના દેખાવ વિશે વિનીએ ન્યુઝ વેબસાઈટના ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે મારે સેક્સલેસ એલિયન બનવું હતું. મારે હાઈબ્રીડ બનવું હતું, કોઈ પુરુષ કે સ્ત્રી નહીં. ૧૭ વર્ષની ઉંમરથી સેક્સલેસ અને જેન્ડરલેસ બનવાની ઈચ્છા જાગી. મેં ડોક્ટરને વાત કરી, પણ એ શક્ય નહોતું. ઘણાં વર્ષો પછી મને ખબર પડી કે હું ગે, લેસ્બિયન કે ટ્રાન્સજેન્ડર નથી. મારે મારી જાતને કોઈ લેબલ આપવું નથી. હું જે છું તે આ છું. ઘણા લોકોને એવું લાગે છે કે હું પુરુષમાંથી સ્ત્રી બની ગયો, પણ આ વાત ખોટી છે.
૧૭ વર્ષની ઉંમરે વિનીએ લિપ સર્જરી કરી હતી અને એ પછી તેણે ક્યારેય સર્જરીઓ કરાવવામાં પાછળ વળીને જોયું નથી. વિનીને આઇબ્રો નથી અને લિપ્સ પણ દેખાવમાં અલગ લાગે છે.
છેને એકદમ અતરંગી માણસ? સર્જરીઓ અને પૈસા ખર્ચીને લોકો સુંદર દેખાવાનો પ્રયાસ કરતા હોય છે, પણ આ મહાશય કોઈ અલગ જ માટીના બનેલા છે કે જેણે સર્જરી કરાવીને પોતાના સુંદર ચહેરાને કદરૂપો બનાવવાનું કામ કર્યું છે!