આંતરધાર્મિક વિવાહ કરનાર દંપતીને ગુજરાત હાઈકોર્ટે આપી રાહત, યુવતીના માતાપિતાને ‘ગેરવર્તન’ ન કરવાની ચેતવણી

હિંદુ યુવતીએ તેના પરિવાર વિરુદ્ધ જઈને ગયા વર્ષે ૨૬ વર્ષના મુુસ્લિમ યુવાન સાથે સ્પેશિયલ મેરેજ એક્ટ અંતર્ગત લગ્ન કર્યા હતા. પરિવારનો વિરોધ વધતા જ્યાં સુધી પરિવાર માને નહિ ત્યાં સુધી યુવતીએ પોતાના માતાપિતા સાથે રહેવાનું નક્કી કર્યું હતું, પરંતુ ડિસેમ્બર મહિનામાં યુવતીના પિતાએ યુવતી પર માનસિક અને શારીરિક ત્રાસ ગુજારવાનું શરુ કર્યું હોવાથી તે ઘર છોડીને પોતાના સાસરિયાના ઘરે રહેવા આવી ગઈ હતી.
બીજી બાજુ છોકરીના પિતાએ દાણીલીમડા પીલીસ સ્ટેશનમાં એવી ખોટી ફરિયાદ નોંધાવી હતી કે એમની દીકરી ઘરેથી રોકડા રૂપિયા અને ઘરેણા લઈને ભાગી ગઈ છે, જેની તપાસ માટે પોલીસ યુવતીના સાસરાના ઘરે તપાસ કરવા પહોંચી હતી પોલીસના ત્રાસ થી બચવા દંપતી અજમેર ભાગી ગયું હતું. ત્યાંથી પોલીસે તેમને પકડીને દાણીલીમડા પોલીસ સ્ટેશન પછી લઇ આવી પાલડી ખાતે આવેલા નારી વિકાસ ગૃહમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજુ કર્યા હતા, મેજિસ્ટ્રેટે યુવતીને તેના માતા-પિતા સાથે રહેવા જવાનો ઓર્ડર આપ્યો હતો, તેની સામે પતિએ હાઈકોર્ટેમાં અરજી કરી હતી.
આ કેસમાં ચુકાદો આપતા ડિવિઝન બેન્ચે દંપતીને રાહત આપતા પોતપોતાના ધર્મના પાલન કરવાની છૂટછાટ આપી છે અને સાથે રહેવાની મંજૂરી પણ આપી છે. યુવતીના માતા-પિતાને પણ દંપતીને હેરાન ન કરવાની ચેતવણી પણ આપી છે. આ સાથે માતા-પિતાના પાસે રહેલા યુવતીના અભ્યાસ માટે જરૂરી પુસ્તકો અને સામગ્રીઓ પણ પહોંચડવા હુકમ કર્યો હતો.