લોકલ ટ્રેનના પ્રવાસમાં ચાર બાળક માતાથી પડ્યાં વિખૂટા પોલીસની કાર્યવાહીથી માતા સાથે બાળકોનું સુખદ મિલન
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પશ્ર્ચિમ રેલવેમાં લોકલ ટ્રેનના પ્રવાસ વખતે ભીડના કારણે સગીર વયના ચાર બાળક (છથી અગિયાર વર્ષની ઉંમરના) માતાથી વિખૂટ્ા પડ્યા પછી પોલીસ (પીએસઆઈ)ની તાત્કાલિક કાર્યવાહીને કારણે ચારેય બાળકને સુખરૂપ માતાને સોંપવામાં આવ્યા હતા, એમ પોલીસે જણાવ્યું હતું.
૨૬મી જાન્યુઆરીના રોજ પાલઘર જિલ્લામાં મીરા ભાયંદર-વસઈ વિરાર પોલીસ સ્ટેશનની હદમાં આ બનાવ બન્યો હતો. ૨૬મી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિન નિમિત્તે મીરા રોડથી મુંબઈમાં ગેટ વે ઓફ ઈન્ડિયા સુધી સાઈકલ રાઈડના કાર્યક્રમ પોલીસ સબ ઈન્સ્પેક્ટર (પીએસઆઈ) ઉજ્જવલ અરકેએ ભાગ લીધો હતો. ચર્ચગેટથી મીરા રોડ વચ્ચે પરત ફરી રહ્યા હતા ત્યારે અંધેરી સ્ટેશન ખાતે બે મહિલા લોકલ ટ્રેનમાં ચઢી હતી, પરંતુ ત્યારબાદ તે રડવા લાગી હતી. પીએસઆઈએ રડવાનું કારણ પૂછ્યું ત્યારે સોની સિંહ નામની મહિલાએ કહ્યું હતું કે એક દીકરી સહિત ત્રણ દીકરા તથા તેના સાસુ સાથે બહાર ગયા હતા. અંધેરી સ્ટેશનથી તેઓ વિરારની ટ્રેન પકડવાના હતા, જ્યારે ટ્રેન સ્ટેશન પર આવી ત્યારે ભીડને કારણે બાળકોને ટ્રેનમાં ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. આમ છતાં હું અને મારી સાસુ ટ્રેનમાં ચઢી ગયા હતા પછી ટ્રેન ચાલુ થઈ ગઈ હતી. પરંતુ ત્યારપછી બાળકોને ક્યાં શોધવા તેના માટે મુઝવણ થઈ હતી. મહિલાની વાત સાંભળ્યા પછી પીએસઆઈએ તાત્કાલિક રેલવે કંટ્રોલ રૂમ અને આરપીએફના જવાનોને જાણ કરી હતી. ત્યારબાદ રૂટ પરના તમામ સ્ટેશન પર તેમની શોધખોળ આદરી હતી.
બોરીવલી સ્ટેશન ખાતે કોઈ વાલી વારસ વિના ચાર બાળકને પોલીસને મળ્યા હતા. એ બનાવની જાણ કંટ્રોલ રૂમને કર્યા પછી બાળકોની માતા અને સાસુ તેમનો કબજો લેવા સ્ટેશન પહોંચી આવ્યા હતા તથા તેમને બાળકો સોંપ્યા હતા. પીએસઆઈની સમયસર કાર્યવાહીને કારણે ચારેય બાળક તેની માતાને મળ્યા હતા તેના અંગે પરિવારે પીએસઆઈ તથા પોલીસ વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.