એમબીબીએસની એક્ઝામમાં ફોનનો ઉપયોગ કરી ચોરી કરતા હતા
પાંચ મુન્નાભાઇની ચોરી પકડાઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)
સુરત: રાજ્યમાં પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ ચોરી કરતા અનેક હાથકડા અપનાવતા હોવાના કિસ્સા બહાર આવતા રહે છે. સુરતમાં સરકારી મેડિકલ કૉલેજમાંથી એમબીબીએસની પરીક્ષામાંથી પાંચ ‘મુન્નાભાઈ’ પકડાયા છે. તેમને નર્મદ યુનિવર્સિટીની સ્ક્વોર્ડે પકડી લીધા હતા. પાંચેય લોકો પોતાના મોબાઇલમાં પીડીએફ જોઈને જવાબો લખતા હતા, એટલું જ નહીં કેટલાક વિદ્યાર્થી હેડ ફોન લગાડી ચોરી કરતા હતા. આ પ્રકારનાં દૃશ્યો થોડા સમય પહેલા આવેલી સંજય દત્તની ફિલ્મ લગે રહો...મુન્નાભાઈમાં જોવા મળ્યાં હતાં. તમામ વિદ્યાર્થીઓને જે તે વિષયમાં ૦ માર્ક સાથે રૂ. ૫૦૦નો દંડ ફટકારવામાં આવ્યો હતો. સ્ક્વોર્ડે સેક્ધડ યરના ત્રણ અને થર્ડ યર પાર્ટ-વનના ૨ એમ ૫ વિદ્યાર્થીને ફોન સાથે પકડયા હતા. આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે નર્મદ યુનિવર્સિટીએ ૩૦ વિદ્યાર્થીનું હિયરિંગ કર્યું હતું. વિદ્યાર્થીઓએ ભૂલ કબૂલી લેતા તેમને જે તે વિષયમાં ૦ માર્ક્સ સાથે રૂ. ૫૦૦ દંડ કર્યો હતો. વિદ્યાર્થીઓ પરીક્ષામાં સોશિયલ મીડિયામાં ગ્રુપ બનાવીને સ્ક્રિનશોર્ટ એક બીજાને મોકલી જવાબો લખતા હતા. યુનિવર્સિટીએ આવા ૧૫ વિદ્યાર્થીઓને જે તે વિષયમાં શૂન્ય માર્ક્સ સાથે રૂ. ૫૦૦ દંડ કર્યો હતો.