કથ્થક નૃત્યકાર બિરજુ મહારાજની ચિરવિદાય

નવી દિલ્હી: દંતકથાસમાન કથ્થક નૃત્યકાર બ્રિજમોહન નાથ મિશ્રા ઉર્ફે બિરજુ મહારાજનું સોમવારે વહેલી સવારે તેમના દિલ્હીસ્થિત નિવાસસ્થાને અવસાન થયું હોવાનું તેમની પૌત્રી રાગીણીએ જણાવ્યું હતું. બિરજુ મહારાજ ૪ ફેબ્રુઆરીએ ૮૪ વર્ષના થવાના હતા. બિરજૂ મહારાજ ભારતના સૌથી મહાન કથ્થક નૃત્યકાર હતા. તેઓ મહારાજજી તરીકે જાણીતા હતા. પરિવારજનો અને અનુયાયીઓની ઉપસ્થિતિમાં તેમણે દેહ છોડ્યો હતો.
રાત્રિભોજન બાદ અંતાક્ષરી રમી રહ્યા હતા ત્યારે અચાનક જ તેમની તબિયત કથળી હતી, એમ તેમની પૌત્રી અને કથ્થક નૃત્યકાર રાગીણીએ સમાચાર સંસ્થાને આપેલી મુલાકાતમાં કહ્યું હતું.
ભારતના સૌથી જાણીતા અને માનીતા કલાકાર બિરજુ મહારાજ લખનઉના કાલકા-બિન્દાદિન ઘરાનાના હતા. બિરજુ મહારાજના પરિવારમાં ત્રણ પુત્ર, બે પુત્રી અને પાંચ પૌત્રનો સમાવેશ થાય છે.
બિરજુ મહારાજ કીડનીની બીમારીથી પીડાઈ રહ્યા હતા અને ડાયાબિટિસને કારણે છેલ્લા એક મહિનાથી ડાયાલિસિસ પર હતા.
મૃત્યુ પામ્યા તે સમયે તેઓ અમારી સાથે જ હતા એમ જણાવતાં રાગીણીએ કહ્યું હતું કે તેમણે રાત્રિભોજન લીધું હતું અને જૂના સંગીત પરત્વેના પ્રેમને કારણે ભોજન બાદ અમે અંતાક્ષરી રમી રહ્યા હતા. અચાનક જ તેમને શ્ર્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી.
હૃદય બંધ પડી જવાથી તેમનું મૃત્યું થયું હોઈ શકે, કેમ કે તેઓ હૃદયના દરદી પણ હતા, એમ તેમની પૌત્રીએ કહ્યું હતું.
અમે તાત્કાલિક હૉસ્પિટલનો સંપર્ક સાધ્યો હતો, પરંતુ કમનસીબે તેમને બચાવી નહોતા શક્યા, એમ તેણે કહ્યું હતું.
પરિવાર માટે આશ્ર્વાસન લેવા જેવી એક જ વાત છે કે છેલ્લી ઘડીએ તેઓ વધુ હેરાન ન થયા, એમ તેણે કહ્યું હતું.
પદ્મવિભૂષણ એવૉર્ડ મેળવનાર બિરજુ મહારાજે ડિસેમ્બરમાં સમાચારસંસ્થાને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે ભારતમાં કથ્થક નૃત્યનું ભાવિ એકદમ ઉજ્જવળ છે અને નવી પેઢી આ પરંપરાને આગળ લઈ જઈ રહી છે.
બ્ર્રિજમોહન મહારાજ ઉર્ફે બિરજુ મહારાજ કથ્થક નૃત્યકાર પરરિવારના વારસ હતા. પિતા અને ગુરુ અચન મહારાજ તેમ જ કાકા શંભુ મહારાજ અને લચ્છુ મહારાજના હાથ હેઠળ તેમણે તાલિમ લીધી હતી.
બિરજુ મહારાજ ઘૂંઘરું, તબલા અને હાર્મોનિયમ સાથે જ મોટા થયા હતા.
તેઓ માત્ર કલાકાર જ નહીં, કવિ પણ હતા. બ્રિજશ્યામ નામ હેઠળ તેઓ લખતા હતા. તેમણે ઠુમરીમાં માસ્ટરી મેળવી હતી.
તેમણે તેમના જીવનની ક્ષણેક્ષણ ક્લાસિકલ ડાન્સને સમર્પિત કરી દીધી હતી.
લય, સ્વર, તાલ, ભંગિમા, સૌંદર્ય અને નૃત્ય તેમનાં જીવનની ક્ષણેક્ષણમાં વણાયેલા હતા અને તેમના માટે એ જ ચર્ચાનો મુખ્ય વિષય હતા.
ત્રણ વર્ષની ઉંમરના હતા ત્યારથી બિરજુ મહારાજ તાલિમ કક્ષમાં પહોંચી જતા હતા અને આતુરતાપૂર્વક તાલિમ લઈ રહેલા લોકોને નિહાળતા રહેતા. સાત વર્ષની ઉંમરે તેમણે તાલિમ લેવાનું શરૂ કર્યું હતું.
પિતાના અવસાન બાદ તેઓ દિલ્હી રહેવા જતા રહ્યા અને ત્યાં તેમણે સંગીત ભારતીમાં કથ્થક શિખવવાનું શરૂ કર્યું હતું. તે સમયે તેમની ઉંમર માત્ર ૧૩ જ વર્ષની હતી. બાદમાં તેમણે દિલ્હીમાં પોતાની ડાન્સ સ્કૂલ શરૂ કરી હતી.
વર્ષ ૧૯૭૭માં સત્યજિત રેની ફિલ્મ ‘શતરંજ કે ખિલાડી’માં તેમણે ડાન્સ કમ્પોઝ કર્યો હતો.
બિરજુ મહારાજે પદ્મવિભૂષણ, સંગીત નાટક અકાદમી, કાલિદાસ સમ્માન, નૃત્ય વિલાસ, રાજીવ ગાંધી શાંતિ પારિતોષિક સહિતના એવૉર્ડ મેળવ્યા હતા.
‘વિશ્ર્વરૂપમ’ ફિલ્મમાં કોરિયોગ્રાફી માટે તેમને નેશનલ ફિલ્મ એવૉર્ડ અને ‘બાજીરાવ મસ્તાની’ માટે ફિલ્મફેર એવૉર્ડ આપવામાં આવ્યો હતો.
માધુરી દીક્ષિત, દીપિકા પાદૂકોણ સહિત બોલિવૂડની અનેક અભિનેત્રીઓને તેમણે તાલિમ આપી હતી. (એજન્સી)
-------
રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડા પ્રધાનની શ્રદ્ધાંજલિ
નવી દિલ્હી: બિરજુ મહારાજના અવસાનની જાણ થતાં જ ઠેરઠેરથી આશ્ર્વાસન સંદેશાઓ આવવા માંડ્યા હતા.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બિરજુ મહારાજના અવસાન અંગે શોક વ્યક્ત કરતા કહ્યું હતું કે તેમના અવસાનથી એક યુગનો અંત આવ્યો છે. તેમની વિદાયને કારણે સંગીત અને નૃત્યના ક્ષેત્રે અભૂતપૂર્વ ખાલીપો સર્જાયો છે.
ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ શોક વ્યક્ત કરતા કહ્યું હતું કે બિરજૂ મહારજનું અવનાસ કલાક્ષેત્રને પડેલી મોટી ખોટ છે. દુ:ખના આ સમયમાં મારી સહાનુભૂતિ તેમના પરિવારજનો સાથે છે. વિશ્ર્વભરના લોકો માટે તેઓ પ્રરેણા સ્વરૂપ હતા, એમ જણાવી તેમણે પરિવારજનો પરત્વે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કરતા કહ્યું હતું કે બિરજુ મહારાજના અવસાનથી કલાક્ષેત્રના વિશ્ર્વને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. દુ:ખના આ સમયમાં તેમના પરિવારજનો, ચાહકો અને અનુયાયીઓ પરત્વે વડા પ્રધાને સહાનુભૂતિ વ્યક્ત કરી હતી.
વડા પ્રધાને કહ્યું હતું કે બિરજુ મહારાજે ભારતીય કથ્થક નૃત્યને વિશ્ર્વભરમાં વિશેષ ઓળખ અપાવી હતી.
નાણા પ્રધાન નિર્મલા સિતારામને પણ બિરજુ મહારાજના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો હતો.
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પણ બિરજુ મહારાજના નિધન અંગે શોક વ્યક્ત કર્યો હતો અને તેમના અવસાનને કલાક્ષેત્ર માટે ન પૂરી શકાય તેવી ખોટ લેખાવી હતી.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ઈન્ડિયન ક્લાસિકલ ડાન્સમાં બિરજુ મહારાજનું યોગદાન લોકો ક્યારેય નહીં ભૂલે.
તમિળનાડુના મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટાલિને પણ શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે બિરજુ મહારાજ કલાક્ષેત્ર માટે ભવ્ય વારસો છોડી ગયા છે.
સરોદવાજક અમજદ અલી ખાંએ બિરજુ મહારાજની વિદાયને અંગત ખોટ લેખાવી હતી.
તેમની વિદાયને પગલે કથ્થક નૃત્યના એક યુગનો અંત આવ્યો છે, એમ તેમણે કહ્યું હતું.
દિવંગત પંડિત જસરાજની ગાયિકા પુત્રી દુર્ગા જસરાજે બિરજુ મહારાજની વિદાયને ભારતીય કલાક્ષેત્રને પડેલી પ્રચંડ અને કાયમી ખોટ લેખાવી હતી.
ડાન્સર ગીતા ચંદ્રને ઈન્ડિયન ક્લાસિકલ ડાન્સક્ષેત્રે બિરજુ મહારાજે આપેલા યોગદાનના ઐતિહાસિક લેખાવ્યું હતું.
માધુરી દીક્ષિતે કહ્યું હતું કે બિરજુ મહારાજ દંતકથાસમાન કલાકાર હતા, પરંતુ તેમનું હૃદય બાળક જેવું નિર્દોષ હતું. તેઓ મારા ગુરુ અને મિત્ર હતા. તેમણે મને નૃત્ય અને અભિનયની જટિલતા સમજાવી હતી.
ભાજપના સાંસદ અને અભિનેત્રી હેમા માલિનીએ કહ્યું હતું કે સમગ્ર દેશ બિરજુ મહારાજના અવસાનનો શોક પાળી રહ્યો છે.
અભિનેતા કમલ હસને પણ બિરજુ મહારાજના અવસાન પર શોક વ્યક્ત કર્યો હતો.
બિરજુ મહારાજે કલાક્ષેત્રે અનેક દીવડા પ્રગટાવ્યા છે જે પ્રકાશ ફેલાવવાનું ચાલુ રાખશે. (એજન્સી)