અબુધાબીમાં ડ્રોન હુમલો: બે ભારતીય સહિત ત્રણનાં મોત
દુબઇ: અબુધાબીમાં ડ્રોનના કથિત હુમલાથી સોમવારે તેલની ત્રણ ટેન્કરોમાં ધડાકા થયા હતા, જેમાં ત્રણ જણ મૃત્યુ પામ્યાં હતાં અને છ ઘાયલ થયા હતા એમ સ્થાનિક પોલીસે જણાવ્યું હતું.
મૃતકોમાં બે ભારતીય અને એક પાકિસ્તાની હોવાનું જણાઇ આવ્યું હતું. જોકે નાની મોટી ઇજા પામેલાઓની ઓળખ થઇ શકી ન હતી. આ બાબતે વધુ તપાસ ચાલુ છે.
આબુધાબીએ હજુ કોઇને શંકાસ્પદ જાહેર કર્યા નથી, પરંતુ યમનના હાઉધી રેબેલ્સે યુનાઇટેડ આરબ અમીરાતનું લક્ષ્યાંક સાધીને આ હુમલો કર્યો હોવાની જવાબદારી સ્વીકારી હતી. ઇરાનનું પીઠબળ ધરાવતું હાઉધી અગાઉના અનેક હુમલામાં પણ જવાબદારી સ્વીકારી ચૂક્યું છે, પરંતુ પાછળથી અમીરાતના અધિકારીઓએ તે દાવાઓને રદિયો પણ
આપ્યો છે.
અબુધાબી પોલીસે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસ એવું દર્શાવે છે કે ડ્રોન્સમાંથી કોઇક ઊડતા પદાર્થો આવીને બે અલગ વિસ્તારોમાં પડ્યા હોઇ શકે અને તેલની ટાંકીઓમાં આગ લાગી હોઇ શકે.
યુએઇ અને યમન વચ્ચે છેલ્લાં ૭ વર્ષથી યુદ્ધ જેવી જ પરિસ્થિતિ સર્જાઇ છે. યમનમાં હાઉધી સામે લડતા ત્રાસવાદીઓને યુએઇનો સહકાર મળતો હોવાનું પણ કહેવાય છે. (એજન્સી)ઉ