પાંચ (પ) ચીજ કરે છે જીવનભર તંગ એટલે જ એ કહેવાય છે પતંગ...
હસ્યા તો મારા સમ-સુભાષ ઠાકર
ચંપક, શું થયું? કેમ આમ હડકાયું કૂતરું પાછળ પડ્યું હોય એમ હાંફતાં હાંફતા દોડાદોડ કરે છે.
"ચંબુડા, હવે તો હું પોતે જ હડકાયો માણસ બની જઈશ, અરે ભૈ શોધવા નીકળ્યો છું. મારી ચતુર ચમેલીને. સાલુ જેને સાત ભવ સાથે જીવવાનું વચન આપેલું, ને હજી લગનને સાત દિવસ નથી થયા ને બાઈકમાં પંકચર પડ્યું તો રિક્ષા કરીને જતી રહી, અરે આવી વાઈફ વસાવો કે ન વસાવો શું ફેર પડે છે?
"પણ ક્યાં જતી રહી? તને ખબર નથી?
"અલ્યા ટોપા, એટલે તો નીકળ્યો છું. ભગવાન જાણે ક્યાં...
"તે બરાબર સાચવી નઈ હોય, બાકી સંસારને હજી સાત જ દિવસ થયા ને...
"અરે ડોબા, પોતાની માની જણી સગી બેનની જેમ સાચવતો હતો, જાળવતો...
"અરે તો ભાગી જ જાય ને? એના પરિવારે તારી સાથે થપ્પો રમવા મોકલી હતી?...
"તે મને તો હડકાયું કૂતરું પાછળ પડ્યું હોય એમ ભાગુ છું પણ તું શેનો કોઈ ઉઘરાણી વાળો પાછળ પડ્યો હોય ને પૂછડી દબાવી દોડતો હોય એમ...
"સેઈમ ચંપક સેઈમ પ્રોબ્લેમ,
મારી ચંપા પણ ક્યાંક ભાગી ગઈ
છે. એને શોધવા જ... બાય ધ વે તારાવાળીનું જરા વર્ણન તો કર... દેખાવે કેવી છે?
"અરે સોલીડ દેખાવડી માય... માય... માય... મધુબાલા પણ ઝાંખી પડે, ધોળા દૂધ જેવો ચહેરો, એમાં સફરજન જેવા ગાલ, ચીકુના ચીર જેવી આંખો, ગુલાબની પાંખડી જેવા બે હોઠ, દાડમની કળી જેવા દાંત...
"સાલા, આ તો તારી વાઈફ છે કે ફ્રૂટસેલેડનું તપેલું? વાહ... વાહ... ક્યા બાત હૈ...
"બોલ હવે તારાવાળીનું વર્ણન કર એ કેવી...
"હવે મારીને માર ગોળી, આપણે બન્ને તારી જ ગોતીએ એક કરતાં
બે ભલા. તારી જ આવી રૂપાળીને ગોતવાની મજા કંઈ ઓર છે. ચાલો સાથે નીક....
ચંબુના જવાબથી ચંપકનું મગજ સમસમી ઊઠ્યું "અલ્યા ચરકટ તું મને કહે છે? સાલા તારો પતંગ બરાબર ન હોય તો મારા પતંગ પર ડોળો નાખવાનો? જો બીજીવાર બોલ્યો તો વગર કોરોનાએ ઘરમાં કોરોન્ટાઈન થઈ જઈશ, એવી હાલત કરી દઈશ.
ચંપકની ધમકીથી ચંબુ ગભરાયો પછી ટાયરમાંથી ધીરે ધીરે હવા નીકળતી હોય એવા સીસકારા અવાજે બોલ્યો. "અલ્યા ભૈ આ તો તેકિધુ કે સગી બેનની જેમ રાખતો હતો એટલે કદાચ એ મારા ઘરે પણ ગઈ હોય ને મારાવાળી પણ નથી. એટલે...
ચુઉઉઉપ, બીલકુલ ચુઉઉઉપ.... "ચંપકે રાડ નાખી આવો છીછરો વિચાર આવતાં પહેલા તને બ્રેઈન હેમરેજ કેમ ન થયું. સાલા મારું ધાબુ, મારો પતંગ, મારો માંજો મારી ફીરકી, તને એકાદ-બે ઠુમકા મારવા આપ્યા એટલે મારો પતંગ તારો થઈ ગયો? ધીક્કાર છે તને, કાન ખોલીને સાંભળી લે. મારો પતંગ કોઈના પગ નીચે આવી ફાટી જાય, કચડાઈ જાય બધી સળિયો નીકળી જાય, તરડાઈ જાય, પણ તારે એને ગુંદરપટ્ટી કે પૂછડી લગાડી ઉડાડવાનો ભૂલથી પણ ટ્રાય કરવાનો નથી ને નથી...
તારો પતંગ જેવો હોય એવો, એને ઉડાડવો હોય તો ઉડાડ, ચગાવવો હોય તો ચગાવ, ન ફાવે તો તારી જ દુકાનમાં રાખી મૂકવાનો ને જો ચગાવીને મારા પતંગ સાથે પેચ લગાડવાનો પ્રયત્ન કર્યો તો તારી હાલત એવી કરી દઈશ કે તારી જ ચંપા તને જિંદગીભર સગા ભાઈની જેમ રાખતી થઈ જશે સમજ્યો?
ચંબુની મોઢું તાજેતરમાં કોરોનામાંથી બહાર આવેલા દર્દી જેવું થઈ ગયું ‘..... ચંપક ડોન્ટ ફીલ બેડ કોઈ બોલે કે ન બોલે પણ નગ્ન સત્ય એ છે કે માણસનું મન જ એવું છે કે ગમે તેટલા ટીંચકા મારી ખૂબ મહેનત કરી ઠુમકા મારી આપણી પતંગ ઉપર ચગાવી હોય
પણ બાજુમાં કપાયેલી કોઈની નાનકડી તુક્કલ પતંગ જો આવી તો આપણું
મન પલડે-પલડે-ને પલડે જ...ને
પતંગ જેવો મોટો ગુરુ કોઈ નથી. તું
જાણે છે?’
"પતંગ જેવો ગુરુ? આ તો મારું બેટુ જબરુ? સમજાવ બકા, સમજાવ
"જો સાંભળ, તું પતંગની દુકાનમાં એક પતંગ બીજામાં બીજો, ત્રીજામાં, ત્રીજો ચોથામાં ચોથો પાંચમામાં... એકબીજામાં સમાઈને એકબીજાને ચીટકીને કેવા રહે છે, પણ એ જ પતંગને દુકાનમાંથી
બહાર લાવ્યા પછી માંજો (દોરી)
બાંધી જેવો ઉપર ચગાવ્યો કે તુર્તજ જે બે પતંગ એકબીજાને વળગીને રહેતા એ જ બે પતંગ એકબીજાને કાપવાની તૈયારી
કરે છે.
ભૂલી ગયા કે આપણે એક જ દુકાનમાં સાથે હતા ત્યારે ક્યા વળગીને રહેતા. બકા પતંગ બનીને ઉડવું તો હજી સહેલું છે. બહુ અઘરું છે દોરો બની સાથ આપવાનું.
વ્હાલા આપણા જીવનમાં આવું જ કંઈક છે એવું નથી લાગતું, આપણા જીવનમાં કોઈને પ્રતિષ્ઠાનો કોઈને પદનો, કોઈને ધનનો તો કોઈને ધ્યાનનો, કોઈને ઈર્ષાનો તો કોઈ ત્યાગનો. એવા અલગ-અલગ દોરા લાગે છે. પછી ‘અહંકાર’નામનો પતંગ ઉપર ચગાવી પેચ લગાવે છે ને હું તારા કરતાં શ્રેષ્ઠની હરીફાઈ... મૂળ તો જેણે-જેણે પોતાના પતંગ ઉપર ચગાવ્યા એને બીજાના પતંગનો કાપ્યા સિવાય કોઈ કામ કર્યું નથી. સાલુ દરેકને બીજાના પતંગને કાપવામાં જ રસ છે.
કાપ્યો છે કાપ્યો છે ની બૂમ પાડતી વખતે ખબર જ નથી પડતી કે લે ધીરો પડ બાજુની અગાશી પર તારો જ સગો તારો પતંગ કાપવાની રાહ જોઈ ઊભો છે. એને તમારે નીચે પડેલો પતંગ પકડવો નથી, ને જે ઉપર ચગાવે છે એના પતંગને કાપવો છે.
આપણે આવડા મોટા આકાશમાં કેટલા ને કેટલાના પતંગ કાપશું? સાલુ અંત સુધી ભાન જ નથી પડતું કે અંતે તો તમારા જ પતંગની દોરીને દાંતી પડશે ને તમારો પતંગ કોઈ કાપી કાઢશે ત્યારે ખબર પણ
નઈ પડે. ચંપક, તમે કોઈની જીવનભર રાહ જોવા તૈયાર હો ને એ તમારા સ્ટેશન પર સાત મિનિટ પણ રાહ ન જુએ તો તમારો પતંગ લબદોરમાં કપાયો જ સમજો... સમજાય છે?
"સાલા તું દેખાય છે સાવ ટોપો
પણ બુદ્ધિ તો બિરબલને પણ વટાવે
એવી છે.
"અરે ચરકટ, ખરો બિરબલ તો હવે મારામાં આવ્યો છે. સાંભળ ઉપર ચગતા પતંગને એ ખબર હોવી જોઈએ કે હું ભલે ઉપર ચગતો હોઉ પણ મારી દોર તો નીચેવાળાના હાથમાં છે તે ગોથ મરાવે તો ગોથ ગાવી પડે એ ઉતારી દે તો ઊતરી જવું પડે. એમ આપણે બધા પતંગ જેવા છીએ ને અપની દોર તો ઉપરવાલે કે હાથમે હૈ, કોન કબ કૈસે ઉઠેગા યે કોઈ નહીં બતા શકતા હા... હા... હા... દોસ્ત.
આ પૃથ્વી નામના આકાશમાં માણસ નામનો પતંગ ઈશ્ર્વર ઉડાડે છે. એ પણ ઘણીવાર ગોથ મરાવે તો ખાવી જ પડે છે ને? એના વર્ચસ્વ આગળ આપણું સર્વસ્વ નકામું. એ રામ બનાવે તો રામ ને રાવણ બનાવે તો રાવણ, એ કૃષ્ણ બનાવે તો કૃષ્ણને કંસ બનાવે તો કંસ આપણે જે બનીએ છીએ એ આપણો ભ્રમ ને એક જ સરખી છે પતંગ ને જિંદગી. જ્યાં
સુધી ઊંચાઈ પર છે ત્યાં સુધી જ
વાહવાહ છે...
"ચંબુ મને પણ એક વિચાર આવે છે સાલુ હમણાં પવન આવશેની આશામાં કેટલાયના પતંગો ઉડ્યા વગરના પડી
રહ્યા છે. આ મનની અગાશી પર...
એનું શું?
"મીસ્ટર ચંપકલાલ એના માટે કોઈનાય પતંગને કાપ્યા વિના આપણે પ્રેમના પતંગને જીવનના આકાશમાં ન ઉડાડી શકીએ? પ્રેમના પતંગને ઉડાડવા ‘સમય’ નામની ફીરકી લઈ ઈશ્ર્વર પાછળ જ ઊભો છે પછી પળ, મિનિટને કલાકની ઢીલ છોડ્યા જ કરે છે...જન્મથી મૃત્યુ સુધી આપણે સમાજની વચ્ચે રહીએ છીએ. તેથી કોઈને ક્યાંય ઠેસ વાગી હોય, દિલ દુભાવ્યુ હોય તો હવે અહંકારના પતંગને નીચે ઉતારી દેજો...
"પણ સાલુ આ પતંગ નામ આવ્યું ક્યાંથી? કંઈ ફઈબાએ પાડ્યું?
"અરે બકા, પાંચ (પ) ચીજ જીવનમાં આપણને તંગ કરે છે કામ, ક્રોધ, માયા, ઈર્ષાને અહંકાર ને આપણું વળગણ બની જીવનને તંગ કરે છે એટલે પતંગ એ પાંચેયને પતંગની જેમ ઉપર ઉડાડી દેવાની છે. નહીંતર તમારા દર્દમાં હમદર્દ થઈ પડે એવો કોઈ માણસ પોતાની પડખે નહીં હોય કારણ એક રંગ તો દોનો સંગ (લેકીન) છે રંગ તો દોનો તંગ... શું
કહો છો?