સ્મોલ ગ્રેડની ખાંડમાં નબળી માગ અને ગુણવત્તાને કારણે ઘટાડો
નવી મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં આજે ખાસ કરીને સ્મોલ ગ્રેડની ખાંડમાં એકંદરે રિટેલ સ્તરની નબળી માગ ઉપરાંત અમુક માલની ગુણવત્તા પણ નબળી આવી હોવાથી તેના વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૨૮ ઘટીને થયા હતા, જ્યારે મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર ટકેલા ધોરણે થયા હતા. વધુમાં આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારોની માગ જળવાઈ રહેતાં ભાવમાં ટકેલું વલણ રહ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આજે સ્થાનિકમાં અંદાજે ૨૮થી ૨૯ ટ્રકની જળવાયેલી આવક સામે રિટેલ સ્તરની લેવાલી છૂટીછવાઈ ખપપૂરતી રહી હતી. તેમ જ સ્ટોકિસ્ટોનો નવી લેવાલીમાં અભાવ રહેતાં ઉપાડ અંદાજે ૨૭થી ૨૮ ટ્રકનો રહ્યો હતો. જોકે, આજે મુખ્યત્વે સ્મોલ ગ્રેડની ખાંડમાં રિટેલ સ્તરની લેવાલી પાંખી રહી હતી. તેમ જ અમુક માલની ગુણવત્તા પણ નબળી આવી હોવાથી તેના વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૨૮ના ઘટાડા સાથે રૂ. ૩૩૩૨થી ૩૪૫૨માં ગુણવત્તાનુસાર ધોરણે થયા હતા, જ્યારે મિડિયમ ગ્રેડની ખાંડમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૩૪૬૨થી ૩૬૮૨માં ટકેલા ધોરણે થયા હતા. વધુમાં આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારો અને સ્થાનિક ડીલરોની છૂટીછવાઈ માગ જળવાઈ રહેતાં આજે સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૩૧૦થી ૩૩૫૫માં અને મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૩૪૦થી ૩૫૧૦માં ગુણવત્તાનુસાર ટકેલા ધોરણે થયા હોવાનું બજારનાં સાધનોએ ઉમેર્યું હતું.