અલ્લાહની બેસુમાર ને’મતો પર ચિંતન-મનન ઇબાદતનો જ એક અખંડ ભાગ
મુખ્બિરે ઈસ્લામ - અનવર વલિયાણી
‘બેશક અલ્લાહનો મુસલમાનો પર બહુ મોટો ઉપકાર થયો કે એમનામાં એમનામાંથી જ એક રસૂલ (ઈશ્ર્વરના દૂત) મોકલ્યા જે તેમનામાં એની આયતો (શ્ર્લોકો) પઢે અને એમને પાક - પાકિઝા ફરમાવે છે અને એમને કિતાબ અને હિકમત (વિદ્યા, ઇલ્મોજ્ઞાન) શીખવે છે અને તેઓ જરૂર પહેલાં ખુલ્લી ગુમરાહીમાં હતા...!’ સૂરહ (પ્રકરણ) આલે ઇમરાન, રૂકુ (સજદો, નમન) ૧૭.
સૃષ્ટિના મહાન સર્જનહારે ઈન્સાન માત્રને એટલી બધી ને’મત (ઈશ્ર્વરની દેણગી) અતા ફરમાવી છે કે જેની ગણતરી પણ તે કરી શકતો નથી અને દરેક ને’મત એવી કિંમતી, બલ્કે અમૂલ્ય છે કે દુનિયા આખીના ખજાનાઓ ખર્ચી નાખો છતાં પણ એવી ને’મત મેળવવી શકાતી નથી.
એક આછી ઝલક પર ચિંતન, મનન, અનુભૂતિ કરો: આંખ, કાન, નાક, હાથ-પગ, જમીન, સૂર્ય, ચંદ્ર, હવા, પાણી વગેરે દરેક ને’મતે ઇલાહી એવી જ છે. ઉપરાંત શરીરમાં અગણીત વાળ કે જેના વગર પણ જિંદગી મુશ્કેલ છે. પવિત્ર કુરાનમાં ઠેકઠેકાણે આ ને’મતોનું વર્ણન કરવામાં આવ્યું છે, પણ રબતઆલાએ એહસાન બતાવીને વર્ણન નથી કર્યું પણ મનન કરવાનું કહી એટલો એહસાન જતાવવાનું જરૂર કહ્યું છે કે- ‘આ ને’મત માટે અમે મુસલમાનો પર બેશક એહસાન (ઉપકાર) ફરમાવ્યો કે, એમને એમની હિદાયત (માર્ગદર્શન) માટે અમારા પ્યારા મહબૂબ (પ્રિયજન) આપી દીધા...!’ આથી સાબિત થઈ ગયું કે હુઝૂર અલયહિસ્સલામ બધી ને’મતોથી ઉત્તમ ને’મત છે, એના ચાર કારણો છે, જે અનુક્રમે આ મુજબ છે.
૧) દુનિયાની દરેક ચીજ કોઈને આપી દેવાય છે પણ મહબૂબ કોઈને અપાતો નથી. હુઝૂર અલયહિસ્સલામનું મેઅરાજ (આકાશી સફર)માં જવું એ મહત્ત્વની વાત જરૂર છે, મહબૂબ તો બોલાવવામાં આવે તે નવાઈની વાત નથી, પણ ત્યાંથી પાછા આવવું એ જરૂર આશ્ર્ચર્યની વાત છે, કારણ કે મહબૂબને ફરીવાર મખલુક (સૃષ્ટિ)ને આપી દેવામાં આવ્યા. સુબ્હાન અલ્લાહ (ઈશ્ર્વર મહાન છે).
૨) ‘લવ લાક લમા ખલકતુલ અફલાક’ અર્થાત્: ‘હે મહબૂબ! અગર આપ ન હોત તો અમો આસમાનોને પેદા કર્યા ન હોત...!’ એટલે સ્પષ્ટ થયું કે બધી જ ને’અમતો હુઝૂરે અનવર (સલ.)ના દમથી જ છે.
૩) આ બધી ને’મતો ફક્ત જિંદગીમાં ફાયદો (લાભ) આપે છે, જેમ કે -
* આંખ બંધ થઈ જાય કે બધા જ સંબંધો તૂટી જાય છે.
* ધન-દૌલત, માલ-મિલકત બીજાની થઈ જાય છે.
* શરીરના દરેકે દરેક અવયવો કામ કરતા અટકી જાય છે.
* અગર કોઈએ મહેરબાની કરીને સંબંધ રાખ્યો તો તે પણ ફક્ત ને ફક્ત કબર સુધીનો જ.
* હા, એક બાબત સનાતન સત્ય છે કે જિંદગીમાં, કબરમાં, જન્નતમાં દરેક જગ્યાએ કામ આવે છે. તો તે ફક્ત મહબૂબે ખુદા (સલ.)ની ઝાતે મુબારક છે.
૪) ધન-દૌલત, માલ-મિલકત શરીરના દરેકે દરેક અવયવો વગેરેથી યોગ્ય કામ લેવામાં આવે તો જરૂર રહમત (ઈશ્ર્વરીયદયા) છે નહીં તો ઝહમત છે. દાખલા તરીકે -
* જીભ જો બરાબર રહે તો રહમત છે અને જો આડી અવળી ફંટાય તો મુસીબત બની જાય તથા નુકસાન કરે.
* જો હાથ-પગ ગુનાહના કામો જ કરે તો આ જ અંગો કયામતના દિવસે ગવાહી આપશે અને દોઝખના હકદાર બનાવશે.
* આમાલ (કર્મ, કરણી, કામ) તે જ સારા છે જે દરબારે ઇલાહીમાં કબૂલ થાય.
- કુરાન કરીમ એક એવી મુશ્કેલ કિતાબ છે કે એની તાલીમ આપવા માટે અલ્લાહે નબીએ કરીમ (સલ.)ને મોકલ્યા અને આપ હુઝૂરે અનવર (સલ.) પર અઝીમુશ્શાન (મહાન શાનવાળા) પર દિવ્ય વાણી સ્વરૂપ કુરાન નાઝિલ ફરમાવ્યું.
વ્હાલા વાચક મિત્રો! અઘરા ઇલ્મો તો ફક્ત એ ઇલ્મના સંપૂર્ણ જાણકાર જ શીખવાડી શકે છે. એટલે કુરાન પાક શીખવા માટે હદીસ શરીફ (હુઝુરે કરીમ (સલ.)ની તકરીર, કથનો) એટલી બધી સંપૂર્ણ છે કે માર્ગ ભૂલેલાઓને ફક્ત મોમિન જ નહીં પણ સાચા મોમિન બનાવી દે છે. આ જ તાલીમથી કોઈ સિદ્દીક (ખૂબ જ સત્યનિષ્ઠ-વિશ્ર્વાસપાત્ર) તો કોઈ ફારૂકા બન્યા.
બોધ: દુનિયાના કોઈપણ શિક્ષકની તાલીમ સંપૂર્ણ હોતી નથી. જુદા જુદા વિષયોના શિક્ષકો એ વિષય પર વિદ્યાર્થીઓને તાલીમ આપે છે. પણ મદીના શરીફમાં એક એવો મદ્રસા (સ્કૂલ) શરૂ થઈ કે એક જ શિક્ષકે (પયગંબર હઝરત મુહમ્મદ (સલ.) દીની અને દુન્યવી ઇલ્મ, શિસ્ત અને ખુદા પરસ્તીના નિયમો (કાયદા) બધું શીખવાડી દીધું.
જાફરઅલી ઈ. વિરાણી
* * *
આજની નસીહત
જીવનની અંદર સૌથી અનિવાર્ય કે ચોક્કસ બાબત અંગે ફેરફાર અથવા વિવિધતા શરીઅતના માળખામાં રહીને કરવામાં છે.