'બજરંગી ભાઈજાન'ની બાળકલાકાર હર્ષાલી મલ્હોત્રાને ભારત રત્ન ડૉ. આંબેડકર એવોર્ડ-2021 મળ્યો
મહારાષ્ટ્રના રાજ્યપાલ દ્વારા સન્માનિત

'બજરંગી ભાઈજાન'ની મુન્ની એટલે કે ફિલ્મની બાળકલાકાર હર્ષાલી મલ્હોત્રાને સોમવારે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ રાજભવન ખાતે 12મા ભારતરત્ન ડૉ. આંબેડકર પુરસ્કારથી સન્માનિત કરી હતી. અત્રે જણાવી દઈએ કે આ કાર્યક્રમના આયોજક બુધંજલિના ડિરેક્ટર કૈલાસ માસૂમ છે.
બજરંગી ભાઈજાન પછી હર્ષાલીને વિવિધ પ્રોજેક્ટ મળ્યા હતા, પણ તે અત્યારે પોતાના અભ્યાસમાં ધ્યાન આપી રહી છે. સુપરહિટ ફિલ્મમાં અભિનેત્રી હર્ષાલીએ શાહિદાનું પાત્ર ભજવ્યું હતું, જેને 'મુન્ની' તરીકે પણ ઓળખવામાં આવે છે. ફિલ્મમાં, તે એક પાકિસ્તાની મુસ્લિમ છોકરી હતી જે ભારતમાં ખોવાઈ જાય છે અને પછી એક ભારતીય, પવનકુમાર ચતુર્વેદી (સલમાન ખાન)ની મદદથી તેના વતન પાછી જાય છે. હર્ષાલીના અભિનયને લોકોએ ખૂબ પસંદ કર્યો હતો અને તેને શ્રેષ્ઠ મહિલા ડેબ્યુ નોમિનેશન માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. આ ઉપરાંત હર્ષાલીએ સર્વશ્રેષ્ઠ બાળકલાકારનો સ્ક્રીન એવોર્ડ પણ જીત્યો હતો.
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી દ્વારા આ વર્ષે ભારતરત્ન ડૉ. આંબેડકર પુરસ્કારથી નવાજવામાં આવ્યા બાદ, હર્ષાલીની પ્રતિભાને હવે વધુ એક પ્રશંસા મળી છે. એવોર્ડ મળ્યા બાદ હર્ષાલીએ આ ઈવેન્ટની તસવીર શેર કરી છે.
આ ઉપરાંત સુનીલ શેટ્ટી, વિવેક ઓબેરોય, તુષાર કપૂર, રિચા ચડ્ડા, ધર્મેન્દ્ર, સોનુ નિગમ, અદનાન સામી, પંકજ ઉધાસ, ઉદિત નારાયણ, અલ્કા યાજ્ઞિક, શબાના આઝમી, આશા પારેખ, ધનરાજ પિલ્લઈ, વિનોદ કાંબલી, ચેતન શર્મા, આર.પી. સિંહ, સાઈના નેહવાલ, મેરી કોમ વગેરે જેવી સેલિબ્રિટીઓને પણ આ એવોર્ડ આપવામાં આવ્યો છે.