એલ્યુમિનિયમ સિવાયની તમામ ધાતુઓમાં ઉછાળા
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે ગઈકાલે અમેરિકી સંસદમાં તેમના વક્તવ્યમાં નાણાનીતિ તંગ કરવા બાબતે ઓછી આક્રમકતા દાખવી હોવાથી આજે લંડન મેટલ એક્સચેન્જ ખાતે તમામ ધાતુઓમાં તેજીનું વલણ જોવા મળ્યું હોવાથી સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ એકમાત્ર એલ્યુમિનિયમને બાદ કરતાં તમામ ધાતુઓમાં સ્ટોકિસ્ટો ઉપરાંત વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. ૨થી ૫૦ સુધીની તેજી જોવા મળી હતી.
પ્રાપ્ત અહેવાલ અનુસાર હાલ લંડન મેટલ એક્સચેન્જના અધિકૃત ગોદામોમાં નિકલના સ્ટોકમાં ઘટાડા ઉપરાંત ઈલેક્ટ્રિક વાહનોમાં નિકલનો વપરાશ વધતાં આજે લંડન ખાતે સત્રના આરંભે નિકલના ત્રણ મહિને ડિલિવરી શરતે ભાવ ગઈકાલના બંધથી ૪.૪ ટકાની તેજી સાથે ટનદીઠ ૨૨,૭૪૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. આ સિવાય કોપરના ભાવમાં ૨.૭ ટકાનો, એલ્યુમિનિયમમાં ૧.૮ ટકાનો, લીડમાં ૧.૬ ટકાનો અને ઝિન્કમાં ૦.૮ ટકાનો ઉછાળો દર્શાવાઈ રહ્યો હતો.
દરમિયાન સ્થાનિક ધાતુ બજારમાં આજે વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે એલ્યુમિનિયમ સિવાયની તમામ ધાતુઓમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવમાં તેજીનું વલણ રહ્યું હતું. આજે મુખ્યત્વે ટીનના ભાવ કિલોદીઠ રૂ. ૫૦ વધીને રૂ. ૩૧૩૮, નિકલના ભાવ કિલોદીઠ રૂ. ૨૫ વધીને રૂ. ૧૬૩૫, કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. ૨૦ વધીને રૂ. ૭૮૦, કોપર કેબલ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. ૮ વધીને રૂ. ૭૩૫, કોપર સ્ક્રેપ હેવીના ભાવ કિલોદીઠ રૂ. ૬ વધીને રૂ. ૭૨૩, કોપર આર્મિચરના ભાવ કિલોદીઠ રૂ. ૫ વધીને રૂ. ૭૦૩, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. ૩ વધીને અનુક્રમે રૂ. ૪૮૩ અને રૂ. ૨૯૬ અને કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ, બ્રાસ શીટ કટિંગ્સ અને લીડ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. ૨ વધીને અનુક્રમે રૂ. ૬૩૫, રૂ. ૫૩૭ અને રૂ. ૧૯૦ના મથાળે રહ્યા હતા.
જોકે, આજે માત્ર એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સમાં ખપપૂરતી માગ જળવાઈ રહેતાં ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૧૮૫ અને રૂ. ૨૩૮ના મથાળે ટકેલા રહ્યા હતા.