ગૉડમેનને છોકરી ડોનેટ કરવા અંગે બૉમ્બે હાઇ કોર્ટનું નિરીક્ષણ પુત્રી કંઈ સંપત્તિ નથી કે તેને દાનમાં આપી શકાય
મુંબઇ: પુત્રી એ મિલકત નથી કે જે દાનમાં આપી શકાય, એમ બૉમ્બે હાઈ કોર્ટની ઔરંગાબાદ બેન્ચે એક કેસ સામે સખત વાંધો ઉઠાવતા અવલોકન કર્યું હતું. જેમાં એક વ્યક્તિએ પોતાની ૧૭ વર્ષની પુત્રીને જાતે બની બેઠેલા ગૉડમેનને ‘દાન’માં આપી દીધી હતી.
ન્યાયાધીશ વિભા કંકણવાડીની સિંગલ બેન્ચે આ મહિનાની શરૂઆતમાં સગીર બાળકી પર બળાત્કાર કરવાના આરોપમાં ધરપકડ કરાયેલા ગૉડમેન શંકેશ્ર્વર ઢાંકણે અને તેના શિષ્ય સોપાન ઢાંકણેની જામીન અરજીની સુનાવણી કરતી વખતે આ અવલોકન કર્યું હતું.
બન્ને આરોપીઓ, સગીરા અને તેના પિતા એકસાથે જાલના જિલ્લાના બદનપુર ખાતેના એક મંદિરમાં રહેતા હતા. સગીરાએ ઓગસ્ટ, ૨૦૨૧ના રોજ તેની સાથે બળાત્કાર કરવાના આરોપમાં બન્ને આરોપીઓ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરી હતી. ત્યાર બાદ બન્ને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
ન્યાયાધીશ કંકણવાડીએ તેમના આદેશમાં નોંધ લીધી હતી કે ૨૦૧૮માં ૧૦૦ રૂપિયાના સ્ટેમ્પ પેપર પર ‘દાનપત્ર’ તરીકે ઓળખાતો દસ્તાવેજ છોકરીના પિતા અને ઢાંકણે વચ્ચે
બનાવવામાં આવ્યો હતો.
એવું કહેવામાં આવે છે કે છોકરીના પિતાએ તેમની પુત્રીને બાબાને દાનમાં આપી છે અને આ ‘ક્ધયાદાન’ ભગવાનની હાજરીમાં કરવામાં આવ્યું છે. જ્યારે છોકરીના તેના પોતાના સ્ટેટમેન્ટ મુજબ તે સગીર છે તો પછી એક પિતા, જે આદરણીય વાલી છે તે પુત્રીને શા માટે દાનમાં આપે છે?, એમ કોર્ટે તેના આદેશમાં જણાવ્યું હતું.
પુત્રી એ મિલકત નથી, જે દાનમાં આપી શકાય. આ એક ચિંતાજનક હકીકત છે, એમ ન્યાયાધીશ કંકણવાડીએ જણાવ્યું હતું. કોર્ટે નોંધ્યું હતું કે તે સગીર છોકરીના ભવિષ્ય વિશે ચિંતિત છે.
આ એક પરફેક્ટ કેસ હતો, જ્યાં જાલના જિલ્લાની બાળ કલ્યાણ સમિતિ (સીડબ્લ્યુસી)ને ઝડપી ધોરણે તપાસ હાથ ધરવા અને સગીરાની સંભાળ અને રક્ષણની જરૂરિયાત ધરાવતા બાળક તરીકે જાહેર કરવા યોગ્ય છે કે કેમ? તે અંગે નિર્દેશો આપવાની જરૂર હતી.
આ સગીરાના ભવિષ્યને ધ્યાનમાં રાખીને તેણીને કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવા માટે પ્રેરિત કરવી જોઈએ નહીં, એમ કોર્ટે જણાવ્યું હતું. સીડબ્લ્યુસીને તપાસ હાથ ધરવા અને તેનો અહેવાલ કોર્ટમાં સબમિટ કરવાનો આદેશ આપ્યો છે.
કોર્ટે બન્નેને ૨૫,૦૦૦ રૂપિયાના બોન્ડ પર જામીન આપ્યા હતા અને આ મામલે વધુ સુનાવણી ૪થી ફેબ્રુઆરીના રોજ રાખી હતી. (પીટીઆઇ)