બેસ્ટના કાફલામાં ૯૦૦ એસી બસ સમાવાશે
૩૬૦૦ કરોડના ખર્ચે ૧૨ વર્ષ માટે ભાડાં પર લેવાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈગરાની સેવામાં બહુ જલદી ૯૦૦ જેટલી ડબલ ડેકર ઍરકંડિશન્ડ (એસી) ઈલેક્ટ્રિકલ બસ બેસ્ટના કાફલામાં સમાવવામાં આવશે. લગભગ ૩,૬૦૦ કરોડ રૂપિયા ખર્ચે ૧૨ વર્ષના સમયગાળા માટે બસ ભાડા પર લેવામાં આવવાની છે.
રાજ્ય સરકારે ‘મહારાષ્ટ્ર કલીન એર પ્રોજેક્ટ’ હેઠળ ઈ-બસ લેવા માટે બેસ્ટ ઉપક્રમ માટે ૯૯૨ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આ રકમ ડબલ ડેકર બસ પાછળ ખર્ચવામાં આવવાની છે. આ વર્ષમાં પહેલા તબક્કામાં ૨૨૫ ડબલ ડેકર બસ બેસ્ટના કાફલામાં જોડાશે. ત્યારબાદ ૨૦૨૩ સુધીના સમયમાં ૨૨૫ બસ મળશે એવું બેસ્ટના જનરલ મેનેજર લોકેશ ચંદ્રાએ જણાવ્યું હતું.
હાલ મુંબઈ પાસે ૪૮ રેગ્યુલર ડબલ ડેકર બસ છે. બેસ્ટના કાફલામાં જે ૯૦૦ ડબલ ડેકર બસ જોડાવાની છે, તે સંર્પૂણ રીતે ઈકો-ફ્રેન્ડલી હશે. આ બસને કારણે બેસ્ટમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓની સંખ્યા વધશે અને સવાર-સાંજના પીક અવર્સમાં થનારી ભીડને ટાળવામાં આ બસ ઉપયોગી સાબિત થઈ રહેશે.
બેસ્ટ આ બસ ૧૨ વર્ષના સમયગાળા માટે ભાડાં પર લેશે. અગાઉ ૪૦૦ બસ લેવાની હતી, તેના માટે ૧,૬૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવવાનો હતો. જોકે હવે બસની સંખ્યા બમણી કરી નાખવામાં આવી છે. હવે ૯૦૦ બસ માટે ૩,૨૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈમાં પહેલી વખત ૧૯૩૭ની સાલમાં ડબલ ડેકર બસ રસ્તા પર દોડી હતી. ડબલ ડેકર બસમાં એક સમયમાં ૯૦ પ્રવાસી પ્રવાસ કરી શકે છે. એક ડબલ ડેકર બસ પાછળ આવક પ્રતિ કિલોમીટરે ૬૫.૮૫ રૂપિયા હોય છે, પરંતુ તેની સામે પ્રતિ કિલોમીટરે ખર્ચ ૨૦૦.૪૬ રૂપિયા થાય છે.
Comments

N G Sampat
January 30, 2022
Not interested