સબરીમાલા મંદિર પહોંચ્યો અજય દેવગણ: 41 દિવસના ઉપવાસ પછી કર્યા ભગવાન અયપ્પાના દર્શન
કાળા કપડા, માથા પર તિલક અને ગળામાં તુલસીની માળા સાથે દેખાયો

બોલીવૂડ અભિનેતા અજય દેવગણ બુધવારના રોજ કેરળના સબરીમાલા મંદિરમાં ભગવાન અયપ્પાના દર્શન માટે પહોંચ્યો હતો. અજય દેવગણ 41 દિવસની કપરી સાધના અને ઉપવાસ પછી ભગવાનના દ્વારે ગયો હતો. દર્શન કરી રહેલા અજય દેવગણનો વીડિયો પણ સામે આયો છે, જેમાં તે કાળા કપડામાં પૂજા કરતો દેખાઈ રહ્યો છે.
ભગવાન અયપ્પાના દર્શન કરવા માટે અજય દેવગણે કઠોર ધાર્મિક અનુષ્ઠાન કર્યુ હતું. 41 દિવસ સુધી ઉપવાસ કર્યા, કાળા કપડા પહેર્યા, 11 દિવસ સુધી ચટાઈ પાથરીને જમીન પર સુતો, દિવસમાં બે વાર અયપ્પા પૂજા કરી, લસણ અને ડુંગળી વિનાના શુદ્ધ શાકાહારી ભોજનનું સેવન કર્યું, જ્યાં પણ જવુ હોય પગરખા પહેર્યા વગર ગયો, ગળામાં તુલસીની માળા પહેરી રાખી. સબરીમાલામાં ભગવાન અયપ્પાના દર્શનની ઈચ્છા રાખનાર લોકોને પહેલા 41 દિવસ સુધી કઠોર ધાર્મિક અનુષ્ઠાન કરવું પડે છે. તેને 'મંડલમ' કહેવામાં આવે છે. મંદિર યાત્રા દરમિયાન માથા પર ઈરુમુડી રાખવાની હોય છે. આ લઈને શબરી પીઠની પરિક્રમા પણ કરવાની હોય છે ત્યારે જઈને 18 પગથિયાં ચઢીને મંદિરમાં પ્રવેશ મળે છે. સોશિયલ મીડિયા પર કાળા કપડા પહેરેલા, માથા પર તિલક અને ગળામાં માળા પહેરેલો અજય દેવગનનો ફોટો વાયરલ થતાં ફેન્સને લાગ્યું હતુ કે આ તેની આગામી ફિલ્મનો લુક છે, પરંતુ આ અજયનું અયપ્પા સ્વામીના દર્શન માટે કરવામાં આવેલું વ્રત હતું.