પાલિકાની પ્રોપર્ટી પર હવે જાહેરાતો જોવા મળશે
મુંબઈ: કોરોનાને કારણે મુંબઈ મહાનગરપાલિકાની આવક પર અસર થઈ છે અને તેને કારણે મહેસુલની વસૂલી કરવામાં પણ પાલિકાને અનેક મર્યાદા નડી રહી છે. બીજી તરફ કોરોનાનો સામનો કરવા માટે પાલિકાના પગલાંને કારણે સતત ખર્ચમાં વધારો થઈ રહ્યો છે. આને કારણે હવે પાલિકાએ આવક વધારવા માટે નવા સ્ત્રોતો ઊભા કરવાના હેતુથી મુંબઈ મનપાની પ્રોપર્ટી પર હવે જાહેરાતો લગાવીને રૂ. ૨૦૦ કરોડની આવક કરવાનો વિચાર ચાલી રહ્યો છે. મુંબઈ મનપાની ઓફિસો, સ્કૂલો, હોસ્પિટલો વગેરે પ્રોપર્ટી પર આ જાહેરાતો લગાવવાનો વિચાર ચાલી રહ્યો છે. પાલિકાની કઈ પ્રોપર્ટી પર કેટલી જાહેરાત લગાવી શકાય તેની ભલામણ કરવા માટે ક્ધસલ્ટન્ટની નિયુક્તિ કરવામાં આવશે અને તેને માટે ટેન્ડર કાઢવામાં આવશે. મુંબઈના જંક્શન મહાલક્ષ્મી, દાદર, ભાયખલા રેલવે સ્ટેશન પરિસર, બાંદ્રા-કલાનગર જંક્શન વગેરે મોકાની જગ્યા પર જાહેરાતો માટેની પરવાનગી મળી શકે છે.