આમ આદમી પાર્ટીના વિજય સુવાળા ભાજપમાં જોડાયા: કોરોના વાઇરસની ગાઇડલાઇન ભીડથી ભીંસાઇ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ:ગુજરાતી સિંગર વિજય સુવાળા આમ આદમી પાર્ટી છોડીને હવે ભાજપમાં જોડાયા છે. ગાંધીનગર ખાતેના ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમમાં પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલના હાથે કેસરિયો ધારણ કર્યો હતો. જોકે લગ્ન સહિતના જાહેર કાર્યક્રમોમાં ૧૫૦થી વધુ લોકોથી વધુ ભેગા નહીં થવાની નવી ગાઇડલાઇનનો ભાજપના જ કાર્યાલય ખાતે સુવાળાના સમર્થકોએ ભંગ કર્યો હતો. બીજી તરફ કૉંગ્રેસના નેતા જયરાજ સિંહે ભાજપમાં નવા નવા જોડાયેલાં વિજય સુવાળાને અભિનંદન આપ્યા અને કહ્યું કે હતુ કે, "ભુવાજીને ભાજપમાં મજા આવશે કારણ કે ત્યાં ડાકલા વગાડવાવાળા ખૂબ લોકો છે.
વિજય સુવાળા ભાજપમાં જોડાવવા માટે મોડી સંખ્યામાં સમર્થકો સાથે ભાજપના પ્રદેશ કાર્યાલય પહોંચ્યા હતા. ભાજપામાં પ્રવેશ ટાણે વિજય સુવાળાએ જણાવ્યું હતું કે, હું રાતનો ભૂલેલો દિવસે ઘરે પાછો ફર્યો છે. ૩-૩ પેઢીથી અમારો ભાજપ સાથે સંબંધ રહ્યો છે.
ભાજપે ઘણું આપ્યું છે. તેમણે એવું પણ ઉમેર્યું હતુ કે ભાજપ વિશ્ર્વની સૌથી મોટી પાર્ટી છે. હું નરેન્દ્ર મોદી સાહેબનો ફેન છું. પાટીલ સાહેબ મને દીકરા તરીકે માને છે. અને આજે પાટીલે મને દીકરાને આવકાર્યો હોય તે રીતે સ્વાગત કર્યું છે. લોકસેવા માટે જમીન પર કામ કરીશ. આજનો દિવસ મારા માટે ખૂબ અમૂલ્ય છે. મારો પરિવાર ત્રણ પેઢીથી ભાજપ સાથે જોડાયેલો છે.
સંગઠન વિના કંઈ થઈ શકતું નથી અને ભાજપ જેવું સંગઠન મેં ક્યાંય જોયું નથી. હું વચન આપું છું કે હું તન મન ધનથી ભાજપ સાથે રહી લોકોની સેવા કરીશ.
દરમિયાન ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કહ્યું હતું કે, વિજયભાઈ સુંવાળા આજે ભાજપમાં જોડાયા છે. આજે હું તેમનું સ્વાગત કરું છું. તેઓ ફરીથી ઘરે પાછા આવ્યા છે. એ બીજી પાર્ટીમાં જોડાયા ત્યારે પણ મને મળ્યા હતા.
બીજી બાજુ કોરોના ગાઇડ લાઇન અનુસાર રાજકીય સહિતના કોઇપણ જાહેર કાર્યક્રમમાં ૧૫૦થી વધુ લોકોને હાજરી પર નિયંત્રણ મૂકવામાં આવ્યું હોવા છતાં સુવાળાના ભાજપ પ્રવેશ ટાણે હોલમાં સ્ટેજની નીચેની જગ્યામાં જ ૧૮૦થી વધુ કાર્યકરો અને મહેમાનો હાજર હતા ઉપરાંત સ્ટેજની ઉપર પણ ૨૦થી વધુ કાર્યકરો અને નેતાઓ હાજર હતા. આમ સમગ્ર કાર્યક્રમમાં ૨૦૦થી વધુ લોકો હાજર હતા.
સામાન્ય નાગરિકો જ્યારે નિયમોનું પાલન ના કરે ત્યારે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ રાજકીય પક્ષના કાર્યક્રમમાં નિયમોનું પાલન ના થાય તે માટે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.