Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
બૉક્સિગંે બંદૂકથી બચાવી

કવર સ્ટોરી-હેમંત વૈદ્યજીવનની સફર ક્યારેક એવા વળાંક પર આવીને ઊભી રહે છે કે કયા રસ્તે આગળ વધવું એ દિમાગ નક્કી નથી કરી શકતું. મૈં ઇધર જાઉં યા ઉધર જાઉં જેવી પરિસ્થિતિ ઊભી થાય છે. એમાં જો કિશોરાવસ્થા જેવો સમય હોય તો અવળે રસ્તે ચડી જવાની સંભાવના ભારોભાર હોય છે. ક્યારેક વિકલ્પો એવા હોય છે કે આંખો આંજી દે, પણ એમાં થોડા આગળ નીકળી ગયા પછી એક દિવસ અચાનક ભાન થાય કે આગળ તો ઘોર અંધારું છે. ત્યારે પાછા વળવાની ઈચ્છા હોય તોય એ અમલમાં નથી મૂકી શકાતી.ક્યારેક નસીબ પાધરા હોય તો પહેલું ડગ ખોટું માંડ્યા પછી તરત ખ્યાલ આવી જતા પાછા વળી જવાની અંતરસ્ફૂરણા થતી હોય છે. માહ્યલો જ કહી દે કે ના, ના રહેવા દે એ દિશામાં આગળ વધવું. એટલે ડગ પાછા વળી જાય છે અને સાચા અને સારા રસ્તે આગળ વધે છે. પછી એક એવી મુસાફરી શરૂ થાય છે જે અંગત જીવનમાં તો પ્રકાશ પાથરે જ છે, પણ સાથે સાથે અન્યોના જીવનમાં પણ મદદરૂપ બની શકે છે.

તાજેતરમાં બેન્ગકોકમાં યોજાયેલી એશિયન ચેમ્પિયનશીપમાં આઠમો મેડલ જીતનારી મણિપુરની ૩૭ વર્ષની બોક્સર સરિતાદેવીના જીવનમાં પણ આવો જ પ્રસંગ આવ્યો હતો. આ મેડલ સ્વીકારતી વખતે ૧૮ વર્ષ જૂની સ્મૃતિઓ તાજી થઇ. ૨૦૦૧માં બેન્ગકોકમાં જ તેણે એશિયન ચેમ્પિયનશીપમાં પોતાનો પ્રથમ મેડલ જીત્યો હતો અને એ મેડલ સરિતા સાચા રસ્તે વળી ગઈ હતી એનો બેમિસાલ પુરાવો હતો. માણસના જીવનમાં ક્યારે અને કેવો પલટો આવી જતો હોય છે અને માણસ ક્યાંક પહોંચવાને બદલે બીજે ક્યાં પહોંચી જાય છે એ સમજવા માટે સરિતાદેવીના જીવનમાં ડોકિયું કરવું જોઈએ.

સરિતા કિશોરાવસ્થામાં હતી ત્યારે ભણતરની સાથે સાથે પરિવારને ખેતીકામમાં મદદ કરતી હતી. એ સમયે આગળ જીવનમાં શું કરવું એના કોઈ સ્પષ્ટ વિચારો નહોતા. અચાનક ખોટી-બૂરી સંગતમાં સરિતા ભેરવાઈ ગઈ.બ્રેઈન વોશ કરવામાં આવતા તેને વિદ્રોહી ગ્રુપમાં જોડાઈ જવાની તીવ્ર ઈચ્છા થઇ આવી હતી.ઝાઝો વિચાર કર્યા વિના તેણે એક કદમ એ દિશામાં માંડી પણ દીધું હતું. શસ્ત્રધારી બળવાખોરોને ગેરકાયદે શસ્ત્રોની હેરફેરમાં એનાથી મદદ થઇ ગઈ હતી. સરિતા મણિપુરની રાજધાની ઇમ્ફાલના પર્વતીય વિસ્તારના મયાંગ ગામની રહેવાસી છે. ૧૯૯૦ના દાયકામાં આ ગામમાં લોકોને ઉશ્કેરીને વિદ્રોહીઓ બનાવવાની કોશિશો થઇ રહી હતી. એ દિવસો યાદ કરીને સરિતાદેવી જણાવે છે કે ‘મારા ગામમાં વિદ્રોહીઓ સલામત રીતે રહી શકતા હતા. મારી બે સ્કૂલ ફ્રેન્ડ તો બળવાખોરોના ગ્રુપમાં જોડાઈ પણ હતી.જોકે, ત્યાર પછી એમનું શું થયું એની આજ દિન સુધી મને ખબર નથી પડી. પછી તો કિશોરો ડ્રગ્સના રવાડે ચડી રહ્યા હોવાનું જોવા મળ્યું હતું.’

બસ, સરિતાના કદમ અવળે રસ્તે આગળ વધતા અટકી ગયાં. આ કિશોરોને સારે અને સાચે રસ્તે કઈ રીતે વાળી શકાય એના વિચારો જ એને ઘેરી વળી રહ્યા હતા. નજર સામે સમવયસ્ક મેરી કોમનું ઉદાહરણ હતું જ. હાથમાં બંદૂક પકડવાના વિચારને કાયમ માટે ગોળી મારીને હાથમાં બોક્સિંગના ગ્લ્વ્ઝ પહેરી લીધા. વિશ્ર્વવિખ્યાત બોક્સર મોહમ્મદ અલીથી સરિતા અત્યંત પ્રભાવિત હતી. ૨૦૦૦ની સાલમાં ૧૮ વર્ષની ઉંમરે સરિતા પ્રોફેશનલ બોક્સર બની ગઈ અને બીજે જ વર્ષે એટલે કે ૨૦૦૧માં બેન્ગકોકમાં યોજાયેલી એશિયન સ્પર્ધામાં તેણે ભારતનું પ્રતિનિધિત્વ કરીને સિલ્વર મેડલ મેળવ્યો. ગળે ફાંસીનો ફંદો આવી શક્યો હોત, પણ હવે મેડલ આવી પડ્યો. ત્યાર બાદ તેણે કેટલાક ચંદ્રકો જીત્યા, પણ ૨૦૧૨માં લંડન ઑલિમ્પિક્સ માટે એ ક્વોલિફાય ન થઇ શકી. એટલે ગામમાં વધુ સમય રહેવા મળ્યું, પણ ત્યાં તેણે જે કંઈ જોયું એ જોઈને ખૂબ વ્યથિત થઇ ગઈ. ‘મેં જોયું કે સાતમા-આઠમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ ડ્રગ્સના રવાડે ચડી ગયા છે. મને બહુ દુ:ખ થયું. એ વખતે હું પ્રેગ્નન્ટ હતી.હું જઈને કેટલાક પેરન્ટ્સને મળી. તેમનાં બાળકોને મારા ઘરે મોકલવા સમજાવ્યા જેથી હું તેમને બોક્સિંગ કરતા શીખવી શકું.’

શરૂઆતમાં સારો પ્રતિસાદ ન મળ્યો. બહુ ઓછા વાલીઓ પોતાનાં સંતાનોને મોકલવા રાજી થયાં. ‘ધીમે ધીમે વિશ્ર્વાસ સંપાદિત થતો ગયો અને શીખવા આવતાં બાળકોની સંખ્યા વધવા લાગી. એટલે પછી મેં ઘરની બદલે કમ્યુનિટીના હોલમાં તાલીમ આપવાનું શરૂ કરી દીધું.’

નાના પાયે શરૂ થયેલી સરિતા રિજિયોનલ બોક્સિંગ એકેડેમી હવે એક ટ્રેઇનિંગ સેન્ટર બની ગયું છે જ્યાં ૭૦ બાળકો તાલીમ લઇ રહ્યાં છે. હવે એક કોલેજના ઇન્ડોર હોલમાં તાલીમ આપવામાં આવી રહી છે. આ સેન્ટરમાં બે બોક્સિંગ રિંગ છે, પણ વધુ સગવડો નથી. આ વર્ષના પ્રારંભમાં એકેડેમીના બે ટ્રેઇનીઓએ ખેલો ઇન્ડિયામાં ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવ્યા છે. હવે આ બેઉ બોક્સરોને ખેલો ઇન્ડિયા યોજના હેઠળ આવરી લેવાયા છે અને દર મહિને તેમને દસ હજાર રૂપિયાનું સ્ટ્રાઈપન્ડ આપવામાં આવે છે. વાત આટલેથી નથી અટકતી. એકેડેમીના ચાર બોક્સરોને દેશના અગ્રણી બોક્સિંગ સેન્ટરની ઓળખ ધરાવતા પુણેની આર્મી સ્પોર્ટ્સ દ્વારા વધુ તાલીમ અપાઈ રહી છે. સરિતાદેવી જણાવે છે કે ‘અમારી પાસે ઝાઝી સગવડો નથી. એટલે વિદ્યાર્થીઓ જુનિયર લેવલમાં સ્થાનિક સ્તરે સારો દેખાવ કરે એ પછી તેમને આર્મી ઇન્સ્ટિટ્યૂટમાં મોકલવામાં આવે છે. આ વર્ષે તો સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયાના અધિકારીઓ એકેડેમીની મુલાકાતે આવ્યા હતા અને ૪ ટ્રેઇનીઓને આંશિક મદદ કરવા તૈયાર થયા છે. આ પ્રકારે સહાય મળતી રહે તો કિશોરોને આગળ વધવામાં ખૂબ મદદ થઇ શકે છે. કેટલાંક બાળકો તો એવા ગરીબ પરિવારોમાંથી આવે છે કે તેમની પાસે સ્કૂલની ફી ભરવાના પૈસા પણ નથી હોતા.’

સરિતાનો આ પ્રયાસ ધીમે પણ મક્કમ ગતિએ આગળ વધી રહ્યો છે. એને વધુ વેગ સાંપડે અને વધુ બાળકો ખોટા રસ્તે આગળ વધતા અટકે એવી શુભેચ્છા તો આપીએ ને !

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

8Lc8651
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com