Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
ભારતમાતા: સમય બદલાયો, સ્વરૂપ બદલાયુ

સાંપ્રત-શિલ્પા શાહવર્ષ ૧૮૭૩માં કિરણચંદ્ર બંદોપાધ્યાયના નાટક ‘ભારતમાતા’માં વિખરાયેલી, વિભાજિત ઉદાસીન માતૃભૂમિની એક છબી, એક છાપ મળી, જે બહુ અસરકારક રીતે શરૂઆતનાં રાષ્ટ્રવાદી સ્મરણમાં પ્રવેશી ગઈ હતી! પરંતુ બહુ જલદી દેશને આઝાદ કરાવવાની પ્રતિજ્ઞા અને સંજ્ઞાની લિપિએ એક દેવીનો આકાર-સ્વરૂપ લીધું હતું. અહીંથી નવા શોધાયેલા ઈતિહાસ તરીકે રાષ્ટ્રવાદનો ઉદય થયો.

હિન્દીના અતિ ખ્યાત ફણીશ્ર્વરનાથ રેણુએ તેમની પહેલી નવલકથા ‘મૈલા આંચલ’માં લખ્યું છે, "માઈ જી કે પાંવો કી ચમડી ફટ ગઈ થી. લહુ સે પૈર લથપથ હો ગયે થે... માઈ જી કા દુ:ખ દેખ કર, રામકૃષ્ણબાબુ કા બખાન સૂન કર ઔર તિવારી જી કા ગીત સૂન કર વહ અપને કો રોક ન સકા. કૌન સંભાલ સકતા થા ઉસ તાન કો?... ગંગા રે જમુનવા કી ધાર નયનવા સે નીર બહી. ફૂટલ ભારતીય કે ભાગ ભારત માતા રોઈ રહી...

અતિશય લોકપ્રિય થયેલી હિન્દી નવલકથા ‘મૈલા આંચલ’માં વીતક વેઠતી માતાની છબી-છાપ આ પંક્તિઓમાંથી સાંપડે છે, એ ખરા અર્થમાં ભારતમાતાના એ તમામ કલ્પના-ચિત્રોમાં કોઈ પણ શક વિના કેન્દ્રીય છે, જે અંગ્રેજો પહેલાના અને અંગ્રેજો પછીના ભારતના લાંબા સમયગાળામાં રાષ્ટ્રીય ઓળખ-પરિચયને આકાર અને ફેર-આકાર આપ્યો છે. શરીરના રૂપમાં દેશની આ છબીનું મહત્ત્વપૂર્ણ પાસું એવું છે કે એ નથી ગુમનામ કે નથી અમૂર્ત!

એ રૂપ જાણીતું-ઓળખીતું છે, પરિચિત છે, શ્રદ્ધેય અને આદરણીય છે જે ગહન યાદોને પ્રગટાવે છે અને આ કથાની પળોમાં એ ગંભીર સંકટમાં છે. તીવ્ર વેદનામાં પણ એનું શરીર-સ્વરૂપ આદર-સન્માનનો કરવાનો આદેશ આપે છે.

આપણી પાસે એવા અનેક દાખલા છે જેમાં દેશ, ભારતનું માનવ સ્વરૂપ, ભારતમાતાનું સ્વરૂપ કાર્ટોગ્રાફિક રૂપમાં ભારતીય નકશા પેટે દર્શાવવામાં આવ્યું છે. આરએસએસના એક જાણીતા કેલેન્ડરમાં આવો ભારતમાતા સ્વરૂપનો દેશનો નકશો છે. આ પોસ્ટરમાં ત્રણ ભાગ છે, પણ કેન્દ્રીય છબીમાં આપણે એક મહિલાને દેશના નકશા પર કબજો કરતી જોઈએ છીએ, જે દેશને ખાસ્સું સ્પષ્ટ અને સ્પર્શી શકાય એવું રૂપ આપે છે. એને ભારતમાતાની કહી છે.

આ પોસ્ટરમાં ભારતમાતાની છબીની નીચે સ્વામી રામતીર્થનું એક કથન છે, જે જણાવે છે, "હું ભારત છું. ભારત મારું શરીર છે. ક્ધયાકુમારી એ મારા પગ છે અને હિમાલય મારું માથું છે. મારી જાંઘમાંથી ગંગા વહે છે અને મારો ડાબો પગ કોરોમંડળનો સમુદ્રતટ છે તો મારો જમણો પગ છે, મલબારનો દરિયા કિનારો. હું જ આ આખી જમીન છું. પૂર્વ ને પશ્ર્ચિમ મારા હાથ છે. કેવું અદ્ભુત મારું સ્વરૂપ છે!

હું ચાલું છું ત્યારે લાગે છે કે આખુંય ભારત મારી સાથે ચાલે છે. હું બોલું છું ત્યારે ભારત મારી સાથે બોલે છે. હું ભારત છું. હું સત્ય છું, હું ઈશ્ર્વર છું, હું સૌંદર્ય છું. આપણી છાપ રાષ્ટ્ર એક નારી હોવાની છે! અહીં દેશ પુરુષ વેશમાં છે.

ધર્મ અને રાષ્ટ્રીય ધર્મ પણ એક મુદ્દો છે. ભારતમાતાનું પ્રતીક અને એનું ભૌતિક રાજ્યતંત્ર સ્પષ્ટપણે ખાસ્સું પૌરાણિક છે. ભારતમાં રાષ્ટ્ર અને નાગરિકનો કાલ્પનિક સંબંધ ધર્મથી અને ધર્મ દ્વારા જોડાય છે. ભારતમાતાના સ્વરૂપ કે આકૃતિની વંશાવળીની જાણકારી ‘ઉનબિન્સ પુરાણ’ નામના વ્યંગાત્મક કૃતિમાંથી મળે છે, જે પુસ્તક બુદ્ધદેવ મુખોપાધ્યાયે વર્ષ ૧૮૬૬માં અનામી રીતે છપાવ્યું હતું.

આ ગં્રથમાં ભારતમાતાની ઓળખ આર્ય સ્વામીની વિધવા આદિ-ભારતી તરીકે કરાવાઈ છે, જે મૂળ રૂપે ‘આર્ય’

છે. આ પ્રતીકના ઈતિહાસમાં સીમાચિહ્ન રૂપ કે ઐતિહાસિક હસ્તક્ષેપ બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાયના ‘આનંદમઠ’થી થયો.

આ ક્લાસિક લખાણમાં ભારતમાતાના સ્વરૂપનું ત્રણ તબક્કામાં વિકાસવાદી કે ઉત્કક્રાંતિલક્ષી જીવનચરિત્ર છે. એમાં ભૂતકાળમાં હતી એ માતામાંથી વર્તમાનમાં છે એ માતામાં થતાં રૂપાંતરની કે સફરની વાત છે અને જે હજી પોતાને ભાવિમાં શક્તિશાળી માતામાં ફેરવવાની ક્ષમતા ધરાવે છે અને એ પ્રમાણે એ પોતાનું સ્વરૂપ બદલાવશે...

આવા ત્રણ તબક્કા આ લખાણમાં છે, એમ જાણકારો કહે છે. એના વર્તમાન સ્વરૂપમાં એ ‘કાલિ’ છે, જે સ્મશાનભૂમિમાં શિવજીની છાતી પર બેસી નૃત્ય કરી રહી છે! જે ક્રમબદ્ધતાને ઉલટાવી દેવાનો સંકેત આપતાં જાણે ભારત અને સ્મશાનભૂમિ વચ્ચે સાદૃશ્યતા સૂચવી રહી છે.

એની અંતિમ છબી કે સ્વરૂપ દસ સશસ્ત્ર હાથધારી ‘દુર્ગા’નું છે, જેના જુસ્સો પ્રેરનારાં હથિયારો સાથે પ્રચંડ શક્તિનું પ્રતીક છે. આવી પ્રાતિનિધિત્મકતા પ્રચલિત ધાર્મિક સંસ્કૃતિમાં ફેરબદલ લાવવા દ્વારા તેની લોકભોગ્ય અપીલનો વિસ્તાર કરતાં નવો જન્મેલો રાષ્ટ્રવાદ સૂચવે છે.

નારીવાદી સમીક્ષક અને કાર્યકર જશોદા બાગચીનું કહેવું છે કે, ‘આનંદમઠ’ એ સત્તા અને વિકાસની હકારાત્મક વિચારધારા સંબંધે બંકિમચંદ્રની પ્રતિક્રિયા છે.

સ્વદેશી પછીના કાળમાં ભારતની, એક રાષ્ટ્રની છાપ કે છબીમાં વધુ એક મોટો ફેરબદલો જોવા મળ્યો. આનંદ કુમારસ્વામીની એક ટૂંકી વાર્તા ‘ભારતમાતા’માં જોવા મળ્યા અનુસાર દેશનું દેવી સ્વરૂપ ગૃહિણી અને માતામાં ફેરવાયું.

આ એક ઊંચી, ગોરી, યુવાન મહિલાની વાત છે. એ ધનવાન હતી અને ઘણાં લોકો એના હાથની માગણી કરતા હતા. એમાંથી એને જેના માટે, સહેજેય પ્રેમ નહોતો એનો એનાં શરીર પર અનેક વર્ષો કબજો હતો.

હવે એક અજાણ્યો માણસ સ્વતંત્રતા અને શાંતિના, એનાં સંતાનોના સંરક્ષણનાં વચન લઈ આવ્યો હતો ને પ્રેમ અભિવ્યક્ત કરતો હતો. એ યુવાન મહિલાએ એ અજાણ્યાની વાત માનીને એનો હાથ ગ્રાહી લીધો હતો.

વાર્તા આગળ ચાલે છે કે સ્ત્રીના કેટલાંક સંતાનો સત્તા આંચકી લેવા અને એમના અધિકારો અને કાનૂનમાં હસ્તક્ષેપ કરવાના આરોપ સાથે પેલા અજાણ્યાની વિરુદ્ધ ખડા થયા. એમ છતાં એમની માતા શાંતિ અને આરામના ખ્વાબ જોતી હતી.

આ કથા ખાસ્સી આગળ ચાલે છે અને લેખક છેવટે દાર્શનિક નિરાકરણ આપે છે કે, "આ કહાણી હજી પૂર્ણ થઈ નથી, પણ એનો અંત પણ ઝાઝો દૂર નથી, એ અંતનો પણ આગોતરો ભાસ થઈ શકે છે! આ કથાના પ્રકાશનને ૯૦ વર્ષ થયાં પછી એક વસાહતી સ્થાનમાંથી વાંચીને એવી રોમાંચક નહીં લાગે એમ છતાં એક રાષ્ટ્રનું એવું સજીવારોપણ છે જેનાથી આપણે ટેવાયેલા છીએ.

જોકે, એક દેવીમાંથી એક મનુષ્ય જીવમાં એનું રૂપાંતરણ ખાસ્સું મહત્ત્વનું છે. ભારતમાતાનું જે ચિત્ર શ્રી અરવિંદે જોયું હતું

તેમાં પણ આ કથા જોડે સમાંતરપણું જોઈ શકાય છે. તેમણે એમ કહ્યું હતું કે આ દૃશ્ય એવું છે જેને ધર્મથી વિભાજિત કરી શકાય નહીં.

આખરે ભારતમાતાનું ધર્મના ક્ષેત્રમાં પદાર્પણ છેક વર્ષ ૧૯૩૦માં થયાનું કહેવાય છે. વર્ષ ૧૯૩૦માં બનારસમાં ભારતમાતાનું મંદિર બાંધવામાં આવ્યું અને એનું ઉદ્ઘાટન અન્ય કોઈ નહીં, પણ મહાત્મા ગાંધીએ કયુર્ં હતું. મંદિરમાં કોઈ દેવી-દેવતાનું પ્રતીક નથી, પણ ભારતનો નકશો માત્ર આરસપહાણમાં કોતરેલો છે. મે ૧૯૮૩માં હરિદ્વારમાં ભારતમાતાનું બીજું મંદિર બંધાયું, જેમાં દેવીની પ્રતિમા છે, જેના એક હાથમાં દૂધનો ઘડો છે, બીજા હાથમાં અનાજનો પૂળો છે.

વ્યંગ્ય ચિત્રકારોના કાર્ટૂનમાં પણ ભારતમાતા સદંતર ભિન્ન વિચારથી પ્રગટ થઈ છે. પ્રખ્યાત કાર્ટૂનિસ્ટ શંકરનું એક અતિ વિખ્યાત કાર્ટૂનમાં ભારતમાતા અલગ સ્વરૂપે પ્રગટી છે. શંકરે આર્ટિસ્ટ બોટિસેલીના ‘વિનસ’ નામના વિખ્યાત પેઈન્ટિંગ પર રમૂજ કરતાં નગ્ન સ્ત્રીસ્વરૂપ રાષ્ટ્રને વૃદ્ધ અને માયાળુ જવાહરલાલ નહેરુ કપડું ઓઢાડતાં નજરે પડે છે! કાર્ટૂનમાં રમૂજકારે છદ્મ રૂપે આપણે દેશનાં પ્રતીકનું શું કર્યું છે એના પર જોરદાર ફટકો માર્યો છે. આજે આપણે એથી વધીને જાણે પ્રતીકને જ ગાયબ કરી દીધું હોય એવા સંકેતો છે.

યુવાનો ‘ભારતમાતા’ વિશે શું માને છે, એ વળી નવો અને જુદો વિષય છે. આજે ભારતમાતા-પ્રતીક રાષ્ટ્રવાદમાં તબદીલ થયું છે એમ કહી શકાય અને રાષ્ટ્રવાદ નવો ધર્મ બન્યો છે એમ ચોક્કસ જ કહી શકાય!આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

q611o4
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com