Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
હિમાદ્રિ અમલિન સુહાસે, ઊભો આભ અઢેલતો

કવિતાની કેડીએ-નલિની માડગાંવકરસમજણનાં ‘કોડિયાં’ સમાજમાં અને હૃદયમાં ‘પુનરપિ’ સાચવનાર આપણા માનીતા કવિ કૃષ્ણલાલ શ્રીધરાણી. આપણા પ્રતિબિંબને જ ભાવ-ભાવનાઓથી નિર્મળ બનાવવાનો અભિગમ કવિનો રહ્યો છે. અહીં કવિતામાં તર્કને સમાવનારી કવિની નિરાળી નિરુપણ પદ્ધતિ છે. અમેરિકાનો પ્રવાસ કરવા છતાંય હૈયું તો પંખીની જેમ ફરી ફરીને દેશની ભૂમિ પર ઊતરનારું હતું.

બાળકાવ્યો રચ્યાં અને શિશુ જેવી આનંદની મુક્ત અનુભૂતિ કરી. રવીન્દ્ર પ્રભાવ અને ગાંધી પ્રભાવના બે સ્તંભો વચ્ચે સેતુ બાંધીને કવિના મનોભાવ વિસ્મયકારક આવનજાવન કરતા રહ્યા. આ આનંદ જ નિરામય દેશભક્તિના મૂળમાં જોવા મળ્યો. સૌન્દર્યનું આકંઠપાન કરનાર કવિ શ્રીધરાણીએ જાણે વિષાદને પ્રસ્વેદ બિંદુની જેમ ખંખેરી નાખ્યો છે. કવિ રવીન્દ્રનાથ ટાગોરની ઈશ્ર્વર શ્રદ્ધા કવિએ આત્મસાત્ કરી છે.

‘સ્વમાન’માં અનુભવની સચ્ચાઈનો રણકો છે. સન્માન અને સ્વમાનને સાચવવું ઊંડી સાધના માગી લે છે. આધુનિક યુગમાં ક્ષણે ક્ષણે માણસ સ્વમાનને ગુમાવી ગુસ્સામાં અભિમાનનો રણકો સાચવતો જણાય છે. આપણી સંતપરંપરા એક વાતને વારંવાર નમ્રતાથી કહી રહી છે કે જે વસ્તુની સ્વીકૃતિ મન ન કરે એ વસ્તુ પાછી વળીને ઘા કરનારને જ આઘાત-પ્રત્યાઘાતનો અનુભવ કરાવતી હોય છે. સમાજસુધારણાનો કેવો મધુર પ્રસ્તાવ આ કવિતામાં ભર્યો પડ્યો છે. મન, વચન અને કર્મ સાથે આ સ્વીકૃતિ - અસ્વીકૃતિ જોડાયેલી છે. કોઈ વાણીથી ગાળ આપે ત્યારે તમે મલકો તો ગાળ બોલનારનો ગુસ્સો આસમાને પહોંચે છે. આ તો થઈ બાહ્યવર્તનની વાત પણ આપણું હૈયું તો અક્ષયપાત્ર જેવું છે. એ કેટલું બધું, કેટલા કાળ સુધી સાચવે છે! રચનાના પ્રારંભમાં જ કવિ માન અને અપમાનની બે દિશા તાર્કિક રીતે દર્શાવે છે. હૈયા પર પહેરેલું જ્ઞાનપુત અનુભવનું બખ્તર કેટકેટલી વાતોથી આપણા મનને નારાજ થતું બચાવી લે છે! રાજારામે પણ સંસારનો અનુભવ આવી જ સમજણથી કરેલો. તેથી જ આવા લોકોત્તર પુરુષરૂપે રહેલી વ્યક્તિને આપણે દેવ માનીએ છીએ. હૃદયને વજ્ર સમું અભેદ્ય બનાવો તો જેટલા બાણ માર્યાં છે એ બધાં પાછાં ફરીને મારનારને જ વીંધે છે. કેવી યર્થાથ ઘટના છે! જેને હાથ સોંપાઈ હોય એ જ વાતને સાચવી શકે છે. સર્જક ભવભૂતિનો ‘ઉત્તર રામચરિત’માં એક ભાવ, એક પ્રશ્ર્ન આવો જ સર્જન પાછળનો છે. ધબકતું હૈયું સત્યની સાથે વજ્ર જેવું મજબૂત બને છે.

હવે એ જ હૈયાની અટલ વૃત્તિ હિમાદ્રિ જેવી નિર્મળ છે. વાદળોનો ગડગડાટ, વાયુનું તાંડવ, ઝંઝાવાતમાં ઘૂમતી વીજળીનો ઝબકાર, ક્યાંક ક્રોધથી પૃથ્વી પર ત્રાટકતી વીજળી... આ વાણીનો ગડગડાટ, વિચારોનો વંટોળ, ઝબકતી વીજળી જાણે વાતાવરણ ભયત્રસ્ત અવસ્થા જ દર્શાવે છે. વીજળીના પ્રકાશમાં એક જ અટલ હિમાલયનું દર્શન છે. એ હિમાલય શુભ્ર છે. એટલું જ નહીં ‘સુહાસ’થી શોભતો છે જે પોતાના નિર્ણયની અડગતા દર્શાવે છે એ બધા સ્મિતની શોભા વધારનાર જ હોય છે. આભને અઢેલીને હિમાલય શોભી રહ્યો છે. એવી જ રીતે મારો જીવ પણ અપમાનોને સ્વીકાર્યા વગર હાસ્યથી અવહેલના કરી રહ્યો છે; અર્થાત્ અનાદર કરી રહ્યો છે. કોઈનો અનાદર અહિંસક રીતે હસીને કરવો એની પાછળ સાધનાનું કેવું નિર્ણયાત્મક બળ છે! આવો હતો વૃક્ષની જેમ છવાયેલો કવિ પરનો ગાંધીપ્રભાવ. આવો હતો કવિના વિષાદમુક્તિનો અભિગમ. જીવનરીતિનો પંથ કવિ નિર્દેશે છે. ‘બારેમેઘ ખાંગા’ થઈને વરસે ત્યારે કેવો ઝંઝાવાત સર્જાય એ તો પરિસ્થિતિનો સામનો કરી રહેલી વ્યક્તિ જ જાણી શકે છે, છતાં એ બધામાંય અટલ, અડગ રહીને સ્મિત કરતો માનવી ‘દશાંગુલ ઉર્ધ્વ’ રહે છે.

સ્વમાનના મહેલ તો અડગ પથ્થરનું, પુરુષાર્થનું ચેતનાપૂર્ણ ચિત્ર છે. રેતી અને રણ - બંને છે પણ વ્યર્થ છે. શ્રદ્ધાના અડગ પાયાને વધુ વિશ્ર્વાસુ બનાવનાર આ ભક્તિ છે. ‘પ્રાણનો પાયો’ એ પણ એકવચનમાં નહીં; ‘પ્રાણના પાયા’ બહુવચનનો પ્રયોગ છે. ખડકને તોડનાર માણસ ખાલી હાથે પાછો નથી ફરતો એ ભકિતનું ઝરણું, આર્દ્રતા પોતાની હયાતી માટે લઈ આવે છે.

તર્કથી શરૂ થતી આ નાનકડી રચના શ્રદ્ધા-ભક્તિમાં પરિણત થાય છે. પોતાની નવતર કવિતાને અનેક પ્રયોગોથી મનહર બનાવી છે, પણ પરંપરા સાથે છેડો નથી ફાડ્યો. ધારદાર કટાક્ષોવાળા છતાં સંવાદમાં બુદ્ધિનું સ્તર જાળવનારાં નાટકો પણ એમણે રચ્યાં છે.

‘પિયો ગોરી’નાં એકાંકીઓ પ્રણયના અનેક રંગ દર્શાવનારાં છે. યુગની છાપ ઝીલવા છતાં નાટકોમાં પણ કવિતાની છબી એમણે અનેક અંશોથી હેમખેમ રાખી છે. સમાજમાં વસીને પણ એની રૂઢિ પરંપરાથી માણસને બચાવવાનો પરિચય કવિ-સર્જકે કર્યો છે. પદ્ય હોય કે ગદ્ય પણ શ્રીધરાણીએ પોતાની શૈલીને એકપગથિયું ઊંચે ચડવા દીધી છે. સાંકડી બારીમાંથી વિરાટનું દર્શન કરનારા અને આવાં દૃશ્યોની અપેક્ષા સેવનારા આપણા કવિ છે.

‘સ્વમાન’ રચનાના અંતમાં કવિ પ્રારંભની પંક્તિઓનો પુનરુચ્ચાર જ કરતા નથી પણ પ્રથમ ડગલું અંતમાં તૃપ્તિનો ઘૂંટ પાનારું છે. બલ્કે આધ્યાત્મિક વિકાસની સીડીનું ઉપલું પગથિયું બની જાય છે.

એ જ કવિ લાગણીસભર હૈયે ‘માતૃદિન’ નિમિત્તે પ્રેમ-ભક્તિના સમન્વયની પંક્તિઓ માતૃભક્તિની અંજલિ રૂપે આપે છે;

"આરાધનામાં સ્મરું રૂપ બાનું!

ને બા સ્મરીને પ્રભુરૂપ પામું!

(‘મારી બા’)

---------------------------

સ્વમાન

માન તમારે હાથ ન સોંપ્યું;

કેમ કરી અપમાનશો?

વજ્ર સમું અણભેદ હૃદય આ,

શર સૌ પાછાં પામશો.ઘન ગરજે, વાયુ ફૂંકાયે,

વીજળી કકડી ત્રાટકે;

બાર મેઘ વરસી વરસીને

પર્વત ચીરે ઝાટકે.

હિમાદ્રિ અમલિન સુહાસે,

ઊભો આભ અઢેલતો;

આત્મા મુજ તમ અપમાનોને

હાસ્ય કરી અવહેલતો.રેતી કેરા રણ ઉપર ના

બાંધ્યા મ્હેલ સ્વમાનના;

શ્રદ્ધાના અણડગ ખડકો પર

પાયા રોપ્યા પ્રાણના!માન તમારે હાથ ન સોંપ્યું

કેમ, કરી અપમાનશો?

વજ્ર સમું અણભેદ હૃદય આ

શર સૌ પાછાં પામશો.

- કૃષ્ણલાલ શ્રીધરાણી

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

5374au24
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com