Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
ગરીબીનો ખેલ, નેતાઓની રમત

પરેશ શાહએક અખબારમાં જાણીતા કાર્ટૂનિસ્ટનું એક કાર્ટૂન છે કે, ગામડામાં એક ઝૂંપડા સમક્ષ ગરીબો માટે કામ કરનારી સ્વયંસેવી સંસ્થા (એનજીઓ)ના પ્રતિનિધિ ઊભા છે. વિના કપડે અને ઊઘાડ પગે ઊભેલો એક બાળક પિતાને પૂછે છે, "આ લોક હું કરટા છે? ફક્ત પોતડીધારક પિતા કહે છે, "ગરીબને હારુ કામ કરટા છે. છોકરો ફરી પૂછે છે, "એન્ઠી હું ઠહે? પિતા જવાબમાં કહે છે, "એન્ઠી એ લોકની ગરીબી જટી રેહે.

ગરીબો માટેની યોજનાઓ પરનું આ કાર્ટૂન જેટલું માર્મિક બીજું કશું કહી શકાય એમ નથી. એક જણ તો એવું કહે છે કે, ગરીબો માટે ચલાવાતી આપણે ત્યાંની યોજનાઓ એને ચલાવનારાઓની ગરીબી દૂર કરવા માટે જ છે! ગરીબના ખભે બેસીને શ્રીમંતાઈ રળે છે, એમ પણ કહેવા-માનવામાં આવે છે. મૂળમાં આ ‘ગરીબ ગરીબ’નો ખેલ ક્યારે શરૂ થયો હતો? બીજા વિશ્ર્વ યુદ્ધના સમયમાં લશ્કર માટે અન્ન પુરવઠાનો વિષય પ્રચંડ પડકાર સમાન હતો. આ કારણે અંગ્રેજોએ આપણે ત્યાં રેશનિંગની વ્યવસ્થા ઊભી કરી હતી. એ રેશનિંગ સુવિધા એટલે ‘ગરીબ ગરીબ’ નામના ખેલનો આરંભ! આગળ જતાં આ યોજના બંધ ના થઈ, કારણ કે ગરીબોને અનાજ સપ્લાય કરવામાં અન્યોનું મોટું હિત હતું. એ કારણે ‘ગરીબોનું કલ્યાણ એ જ અમારું હિત’ એવું બિરુદ લગાડીને આ કારભાર ચાલતો રહ્યો હતો. એ માટે ‘લેવી’ના નામે ખેતીનું અધિકૃત શોષણ શરૂ થયું.

૧૯૬૫ની ‘હરિત ક્રાંતિ’ બાદ આખા જગતમાંથી અન્નધાન્યની તંગીનો વિષય જ નાબૂદ થતો ગયો. હવે રહ્યો વિષય એ આ અન્ન વિતરણનો. એમાં આજ પણ ત્રુટી છે. એને પરિણામે મેલઘાટ જેવા આદિવાસી ભાગમાં કુપોષણનો ભોગ બનનારાના કિસ્સા જોવા મળે છે. હવે જોકે, એનું પ્રમાણ ઘટ્યું છે. ગરીબીનો આવો ખેલ બધા જ રાજકીય પક્ષોની ગમતી રમત છે. વર્ષ ૧૯૭૧માં ઈંદિરા ગાંધીએ ‘ગરીબી હટાવ’નો નારો આપ્યો એની વિરોધીઓએ મજાક ઊડાવતાં "મેં કહેતી હું ગરીબી હટાવ, વો કહતે હૈં ઈંદિરા હટાવ’ના વળતા એલાન સાથે હલ્લો બોલાવ્યો હતો. આ પ્રચાર પવનની જેમ ફેલાયો અને તેમાંથી બે-તૃતીયાંશ બહુમતીવાળી સંસદ મળી હતી. ત્યારથી ‘ગરીબી’ એ પ્રચારનો ચલણી સિક્કો બની ગઈ હતી. આગળની જનતા સરકાર પણ એમાં અપવાદ નહોતી. એ વખતે કેન્દ્રમાં મોહન ધારિયા વેપાર પ્રધાન હતા. તેમણે કાંદાની નિકાસ અટકાવી હતી, જેને પગલે કાંદાનાં ભાવ તૂટ્યા હતા ખેડૂતોમાં અસંતોષ પેદા થયો હતો. પૂણે જિલ્લાના ચાકણ ખાતે રસ્તા રોકો આંદોલન થયું હતું. સરકારની કાંદા સંબંધી નીતિમાં ‘ગરીબોને કાંદો સસ્તામાં મળવો જોઈએ’ એ જ એક વિચાર-સૂર હતો.

આજે પણ આ જ પરિસ્થિતિ યથાવત્ છે. ગરીબના નામે રાજકારણ કરવાની બાબતને પ્રાધાન્ય આપવામાં આવે છે. યુનાઈટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ-૧ (યુપીએ-૧)ના કાળમાં ડાબેરીઓના ટેકાથી મનમોહન સિંહની સરકાર સત્તામાં આવી. એ વખતે મનરેગા જેવી યોજના ચલાવાઈ હતી. અનાજ-અન્ન સલામતીના નામે સાર્વજનિક અનાજ-ધાન્ય વિતરણ સેવાને વધારે મજબૂત બનાવાઈ હતી. આ બેઉ કારણે ‘ગરીબી’નું રાજકારણ જોરમાં ચાલ્યું હતું. ખરેખર તો છેલ્લા ૬૫-૭૦ વર્ષથી આપણે મોટા પાયે ગરીબીનું રાજકારણ કરીએ છીએ, તો ગરીબી નાબૂદ કેમ નથી થતી? ગરીબીનો ઉગમ ક્યાં છે?

વર્ષ ૧૯૮૦થી ચાલેલાં ખેડૂતોનાં આંદોલનને કારણે એક કડવું સત્ય બહાર આવ્યું કે શુષ્ક ખેતી કે સૂકી ખેતી કે ઓછા પાણીથી થતી ખેતી એ ગરીબી દૂર કરવાનું સૌથી મોટું કારખાનું છે અને શાસન-વહીવટીતંત્ર જાણે શુષ્ક ખેતીની સતત ઉપેક્ષા કરવાની વણલખી નીતિ ચલાવે છે. આ રીતે જોતાં કહી શકાય કે ગરીબી દૂર કરવાનો બબડાટ કરતી વખતે પણ ગરીબી સતત રહેવી જોઈએ એવી નીતિ જ અમલમાં મુકાતી રહી છે. ગરીબી યથાવત્ રહેવાના રાજકીય ફાયદા મળે છે, કારણ કે અમે ગરીબો માટે કશું કરીએ છીએ એ દેખાડવાનું ફક્ત રાજકીય નેતાઓને જ શું કામ સમાજના દરેક જણને ગમે છે! સરકાર જ શું કામ ખાનગી સંસ્થાઓને સુધ્ધાં ગરીબો માટે કશું કરવાનો દેખાડો કરવામાં રસ પડે છે. અહીં આપણે નામ ન લઈએ પણ એવી કેટલીય સેલિબ્રિટીઓ છે જેમણે આત્મહત્યા કરનારા ખેડૂતોની વિધવાઓને નાણાંકીય સહાય કરી અને તેમની એ પ્રવૃત્તિને ખાસ્સી મોટી પ્રસિદ્ધિ પણ મળી જ, સમાચાર માધ્યમોમાંથી એકેય જણે આ મદદકર્તાઓને એવા સવાલ ન પૂછ્યો કે, "આ વિધવાઓને કાયમ માટે આજીવિકા, જીવનનિર્વાહ મળી રહે એ માટે કોઈ પ્રયાસ કર્યો છે ખરો? લાખો રૂપિયાના ચેક લખનારાઓએ આપઘાત કરનારા ખેડૂતના ઘરનાને ઓછામાં ઓછી એક નોકરી, એક રોજગાર કે એક નાનકડો વેપાર-વ્યવસાય ઊભા કરી આપવાની જવાબદારી કેમ લીધી નથી?

મહારાષ્ટ્રમાં એક નિષ્ણાતે ભિખારીઓ સંબંધે ઊંડો અભ્યાસ કર્યો છે. તેમના અભ્યાસનાં તારણો ચોંકાવનારા છે. તેમનું કહેવું છે કે, "ભીખ માગવા કરતાં ભીખ આપવાની ગરજ વધારે હોય છે. એમના અભ્યાસ અનુસાર હિન્દુ, જૈન અને ઈસ્લામમાં દાન આપવાનું મોટું મહત્ત્વ છે એટલે ભીખારીઓની સંખ્યા વધારે હોય છે જ્યારે શીખ, બૌદ્ધ અને ખ્રિસ્તી ધર્મમાં ભીખને સ્થાન નથી એટલે તેમાં ભીખારીઓ નથી. શીખોએ ગરીબો માટે લંગરની વ્યવસ્થા કરી છે અને ઓછામાં ઓછું કામ પણ તેમને મળે એવી ગોઠવણ કરી છે. ભગવાન બુદ્ધે પણ ભીખારીઓ માટે અવકાશ રાખ્યો નથી. એ આધારે ભીખ એ માગનારાની નહીં, પણ આપનારાની ગરજ છે. ગરીબીને ચાલતી રાખવાની આ વાત એકવાર ધ્યાનમાં આવી જશે તો ‘ગરીબી’નો ખેલ રમવામાં કોને વધારે રસ પડે એમ છે એ આપોઆપ સમજાઈ જશે. દરેક રાજકીય પક્ષો ચૂંટણીને નિમિત્તે ગરીબોની ભાવના સાથે રમત રમે છે. આ વખતની લોકસભાની ચૂંટણી દરમિયાન જે રીતે વચનોની લહાણી કરાઈ છે એ આપણે જોઈ-અનુભવી છે. આમ ઠાલા વચનો આપવાનું કારણ છે. રાજકીય નેતાઓને કે પક્ષને પોતાનો ‘ઉલ્લુ’ સીધો કરવાનો હોય છે. એવી જ રીતે નોકરશાહી (બ્યુરોક્રસી)ને કે અમલદારશાહીને પણ જાત જાતની યોજના ચાલતી રાખવામાં ભારે રસ પડે છે, કારણ કે તેમને માટે એમાં જ ‘મલિદો’ છે. મનરેગાનું ઉદાહરણ તાજું છે. એ નાણાંં મજૂરના ખાતામાં સીધા જમા થવા લાગ્યા ત્યારથી નોકરશાહો અને ઠેકેદારોનો રસ એમાંથી ઊડી ગયો છે.

મનરેગાને ટેકો આપનારા કેટલાક વળી ગરીબને રોજગાર મળવો જ જોઈએ એવો મુદ્દો માંડે છે, પણ આજે ખુલ્લા બજારમાં મજૂરીનો ઓછામાં ઓછો દર ૨૫૦ રૂપિયા થયો છે, જે મનરેગા કરતાં વધારે છે. ગરીબો માટે સૌથી વધારે રોજગાર ખેતીમાં છે તો પછી કૃષિની ઉપેક્ષા કરીને ‘ગરીબી હટાવ’નો ઉદ્દેશ કેવી રીતે સફળ થશે? ખેડૂત જે અનાજ-ધાન્ય પકવે છે એ જ અનાજ માટે રેશનિંગની યોજના એના માથે શા માટે મારવામાં આવે છે? શહેરની ઝૂંપડપટ્ટીમાં રહેતો ગરીબ એ ગામડેથી સ્થળાંતરીત થયેલો છે. એક તો એ ગરીબને ખેતીમાંથી હાંકી કાઢ્યા પછી એની કાળજી-જતન કરવા માટે આ ‘ગરીબ’ માટે એવી જાત જાતની યોજનાઓ આવે છે. મહાત્મા ગાંધીએ કહ્યું છે, "ગરીબો માટે બીજું કશું કરવા કરતાં પહેલાં એમની છાતી પરથી ઊભા થઈ જાઓ (ટૂંકમાં ગરીબના ખભા પરથી ઊતરી જાવ). આ જ વાત થઈ રહી છે. ગરીબોની છાતી-ખભા પર સરકારી નીતિ, યોજનાઓ એની સજ્જડ ચડી બેઠી છે કે એ આ ગરીબોને એમના પગ પર ઊભા થવા દેતી નથી. એ કારણે જ ગરીબ એની ગરીબીમાંથી મુક્ત થઈ શકતો નથી.

ગરીબના ખાતામાં સીધા નાણાં જમા કરવા એ વાત અર્થશાસ્ત્રમાં બેસતી નથી. એમ છતાં તમામ રાજકીય પક્ષો સતત આ પ્રકારની ઘોષણા કર્યા કરે છે અને પક્ષની નિકટનો ઈકોનોમિસ્ટ-અર્થશાસ્ત્રી યોજનાને ટેકો આપે છે ત્યારે આપણે અવાક્ થઈએ છીએ! આવા સમયે કોઈને પણ એમ લાગ્યા વિના ન રહે કે આપણા ધનિક લોકો ગરીબી ઉપર જ જીવે છે અથવા એમ કહોને કે,‘ગરીબી રહે પર્મેનન્ટ તો નાણાં વરસે અનરાધાર.’ એક કવિએ આ સંદર્ભમાં એક પંક્તિ ટાંકી છે, ‘ગરીબીના માથે ચડી ને શ્રીમંતાઈ અભરે ભરાઈ’.

ગરીબી દૂર કરવાનો રાજમાર્ગ ખેતી વિરોધી કાયદા રદ કરવાનો, ગા્રમીણ વિસ્તારોમાં માખાકીય સુવિધા-જાળું નિર્માણ કરવું અને ખેતીને ઉદ્યોગનો દરજ્જો આપવાનો છે. કૃષિમાં જ સૌથી વધારે જનસંખ્યા સમાવી લેવાની ક્ષમતા છે. ગામડાઓમાંથી ૪૦ ટકા જ વસતી શહેરમાં સ્થળાંતર કરી આવે તો સમગ્ર વ્યવસ્થા ભાંગી પડે અને મુંબઈ જેવા શહેરની વ્યવસ્થા હચમચી તો ગઈ જ છે! હજીય ગામડેથી લોકોનો ધસારો શહેર તરફ ચાલુ જ રહ્યો તો શું થશે એની કલ્પના કરવી પણ અશક્ય છે અને શહેર તરફનું સ્થળાંતર ગરીબ લોકોનું જ સૌથી વધારે પ્રમાણમાં થાય છે એ જોતાં ખેતી ક્ષેત્રની ઉપેક્ષા હવે બિલકુલ ન પરવડનારી બાબત છે, એ સમજી લેવું જોઈએ.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

2JjD426
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com