Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
કારણ વિનાનું કામ: બસ, એમ જ!

ઉઘાડી બારી-ડૉ. દિનકર જોશીપાંચ છ વરસનું એક બાળક બગીચાની ધાર ઉપર ઉગેલા એક છોડના પાન ઉપર પોતાના જમણા હાથની હથેળીની આમતેમ આંગળીઓ ફેરવી રહ્યો હતો. બગીચામાં થઇ રહેલી ચહલપહલ ઉપર મુદ્દલ લક્ષ આપ્યા વિના પેલા છોડના પાંદડા ઉપર જમણેથી ડાબે અને ડાબેથી જમણે હાથ ફેરવ્યા કરતો હતો. હું એને જોઇ રહ્યો હતો પણ એને મારા જોવા ઉપર મુદ્દલ ધ્યાન નહોતું. એ બસ હાથ ફેરવી રહ્યો હતો. લીલાછમ પાંદડાની સુંવાળપને એવી જ નાજુકાઇથી સ્પર્શી રહ્યો હતો. આંખો એ પાન ઉપર જ કેન્દ્રિત થઇ હતી. થોડી વારે એ અટકી ગયો. એણે મને જોયો. હું હસ્યો અને પછીએની પાસે જઇને પૂછ્યું,"શું કરે છે બેટા? જવાબમાં એણે કહ્યું- "કંઇ નહીં’ પ મેં એને નજીક લઇને વહાલથી પૂછ્યું-"પણ તું ક્યારનો કશુંક કરી રહ્યો હતો એ શું હતું? પેલો બાળક હવે મુંઝાયો. પછી હસતાં હસતાં બોલ્યો "કંઇ નહોતું એમ જ.

એના આ ‘એમ જ’ સાથે હું એક ક્ષણમાં લગભગ ચાળીસ વરસ પાછળ ફેંકાઇ ગયો. આ ફેંકાઇ જવું દુર્ઘટના નહોતી. મનને ગમે એવું હતું. ચુનીલાલ મહારાજ નો ક્ઠ્ઠીવાડા આશ્રમ કોણ જાણે ક્યાંથી એક ક્ષણમાં તાદૃશ્ય થઇ ગયો. પેલા બાળકના આ ‘એમ જ’ સાથે ચુનીલાલ મહારાજની મોજ કાનમાં પડઘાઇ ઊઠી.

ગુજરાત અને મધ્ય પ્રદેશની સરહદ ઉપર પશ્ર્ચિમ રેલવેનું દાહોદ સ્ટેશન આવ્યું છે. દાહોદથી મધ્ય પ્રદેશનું કઠ્ઠીવાડા ગામ અડાબીડ અરણ્યો વચ્ચેથી બે ત્રણ કલાક પ્રવાસ કર્યા પછી આવે છે. ચુનીલાલ મહારાજ અહીં આદિવાસીઓ વચ્ચે સેવાની ધૂણી ધખાવીને બેઠા હતા. આદિવાસી બાળકોને અરણ્યમાં ભટકી ભટકીને સંસ્કારલક્ષી બનાવવા આ આશ્રમમાં લાવતા અને પછી એમને ખાનપાનથી માંડી શૌચાદિ સુધીની બધી ક્રિયાઓ શીખવતા. ચાળીસેક વરસ પહેલાં ચુનીલાલ મહારાજના આગ્રહથી એમની સાથે જ એમના આ આશ્રમની મુલાકાતે જવાનું થયેલું. ચુનીલાલ મહારાજ સવારે બાળકોને સ્નાન કરાવતા, પછી જમાડતા, પછી ભણાવતા, પછી સૂવડાવતા, પછી રમાડતા અને પછી દિવસ પૂરો થાય ત્યારે પ્રાર્થના કરાવતા અને પછી સૂવડાવી દેતા.

"તમે આવું બધું શા માટે કરો છો? એમના માબાપને આ બધું શીખવો- "મારાથી એમને પૂછાઇ ગયું.

"મને આવું બધું કરવામાં મોજ આવે છે. હું આ બાળકોને નહાતા ધોતા શીખવું છું અને એ પછી એ બધા બાળકો જ્યારે હું સ્નાન કરતો હોઉં છું ત્યારે એક એક ડબલું પાણી મારા પંડ ઉપર રેડે છે ત્યારે ભારે મોજ આવે છે.

ત્યારે આ મોજ મને નહોતી સમજાઇ. ચાળીસ વરસ પછી આજે અચાનક બગીચાના છોડ ઉપરના પાંદડા ઉપર હાથ ફેરવી રહેલા બાળકના આ ‘એમ જ’ શબ્દ સાથે બધું ઝળાહળાં થઇ ગયું.

આપણે કશું જ એમ જ નથી કરતા. આપણા ને કંઇ ફણ કરવા માટે કંઇક કારણ જોઇએ છે. આ લેખ તમે વાંચો છો એ કંઇ એમ જ નથી. આ લેખ મેં લખ્યો છે એ પણ એમ જ નથી. વાંચ્યા પછી તમે આ લેખમાંથી કશુંક જાણવા માંગો છો અને લખ્યા પછી હું આ લેખ છપાવવા માંગું છું. ‘મુંબઇ સમાચાર’ માં આ લેખ છપાયો છે અને મુંબઇ સમાચારે પણ આ લેખ એમ જ નથી છાપ્યો આ તમામ ક્રિયાઓ પોતપોતાના ચોક્કસ કારણ સાથે સંકળાયેલી હોય છે. આપણે કોઇપણ હલચલ એમ જ નથી કરતા. પગ ઉપર પગ ચડાવીને બેઠા હોઇએ એ અવસ્થામાં થી જમણા ડાબા પગની હેરફેર કરીએ છીએ કારણકે એકધારા બેસી રહેવાથી પગે ખાલી ચડી ગઇ હોય છે. કોઇપણ ક્રિયા સાથે કારણ સાંકળી દેવાથી આપોઆપ કર્તાભાવ હાવી થઇ જાય છે. આપણે એમ માની લઇએ છીએ કે આ કામ હું કરું છું.

શ્ર્વાસ લેવાની ક્રિયા આપોઆપ થાય છે. આપણે કરતા નથી. જો આ ક્રિયા આપણે કરતા હોત તો આપણે એને ક્યારેય બંધ જ ન થવા દેત. જે ક્રિયા આપણે કરતા નથી એ ક્રિયા વિશે પણ ‘હું શ્ર્વાસ લઉં છું’ એમ કહેતા આપણને જરાય સંકોચ થતો નથી. આપણો કર્તાભાવ એટલો જબરજસ્ત હોય છે કે આપણે કશું પણ કામ ‘એમ જ’ કરતા જાણે ભૂલી ગયા છીએ. ચુનીલાલ મહારાજની પેલી મોજ બગીચાના આ બાળકના ‘એમ જ’ સાથે સાંકળવા જેવી છે. ક્યારેક કોઇ પણ કારણ વિના કશુંક કરવા જેવું છે- સાવ અમથું અમથું.

સાચું કહેજો, મુંબઇ જેવા મહાનગરમાં વરસોથી વસનારા હે સજ્જનો અને સન્નારીઓ, પંખીઓની ઉડાઉડ જોયાને તમને કેટલા વરસ થયાં? તમારા પૈકી કેટલાક કદાચ સવારે અગાશીમાં કબૂતરોને ચણ નાંખતા હશે. કેટલાક સંધ્યા ટાણે મંદિર જઇને ચબુતરામાં ઉડાઉડ કરતા કબૂતરોને જોતા હશે (આ સંખ્યા પણ બહુ ઓછી હશે.) હવે અહીં કબૂતર અને કાગડા સિવાય બીજા પંખીઓ ઓછા દેખાય છે. પેટ પૂરતા દાણા ચણી લીધા પછી વધારાના વેરાયેલા દાણા સામે આ પંખીઓ જોતા નથી પણ ઉડાઉડ તો કરે જ છે. અહીંથી તહીં અને તહીંથી અહીં. ક્યારેક ડાળી બદલે છે તો ક્યારેક દીવાલ બદલે છે. શું કામ એવો પ્રશ્ર્ન કોઇ પૂછતા નહીં. ઉડાઉડ એમનું કર્મ છે, ચણવું એ પણ એમનું કર્મ હતું. ચણવું એ કર્મ એમના જીવનના હોવા સાથે સંકળાયેલું હતું. એ કર્મ પૂરતા એ કર્તા હતા બાકીની ઉડાઉડ એ નિર્ભેળ જીવન હતું અને એ જિવાતું હતું બસ એમ જ.

આવતી કાલે સવારે વહેલા ઉઠવાનું છે એવી ચિંતા આપણે આગલી રાત્રે કરીએ છીએ. વહેલા ઉઠવાનું છે કારણ કે વધારાના કામ પતાવવાના છે. આજે રાત્રે સૂવાનું મોડું થશે કારણ કે સાંજે ઢગલોએક કામ પૂરું કરવાનું છે. સવારનું આ કામ અને સાંજનું આ કામ આ બધા વચ્ચે આપણને એક પણ કામ અમથું અમથું કરવાની એક ક્ષણ પણ આપતું નથી. આપણે પેલા પંખીના જીવનકર્મના એક ભાગની જેમ ચણ પૂરતા જ કરતા નથી હોતા. ચણ પત્યા પછી આપણે એકધારા ડાળી કે દીવાલ બદલ્યા તો કરીએ જ છીએ પણ એમાં ક્યાંય ચણની વાત ભુલાતી નથી. આપણે બધું જ જાણે કે ચણ માટે જ કરી રહ્યાં છીએ. અમથું અમથું અને એમ જ કાંઇ નહીં.

ક્યારે અને ક્યા પુસ્તકમાં આ વિચાર વાંચ્યો હતો એ આજે યાદ નથી આવતું પણ આ વિચારક મુઠ્ઠી ઊંચેરો હશે આ વાત નક્કી. (કદાચ આ ઓલ્વિન ટોફલર હોઇ શકે - ભૂલચૂક લેવીદેવી.) એણે એમ કહ્યું છે કે દુનિયાભરની પ્રવૃત્તિઓ જો એક કલાક માટે થંભી જાય, વાહનવ્યવહાર, વિદ્યુત પ્રવાહો, અવરજવર, ધંધાઉદ્યોગો આ બધું જ એક કલાક માટે રોકાઇ જાય અને દરેક માણસ પોતે જ્યાં હોય ત્યાં જ આંખ બંધ કરીને બેસી જાય. બંધ આંખે આ એક કલાક પૂરતો એ એક જ વિચાર કરે કે પૃથ્વી ઉપર આપણે જે દોડધામ કરી રહ્યા છીએ એનો અર્થ શો છે? અને ક્યા કારણોથી દોરાઇને, શું મેળવવા માટે આપણે આ બધું કરી રહ્યા છીએ?

પેલા વિચારકે આ વિચાર આપણી સામે મૂક્યો છે અને પછી કહ્યું છે કે જો એક કલાક પૂરતી આ વાત ચરિતાર્થ થાય તો આ આખું વિશ્ર્વ એક કલાક પહેલાં હોય એ કરતાં એક કલાકને અંતે સાવ બદલાઇ ગયું હોય.

રોજ સવારે સૂર્ય પૂર્વ દિશામાં મોઢું બહાર કાઢે છે. રોજ સાંજે આ જ સૂર્ય વિપરીત દિશામાં ચહેરો સંતાડી દે છે. ઉગતા અને આથમતા આ સૂરજની કેડી રોજ થોડીક આગળપાછળ થઇ જતી હોય છે. એના કિરણો આપણા ઓરડાની બારી વાટે અથવા સામેની દીવાલના કાચમાં પ્રતિબિંબિત થઇને આવે છે. ક્યાંથી આવે છે, ક્યારે આવે છે, ક્યા આકારમાં આવે છે આ બધું ક્યારેય આંખ ઠેરવીને જોયું છે? એ શું કામ આવે છે એવો પ્રશ્ર્ન ક્યારેય મનમાં થયો છે? કરોડો માઇલ દૂરથી આ અતિથિ આંગણામાં ડોકિયું કરે છે ત્યારે એને આવકારવા ક્યારેય હાથ ફેલાવ્યો છે? ઓરડાની દીવાલ પર કે ફરશ ઉપર ફેલાયેલા તડકા ઉપર ક્યારેક હાથ ફેરવી જોજો. સૂરજના શબ્દો સાંભળવા જેવા હોય છે. એ કાનથી નહીં સંભળાય, સ્પર્શથી સંભળાશે.

પણ આ બધું કરવા માટે પેલા કારણ સાથેનો સંબંધ ઘડીક છોડી દેવો પડશે. કારણ વિનાનું કામ ચોવીસ કલાકમાં રોજ બસ પાંચ દસ મિનિટ માટે કરીએ. બસ એમ જ, અમથું અમથું.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

5Q7B48
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com