Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
"હરિની હૂંફ

સ્પર્ધકની કૃતિ-તૃપ્તિ એ. જાનીસરસપુર નામે એક ગામ હતું. આજ ગામમાં ભીખુ તેની પત્ની શાંતિ અને મા ધનબાની સાથે રહેતો હતો. ધનબા સ્વભાવે ખૂબ જ શાંત અને પ્રેમાળ હતા. નાની ઉંમરમાં વિધવા થઇ જવાથી ઘરનો બધો ભાર તેમના ઉપર આવી ગયો હતો. છતાં, નાના ભીખુને એકલે હાથે ખેતીનું કામ સંભાળી, ભણાવ્યો અને પોતાના પગ ઉપર ઊભો રહી શકે તે લાયક બનાવ્યો. ભીખુને પિતાના હિસ્સાનો, પ્રેમ આપ્યો. શાંતિ જેવી સુશીલ ક્ધયા સાથે લગ્ન કરાવી તેનો ઘરસંસાર મંડાવી દીધો. તેમને સંતોષ હતો કે ભીખુ હવે પૂરેપૂરી જવાબદારી લેવા લાયક બની ગયો છે. તે પણ ધનબાના અત્યાર સુધીના સંઘર્ષથી જાણકાર હતો. ભીખુ અને શાંતિ ધનબાનું ખૂબ જ ધ્યાન રાખતા હતા.

ભીખુ-શાંતિ અને ધનબા ખેતી કરી ગુજરાન ચલાવતા હતા. તેમની મૂડી જોઇએ તો બસ આ ખેતર અને બે બળદ હતા. જીવનનિર્વાહ માટે રોજનો એક ક્રમ બની ગયો હતો. ભીખુ રોજ ખેતરે જાય, ને પછી શાંતિ ધનબાને જમાડીને, ભીખુને ભાથું આપવા જાય ને બન્ને સાથે બેસી ભોજન કરતા. હવે ધનબાને વૃદ્ધત્વ આવતાં કામમાં પહેલાં જેવી ઝડપ રહી ન હતી. શાંતિએ ઘરનું બધું કામ બહુ સરસ રીતે સંભાળી લીધું હતું. તેથી ધનબા ખૂબ જ ખુશ હતા. તેઓ વિચારી રહ્યા હતા કે ‘ભીખુનો સંસાર અને ખેતરનું કામ બંન્ને બરાબર ચાલી રહ્યું છે, તો હવે હું પણ થોડી બાકી રહેલી જીંદગી હરિનું નામ લઇ પસાર કરું. તેઓને પ્રભુમાં પૂર્ણ શ્રદ્ધા હતી. પોતાના જીવનકાળ દરમિયાન આવેલા દુ:ખોનો દોષ ક્યારેય પણ હરિને આપ્યો ન હતો. હંમેશાં ભીખુ-શાંતિને પણ કહેતા કે,"જીવનમાં ક્યારેય મુશ્કેલીઓનો સામનો કરવો પડે તો પણ હિંમત હારી ન જતાં, હરિ ઉપર શ્રદ્ધા અને સબુરી રાખજો તે જરૂર મદદ કરશે. થોડા સમય બાદ, ધનબાને ત્યાં આનંદનો અવસર આવ્યો. શાંતિને પૂરા દિવસ જતા હતા. ઘરમાં બધા ખૂબ જ ખુશ હતા. ધનબા તથા ભીખુ-શાંતિની પૂરેપૂરી સંભાળ રાખતા હતા. શાંતિ વગર ખેતરમાં કામ કરવાની ભીખુને થોડી અગવડ પડતી હતી, પણ મનોમન આનંદનો પાર ન હતો.

સમય જતા, ભીખુને ત્યાં સુંદર ક્ધયાએ જન્મ લીધો. ભીખુ અને શાંતિની નજર તેના ઉપરથી હટતી જ ન હતી. અહીં ધનબા આખા ગામમાં ભીખુને ત્યાં સુંદર ક્ધયા આવવાના સમાચાર કહેતા થાકતા ન હતા. ક્ધયા ખૂબ જ સુંદર હોવાથી ધનબાએ તેનું નામ ‘રૂપાળી’ રાખ્યું. ધીરે-ધીરે સમય પસાર થતો ગયો, ભીખુ ફરી ખેતરે કામ કરવા લાગ્યો. શાંતિ પણ થોડું-થોડું ઘરનું કામ કરવા લાગી. ધનબાનો તો આખો દિવસ બસ રૂપાળીને રાખવામાં અને હરિ ભજનમાં જ પસાર થઇ જતો હતો.

અચાનક એક દિવસ ભીખુની તબિયત થોડી નરમ - ગરમ રહેવા લાગી તેનાથી ખેતર હવે પહેલાની જેમ ખેડી શકાતું ન હતું. તે ખૂબ જ થાકી જતો હતો. ધનબા તથા શાંતિને આ વાત કરવાનું તેને યોગ્ય ન લાગ્યું. તે વિચારતો હતો કે, તેના જણાવવાથી બંન્ને ચિંતા કરશે, કારણ કે ઘરની બધી જ જવાબદારી તેના ઉપર હતી. રૂપાળીના આગમનથી ખુશી તો હતી, પણ થોડી જરૂરિયાત પણ વધી ગઇ હતી. ધીરે-ધીરે ભીખુની તબિયત વધારે ખરાબ થતી ગઇ, તેની જણ હવે, ધનબા શાંતિને પણ થઇ ગઇ. તેઓ તેનો કોઇ ઇલાજ કરાવે તે પહેલાં જ ભીખુ તેઓને મજધારમાં છોડી ચાલ્યો ગયો.

ભીખુના અવસાનથી ધનબા અને શાંતિ ઉપર આભ તૂટી પડયું. નાની રૂપાળી પણ ઘોડિયામાં સુતી-સુતી રડતી હતી, ધનબા અને શાંતિના કાન સુધી તેનો રૂદનનો અવાજ પહોંચી શકતો ન હતો. શાંતિની નજર તો ભીખુ તરફથી હટતી જ ન હતી. પરંતુ, ધનબા થોડી જ વારમાં સ્વસ્થ થઇ, આંખમાંથી વહેતી અશ્રુધારાને અટકાવી, હદયને મકક્મ કરી નાની રૂપાળીને ઘોડિયામાંથી પોતાના હાથમાં લઇ લીધી. તેની પીઠ પર હાથ થાબડતાં ગયા, ને તેનું રૂદન શાંત થઇ ગયું.

થોડો સમય પસાર થતો ગયો, શાંતિ પણ હવે ખેતરમાં જઇ કામ કરવા લાગી. ઘરમાં ધનબા રૂપાળીની સંભાળ લેતા હતા. તેઓનું જીવન ફરી એક રોજીંદા ક્રમમાં આવી તો ગયું, પણ શાંતિને ભીખુની ખામી લાગતી હતી. તે એકલે હાથે ખેતરનું તેમ જ ઘરનું બંન્ને કામ સંભાળી શકતી ન હતી. તેની તબિયત પણ થોડી નાદુરસ્ત રહેવા લાગી હતી. એક દિવસ શાંતિએ પણ ધનબાના હાથમાં રૂપાળીને સોંપી જીંદગીથી વિદાય લઇ લીધી. હવે ધનબાને પણ જીવનમાં એક રૂપાળીનો જ સહારો રહ્યો. આટલાં બધાં દુ:ખો પોતા ઉપર આવ્યા છતાં, પ્રભુ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા જ હતી જે તેમને હિંમત આપી રહી હતી.

ગામના લોકો જે હંમેશા ધનબાને માન આપતા હતા, તેઓ પણ પરિસ્થિતિ બદલાતાં જ સમાજની ખોખલી વિચાર શૈલીના આધારે રૂપાળીને દોષિત ઠરાવી કહેવા લાગ્યા, "આ ક્ધયા તો અપશુકનિયાળ છે જે સંસારમાં આવતાં જ પોતાના માતા-પિતાને ભક્ષી ગઇ. પરંતુ, ધનબાની હિંમત આવા ખોખલા વિચારધારા ધરાવતાં લોકોથી ડગમગી જાય તેવી ન હતી. તેઓ રૂપાળીના જીવનમાં સારા સંસ્કારોનું સિંચન કરવા તેની ઢાલ બની વધુ મક્કમ બની ગયા.

રૂપાળી હવે સાત-આઠ વર્ષની થઇ ગઇ. રોજ દાદીની સાથે ખેતરે જઇ તેમને મદદ કરતી અને દાદીની સંભાળ લેતી હતી. તેના જીવનમાં પણ દાદીનો જ એકમાત્ર સહારો હતો. ધનબા તેને રોજ સુતી વખતે વાર્તા કહેતા અને વાર્તાના બોધ થકી જીવન જીવવાની કળા ખૂબ જ સરસ રીતે સમજાવતા હતા. ધનબા ઘણીવાર વિચારતા હતા કે, હું ક્યાં સુધી રૂપાળીની સાથે રહીશ, એક દિવસ તો આ પાંખ ખરી જ પડવાની છે. તેઓ ઘણીવાર રૂપાળીને કહેતા હતા કે,‘જો બેટા , હું ક્યારેક નહીં હોઉં તો...ને આટલું કહેતાં જ રૂપાળી તેમને અટકાવીને પૂછતી, "તમે ક્યાં જવાના છો દાદી? હું તમારા વગર નહીં રહી શકું. મને તમારી સાથે જ લઇ જજો. આ સાંભળી ધનબા પાસે તેને કહેવા કોઇ શબ્દો ન હતા, ફક્ત તેને છાતી સરસી ચાંપી ખૂબ જ વ્હાલ કરતા રહ્યા...

થોડીવારમાં જ સ્વસ્થ થતાં તેમણે રૂપાળીને કહ્યું, બેટા હું તને છોડીને ક્યાંય નહીં જાવ, પણ જવું જ પડશે ત્યારે તારી સંભાળે મારો પ્રભુ જરૂર આવશે. આમ કહી ધનબા તેને ખોળામાં સુવડાવી ધીરે-ધીરે માથા ઉપર હાથ ફેરવતાં ને તેને પ્રભુના અસ્તિત્વની ઓળખ આપતા કહ્યું કે, "તે તો અણુ-અણુમાં બિરાજે છે, પક્ષીઓના મધુર કલરવમાં, તો ક્યારેક ઝરણાંના મંદ-મંદ પ્રવાહમાં તેનો વાસ છે. તે તો સર્વવ્યાપી છે. મને પૂર્ણ શ્રદ્ધા છે કે તે મારી રૂપાળીનો સારથી બની સાક્ષાત નહીં તો પરોક્ષ રીતે જરૂર તેની સંભાળ લેશે.

રૂપાળી આ બધું એક નજરે દાદી સામે જોઇ સાંભળી રહી હતી. દાદીની વાતો તેની સમજમાં પૂરેપૂરી તો ન આવી પરંતુ, તે ફક્ત એટલું જ સમજી શકી કે, દાદી સિવાય પ્રભુ જ તેનો એકમાત્ર સહારો છે. આમ વિચારમાં ને વિચારમાં તેને નિંદર આવી ગઇ. ધનબાએ પોતાના ખોળામાંથી રૂપાળીને બાજુમાં સુવડાવી ને પોતે પણ તેની સાથે સુઇ ગયા.

સૂર્યના કિરણોનો થોડો થોડો પ્રકાશ રૂપાળીના મુખ પર આવી રહ્યો હતો, એટલે આજે રૂપાળી ધનબા કરતાં વહેલી ઊઠી ગઇ. બાજુમાં નજર કરતાં જોયું તો ધનબા હજી સુતા હતા, ને તેમનો હાથ રૂપાળીના હાથમાં હતો. તે વિચારી રહી કે આજે દાદી થોડા થાકી ગયા લાગે છે એટલે જ થોડી નિંદર આવી ગઇ હશે. આમ કહી તે ઊભી થવા જાય છે ત્યાં જ તેના હાથમાંથી દાદીનો હાથ છૂટી જમીન પર પછડાય છે. આ જોઇ તે દાદી-દાદી કહી ધનબાના શરીરને હલાવવા લાગી અને બોલતી જ રહી, દાદી ઊઠો - શું થયું ? કેમ કંઇ બોલતાં નથી?...

રૂપાળી સ્વસ્થ બની ગઇ, તે સમજી ન શકી કે દાદીને શું થઇ ગયું.

અચાનક તેના કાનમાં દાદીના કહેલા શબ્દો સંભળાવા લાગ્યા, અને પોતાના બંન્ને હાથ જોડી પ્રભુના નામનું રટણ કરતી, પ્રાર્થના કરવા લાગી, "હે પ્રભુ ! મેં તો તમને જોયા નથી પણ દાદીએ જ કહ્યું હતું કે આ જગતમાં તેમના સિવાય તમે જ એકમાત્ર મારો સહારો છો! તો આવો પ્રભુ, મારી વિનંતી સાંભળો, મારા દાદીને કહો કે તેમની રૂપાળી તેમને બોલાવે છે.

અચાનક એક અલૌકિક પ્રકાશ ધનબાના મુખ પર પડયો. ધનબાની આંખોમાં ક્ષણભર માટે ચેતનાનો સંચાર થયો. તેમણે પોતાની વ્હાલી રૂપાળી તરફ નજર ફેરવી પરંતુ, નજર ફેરવતાં જ એક ચમત્કાર સર્જાયો, તેના ચહેરામાં તેમને હરિ દર્શનની ઝાંખી થઇ, આ દ્રશ્ય જોતાં જ તેઓ મનોમન કહેવા લાગ્યા, ખરેખર બાળક ભગવાનનું સ્વરૂપ છે. તે તો મારી રૂપાળીમાં જ બિરાજમાન હતા હવે ધનબાની આત્માને સાંત્વના થઇ કે, હરિ એ તેમની રૂપાળીનો હાથ ઝાલી લીધો છે

ને ધીરે-ધીરે ધનબાના નયન રૂપાળીમાં હરિ દર્શન કરતાં કરતાં મીંચાઇ ગયા...

---------------------------

આવતી કાલે વાંચો

મડાગાંઠ જી. જે ઠાકોર (અમદાવાદ)ની વાર્તાઆપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

68W8v584
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com