Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
સિનિયર સિટીઝન્સ: નવા યુગમાં નવી મુસીબત
વડીલો ઘર જોડે લાગણીથી બંધાઈ જાય છે, જ્યારે આજની પેઢી માટે ઘર બદલવું સરળ છે

ઘટના અને અર્થઘટન-સોનલ શુક્લયા અઠવાડિયે માતા-પુત્રના સંબંધ અંગેના બે સમાચાર આવ્યા, જેમાં માતાનું જુદું સ્વરૂપ જોવા મળે છે. એ ચીલાચાલુ અને બંધિયાર કલ્પના અને વર્ણનમાં બંધબેસતું નથી. અમેરિકામાં એક બાણુ વર્ષની માતાએ પોતાની વ્હીલચેર ચલાવીને એક રૂમમાં દીકરો હતો તેને ગોળીએ ઉડાવી દીધો. આમ તો એના બે અઠવાડિયા અગાઉ આપણે ત્યાં પણ પતિ, દીકરી, જમાઈ વગેરે જોડે મળીને દીકરાની હત્યા કરાવવામાં એક માતા સામેલ હતી એવી ખબર આવી ગયેલી. કહે છે કે દીકરો ભારાડી અને ઓટી વાળેલ હતો, બહુ ત્રાસ આપતો હતો, ત્યાર પછી શું થયું એની જાણકારી મળી નથી. માતા સહિત બીજાં કુટુંબીજનોની ધરપકડ થયેલી હતી. અહીં હત્યાના કાવતરામાં માતા જોડાયેલી. પેલી અમેરિકન બાઈનું મગજ ફરી ગયું તેમાં એનું અંગત કારણ હતું. એનો સાઠ વર્ષનો થવા આવેલો દીકરો કો’ક જોડે, કદાચ એના જેવડી એની ‘ગર્લફ્રેન્ડ’ જોડે ચર્ચા કરતો હતો તે એને સાંભળી ગયેલી. એ વાત હતી બાઈને ઘરડાઘરે મોકલી દેવાની. દીકરો આવડો મોટો ખરેખર તો માબાપ જોડે રહે જ નહીં. અઢાર વીસ વર્ષે ચાલતી પકડે. બાઈ પોતાના ઘરમાં રહેવા માંગતી હશે, કદાચ એ નર્સ સહાયકને રાખી શકે એમ હશે, સરકાર તો સાચવવાની જવાબદારી લેતી જ હોય છે. નેવુંની ઉપરની વયે વ્હીલચેર વાપરતી આ બાઈએ ઘરમાં હતી તે જૂની રાઈફલ સાફ કરી, ધક્કો મારીને બેડરૂમમાં ગઈ અને નિશાન તાકીને ગોળી છોડી દીધી. પેલી મોટી વયની દીકરાની પ્રેમસખી તો ઊભી પૂંછડીએ નાસી છૂટી નહીં તો એનો પણ કદાચ નંબર લાગી જાત. માતા કોઈ પણ હિસાબે ઘરડાઘરમાં દાખલ થવા ચાહતી નહોતી. હવે બાણું વર્ષે એને જેલવાસ પણ કોણ આપે? કદાચ નિ:શસ્ત્ર કરી એને કોઈ વિશેષ પ્રકારના ઘરડાઘરમાં જ મોકલાશે.

ઘર જોડે આપણી ઘણી લાગણીઓ સંકળાયેલી હોય છે. હવે મુંબઈમાં ઘર તોડી નાખી નવાં મકાન બનાવવાનું સામાન્ય થઈ પડ્યું છે. આ સદા વિકસતું મહાનગર માત્ર એક ટાપુ સમૂહ ઉપર છે, એને ફેલાવા જમીન નહીંવત્ છે એટલે ઉપર તરફ મકાનો વધે જાય છે. નવી આધુનિક પેઢી માટે ઘર બદલી નાખવાનું સરળ છે. અગાઉ એમ નહોતું, મૂળ વતનમાં એકે સગું નહોતું તોયે મારા વડસાસુ દર વર્ષે ઘર ખોલીને ત્યાં રહેવા જતા’તા. આ મમત્વ ત્યાં સુધીનું કે એક વાર વધુ પૈસાની જરૂર પડશે તેના ડરમાં અને બીજા કારણોસર મારા સસરાએ એક અમૂલ્ય જમીન પ્લોટ વેચી નાખ્યો પણ મૂળ વતનના નાનકડા શહેરનું મકાન નહીં. મકાન છેલ્લે બે લાખમાં ગયું અને પ્લોટ અત્યારે પાંચ સાત કરોડનો તો હશે જ. આવા નિર્ણયો વતનપ્રેમ અને બાપદાદાના મકાન પ્રત્યેના પ્રેમને લીધે લેવાતા. પેલી અમેરિકન બહેન પણ વૃદ્ધ હતી. મકાન માટે એનાં શું સેન્ટીમેન્ટો હતા કે શા માટે એ છોડવા નહોતી માંગતી એ તો સ્પષ્ટ નથી પણ મોટી વયે ઘર છોડીને અન્યત્ર વસવું સહેલું તો નથી જ.

મુંબઈમાં બીજો કિસ્સો જોયો. એ વધુ વિગતો ચડેલો છે એટલે સૌની જાણમાં જ હશે. ગિરગામ વિસ્તારમાં એક માતાએ કોર્ટે ચડી પોતાના દીકરા-વહુ અને એમનાં સંતાનોને ઘરમાંથી કઢાવ્યાં. ખબર નથી કે બાઈને માત્ર દીકરા સામે વાંધો હતો કે સાસુ-વહુને અણબનાવ હતો. પોલીસમાં ફરિયાદો એમણે વધુ તો દીકરા સામે નાખેલી અને પોતાને એ જોડે હોય તો ભય અને જોખમ છે એમ પણ નોંધાવેલું. નીચલી કોર્ટમાં હારી જવાથી આ બહેન હાઈકોર્ટમાં ગઈ અને હાઈકોર્ટે એની માગણી મંજૂર કરી. પંદર દિવસમાં દીકરાએ પોતાના સંસાર સાથે ઘર ખાલી કરી જવું પડશે, નહીં તો એની ઉપર અદાલતનો તિરસ્કાર કર્યાનો ઈલ્ઝામ લાગશે. આમ તો આ વાત વિચિત્ર લાગે, અપવાદરૂપ લાગે પણ આવનાર કાળમાં અસંભવિત નથી. આમ પણ દીકરા તો મનફાવે કે જોડે ન ફાવે તો જુદા થઈ જ જાય છેને! તો શું માતાપિતા એમને જુદા ન કરી શકે? શું દીકરાને અનુકૂળ હોય તો જ અને એને માટે વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા કરી આપો તો જ જુદો કરાય એવું કોણે કહ્યું? એ મકાન અને વિસ્તારના ફોટા જોતા લાગે છે કે એ કોઈ ચાલી તોડીને બનાવ્યું હશે. એમ હોય તો ભાડાચિઠ્ઠી જેમના નામની હોય તેના નામે જ ફલેટ મળે. પુરુષના નામની હોય અને એ મરી ગયો હોય તો ભાડાની જગા એની પત્નીને નામે થાય. ત્યાં ફલેટો બને તો એમાં પણ એક પત્નીને મળે. આ રીતે ઘણી સ્ત્રીઓ ઘરમાલિક બને છે. પોતે ખરીદેલો ફલેટ હોય અને પતિપત્નીને નામે હોય તો એક મરી જતા બીજાનો થઈ શકે છે. આ કારણસર કોઈ માબાપે દીકરા જોડે ન ફાવે તો સંયુક્ત કુટુંબમાં રહેવાની આવશ્યકતા નથી.

મને યાદ છે મારા મામા-મામી રાજકોટમાં રહેતા હતા. બંને સાદગી પસંદ કરતાં પણ બહુ સુશિક્ષિત હતા. ઘરડા થયા એટલે એમના દીકરા- વહુએ કહ્યું તમે હવે અમારી પાસે આવી જાઓ. દીકરો મહારાષ્ટ્રના એક શહેરમાં નોકરીને કારણે રહેતો હતો. એની પત્ની એટલે કે મારી ભાભી ઉત્તમ વ્યક્તિ. પ્રેમાળ, હોંશીલી અને સહૃદય. મામાએ ના પાડી. કહે કે બેમાંથી એક જ રહીશું ત્યારે તો આવવું જ જોઈશેને! વધુ આગ્રહ થયો એટલે કહે કે, "એમ જોઈન્ટ ફેમિલીમાં ન જામે. પુત્રવધૂ કહે કે મને ક્યાં એનો વાંધો છે? મને તો ગમશે. મામા કહે, "પણ મારું શું? હું સંયુક્ત કુટુંબમાં રહ્યો નથી અને તમે પણ જેમ છો તેમ ઠીક છો. આપણે સંયુક્ત કુટુંબમાં દીકરા-વહુ રહેતા હોય એમ વિચારીએ છીએ પણ માબાપ માટે પણ સંયુક્ત કુટુંબ જ થઈ જાય છેને! એમને ગમે કે ન પણ ગમે. અહીં જેમનો કિસ્સો છે એમને નહોતું ગમ્યું. દીકરો ઘડપણની લાકડી બને એ હંમેશા સાચું પડતું નથી. આપણને જાણ નથી કે વિગતવારે શું બનેલું. બાઈને દીકરી કે પિયરિયાંએ ચડાવેલી? એ પોતે વિચિત્ર મગજની હતી? છોકરો બહુ હલકટ હતો? સામાન્ય રીતે પૌત્ર-પૌત્રી તો દાદીને વહાલાં હોય, અહીં સૌને કાઢ્યાં છે. જે પણ હોય, બાઈને હક હતો કે પરાણે એણે સંયુક્ત કુટુંબમાં રહેવું ન પડે. ઘર એનું પોતાનું હતું ત્યારે તો નહીં જ.

સિનિયર સિટીઝન્સ નવા યુગમાં નવી મુસીબતો સહન કરે છે. એક જમાનામાં પોતે જોહુકમી કરી હોય તો પણ હવે જતી ઉંમરે એમણે શારીરિક, માનસિક વગેરે ત્રાસ સહેવા પડે એ શું ઠીક કહેવાય? "કાઢી મૂક એમને! અમારા એક વડીલ પોતાની પત્નીને સલાહ આપતા કારણ કે એમણે આખો વખત દીકરા-વહુ વિશે ફરિયાદો સાંભળ્યા કરવી પડતી. એ પોતે શાંત અને નિર્લેપ વ્યક્તિ હતા, કહે કે, "એ નહીં કાઢી મૂકે. એને મોહ છે જેને પોતે મમતા સમજે છે. ઘણી માતાઓ દીકરાને જુદા કરવા કરતાં અપમાનજનક સ્થિતિમાં જીવવું પસંદ કરે છે. એમ કરવું હોય તો પછી ફરિયાદ ન કરાય કે, "મારે માથે બધું નાખીને ચાલી જાય છે. કે "એ આ નથી સમજતી કે પેલું નથી સમજતી. દીકરાની કમાણી પર માતા નિર્ભર હોય તો પણ મુંબઈ જેવા શહેરમાં બે પેઈંગ ગેસ્ટ રાખી આરામથી એક બાઈ ઘર ચલાવી શકે છે. બહારગામ નોકરી કરવા કે ભણવા આવેલો યુવાવર્ગ અત્યારે રહેવા- સૂવા માટેની જગ્યા મેળવવા ફાંફાં મારે છે.

કહેવાનો મતબલ એ નથી કે સૌ માતાઓ મનફાવે ત્યારે દીકરાને ભગાડી મૂકે પણ દીકરા જો પોતાની જોડે લડવાડ કરે તો માતાએ એની જોડે રહેવાનું ફરજિયાત નથી. મન મક્કમ કરીને એકલા રહેવાની હિંમત કરવી પડે. જાત ન ચાલતી હોય અને પૈસા હોય તે ખર્ચીને કામવાળા રાખવા પડે. આ કરંસી ઉપર ચાલવાની નથી. ખાઈપીને લહેર શું કામ ન કરવી? ગરીબ ઘરડાઘર ચલાવતા મંડળની એક બહેને કહેલું કે ઘણી વાર દીકરા મળવા તો ન આવે પણ બાઈ મરી જાય ત્યારે પૂછે પણ ખરા કે એ હાથમાં સોનાની બંગડી પહેરતી તેનું શું થયું? આ બની શકે તો એથી ઊલટું કેમ ન બની શકે?

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

KBx84eo4
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com