Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
પ્રાણીઓનું જતન કરતી જનેતા
57 વર્ષનાં કમલેશ ચૌધરી અબોલ પ્રાણીઓની સારસંભાળ કરી એમને પોતાના સંતાનોની જેમ ઉછેર કરે છે

કવર સ્ટોરી-નિધિ ભટ્ટમાન્ય રીતે પ્રત્યેક વ્યક્તિને જીવનમાં કંઈને કંઈ શોખ અચૂક જોવા મળે છે. વાસ્તવમાં શોખ દ્વારા જ વ્યક્તિ સ્વયંના દુ:ખને સહન કરવાની શક્તિ મેળવી લે છે. દિલ્હી સ્થિત મૉડલ ટાઉનના ગુજરાવાલાં ટાઉન- 2માં કમલેશજી રહે છે. કમલેશજીની વય છે 57. કમલેશજી એક માતા તરીકે સ્વયંનાં સંતાનોની દેખભાળ તો બખૂબી બજાવી રહ્યા છે. 17 વર્ષમાં 2000થી વધુ અબોલ પ્રાણીને પોતાના સંતાન બનાવી દીધાં છે. તેમના ઘરની આસપાસ ઊડતા પંખીઓ, શ્ર્વાન કે બિલાડી તેમને બહાર જુએ તેની સાથે તેમની આસપાસ વહાલ કરતાં ફરતાં જોવા મળે. તેમના હાથમાંથી ચણ ચણતાં કે રોટલીનો ટુકડો ખાતા પ્રેમાળ પ્રાણીને જોઈને ભલભલી વ્યક્તિનો ચહેરો મલકી ઊઠે છે. સ્લીપ ડીસ્કના દર્દથી તેઓ સ્વયં પરેશાન છે. તેમ છતાં તેમનો અબોલ પશુ-પંખી પ્રત્યેનો પ્રેમ ઊડીને આંખે વળગે તેવો છે.

ઋતુમાં બદલાવ આવે તેની સાથે માનવી પોતાની જાતને વિવિધ ઉપાયો દ્વારા મોસમના પ્રકોપથી બચાવવાનો પ્રયત્ન કરી લેતો હોય છે. અબોલ પશુ-પંખી ક્યાં જાય? તેમની પાસે તો ફક્ત મોસમના મારને સહન કરવાનો વિકલ્પ જોવા મળે છે. અનેક વખત અકારણ તેમનું જીવન ટૂંકાઈ જતું હોય છે. ગરમીમાં વૃક્ષમાં ઠંડક મેળવતા પંખીઓ બળબળતી ગરમીમાં પાણી ન મળવાને કારણે બેહોશ બની જતા હોય છે. કાળઝાળ ગરમીને કારણે શ્ર્વાન-બિલાડી અનેક ગંભીર બીમારીનો શિકાર બનવું પડે છે.

મુંગાં પ્રાણીઓ પ્રત્યે અનેરો સ્નેહ ધરાવતા કમલેશ ચૌધરી વાસ્તવમાં છેલ્લાં 17 વર્ષથી પશુ-પંખીની શુશ્રૂષા કરે છે. રોજ તેમને પૂરતું ભોજન મળે તેની ગોઠવણ પણ તેઓ સ્વયં કરે છે. વળી બીમારીમાં પટકાયેલ વિવિધ પક્ષીઓ હોય કે શ્ર્વાન, બિલાડી, ડુક્કર જેવાં પ્રાણીને દિવસના યોગ્ય સમયે દવા મળે તેની દરકાર કરે છે. વળી બીમારી વધતી જતી હોય તો તેમને નિષ્ણાત ડૉક્ટર પાસે લઈ જાય છે.

કમલેશજી એક સુખી સંસારમાંથી આવે છે. તેમના પતિ ઋષિપાલ ચૌધરી દિલ્હી જેલબોર્ડના ડાયરેક્ટર પદથી હાલમાં જ રિટાયર્ડ થયા છે. પુત્ર વરુણ-પુત્રવધૂ શામ્ભવી તથા એક પુત્રી પૂજા છે. બધા જ ડૉક્ટર છે. ભગવાનની કૃપાથી ઘરમાં એકમેકની સાથે મનમેળ કરીને શાંતિથી રહે છે.

બાળપણથી જ તેમને પશુ-પંખી પ્રત્યે અત્યંત લગાવ હતો. લગ્ન બાદ ઘર ગૃહસ્થી સંભાળવાની સાથે અબોલ પ્રાણી પ્રત્યેનો પ્રેમ ફેલાતો રહ્યો. એક સમય એવો પણ આવ્યો કે કોઈ પંખી કે પ્રાણીની તબિયત બગડી હોય તો ઘરમાં પણ દુ:ખનું વાતાવરણ છવાઈ જાય. કુટુંબના બધા જ સભ્યો તેની સારવારમાં જોડાઈ જાય. વર્ષ 2001થી કમલેશજી પહાડગંજમાં રહેતા હતા ત્યારથી સેવાની શરૂઆત કરી. 14 વર્ષ તેમણે પહાડગંજ વિસ્તારની આસપાસ જોવા મળતા અબોલ પ્રાણીની સેવા શરૂ કરી. ત્રણ વર્ષથી તેઓ મૉડલ ટાઉનના રુજરાવાલા વિસ્તારમાં રહેવા આવી ગયા છે. તેથી ત્રણ વર્ષથી આ વિસ્તારમાં તેઓ સતત પ્રવૃત્તિમય જોવા મળે છે.

કમલેશનું કહેવું છે કે 17 વર્ષથી હું ફક્ત પશુ-પંખીની સેવામાં વ્યસ્ત રહું છું આથી તેમની બોલી, તેમનું દુ:ખ દર્દ હું સારી રીતે સમજી શકું છું. કોઈ ઈજાને કારણે કે ઋતુમાં આવેલા બદલાવને કારણે તેઓ કણસતા હોય તો તેનું દુ:ખ હું પળભરમાં સમજી શકું છું. બસ આજ એક કારણ છે કે મૉડલ ટાઉનના વિસ્તારમાં તેઓ જ્યાં પણ જાય છે તે વિસ્તારમાં ફરતા પશુ-પંખીઓ તેની આસપાસ આવી જાય છે. તેમનું કહેવું છે કે વાસ્તવમાં ગરમીની અસર શ્ર્વાન ઉપર વધુ થતી હોય છે. તેનું મુખ્ય કારણ તેમના શરીર ઉપર રૂવાંટી હોય છે. અસહ્ય ગરમીને કારણે રખડતાં શ્ર્વાનને પૂરતું પાણી ન મળવાને કારણે તેઓ બેહોશ બની જાય છે. તો ક્યારેક તેઓ આચર-કૂચર ખાઈ લેવાને કારણે ઝાડાની સમસ્યાનો શિકાર પણ બને છે. વાસ્તવમાં શ્ર્વાન, બિલાડી જેવા પ્રાણીને શરીરના વાળને કારણે વધુ ગરમી લાગતી હોય છે. અબોલ પ્રાણી તથા પંખીઓને યોગ્ય સમયે ચણ તથા ભોજન મળી રહે તેવી વ્યવસ્થા કમલેશજીએ કરી છે. 50થી વધુ માટીના વાસણ ગોઠવ્યા છે.

સવારના સમયે તેઓ શ્ર્વાનને દૂધ-રોટલી તથા બ્રેડ ખવડાવે છે. પક્ષીઓને સાફ કરેલા દાણા પણ ખવડાવે છે. માટીના વાસણોને યોગ્ય રીતે સફાઈ કર્યા બાદ તેમાં સ્વસ્છ પાણી પણ ભરે છે. સવારના બે-ત્રણ કલાક આ પ્રમાણે કામ કર્યા પ્રમાણે સાંજના સમયે તેઓ સવારે પીરસેલું ભોજન પાછું આપવા પહોંચી જાય છે. કમલેશજીનું કહેવું છે કે રોજનું 15 લિટર દૂધ તથા 2 કિલો અનાજ તથા 10-12 લિટર પાણી તેઓ વિવિધ જગ્યાએ લઈને પહોંચી જાય છે. તેમના આ કામમાં પરિવારનો સાથ પણ તેમને પૂરતો મળી રહે છે.

હાલમાંં મોટી મોટી ઈમારતો બાંધવાની કેમ જાણે કે સ્પર્ધા પ્રત્યેક શહેરોમાં ચાલતી જોવા મળી રહી છે. અકારણ કપાતા વૃક્ષોને કારણે ગરમીનું પ્રમાણ વધતું ગયું છે. પંખીઓના ઘર અલોપ થઈ રહ્યા છે. પરિણામે તેમને સતત તડકામાં ઊડીને બે ઘડી વિસામો લેવો હોય તો છાંયો શોધ્યો જડતો નથી. ગરમીને કારણે પીવાનું પાણી મેળવવું પણ તમને માટે અઘરું બની જાય છે. અચાનક તેઓ બેભાન બની જાય છે. કુદરતી રક્ષણ આપતી તેમની પાંખો પણ તેમને સાથ આપતી નથી. વહેલી સવારના કિલબિલાટ કરતાં ભૂખને કારણે બપોર બાદ તેઓ અશક્ત બની જતા હોય છે.

મૉડલ ટાઉન વિસ્તારમાં રહેતા મોટા ભાગના લોકો તો મને તથા અમારા પૂર્ણ પરિવારને ઓળખતા થઈ ગયા છે. તેમને અમારા કામ વિશે પણ ખબર છે. તેથી તેમનો એક ફોન આવે કે તેઓ સ્વયં હાજર થાય ત્યારે હું તેમની સેવા માટે કોઈપણ જાતનો વિલંબ ર્ક્યા વગર પહોંચી જાઉં છું. લાંબા સમયથી તેમની દેખભાળ કરતી હોવાથી સ્વયં તેમને મલમ-પટ્ટી કરું છું. તેમનું જખમ તથા પીડા વધુ હોય તો જાનવરોની હૉસ્પિટલમાં પણ લઈ જઈને પૂરતી સારવાર મળે તેની તકેદારી રાખું છું. જે પંખીઓની સારવાર ઘરે કરવી શક્ય હોય તેમને મારા ઘરમાં લાવું છું. યોગ્ય સારવાર બાદ તેઓ પાછા તાજામાજા થઈ જાય ત્યારે તેમને આસપાસના બાગ-બગીચામાં લઈ જઈને છોડી મૂકું છું.

રખડતાં પશુની સરખામણીમાં પાળેલાં પ્રાણીની રહેણીકરણી અલગ જોવા મળે છે. અચાનક ગરમીમાં તેમને બહાર લઈ જવામાં આવે તો તેમને વધી ગયેલાં તાપમાનની અસર ઝડપથી થાય છે. તેઓ અચાનક બીમાર પડી જાય છે. અનેક વખત એવું પણ બનતું હોય છે કે સંતાનોની જીદને કારણે પશુ-પંખીને પાળવામાં આવતા હોય છે. થોડો સમય બાદ તેમના પ્રત્યે બેદરકારીભર્યું વર્તન જોવા મળે છે. તેમનાં વાસણોની સાફસફાઈ કે દિવસે આપેલું ભોજન રાત સુધી તેમની પાસે જ પડી રહેતું હોય છે. જે ક્યારેક બગડી પણ ગયું હોય છે. શ્ર્વાન જ્યારે આવું ભોજન ખાય છે ત્યારે તેઓ ઝડપથી બીમારીનો શિકાર બની જાય છે.

કમલેશજી તેમનું સમગ્ર જીવન પશુ-પંખીની સેવામાં જ પસાર કરીને આનંદથી રહે છે. તેમનું કહેવું છે કે છ વર્ષ પહેલાં બાગમાંથી મને એક બીમાર ખીસકોલી મળી હતી. તેને મારા ઘરે લાવી. તેની મલમપટ્ટી કરીને મારા ઘરમાં થોડો દિવસ તેને રાખવાનું મેં નક્કી ર્ક્યું હતું. ઘરના સભ્યોને તેની યોગ્ય દેખભાળ કરવાનું કહીને થોડા દિવસ હું સીમલા ફરવા ગઈ. હું સીમલામાં હતી ત્યારે જ મને ફોન દ્વારા જણાવવામાં આવ્યું કે કપડાંમાં લપેટી હોવાથી તેનો શ્ર્વાસ રૂંઘાઈ ગયો તથા તેનું મૃત્યુ થયું. મને અત્યંત દુ:ખ થયું. નિર્દોષ ખિસકોલીના મોતને કારણે મનોમન મેં નક્કી કરી લીધું કે હું તેમને અન્યના ભરોસે છોડીને ક્યારેય બહારગામ ફરવા જઈશ નહીં. હાલમાં પણ કમલેશજી પાસે એક પક્ષી તથા ત્રણ શ્ર્વાન છે. ત્રણમાંથી એક શ્ર્વાન જોઈ શકતો નથી. અબોલ પ્રાણીનો પ્રેમ મેળવીને હું મારી જાતને ધન્ય માનું છું.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

6442514i
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com