Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
હા, હું, વીર કવિ નર્મદનું ભૂત બોલું છું!
મહાકવિ ‘રિલ્કે’ એ જુવાન કવિને સલાહ આપેલી કે પ્રેમ-કવિતાઓ લખવી નહિ કારણ કે એના નશામાં ભલભલા કવિઓ ખોવાઈ જાય છે

અંદાઝે બયાં-સંજય છેલટાઇટલ્સ: અગર ભગવાન હૈ તો ભૂત ભી હૈ! (એક ફિલ્મનું શીર્ષક)

મણાં દિલ્લીના બુરાડી નગરમાં એક જ પરિવારના 11 લોકોએ એકસાથે ગળેફાંસો ખાઇને ખુશી ખુશી સામૂહિક આત્મહત્યા કરી. માન્યામાં ના આવે એવી ઘટના છે કે પરિવારના લલિત નામના દીકરાને એના મૃત પિતાજી દેખાતા અને એની સાથે વાતો કરતાં. લલિત, એ અનુભવોને એક નોટબૂકમાં લખતો. સમજાતું નથી કે લલિતને ભલે બાપ સાથે વાત કરીને, જીવ આપીને, મોક્ષ પામવાનો ભ્રમ હોય પણ બાકીનાં પરિવારજનો પણ લલિતની વાત માનીને આત્મહત્યા માટે માની જાય?

ખેર..ભૂત હોય અને નોટ્સ લખાવી શકે એ વિશે આપણને ઝાઝી ખબર નથી પણ સાંભળ્યું છે કે હમણાં એક ગુજરાતી કવિને પણ ભૂત-પ્રેમનો એક વિચિત્ર અનુભવ થયો છે.કવિ સાંજે તૈયાર થઇને કોઇ મુશાયરામાં જવા તૈયાર થઇ રહ્યો હતો ત્યારે એનો ફોન રણક્યો..કવિએ ફોન ઉપાડ્યો અને

કવિ: (ફોન પર) હલો..હા હા બસ હમણાં જ મુશાયરામાં પહોંચું છું, ના ના ઝભ્ભો લેંઘો ઈસ્ત્રી થઇ ને આવે એટલી જ વાર...(કવિ, વાળ ઓળીને ગણગણે ) ‘ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ’. ‘કમાલ કરે છે...કમાલ કરે છે...એક ડોસો ડોસાને વ્હાલ કરે છે..’

(-અને ત્યારે અચાનક પાછળથી આપણાં કવિ વીર નર્મદનું ભૂત પ્રગટ થાય છે!)

નર્મદ : કાં? ક્યાં હાલ્યા ક્વીડા?

(આસપાસ કોઈ દેખાતું નથી પણ માત્ર અવાજ આવે છે તેથી યુવા કવિ ડરી જાય છે)

કવિ : ક ક ક કોણ ..કોણ બોલ્યું?

નર્મદ : હું આદ્ય કવિ નર્મદ ..કવિ..લેખક. મસમાજસુધારક ,વિદ્રોહી જે કહો તે! જેણે કલમને ખોળે માથું મૂકીને જોસ્સાથી ‘દાંડિયો’ અખબાર ચલાવીને ક્રાંતિ આણેલી એ..હું નર્મદ.

કવિ:( ક્ધફયુઝડ)સાલું..આજે ભૂત વગેરે કેમ દેખાય છે..કાલે પાર્ટીમાં વધારે પીવાઇ ગયું લાગે છે!

નર્મદ : ના તું નશામાં છે કે ના હું ભૂત છું. હું તો તારી અંદરનું સૂતેલું સત્ય છું. હું તો તારા મનનો નશો ઉતારવા આવ્યો છું... ભાષાનો ભૂવો બનીને તારી ભાવનાઓને ભડકાવવા પ્રગટ્યો છું.

ક: ઓકે ઓકે તમે કહેવા શું માગો છો, મને મુશાયરામાં જવામાં મોડું થાય છે.

ન : ચુપ બેસ છાનોમાનો... આ મુશાયરા, કવિ સમ્મેલનો, મેળાવડા-મહેફિલો,લિટરેચર-ફેસ્ટિવલો આ બધું શું

માંડ્યું છે?

ક: કેમ ? એમાં ખોટું શું છે ?

ન: ખોટું શું છે? અરે સાચું ચિત્ર જોયું છે આજની ગુજરાતી અસ્મિતાનું? તમારા જેવા કવિડાઓમાં મારી ખુમારી કે મારું ‘વીર, સત્ય ને રસિક ટેકીપણું’ ક્યાં છે? આજની બજારુ દુનિયામાં વિદ્રોહની બ્યુગલ બગાડનાર કોઈ નથી! જાગ, ઘેલા જાગ. મારી જેમ લમણે આંગળી મૂકીને બે ઘડી ચિંતા કર વ્હાલા..માત્ર મારા લખેલ ‘જય જય ગરવી ગુજરાત’વાળા ગીત ગાવાથી નહિ ચાલે. મારા આત્માને અશાંતિ થાય છે. જે સ્મશાન ચીરતી અશાંતિ જેવી કાતિલ છે..

ક: અરે પણ તમારો પ્રોબ્લેમ શું છે?

ન: તું..તારા જેવા કવિઓ..સાહિત્યકારો અને આપણી સૂતેલી સુખાળવી પ્રજા મારી સમસ્યા છે.

ક : ઓહ એટલે તમને અમારા બધા સાથે પ્રોબ્લેમ છે?

ન: કેમ ના હોય? જરા જો ગુજરાતી કલ્ચરલ વિશ્ર્વનો એક્સ-રે! તને ખબર છે કે છેલ્લા બે -ત્રણ દાયકાથી ગુજરાતી સાહિત્ય અને સમાજ, એક કમ્ફર્ટેબલ સુષુપ્તાવસ્થામાં રાચે છે ? ‘તારી આંખનો અફીણી’ ગાઈ ગાઇને પ્રજાના મનમાં પેમલા-પેમલીનું અફીણ ઘૂસી ગયું છે. ગુજરાતી કવિતાની પેલી ‘સોળ વરસની ક્ધયા’ આળસ મરડી મરડીને ઘરડી થઇ ગઈ છે. મહાકવિ ‘રિલ્કે’ એ પુસ્તક લખેલું ‘લેટર તો યંગ પોએટ’.. એમાં એણે જુવાન કવિને સલાહ આપેલી કે પ્રેમ-કવિતાઓ લખવી નહિ કારણ કે એના નશામાં ભલભલા કવિઓ ખોવાઈ જાય છે. આપણી તો આખેઆખી પેઢી ખોવાઈ ગઈ છે, પહેલા વરસાદના છાંટામાં અને પહેલા પ્રેમના કેફમાં! ક્યાંય નવો મિજાજ, નવો આક્રો નથી.

ઇંટરવલ :

આપણામાંથી કોક તો જાગો,

કોક તો જાગો (વેણીભાઇ પુરોહિત)

ક : અરે નર્મદજી, પણ આજે આટઆટલી ચોપડીઓ છપાય છે.. વિમોચનો થાય છે.

ન: માત્ર ટોળાં જોઇને હરખાય છે, ઘેલા? અરે ધ્યાનથી જો. આજના સાહિત્યમાં ક્યાંય કોમી રમખાણો, સજાતીય સંબંધો, એન.આર.આઈ. લોકોની કારમી એકલતા, દલિત જીવનની ચામડા ચીરતી વાસ્તવિકતા દેખાતી નથી. અરે આઝાદી અગાઉ આપણી એક પેઢીએ ગાંધીબાપુના પથ પર સાહિત્ય રચેલું પણ આજે બાવાબાબુઓના ચરણે કલમો ગીરવે મૂકી દીધી છે. આધ્યાત્મના ઓશીકે સુઈ ગઈ છે ટેલેન્ટેડ કલમો! ‘દીકરી-દીકરા-સાળા-સાળી-વેવાઈ-સાઢુ’ વગેરે વિષે ચાસણીમાં ડૂબાડેલા લેખોના સંગ્રહો ચપોચપ વેચાય છે. સાચું સાહિત્ય ખોવાઇ ગયું છે ફિલોસોફીના ફરમાસુ જંગલમાં...

ક: ગુજરાતીઓને હેવી થાળી ચાલે પણ સાહિત્ય ભારે નથી ફાવતું..હળવું જોઈએ વાંચવા માટે!

ન: હળવું એટલે શું હલકું આપવાનું? હાસ્ય એટલે શું ગલગલિયાં કરવાના?

જરા આંખ ખોલીને જો.. તારી આજુબાજુની ભગિની ભાષાઓમાં.. હિન્દીના હરિશંકર પરસાઈ કે શરદ જોશીની ઝેરમાં ડુબાવેલી હ્યુમર જો.. મરાઠીના પી.એલ.દેશપાંડેની કલમ જો..હવે આપણાં નિબંધોમાં ક્યાંય કાકા કાલેલકર કે કિસનસિંહ ચાવડા કે સ્વામી આનંદ જેવી સંસ્કારભીની શૈલી વાંચવા નથી મળતી. આખો દહાડો, મીઠી મીઠી વાતો અને સ્કૂલના છોકરા-છોકરીયું જેમ ફૂલ-પતંગિયા અને મેઘધનુષની વાતું કરીને વેવલાવેડાના રાસડા લેવા છે બધાંને.

ક: અરે તમને ખબર નથી.. અમે ફોરેન સુધી જઈ આવ્યા છીએ કવિતાઓ સંભળાવવા.

ન: અરે, ચીકણી ચીકણી ચાસણીમાં બોળેલાં ગઝલ-ગીતોને ગાઈ ગાઇને ક્યા ભ્રમમાં રાચે છે, વ્હાલા? એના એ 100-150 શબ્દોને પાસાની જેમ ખોબામાં લીધાં અને કાગળ પર ફેંક્યા પછી જે આમ તેમ જે શબ્દો પડ્યા એમાંથી બની ગઇ કવિતા એમ?.. ‘ગોપી-રાધા-કાનુડો’, ‘શક્યતા-શૂન્યતા’, ‘ચુંદડી-સહિયર-મહિયર’, ‘સેક્યુલરો સાવધાન’, ‘સોક્રેટીસ-સત્યાગ્રહ’, ‘સેક્સ અને સમાધિ’ વગેરે વાતોના કોરસ-ગાનમાં તારી ‘ગરવી ગુજરાત’નો અવાજ રૂંધાઈ ગયો છે! ક્યાં છે મેઘાણી, મીરાબાઇ, મરીઝ, સુંદરમ્?

ક: અરે તાર, જેવો આજનો સમાજ એવા સાહિત્યકારો. અમે કાંઈ મંગળ કે શનિ પરથી નથી આવ્યા.

ન: હા એય સાચું ભૈલા.. શેર દલાલો અને બેનંબરિયા વેપારીઓ જ આજે હીરો છે. એવામાં સાહિત્યકારો ને કલાકારો પણ બિચારાં શું કરે ? પૈસાપૂજક પ્રજા, મફતિયા પ્રોગ્રામમાં તાળી પાડીને જતી રહે છે. જે લોકો 100 રૂપિયાનું પેટ્રોલ કે રિક્ષા ભાડું ખર્ચીને કાર્યક્રમ જોવા આવે છે એ લોકો 100 રૂપિયાની 10-10 વર્ષ સુધી કિતાબ નથી ખરીદતા! 5-6 કરોડની ગુજરાતી ગ્લોબલ વસ્તીમાં 1250 કોપી વેચતાં દમ નીકળી જાય છે.

ક : પણ જો કે ગુજરાતી છાપાં લાખોમાં વેચાય છે.. લોકો પૂર્તિઓમાં સાહિત્ય વાંચે છે.

ન: ખામોશ. અહીં પત્રકારત્વને નામે ઇન્ટરનેટના ઉતારા ઉભરાઈ રહ્યા છે. એક ફિલ્મ રિલીઝ થાય છે ને જાણે એ ફિલ્મ વિષે લખવા જ અવતાર લીધો હોય એમ સૌ લખવા મંડે છે. લેખકો, કૌભાંડીઓ કે એનકાઉન્ટર સ્પેશિયાલિસ્ટો સામે ઝૂકી પડે છે!

ક: ના ના સાવ એમ નથી.. લોકોને અસ્મિતાનું ગુમાન છે!

ન: ના રે..પૂર્વજોનું પણ સાચું ગૌરવ ક્યાં છે? અરે, પહેલી ગુજરાતી ફિલ્મ 1933માં બની અને ગાંધીજીની હત્યા 1948માં થઇ પણ આપણી પાસે ગાંધીનો ગુજરાતી ભાષામાં ઇન્ટરવ્યુ નથી! સંજીવકુમાર 1985-86માં ગુજરી ગયા પણ આપણી પાસે એમનો ગુજરાતીમાં એકેય ઈન્ટરવ્યુ નથી!1979માં ગુજરાતી રંગભૂમિના સુપરસ્ટાર પ્રવીણ જોશી ગુજરી ગયા પણ ત્યાં સુધી એમની એક મુલાકાત પણ કોઇએ શૂટ કરી?બંગાળી-મરાઠી પ્રજાએ આવું કર્યું હોત? આપણને તો કેવળ પરંપરાના ગોદડામાં ઢબુરાઈને રાચવું ગમે છે, બસ એટલું જ!

(હવે આ સંભળીને કવિ સહેજ ઉદાસ થઇ જાય છે.)

ક: સાચું કહો છો..તો હું શું કરું..છોડી દઉં આ બધું..? હવે બકવાસ

લાગે છે!

ન : બસ બસ ઘેલા કાઢ માં..મારી જેમ માત્ર દોષ-દેખો ના થા..ચલ, કલમને ખોળે માથું મૂકીને તેજાબી રચનાઓ લખ! જગાવ ચેતના સમાજની ! મા ગુર્જરીની કરી લે સાચી સેવા!

(નર્મદ આશીર્વાદ આપવા હાથ ઊંચો કરે છે, એવામાં કવિનો સેલફોન

વાગે છે)

કવિ : (ફોન પર) હા, હા, બસ પહોંચું જ છું, મુશાયરામાં..અરે ચિંતા નહીં કરો, બે-ચાર નવા જોક્સ અને 3-4 મસ્ત કવિતાઓ લઇ આવું છું.

-અને આ સંભળીને વીર કવિ નર્મદનું ભૂત, કવિથી ડરીને ભાગી જાય છે!

એંડ ટાઇટલ્સ:

આદમ: તને ભૂતથી ડર લાગે?

ઇવ: લગ્ન પછી કોઇ વાતનો ભય-ડર રહ્યો નથી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

708x8X7
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com