Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
યુવાને દહેજ માગીને પુણ્ય કર્યું!
ક્ધયાને પરણાવતી વખતે આપવામાં આવતો દાયજો આપણા સમાજનું દૂષણ છે. જોકે, ઓડિશાના એક યુવાને લગ્ન વખતે કરેલી માગણી જાણીને લોકોએ એની પીઠ થાબડી

કવર સ્ટોરી-હેન્રી શાસ્ત્રીહેજ એ એક સામાજિક દૂષણ છે. દાયજો કે કરિયાવર જેવા રૂપાળા નામથી ઓળખાતી પદ્ધતિ સમાજમાં ફેલાઇ ગયેલી એક બીમારી છે. એક એવી બીમારી જેણે કંઇ કેટલાય જીવન રગદોળી નાખ્યા છે. કંઇ કેટલાંય અરમાનો પર પાણી ફેરવી દીધું છે. કંઇ કેટલીય આશાઓનું ગળું દાબી દીધું છે. આ દૂષણને દૂર કરવા, એને નાથવા માટે કડક પગલાં લેવાતાં આવ્યાં છે, કાયદાઓ સુધ્ધાં ઘડાયા છે. તેમ છતાં આધુનિક યુગમાં પણ સમાજ એનાથી પૂર્ણપણે મુક્ત નથી થઇ શક્યો. એ વાત કબૂલ કે બદલાતા સમય સાથે જનમાનસની વિચારધારામાં પણ સમૂળગો બદલાવ આવ્યો છે. દહેજની માગણી ઘટી છે, દૂર પણ થઇ છે. તેમ છતાં કરિયાવર જેવું રૂપાળું નામ આપીને કે પછી ‘અમે તો મરજીથી બધું આપ્યું છે’ એવી દંભી રજૂઆત હેઠળ પણ આ વરવી પ્રથા આજની તારીખમાં સુધ્ધાં કેટલેક અંશે ચાલી રહી છે. મહારાષ્ટ્રમાં તો પિતા દહેજના બોજ હેઠળ દબાઇ જશે એ વિચારથી પોતાના હાથ પીળા થાય એ પહેલા જ યુવતીઓએ જીવન ટૂંકાવી દીધા હોવાના હૃદયદ્રાવક કિસ્સાઓ આધુનિક યુગમાં બનતા રહ્યા છે. જોકે, આજે સમાજમાં એક એવો વર્ગ પણ તૈયાર થયો છે જે દહેજ માગવું કે એનો આગ્રહ રાખવો એને પાપ ગણે છે. બદલાયેલી વિચારધારાના આ લોકો સાચા પ્રતીક છે. મહારાષ્ટ્રના જ કેટલાક યુવાનોએ જાહેરમાં દહેજના દૂષણથી દૂર રહેવાના સોગંદ ખાધા છે. સાથે એવા પણ કેટલાક લોકો છે જેમની લગ્ન વખતની માગણી દહેજ એ પાપનું નહીં પુણ્યનું કામ છે એ બાબત સિદ્ધ કરે છે. દક્ષિણ ભારતના ઓડિશા રાજ્યનો રહેવાસી સરોજકાંત બિસ્વાલ એનું આગવું ઉદાહરણ છે. એવું ઉદાહરણ કે જેણે દહેજ માટે કરેલી માગણીને અનુસરવાનું મન થાય. આવી ઇચ્છાઓનું પુનરાવર્તન થાય એવી આશા રાખવાનું મન થાય.

આખીય વાત છે મજેદાર અને રસપ્રદ. વાંચીને કદાચ તમે બે ઘડી આંખો ચોળવા લાગશો કે એ ખાતરી કરવા કે આ વાત ખરી છે કે કેમ. ઓડિશા રાજ્યના કેન્દ્રપરા જિલ્લાના એક ગામના શાળા શિક્ષક જ્યારે લગ્ન નિમિત્તે વાતચીત કરવા પોતાના ભાવિ સાસરિયાઓને મળ્યો ત્યારે ભાવિ જમાઇ પાસેથી એક માગણીઓનું લિસ્ટ તેમને અપેક્ષિત હોય તો નવાઇ નહીં. જોકે, જમાઇરાજાએ એવી માગણી કરી જે સાંભળીને સાસરિયાઓ લાગણીભીના તો થઇ જ ગયા, પણ એમણે એ યુવાનની પીઠ થાબડીને એના ઓવારણાં સુધ્ધાં લીધા હતા. મજેદાર વાત તો એ છે કે એ યુવકના (સરોજકાંતના) માતા-પિતા પણ આશ્ર્ચર્યચકિત થઇ ગયા હતા. એવી તે શી માગણી એ યુવાને કરી એવો વિચાર જો હવે તમારા મનમાં સળવળવા લાગ્યો હોય તો એ સ્વાભાવિક બાબત કહેવાય. સરોજકાંતે સાસરિયા પાસેથી દહેજ પેટે 1000 રોપાની માગણી કરી હતી. એ રોપાઓનું ગામડાઓમાં વાવેતર કરીને પર્યાવરણની જાળવણીને મહત્ત્વ આપવાનો તેમ જ એનું રક્ષણ કરવાનો એનો ઇરાદો છે. આજે જ્યારે કેટલાક વિસ્તારોમાંથી હરિયાળી ઓછી થઇ રહી છે ત્યારે ઓડિશાના આ યુવકનો પ્રયાસ હરિત ક્રાંતિનો પ્રયાસ હજી પણ ધબકે છે એ વાતની સાક્ષી પૂરે છે.

33 વર્ષના સરોજકાંત શાળામાં શિક્ષક તરીકે કામ કરે છે. શિક્ષણ એટલે માત્ર બાળકોને ભણાવવાની જ જવાબદારી ન કહેવાય, પણ શૈક્ષણિક મૂલ્યો વિદ્યાર્થીઓના જીવનમાં સુધ્ધાં ઊતરવા જોઇએ એવું આ શિક્ષક માને છે. એટલું જ નહીં, પણ શીખવવામાં આવતાં મૂલ્યો શિક્ષકના જીવનમાં પણ જો ઊતરે તો એ સોને પે સુહાગા જેવી બાબત કહેવાય એવા એના વિચારો છે. એટલે જ્યારે એને પરણાવવાની વાતનો વિચાર અમલમાં મૂકવાની વાત થઇ ત્યારે વાજતેગાજતે વરઘોડો લઇ જવો કે રસ્તામાં ફટાકડા ફોડીને ધૂમધડાકા કરવા અને મૅરેજ હૉલને શણગારવો એવા વિચારો સરોજકાંત બિસ્વાલને ક્યારેય નહોતા આવ્યા. સદ્નસીબે તેમની આ વિચારધારાને પોષે એવા સાથ અને સહકાર વાગ્દત્તા રશ્મીરેખા તરફથી મળ્યા. જીવનસાથી જો વિચારધારા સાથે સહમત હોય તો કામ આસાન બની જતું હોય છે. સરોજકાંતે જ્યારે આર્થિક દૃષ્ટિકોણથી નજીવી કહી શકાય એવી 1000 રોપાની માગણી કરી ત્યારે કેટલાક લોકોએ વાંધો ઊઠાવ્યો હતો. તેમ છતાં આ શિક્ષક પોતાના ઇરાદાઓમાંથી જરાય ડગમગ્યો નહીં. મક્કમ રહ્યો. રશ્મીરેખા પણ શિક્ષિકા છે અને એટલે તેને સરોજકાંતના વિચારો ગળે ઊતરી ગયા. બાવીસમી જૂને સરોજકાંત અને રશ્મીરેખાનાં લગ્ન થયાં ત્યારે સરોજકાંતના સાસરિયાઓ ખટારો ભરીને રોપા લઇને લગ્નસ્થળે પહોંચ્યા હતા. એ રોપામાં મહદ્અંશે ફળના ઝાડના રોપા હતા.

ઓડિશાના આ યુવકના ઇરાદાઓ કેવા બુલંદ હતા એ મૅરેજને દિવસે તેણે કરેલી પ્રવૃત્તિ પરથી સ્પષ્ટ થાય છે. લગ્ન હોય એટલે વિધિઓ પણ હોવાની જ. જોકે, સરોજકાંતે વિધિને થોડા સમય માટે મુલતવી રાખીને ગામવાસીઓને રોપાઓનું વિતરણ કર્યું. જે મહેમાનો યુગલને લગ્નજીવનની શુભેચ્છા આપવા કે આશીર્વાદ આપવા આવ્યા હતા તેમને રિટર્ન ગિફ્ટરૂપે રોપા આપવામાં આવ્યા હતા. રિટર્ન ગિફ્ટનું આ વિશિષ્ટ ઉદાહરણ છે. આ સંદર્ભમાં પ્રતિક્રિયા આપતા સરોજકાંતે જણાવ્યું હતું કે ‘દહેજના કોઇ પણ સ્વરૂપનો હું વિરોધી છું. રોપાઓનું વિતરણ કરીને વૃક્ષની જાળવણી અને એની રક્ષા કરવાનો સંદેશનો પ્રચાર અને પ્રસાર કરવાનો મારો ઇરાદો છે. આ દિશામાં હું ઘણા સમયથી વિચાર કરી રહ્યો હતો અને છેવટે મને લાગ્યું કે વૃક્ષારોપણની ગંભીરતા અને એનું મહત્ત્વ સમજાવવા માટે મારાં લગ્નથી બહેતર કયો પ્રસંગ હોઇ શકે!’ યુવકના નેક ઇરાદાઓને પીઠબળ મળ્યું તેમ જ એને વેગ મળ્યો એમાં એમની જીવનસાથીનો સિંહફાળો રહ્યો છે. મિસ્ટર બિસ્વાલ આ વાત સ્વીકારીને જણાવે છે કે ‘અમે બેઉ જણ શિક્ષક છીએ. અમારા આ પ્રયાસની જાણ જ્યારે અમારા વિદ્યાર્થીઓને થશે ત્યારે તેમને એનું અનુકરણ કરવાની ઇચ્છા થશે એની અમને ખાતરી છે અને વિશ્ર્વાસ પણ છે. જે ધરતી પર આપણે વસવાટ કરી રહ્યા છે અને જ્યાં આપણો ઉછેર થઇ રહ્યો છે એ ધરતીને ફરી લીલીછમ બનાવી દેવા માટે આવા વધુ પ્રયત્નો થાય અને આવો વિચાર વધુ લોકો સુધી પહોંચાડવામાં આવે એ દિશામાં નવું વિચારવાની લોકોને અમારી અપીલ છે’.

સરોજકાંતની આ વૃત્તિ અને પ્રવૃત્તિ પોતાના પૂરતી સીમિત નથી. આ ભાઇસાહેબ ‘વૃક્ષ એ મિત્ર છે’ નામની વિચારધારા અને એ માટે ચાલતી ઝુંબેશના સક્રિય કાર્યકર્તા સુધ્ધાં છે. ગ્લોબલ વૉર્મિંગની સમસ્યાને પગલે પર્યાવરણમાં ઊભી થતી અસમતુલા વિશે એ કાયમ ચિંતિત રહ્યા છે. ઝાડ-પાનની યોગ્ય જાળવણી થાય તેમ જ પર્યાવરણને રક્ષણ મળે એનો સંદેશો ફેલાવવા તેમણે કાયમ કોશિશ કરી છે. પતિની વિચારવાની આ રીત તેમ જ તેના આગવા પ્રયાસથી પત્ની રશ્મીરેખા રાજી છે. કટકની સ્કૂલમાં શિક્ષિકાની જવાબદારી અદા કરનારી રશ્મીરેખા કહે છે કે ‘જીવનસાથી તરીકે આવી ઉમદા વ્યક્તિ મને મળી એનો આનંદ વ્યક્ત કરવા મારી પાસે શબ્દો નથી. દહેજપ્રથા સામે તેમનો વિરોધ તેમ જ આપણી ધરાને વાતાવરણના પ્રદૂષણથી બચાવવા માટે તેઓ જે પ્રયત્નો કરી રહ્યા છે એ બાબત વખાણવાલાયક છે. એમની આ કોશિશને કારણે જો લોકો વૃક્ષોની વાવણી કરવા પ્રેરાય તો એનાથી રૂડું શું?’

સમાજના વિવિધ સ્તરના લોકોએ સરોજકાંતના પ્રયાસોને બિરદાવ્યા છે. પર્યાવરણની રક્ષા માટે સક્રિય રહીને વિવિધ પ્રયત્નો કરી રહેલા બીરજા પ્રસાદ કહે છે કે ‘અનોખી રીતે લગ્નપ્રસંગ ઊજવીને સરોજકાંતે એક વિશિષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જો તમે એને અનુસરો તો પર્યાવરણની રક્ષા માટેની ઝુંબેશમાં આપોઆપ સહભાગી તો થઇ જ જાઓ છો, પણ સાથે સાથે દહેજ માગવાના કુરિવાજ સામે લડવાની ટીમમાં પણ સામેલ થવાની ઇચ્છા તમારામાં જાગે છે. સરોજકાંત જે વિસ્તારમાં રહે છે એ જગ્યામાં જંગલોનું નિકંદન નીકળી રહ્યું છે ત્યારે આવા પ્રયાસોને વધાવીને એનું અનુકરણ કરવું જોઇએ.’

આજનો વિદ્યાર્થી આવતી કાલનો શિક્ષક છે અને એને જે શિક્ષણ મળે એમાંથી જ એ નવી પેઢીને શીખવવા પ્રેરાય. પ્રત્યેક વિદ્યાર્થી ભણવાના ઇરાદા સાથે શાળા-કૉલેજમાં જતો હોય છે. સામે પક્ષે શિક્ષકની જવાબદારી હોય છે કે વિદ્યાર્થીઓને ભણતર મળે એ સાથે એવું જ્ઞાન મળે જે જીવનના અને એને પગલે સમાજના ઘડતરમાં ઉપયોગી સાબિત થાય. સરોજકાંત બિસ્વાલ જેવા શિક્ષકો એવું ઉમદા કાર્ય કરીને ઉદાહરણરૂપ સાબિત થયા છે. આશા રાખીએ કે આપણા દેશને આવા વધુ શિક્ષકો મળે જેથી આવી વિચારધારા વધુ ફેલાય.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

6271f3Ap
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com