Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
ઈમાનદારીથી જીવીને મને ધારી સફળતા ન મળી

કેતકી જાની-સવાલ: આજે આધેડ ઉંમરે પહોંચ્યા બાદ મને લાગે છે કે, નાનપણથી હાલ સુધી હું જે પામ્યો તેની કરતા મારા સાથે હતા તે બધા લોકો કરતા હું ઘણો ઓછો સફળ છું. આખી જિંદગી ઈમાનદારીથી જીવીને મને શું ફાયદો થયો? આસપાસથી જ ઘણાં લોકો અનીતિને રસ્તે પસાર થઈ માલામાલ થઈ ગયા અને હું સામાન્ય જ રહ્યો. મેં કંઈક ગોટાળા કર્યા હોત તો સફળ થયો હોત? મને આજે લાગે છે કે હું સિદ્ધાંતનું પૂંછડું પકડીને સફળ થનારા સાચે કેટલા હશે? બાળકોને પણ કહીએ નીતિ, સત્યને અનુસરો પણ વ્યવહારમાં આવા લોકો સફળ કેમ નથી દેખાતા? આજકાલ ખબર નહીં કેમ આવા વિચારો ખૂબ સતાવે છે, શું કરું?

------------------------------------------

સૌપ્રથમ તો તમે એ નક્કી કરો કે સફળતા એટલે શું? તમે જે લખ્યું છે તેના પરથી એવું લાગે છે કે માલામાલ થવું / અમીર હોવું સફળતા છે, પણ ખરેખર એ સાચું નથી. જીવનની સાચી સફળતા જીવનમાં આવતા પડકારોને સ્વસ્થતાથી હંફાવી દેવામાં છે. જીવનની સાચી સફળતા સમાજના અન્ય લોકોને પ્રેરણા આપે તેવું જીવન જીવી જવામાં છે. આવી સફળતા ધનથી નથી હાંસલ થતી, પરંતુ વ્યક્તિમાં રહેલા દૃઢ સંકલ્પબળથી મળે છે. ગુગલ સર્ચ કરો, આપને એવા અનેક જીવંત ઉદાહરણો મળશે કે અમુક લોકો ભલે અમીર ન થયા હોય પણ પોતપોતાના ક્ષેત્રમાં તેમણે ફતેહ કરી હોય, બીજાઓને પોતાના રસ્તે ચાલવા વિચારમંત્ર આપ્યા હોય. ઈતિહાસ સાક્ષી છે કે જીવનમાં ધન વગર પણ સફળ થયા હોય તેવા વીરો પાસે મૂડી એક જ હતી - અતૂટ આત્મબળ, કંઈક મહાન, અલગ કરી જવાની ઈચ્છા. શક્તિ-ઉન્નતિના મકસદને નજર સામે રાખી દિવસ-રાત તેના માટે ભૂખ-તરસ ભૂલી જનાર ‘માંજી-ધ માઉન્ટેઈન મેન’ અને રાષ્ટ્રપતિ સ્વ. અબ્દુલ કલામ યાદ છેને? તેમની પાસે ક્યાં ધન હતું? પણ તેની આત્મશક્તિને સદીઓ સુધી કોઈ ભૂલી શકશે? આ તો બે ઉદાહરણ આપ્યાં. બાકી આવા અસંખ્ય લોકો ઈતિહાસને ઉજાગર કરી ચૂક્યા છે. બઝારવાદ, વૈશ્ર્વીકરણ અને આર્થિક ચકાચૌંધના આ સમયમાં આપણે માનસિક આત્મબળ, શાંતિને બદલે અમીરીને સફળતાનું માપદંડ માની બેઠા છીએ. કદાચ તમે પણ એ જ ભૂલ કરી રહ્યા છો. તમારા જીવનમાં તમને આશ્ર્વાસન લેવા જેવી કેટલીક બાબતો ચોક્કસ મળશે, મળશે અને મળશે જ જો તમે આજ સુધી ઈમાનદારી - નીતિ - સત્યથી જીવ્યા હશો તો. બસ અમીરીના ચશ્માં ફગાવી દઈ તે બાબતો શોધજો. ટૂંકમાં એટલું જ કે સફળ માણસ એ નથી જેની પાસે ખૂબ સંપત્તિ છે, પણ એ છે કે જે પોતાના સાહસ અને મહેનતકશ પ્રતિભાથી સમાજ માટે માર્ગદર્શક બને. સ્વાર્થ અને અભિમાનને કોરાણે મૂકી જે પોતાની અભિરુચિને અનુરૂપ ક્ષેત્રમાં સફળતા હાંસલ કરે તે સફળ. જીવનમાં લોકોને મદદ કરવા ક્યારેક પોતાને થનારું નુકસાન અણદેખ્યું કરે તે સફળ. બસ હવે તમારે વિચારવાનું કે આપની ઉલઝન ખરેખર યોગ્ય છે કે?

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

ddE73Nu8
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com