Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
વાત્સલ્યની બદલે વાસનાનો ભોગ
બાપ હજી માંડ યૌવનમાં પ્રવેશેલી કે તેથી પણ નાની વયની દીકરીઓના શરીરને ચૂંથી શકે છે એ વિશે વિચાર કરતાં પણ ઊબકા આવે છે પણ છતાં આ વરવી હકીકત છે

ઘટના અને અર્થઘટન-સોનલ શુક્લક્યારેય કબૂલવી ન ગમે એવી એક વાસ્તવિક્તા હવે અવારનવાર સામે ખડી થાય છે. જાણતી’તી કે આવું બને છે. એક બે વાર પોતાના કાર્ય દરમ્યાન જાણમાં આવેલા કિસ્સા વિષે પણ કદાચ લખ્યું હશે પણ મોટેભાગે ધરબાઈ જતી કહાણીઓ હવે બહાર આવે છે કે સગ્ગો બાપ-દીકરીનું યૌનશોષણ કરી શકે છે. આ વિશે વિચાર કરતાં પણ ઊબકા આવે છે ને છતાંયે હકીકત છે કે બાપ હજી માંડ યૌવનમાં પ્રવેશેલી કે તેથી પણ નાની વયની દીકરીઓના શરીરને ચૂંથી શકે છે. અખબારોની મહેરબાની કે એ લોકો આવી ખબર પ્રગટ કરે છે અને જે છોકરીઓ અને યુવતીઓ ફરિયાદ નોંધાવવા અને પુરાવા આપવા આવી છે એમને માટે સહાનુભૂતિ અને સલામ. આમ તો ઈન્સેસ્ટ એટલે કે બાપ-દીકરી કે ભાઈ-બહેનના સેક્સ સંબંધો બધા સમાજોમાં નિષેધ થયેલા છે, કદાચ એ સામાન્ય લોકોની સમજ હશે કે માંહ્યોમાહ્ય સંબંધ કરવાથી આવનાર બાળક પર તરત અથવા થોડી પેઢીઓ પછી અવળી અસર પડે છે. આથી ઈન્સેસ્ટ મહાપાપ ગણાય છે. છેલ્લા થોડા વર્ષોમાં જાહેર થયેલા કિસ્સા જોઈએ. બાકીનાં ધરબાઈ ગયેલાં ક્ધયાઓનાં રૂદન સાંભળી શકાશે નહીં.

ફુગવારા, પંજાબમાં છ વર્ષની દીકરી પર બાપે બળાત્કાર કરવાના સમાચાર છે. બાપ પોલીસ કસ્ટડીમાં છે. માતાએ ફરિયાદ નોંધાવી છે કે પોતે બહાર હતી પણ દીકરીની ચીસો સાંભળીને દોડી આવી તો જોયું કે પતિ ‘કુકર્મ’ કરતો હતો. માતા કાંઈ ઘર છોડીને ચાલી ગયેલી નહોતી, એવું નહોતું કે પતિ સેક્સ માટે ભૂખ્યોતરસ્યો હતો, જે હોય તો પણ કોઈ બાળકી ઉપર આવા અત્યાચાર ન કરાય. આનો અર્થ એ કે એને દીકરી પ્રત્યે વાત્સલ્યને બદલે વાસના થયેલી જ હશે અને લાગ મળે તેની રાહ જોતો હતો. દીકરી અને બાપની શારીરિક તપાસ પછી એનું પાપ બહાર જણાયું.

કોલકતાથી એક બાપ પોતાની દીકરીને લઈને મુંબઈ કમાવા આવેલો, અગાઉ છેડછાડ કરેલી પણ ઘરના નિર્ણયોમાં દીકરીનો અવાજ ક્યાં પહોંચે? એ મુંબઈ આવી, દૂર ઉત્તરના ઉપનગરમાં રહે. બાપ અવારનવાર બળાત્કાર કરે. છોકરી અઢારની થાય તે અગાઉ એને બે છોકરાં થયેલાં એક મરેલું અવતરેલું અને એક જીવંત. ડી.એન.એ. પરીક્ષણથી સાબિત થયું કે બાપ જ આ બાળકોનો પણ પિતા હતો. એ નાતે છોકરાં પેલી યુવતીનાં સંતાન પણ હતા અને ભાઈ-બહેન પણ.

દિલ્હીમાં દારૂ પીધેલા બાપે પાંચ વર્ષની દીકરી ઉપર બળાત્કાર કર્યો. છોકરી વેર વાળવા ખોટી ફરિયાદ કરે છે એવા બાપના બચાવને રદિયો આપીને અદાલતે કહી દીધું કે વેર વાળવા માટે બાળકને કોઈ જ કારણ નહોતું.

આંધ્ર પ્રદેશમાં એક સ્થળે પોતાની 18 વર્ષથી નાની દીકરી પર બળાત્કાર કર્યો હોવાને કારણે દસ વર્ષની જેલ અને એક લાખ રૂપિયાનો દંડ થયો છે.

રાજસ્થાનના ઝાલાવાડમાં પોતાની સાત વર્ષની દીકરી ઉપર વારંવાર બળાત્કાર કરવા બદલ એક બાપની ધરપકડ થઈ છે.

એક મહિલા અદાલતે 48 વર્ષના બાપને લાંબી જેલ આપી છે, કારણ કે એણે પોતાની 14 વર્ષની દીકરીને ગર્ભવતી બનાવેલી.

દહિસરમાં મારી નાખવાની ધમકી આપી આપીને છેલ્લા ત્રણ વર્ષથી દીકરી ઉપર બળાત્કાર કરતો હતો. દીકરીને ગર્ભ રહેલો. બાપ પકડાઈ ગયો છે.

અત્યાર લગી એમ લાગતું કે માસા, ફુઆ, બનેવી કે સાવકા બાપ જેવા, જેમના લોહીના સંબંધ ન હોય તેવા પુરુષો પરિવારની છોકરીઓ ઉપર બળાત્કાર કરતા વાસ્તવમાં એવું નથી તો પછી દીકરી કોને ભરોસે છોડીને જવાય? ઘણી યુવાન વિધવા કે ડાઈવોર્સી જો પોતાને દીકરી હોય તો પુનર્લગ્ન કરતાં ડરે છે.

વડોદરામાં 63 વર્ષની એક માણસની ધરપકડ થઈ, કારણ કે એ પાંચેક વર્ષથી અવારનવાર દીકરી ઉપર બળાત્કાર કરતો હતો.

તમિળનાડુમાં 31 વર્ષના બાપે બાર વર્ષની દીકરીને મંગળસૂત્ર પહેરાવી દીધેલું અને એ દાવો કરતો હતો કે ક્ધયા પોતાની બીજી વારની પત્ની હતી.

તમિળનાડુના જ કુન્નુરમાં બે વર્ષ લગી એક બાર-તેર વર્ષની છોકરી ઉપર એનો બાપ, બે ભાઈઓ, બે કાકા બળાત્કાર કરતા હતા. આખરે છોકરીએ ફરિયાદ કરી અને આ બધાની ધરપકડ થઈ. છોકરી અત્યારે બીજે ઠેકાણે ક્યાંક સંસ્થામાં અલગ અને એકલી રહે છે. પોતાની માતાને પણ મળવા નથી માગતી. ‘પછી વિચારીશ’ કહે છે. માતા બાપડી ઘરમાં સાવ એકલી થઈ ગઈ છે. એનો વર તો હરામી આળસુ હતો અને આડા ધંધા કરતો હતો પણ દીકરાઓ પણ આવા નાલાયક નીકળ્યા એ જાણીને એને મોટો આઘાત પહોંચ્યો છે. ધણી કમાતો નહતો એટલે પોતે રોજ કમાવા જતી એથી ઘરમાં આવું બની શક્યું.

સીધા લોહીના સંબંધ હોય ત્યાં યૌનસંબંધ ન કરાય એવા નિષેધો છે જેનો અર્થ એ કે તે થતા હતા, ન જ થાય એવો કુદરતી ક્રમ હોય તો તો ધર્મ અને શાસને એવી બંધી જાહેર ન કરવી પડે. જૂના રોમન સામ્રાજ્યમાં રોમનો માટે માસી કે ફોઈ સાથે પરણવા સામે નિષેધ હતો પણ તે તેમની ઈજિપ્સિયન પ્રજાને લાગુ નહોતો પડતો. પ્રાચીન ઈજિપ્તમાં ભાઈ-બહેન કે બાપ-દીકરીના લગ્ન થઈ શકતાં એ જાણીતું છે, રાણી કિલીઓપેટ્રા પોતાનો સહશાસકનો નિકાલ લાવી પૂર્ણશાસક બની તે માટે કહેવાય છે કે ગાદી ઉપર જોડે બેસનાર તેનો પતિ તેનો પોતાનો જ સગો ભાઈ હતો, તેથી જ બંનેને સામ્રાજ્ય મળેલું. 1920ના દાયકામાં એક નાના પિરામિડમાંથી કિશોર રાજ્વી ટુટાખામનની કબર જડી આવેલી. બાકીના પિરામિડોને તો ચોરલૂંટારાઓએ લૂંટી કાઢેલી. આ જરા બીજા પિરામિડની પાછળ ઢંકાઈ ગયેલી તે બચી ગયેલી. આજ કાલ આપણા લોકો ઈજિપ્ત અને તુર્કીના પ્રવાસે જાય છે તો એમણે રાજા ટુટનો ભવ્ય ખજાનો મ્યુઝિયમોમાં જોયો હશે. નાની વયે મરી ગયેલો આ ફારોહની વારંવાર ડી.એન.એ. પરીક્ષા પછી જાણવા મળ્યું છે કે 19 વર્ષની વય થઈ ત્યાં સુધીમાં એને કેટલાયે રોગ લાગુ પડી ગયેલા. રાજવી પરિવારમાંથી સત્તા બહાર ન જાય એટલે કુટુંબીઓ આપસમાં પરણતા, ટુટાખામન પોતે માબાપના ઈન્સેસ્ટમાંથી જન્મેલો અને પોતે પણ પોતાની સાવકી બહેન જોડે પરણેલો હતો. ઈજિપ્તમાં લગઝોરમાં પ્રાચીન અવશેષોનો ભંડાર છે. રાજા રામસે ચોથાનું ત્યાં ઉંચેરું પૂતળું છે. એની દીકરીઓ મોટી થઈ પછી ચાલીસ વર્ષની વયે એણે ચારેચાર દીકરીઓ જોડે લગ્ન કરી લીધા.

માંહ્યોમાહ્ય લગ્ન કરી લે તે તો સમાજમાં માન્ય હતું. એ સંસ્કૃતિનો વિનાશ પણ થઈ ગયો. રાજવી પરિવારો અત્યંત નજીકના સગાને પરણે તે પણ સત્તા અને સંપત્તિનું કારણ છે. નાનકડી દીકરી ઉપર સગો બાપ કે ભાઈ બળાત્કાર કરે તેમાં સત્તાના સંબંધોની દુર્ગંધ છે. બાપને માન આપી, એની સર્વોપરિતા હોય તે વાતાવરણમાં ઉછરેલી દીકરી કઈ રીતે અને કેટલોક સામનો કરી શકાય? કેટલીક વાર તો માતા પણ એને ચૂપ મરવાનું કહે. નાશિકમાં એક બાપે એની પાંચ વર્ષની દીકરી ઉપર બળાત્કાર કર્યો તેની દાદી સાક્ષી હતી. એણે શું કર્યું? એણે પૌત્રીને ગળે ટૂપો દઈ દીધો. જેથી બાળકી કોઈને કાંઈ કહે નહીં. લાશ એક બંધ શાળા પાછળ નીકળી આવી. પોલીસે પગેરું કાઢ્યું ને આ મા-દીકરા સુધી ગયું અને એમણે કબૂલાત આપી. આમ તો એક્ઝોગામી અને એંડોગામીનાં નિયમો સમાજમાં હોતા હોય છે. એક્ઝોગામી એટલે પોતાના અમુક વર્તુળથી બહાર જ દીકરી આપી શકાય અને એંડોગામી એટલે પોતાના વર્તુળમાં જ દીકરી પરણાવાય. હિંદુ જ્ઞાતિપ્રથા બંને નિયમો પાડે છે, ઘણી બધી જ્ઞાતિઓમાં ગામની બધી દીકરીઓ બહેન ગણાય એટલે ગામની બહાર જ દીકરી પરણાવાય, પણ બીજી બાજુ જ્ઞાતિની અંદર જ અને તે પણ અમુક વર્તુળમાં જ પરણાવાય. દાખલા તરીકે ઊંચા લેખાતા છ ગામના ચરોતરી પટેલો દીકરીને આ વર્તુળનમાં પરણાવે તો જ એ યોગ્ય ગણાતું પણ પાછી એમાંથી પોતાના ગામમાં ન પરણાવાય. અહીં ઘણીવાર ઉદાહરણ આપી દીધેલું છે કે મુંબઈના અંગ્રેજ ગવર્નરે દીકરીને ‘દૂધપીતી’ કરવાનું યાને મારી નાખવાનું બંધ કરવાનું ફરમાન કાઢ્યું ત્યારે કચ્છના જાડેજા મહારાજાએ દલીલ કરેલી કે જાડેજા કરતાં કોઈ ઊંચું કુળ નથી. દીકરીને નીચામાં અપાય નહીં ને ન તો કુંવારી રખાય તો પછી શું કરવું?

મુસ્લિમોમાં કાકા, મામા, માસી કે ફોઈના બાળકો એકમેકમાં લગ્ન કરી શકે છે. પારસીઓમાં પણ બહુ થતાં નથી પણ કઝિનોના લગ્ન સામે નિષેધ નથી, અહીં બાપ, કાકા, મામા અને ભાઈ જોડે લગ્ન કરી શકાય નહીં. સેક્સનો સંબંધ રાખી શકાય નહીં. આથી જ જો કોઈ વિધવા કે છુટાછેડાવાળી મુસ્લિમ સ્ત્રી ફરી પરણે નહીં, દીકરો ન હોય, બાપ અને મામાકાકા મરી ગયા હોય તો હજ પર જઈ શકે નહીં કેમ કે જ્યાં નિષેધ છે તેવા જ પુરુષ સગા જોડે એનાથી હજ પર જવાય એટલે કે નમાજ, હજ, જકાત જેવાં પાંચ મુખ્ય નિયમોમાંથી હજનો પૂરો કરી શકાય નહીં, મોટા ભાગના હિંદુઓમાં મામાની દીકરીને પરણવાનો હક ફોઈના દીકરાને છે, નાનપણમાં જાફરાબાદી કોળણો પાસે ગીત સાંભળેલું, ‘વહાણે ચડ્યા, મારા ફૈબાના દીકરા વહાણે ચડ્યા’ અને પછી અંતકડીમાં કાકા, મામા મૂકીને ગાતા તો વડીલો ના પાડતા પણ સમજાવતા નહીં કે અહીં માછીમાર કોળણ આમન્યા રાખીને પોતાના પતિનો ઉલ્લેખ કરે છે.

ઉત્ક્રાંતિનો સિદ્ધાંત આપનાર વૈજ્ઞાનિક ડાર્વિનને ડર હતો કે પોતે અને પત્ની બંને બહુ નજીકમાં લગ્ન કરવાવાળા પરિવારોમાંથી આવે છે તેથી એના બાળકો વારંવાર માંદા પડે છે. પત્ની પણ કઝિન મળી હતી. દસમાંથી ત્રણ બાળકો બાળપણમાં મરી ગયાં, ત્રણને બાળક ન થયાં અને બાકીનાં વારંવાર માંદા પડતા. છોડ વનસ્પતિમાં પોતે શક્ષ બયિમ માંહ્યોમાંહ્ય ભેગાં કરવા અંગે એ જાણતા અને તેથી એમણે સંતાનોની માંદગી, પૂર્વજોમાં લગ્ન વગેરે વિશે પૂરી માહિતી રાખેલી.

જાનવરોમાં ઈન્સેસ્ટનો કોઈ કુદરતી નિષેધ નથી તે જાણીતું છે. એક નાના શહેરમાં રહેતા અમારા એક સંબંધીએ ઊંચી જાતની કૂતરી પાળેલી. પેલીનો ઉષ્ણતા સમય આવે જ્યારે ગર્ભાધાન થાય તે સમયે એમની આ જેકી બિચારી ઉછળ કૂદ કરે. એવે ટાણે નાનકડો કૂતરો કોઈ લાવ્યું હોય તો બંનેને વશમાં રાખવા મુશ્કેલ. જેકીનો સંબંધ કેમ નહોતા કરાવતા તો કહે કે ગામમાં એક જ એની જાતનો કૂતરો છે, પણ એ એનો ભાઈ છે! તો પછી લોકો કહે કે ગમે તે જાતના કૂતરા જોડે સંબંધ કરાવ તો કહે કે ના, એમાં તો નીચાં મિશ્ર કૂળનાં બચ્ચાં થાય. અહીં પણ જ્ઞાતિભેદ, બિચારી જેકી છેલ્લે આજન્મ કુંવારી કે બ્રહ્મચારિણી મરી ગઈ!! જોકે પિતા કે ભાઈ ઘરની દીકરી ઉપર જબરદસ્તી કરે એ માત્ર ઈનસેસ્ટ નથી પણ પોતાના ઊંચા હોદ્દાનો ઉપયોગ કરી હિંસક ગુનેગારી હુમલો છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

4813n8
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com