Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
પાંદડાને વૃક્ષની સાધનાનો અંદાજ નથી હોતો

કવિતાની કેડીએ-નલિની માડગાંવકરગીત-ગઝલને ઓવારે વિસામો લઈને પોતાની કવિતાનાવને આગળ વધારનારા અને કવિતાને જ જીવનસખી માનનારા વીરુ પુરોહિત આપણા આશાસ્પદ ગીત-ગઝલકાર છે. એમની કવિતાએ ક્યારેય ભાષાઆક્રમણનો અનુભવ નથી કર્યો. પોતાની કેડી પોતે કંડારીને ત્યાં આગળ વધવાનો અનુભવ રચના દ્વારા કરાવનાર કવિ છે. પ્રકૃતિ હોય કે માનવ પણ કવિની અભિરુચિ પરંપરાગત રૂપને ચાતરીને દર્શનની નવી દિશા શોધનારી રહી છે. છતાં આ શોધમાં કવિતાના એકત્વને ક્યારેય વેરવિખેર નથી કર્યું. તેથી દરેક કાવ્યસર્જન એમને એક નૂતન પ્રદેશના સામિપ્યનો આનંદ આપી જાય છે. કવિ ચેતનાને સાચવવી એ જ ભીતરનાં મૂળિયાંને સીંચવાનો આનંદ આપનારી ઘટના છે. એની પ્રતીતિ કવિની પ્રત્યેક કવિતા કરાવી જાય છે.

અહીં ‘માંગણી’ કરે છે તો કોની પાસે? કોણ કરે છે? શેની કરે છે? આવા અનેક પ્રશ્ર્નો શીર્ષક જોતાં જાગે એ સ્વાભાવિક છે. કવિ પ્રકૃતિને પણ આવી નવી દિશાથી ઓળખાવે છે. એક પાંદડું શહેરી ભાષા બોલે છે. જો ‘પાંદડું’ આ અભિવ્યક્તિને દૂર કરીએ તો એ શહેરનો ભાગ-લાગ માગતો દીકરો બને છે. પ્રકૃતિ પાસે જવું હોય તો કવિની નવી દિશાએ સર્જેલું વિશ્ર્વ કેવું અર્થસભર લાગે છે! છે તો એક પાંદડાની વાત પણ એમાં કુદરત સાથે માણસની પ્રકૃતિની લાક્ષણિકતાઓ આવીને ભળી ગઈ છે.

ભાગ, હિસ્સો, બંધિયારું કુળ આ નવું વાતાવરણ સર્જનાર આયુધો છે. આ નક્કી જ લીલું છમ્મ તાજું જન્મેલું પાંદડું છે તેથી જ આવી ભાષા બોલી શકે છે. પછી તો એક એક પંક્તિમાં સમાંતરે ચાલતી પ્રકૃતિલીલા અને કુટુંબલીલા છે. પાંદડું પોતાને જીવતું રાખનાર શક્તિ, સંજીવની એ વૃક્ષનાં મૂળિયાં પાસેથી મેળવે છે. એક તરફ ઘમંડી પાંદડું છે બીજી તરફ અનુભવપૂત વૃક્ષ છે.

બીજી એક વાત કવિ ખૂબીથી આપણી સામે ધરી દે છે. કે પાંદડાને જિવાડવા માટે એને ભાગે આવનારી ડાળી અને મૂળ પૂરતાં નથી. એને સીંચનાર અમૃતની પણ આવશ્યકતા છે. ઓશિયાળું આયખું વિતાવવા તૈયાર ન થનાર એક સ્વમાની કે ગર્વિષ્ઠ અસ્તિત્વ છે! એનો નિર્ણય વ્યક્તિએ પોતે કરવાનો છે. પાંદડાને વૃક્ષની સાધનાનો અંદાજ નથી હોતો. એટલે વૃક્ષ પણ કુટુંબના વડા તરીકે દોથો ભરીને તડકો આપે છે. અહીં ‘દોથો’ એ સૌરાષ્ટ્રની તળપદી ભાષાનો શબ્દ છે. એનો અર્થ નર્યો મૂઠો કે ખોબો ભરીને નથી થતો, પણ કોઈ દોથો ભરીને વસ્તુ આપે ત્યારે જે ભાવ જાગે એવો ભાવ જાગે છે.

એક પાંદડું ક્ષણનો પણ વિલંબ સહી નથી શકતું. કૂંપળ અને વાસંતી ફાગ એ તો ઋતુપરિવર્તનનું ઇંગિત છે. ઓશિયાળો વેશ અને બંધિયારા કુળને ફગાવીને જે દરિયાના દેશમાં જવા માગે છે એવા સાહસવીરને આ નાનકડું પાંદડું લલકારે છે. ‘ચોખ્ખુંચટ’ બોલતું આ નર્યું પાંદડું નથી, એક પેઢી છે.

કવિ એક રચના કરે એની સાથે અનેક પ્રતિબિંબો સર્જતું એક દર્પણ આપી દે છે. પરંપરા પાસેથી ગર્વભેર કંઈ ન માગતું આ પાંદડું છે.

દોથો ભરીને તડકો આપતું ઝાડ એક પાંદડાની આસપાસ એને જીવાડનાર પદાર્થો મૂકે છે, પણ એ કંઈ પક્ષીની વેદનાને કાન માંડીને સાંભળનાર પાંદડું ક્યાં હતું? જેને પક્ષીના આનંદને ઝીલવાનો અધિકાર મળતો હોય એ પક્ષીની વેદનાને સહેવાનું કર્તવ્ય શું પૂરું નથી કરતો? પરંતુ નગર જીવનની રહેણીકરણી જેને કોઠે સદી ગઈ છે એવા માનવીનું પ્રતિનિધિત્વ કરતું આ પાંદડું છે. સ્વાર્થકેન્દ્રી પાંદડાનો ભભૂકતો મિજાજ એને તો ઊડતા પતંગિયા ગમતાં હોય છે.

પતંગિયાં અને ઝાકળ ફૂલની શોભાને વધારનારાં છે, પણ અગ્નિ પરીક્ષાને જાણતાં નથી હોતા. અગ્નિને જે સહી શકે છે એ જ ઝાકળની ક્ષણભંગુરતાને જાણતા હોય છે.

‘માંગણી’ કોની પાસે થાય છે! માણસ પ્રકૃતિ પાસે જઈને પ્રેરણા મેળવતો હોય અહીં તો માણસ પ્રકૃતિ પાસે જઈને પ્રેરણા લે છે.

કવિતાનો બીજો પણ એક ચહેરો છે. જેને નાનાં ગણીએ છીએ એવી વ્યક્તિઓ પણ મોટા પાસે માગણી કરી શકે છે અને મોટાઓ પણ નાનાઓને બોધપાઠ શીખવતા જુદી જુદી પ્રયુક્તિઓ કરતા હોય છે. અહીં જે અગ્નિપરીક્ષા આપી શકે છે એ જ અધિકારને મેળવી શકે છે. એવી રહસ્યમય વાતો પણ પ્રકૃતિ આપણી સાથે કરતી હોય છે. શરત એટલી જ છે કે કવિ જેવી સંવેદનશીલતા આપણી પાસે હોવી જોઈએ. બાકી પ્રકૃતિ માણસ પાસે કંઈક માગે એ સામાન્ય ચીલાને કવિ ચાતરીને ચાલે છે. ૧૯૬૮થી ગીત અને ગઝલક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર કવિ વીરુ પુરોહિત કવિતા ઉપરાંત નાટક, નવલિકા અને અન્ય ગદ્યસ્વરૂપ ક્ષેત્રે પણ પ્રયોગશીલ રહ્યા છે.

અનેક પારિતોષિક ગદ્યક્ષેત્રે અને કવિતાક્ષેત્રે પ્રાપ્ત કરનાર કવિ વીરુ પુરોહિત જેટલું સાહિત્યક્ષેત્રે પ્રદાન કરી રહ્યા છે એટલી એમની રસપ્રદ કૃતિઓને પ્રાપ્ત કરવાની આપણી અપેક્ષા વધતી રહી છે. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

6700k80A
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com