Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
નીરજ ગોયત: ભારતનું એશિયન ગૌરવ

ખેલ અને ખેલાડી-અજય મોતીવાલાછેલ્લાં બે વર્ષમાં નીરજ ગોયત સહિત ઘણા ભારતીય બૉક્સરો પ્રોફેશનલ બન્યા છે. એ યાદીમાં વિજેન્દર સિંહ સૌથી વધુ લોકપ્રિય છે. તે તમામ ૧૦ પ્રોફેશનલ બાઉટ જીત્યો છે. તેણે ચીનના ઝુલ્પિકર, ઇંગ્લૅન્ડના લી માર્કહૅમ, તાન્ઝાનિયાના ફ્રાન્સિસ ચેકા સહિતના ઘણા જાણીતા મુક્કાબાજોને હરાવ્યા છે અને આ ૧૦ મુકાબલા જીતીને ઘણું કમાયો છે, પરંતુ તેના જ રાજ્ય હરિયાણાના નીરજ ગોયતની સફળતા કંઈક જુદી જ છે. ૨૬ વર્ષીય નીરજ ૨૦૦૮ની સાલમાં ‘ભારતનો સૌથી આશાસ્પદ મુક્કાબાજ’નો પુરસ્કાર જીત્યો હતો. ૧૨ રાઉન્ડનો મુકાબલો સફળતાપૂર્વક લડનાર તે ભારતનો પ્રથમ પ્રોફેશનલ બૉક્સર છે તેમ જ ડબ્લ્યૂબીસી (વર્લ્ડ બૉક્સિગં કાઉન્સિલ) વર્લ્ડ રૅન્કિંગ્સમાં સ્થાન મેળવનાર પહેલો ભારતીય બન્યો હતો.

૨૦૧૭ની સાલમાં ડબ્લ્યૂબીસીનો વર્ષનો ‘સર્વશ્રેષ્ઠ એશિયન બૉક્સર’નો પુરસ્કાર જીતનાર નીરજ ૨૦૧૬માં ઑલિમ્પિક્સ ક્વૉલિફાઇંગ રાઉન્ડ માટે વેનેઝુએલા જનારો પહેલો ભારતીય પણ બન્યો હતો.

૨૬ વર્ષીય નીરજે બહુ નાની ઉંમરે મુક્કાબાજીની તાલીમ શરૂ કરી હતી. હરિયાણાની એસડી મૉડેલ સ્કૂૂલમાં નવમા ધોરણ સુધી ભણેલા નીરજે ૨૦૦૬ની સાલમાં (૧૪ વર્ષની ઉંમરે) આર્મી સ્પોર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટમાં બૉક્સિગંની ટ્રેઇનિંગ લેવાની શરૂઆત કરી હતી અને ત્યાં જ તેણે ૧૦મું ધોરણ પણ પાસ કર્યું હતું. ૨૦૦૭ની સાલમાં તે પહેલી મોટી જુનિયર નેશનલ ટુર્નામેન્ટમાં ભાગ લેવા ઊતર્યો હતો અને એમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. ત્યાર પછી તેણે બહુ જલદી પ્રગતિ કરી હતી અને ૨૦૦૮ની સાલમાં યુથ નેશનલ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

નીરજને મુક્કાબાજીનું વળગણ થવા પાછળનાં કેટલાંક કારણો છે. યુવાન વયે જ તેના શરીરનો બાંધો જેવો હતો એને લીધે તેને બૉક્સિગંના ક્ષેત્રે જવાની તીવ્ર ઇચ્છા થઈ હતી. રમતવીર તરીકેની પર્સનાલિટીએ તેની એ ઇચ્છાને પ્રબળ બનાવી હતી. તેણે ખેલકૂદમાં કારકિર્દી બનાવવાની શરૂઆત ઍથ્લેટિક્સથી કરી હતી, પણ પોતાની આસપાસ તેણે ઘણા મુક્કાબાજોને તાલીમ મેળવતા જોયા હતા એટલે તેણે પણ બૉક્સિગંની રિંગમાં ઉતરવા મનમાં ગાંઠ વાળી લીધી હતી. હરિયાણાએ દેશને ઘણા મુક્કાબાજો આપેલા છે એટલે સ્વાભાવિક રીતે રાજ્યમાં ઠેર-ઠેર બૉક્સિગંની તાલીમ માટેનાં કેન્દ્રો હોવાના જ. નીરજ આવા જ એક સેન્ટરમાં તાલીમાર્થીઓના ફિટનેસના સ્તર અને તેમની તાકાતથી ખૂબ પ્રભાવિત થયો હતોે. આ બધુ જોઈને નીરજે પણ ‘મુઠ્ઠીઓ વાળવા માંડી હતી’. તે સિનિયરો પાસેથી મુક્કાબાજીના ઘણા પાઠ શીખવા માંડ્યો હતો.

નીરજને સિનિયર બૉક્સરો પાસેથી મળેલું જ્ઞાન અત્યારે પ્રોફેશનલ બૉક્સર તરીકેની રિંગમાં ખૂબ કામ લાગી રહ્યું છે. કુલ ૧૩માંથી તે ૯ બાઉટ જીત્યો છે. તેનો આગામી મુકાબલો જૂન, ૨૦૧૮ના આખરી અઠવાડિયામાં કૅનેડાના બૉક્સર સાથે થશે.

------------------------------------

ટીવી અને ફિલ્મ કરિયર

નીરજ ગોયત માત્ર બૉક્સિગં-રિંગમાંથી જ લોકપ્રિય બન્યો છે એવું નથી. તેણે ટેલિવિઝન પરના કેટલાક શૉમાં તેમ જ ફિલ્મના પડદે ચમકીને પોતાની પૉપ્યુલારિટીને નવી દિશા આપી છે.

ઑગસ્ટ, ૨૦૧૨માં તે એક ચૅનલ પરની ‘એસએફએલ ચૅલેન્જર્સ’ નામના શૉમાં ચમક્યો હતો. ગયા વર્ષે સુપર બૉક્સિગં લીગમાં તે ટીમ હરિયાણા વૉરિયર્સનો કૅપ્ટન હતો.

નીરજે અમેરિકાના ‘અલ્ટિમેટ બીસ્ટમાસ્ટર’ ટાઇટલવાળા રિયલ્ટી શૉમાં પણ ભૂમિકા ભજવી છે.

નીરજ ફિલ્મ-ડિરેકટર અનુરાગ કશ્યપની ‘મુક્કાબાજ’ ફિલ્મમાં કામ કરી ચૂક્યો છે. આ ફિલ્મ ૨૦૧૮ના જાન્યુઆરીમાં રિલીઝ થઈ હતી. એમાં તે દીપક તંવર સાથે બૉક્સર તરીકેનો અભિનય કર્યો હતો. જિમ્મી શેરગિલ, ઝોયા હુસેન, સાધના સિંહ અને વિનીતકુમાર સિંહ જેવા જાણીતા કલાકારો એ ફિલ્મમાં હતા.

-------------------------------

નીરજની કરિયર પર એક નજર...

ક ડબ્લ્યૂબીસીનું એશિયા ટાઇટલ ત્રણ વખત જીતી ચૂક્યો છે.

ક ૨૦૧૫ની સાલમાં ૨૩ વર્ષની ઉંમરે તેના વર્ગમાં પહેલી વાર એશિયન ચૅમ્પિયન બન્યો હતો.

ક ૨૦૧૬ના વર્ષમાં સતત બીજી વખત એશિયન ચૅમ્પિયન બન્યો હતો.

ક ૨૦૧૭ની સાલમાં એશિયન ચૅમ્પિયન બનવાની હૅટ-ટ્રિક નોંધાવી

હતી.

ક તે ડબ્લ્યૂબીસી એશિયા પેસિફિક વેલ્ટરવેઇટ ટાઇટલ પણ ધરાવે છે.

ક પ્રોફેશનલ બૉક્સર બન્યા પછી કુલ ૧૩ મુકાબલા લડ્યો છે જેમાંથી તે નવ જીત્યો છે, બે હાર્યો છે અને બે મુકાબલા ડ્રૉ રહ્યા છે.

ક જે નવ બાઉટ જીત્યો છે એમાંના બે નૉકઆઉટ તબક્કાના હતા.

-----------------------------------

ઍમેટર બૉક્સિગંમાં પર્ફોર્મન્સ

પ્રૉફેશનલ બૉક્સર બન્યા પહેલાં ઍમેટર (નૉન-પ્રોફેશનલ) હતો અને એ તબક્કે પણ તેણે અમુક નોંધનીય સફળતાઓ મેળવી હતી. નીરજ ૨૦૧૬માં વેનેઝુએલામાં ઑલિમ્પિક ક્વૉલિફાયર્સ ટુર્નામેન્ટમાં કાંસ્યચંદ્રક જીત્યો હતો. એ અગાઉ, ૨૦૦૮ની યુથ કૉમનવેલ્થ ગેમ્સમાં નીરજે બ્રૉન્ઝ મેડલ જીતીને એ સ્પર્ધામાં ભારતને ગૌરવ અપાવ્યું હતું.

૨૦૦૮ની જ સાલમાં નીરજે મેક્સિકોની યુથ વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. વિશ્ર્વ સ્તરની કોઈ પણ સ્પર્ધામાં માત્ર ભાગ લેવો એ પણ ભારત માટે એક રીતે ગર્વની વાત કહેવાય અને નીરજે ફક્ત ૧૬ વર્ષની ઉંમરે ભારતને એ સિદ્ધિ અપાવી કરી હતી. એ રીતે, ૨૦૧૧નું વર્ષ તેના માટે ઘણું સારું હતું. એ સાલમાં તેણે ઇન્ડોનેશિયાના પ્રેસિડન્ટ કપમાં અને પછી બ્રાઝિલની વર્લ્ડ મિલિટરી ગેમ્સમાં હિસ્સો લીધો હતો. એમાં તે ભલે મેડલ નહોતો જીતી શક્યો, પરંતુ તેને વિશ્ર્વસ્તરના બૉક્સરો વચ્ચે રહીને ઘણો સારો અનુભવ મળ્યો હતો જે તેને હવે અત્યારે પ્રૉફેશનલ કરિયરમાં કામ લાગી રહ્યો છે.

નીરજે રાષ્ટ્રીય સ્તરે ઘણા મેડલો જીતીને પોતાના રાજ્ય હરિયાણાનું નામ રોશન કર્યું છે. ૨૦૦૭ના વર્ષમાં તે જુનિયર નેશનલ ચૅમ્પિયનશિપમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો ત્યાર બાદ ૨૦૦૮માં તેણે યુથ નેશનલનો ગોલ્ડ મેડલ જીતીને જુનિયર લેવલના હરીફોને પોતાની તાકાતનો ખરો પરચો કરાવી દીધો હતો. ૨૦૧૦માં તે ઑલ ઇન્ડિયા સુપર કપ ટુર્નામેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો એ પછી તેણે રાષ્ટ્રીય સ્તરની એવી ટોચની ટુર્નામેન્ટમાં વધુ સારું પર્ફોર્મ કરવાનો સંકલ્પ કર્યો હતો. ૨૦૧૦માં તે ઑલ ઇન્ડિયા એ.કે. મિશ્રા ચૅમ્પિયનશિપમાં સુવર્ણચંદ્રક જીત્યો હતો. ૨૦૧૧ની નેશનલ ગેમ્સમાં તેણે પોતાના વર્ગના એક પછી એક હરીફને પછાડીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો, પરંતુ એમાં હારી જતાં તેણે સિલ્વર મેડલથી સંતોષ માની લેવો પડ્યો હતો. પછીના વર્ષમાં તે સિનિયર નેશનલ ચૅમ્પિયનશિપનો પણ સેક્ધડ-બેસ્ટ વિનર બન્યો હતો અને સિલ્વર મેડલ હાંસલ કરી લીધો હતો. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

O00au2e
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com