Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
ભારતીય લશ્કરની એક દંતકથા

યુદ્ધ કેસરી-પ્રફુલ શાહ૨૦૧૮ની કર્ણાટક વિધાનસભા માટેની ચૂંટણી પ્રચારસભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના બે ઉચ્ચારણ જુઓ...

એક ‘ફિલ્ડ માર્શલ કરિયપ્પા, ૧૯૬૨, ભારત ઔર ચાઈના કી ઘટના આજ ભી ઈતિહાસ કી તવારીખમેં દર્જ હૈ ઔર ઉન કે સાથ, ફિલ્ડ માર્શલ કરિયપ્પાજી કે સાથ ક્યા વ્યવહાર કિયા ગયા.’

બે... ‘૧૯૪૮ મેં પાકિસ્તાન સે યુદ્ધ જીતા... જનરલ થિમય્યાજી કે નેતૃત્વ મેં. લેકિન ઉસ પરાક્રમ કે બાદ, કાશ્મીર કો બચાનેવાલે જનરલ થિમય્યા કા ઉસ સમય કે પ્રધાનમંત્રી નહેરુ ઔર ઉસ સમય કે રક્ષા મંત્રી કૃષ્ણ મેનનને બાર બાર અપમાન કિયા થા. ઔર ઈસીકે કારણ જનરલ થિમય્યા કો અપને પદ સે ઈસ્તીફા દેના પડા થા.’

વડા પ્રધાન અને ભાજપના મેઈન એન્ડ ઓન્લી કેમ્પેઈન સ્ટાર મોદીજી કર્ણાટકના કોડાગુ (જૂનું નામ)માં રેલીને સંબોધી રહ્યાં હતા. થિમય્યાજી અને કરિયપ્પાજી બંને આ પ્રાંતના સપૂત. બન્ને સ્થાનિક હીરો મોટાગજાના. એટલે એમને માનનારા, ચાહનારા મોટા પ્રમાણમાં હોય. આ બન્નેની ચૂંટણીલક્ષી માનવંદના કરવા સાથે એમને અન્યાય થયાના મગરમચ્છના આંસુ પાડવા અને કૉંગ્રેસ પર દોષનો ટોપલો ઢોળવા પાછળ ઈરાદો એક જ પોતાની પાર્ટીને ખોબલે- ખોબલે નહિ, ટોપલે-ટોપલે મત મળે.

પરંતુ આમાં એકદમ કાચું કપાઈ ગયું. પૂરેપૂરો ભાંગરો વટાઈ ગયો. બન્ને કિસ્સામાં ઐતિહાસિક ચૂક જ નહિ, મહાભૂલ છે. પહેલા વાત કરીએ ફિલ્ડ માર્શલ કોડાન્ડેરા માડપ્પા કરિયપ્પાની. ૧૯૬૨ના ભારત-ચીન યુદ્ધ વખતે તેઓ લશ્કરના વડા નહોતા જ. આ યુદ્ધના નવ વર્ષ અગાઉ તેઓ નિવૃત્ત થઈ ચુક્યા હતા. હવે થિમય્યાજીના મામલામાં થયેલા લોચાઓની વાત કરીએ. ૧૯૪૮માં જનરલ થિમય્યા લશ્કરના વડા નહોતા. એ સમયે લશ્કરના વડા એક બ્રિટિશર જનરલ રૉય બુચર હતા. હા, મેજર-જનરલ થિમય્યાના ઉપર બે બે સિનિયર ઑફિસર હતા- કોર્પ્સ કમાન્ડર લેફટનન્ટ જનરલ એસ. એમ. શ્રીનાગેશ અને વેસ્ટર્ન આર્મી કમાન્ડર લેફટનન્ટ જનરલ કરિયપ્પા. જમ્મુ- કાશ્મીરમાં તૈનાત લશ્કરી દળનું નેતૃત્વ કરવાને લીધે જનરલ થિમય્યાએ ચોક્કસ ત્યાં ચાવીરૂપ ભૂમિકા ભજવી પણ નહેરુ કે સંરક્ષણ પ્રધાને તેમનું અપમાન નહોતું કર્યું, ત્યારેય નહિ અને ક્યારેય નહિ. બીજું, મોદીજીના કહેવા મુજબ ૧૯૪૮માં કૃષ્ણ મેનન સંરક્ષણ પ્રધાન નહોતા, એ પદ પર સરદાર બલદેવસિંહ હતા.

સત્તાવાર રેકોર્ડ મુજબ તો ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુને થિમય્યા માટે એટલું બધું માન હતું કે કોરિયામાં મોકલાવાયેલા સંયુક્ત રાષ્ટ્રસંઘના તટસ્થ રાષ્ટ્રોના દળના વડા તરીકે તેમની નિમણૂક કરી હતી. આ પ્રતિષ્ઠાજનક કામગીરી થિમય્યાજીએ એટલી પ્રશંસાજનક રીતે પાર પાડી કે નહેરુ સરકારે તેમનું નામ પદ્મભૂષણ માટે સૂચવ્યું હતું. ત્રણ વર્ષ બાદ થિમય્યાજીને બઢતી આપીને ચીફ ઓફ સ્ટાફ બનાવ્યા હતા. એ પણ બે જણાની સિનિયોરીટીની અવગણના કરીને. અરે, ૧૯૫૯માં કોઈ વાતમાં સરકાર સાથે મતભેદ થતા થિમય્યાજીએ રાજીનામાની ઓફર કરી, ત્યારે નહેરુએ જ વ્યક્તિગતપણે એમને મનાવ્યા હતા અને તેઓ ૧૯૬૧ સુધી આર્મી ચીફના હોદ્દા પર રહ્યા હતા.

ચૂંટણી સમયની કાદવ ઉછાળની ગંદી રમતમાં વડા પ્રધાન પણ જોડાઈ ગયા? કે પછી એમના ભાષણ લખનારાએ ભાંગરો વાટ્યો? આ સવાલો જવા દઈને સંભારીએ થિમય્યાજીના પ્રદાનને.

પૂરું નામ કોડાન્ડેરા સુબૈયા થિમય્યા. કર્ણાટકના કોડાગુ (અગાઉ જણાવ્યું એમ જૂનું નામ કુર્ગ) જિલ્લાના માડીકેરીમાં ૧૯૦૬ની ૩૦મી માર્ચે જન્મ. પરિવાર કોફી પ્લાન્ટિંગના કામકાજમાં આગેવાન. માતા સીતામ્મા ઉચ્ચ શિક્ષિત, સમાજ સેવામાં અગ્રેસર અને કૈસર-એ-હિન્દ મેડલ વિજેતા. થિમય્યાના પાંચ ભાઈ-બહેન. સૌથી મોટા પોનય્યા, પછી થિમય્યા અને છેલ્લે સોમય્યા. ત્રણેય ભાઈ ભારતીય લશ્કરમાં જોડાયા અને ઉચ્ચ ઑફિસર બન્યા. લશ્કર સાથેનું વધુ એક કનેકશન ખરું. પિતાને પક્ષે કોડાન્ડેરા વંશના, જેમાંથી ભારતના પહેલા કમાન્ડર ઈન ચીફ કરિયપ્પા આવ્યા. થિમપ્યાના મામા સી.બી. પોનય્યા પણ ઈન્દોર ડિફેન્સ સ્કૂલમાંથી કમિશન્ડ્ થયેલા ભારતીય ઑફિસર્સની પહેલીવહેલી બેચમાં હતા.

આ બધા સંજોગો અને પરંપરાને ધ્યાનમાં રાખીને ‘ટીમ્મી’ તરીકે ઓળખાતા થિમ્યાને એક બહેતર શિક્ષણ મળે જ. તેમને આઠ વર્ષની ઉંમરે જ કુન્નુરની કોન્વેન્ટ સ્કૂલમાં મોકલી દેવાયા. ત્યાર બાદ બેંગલોરની બિશપ કોટન બૉટ્ઝ સ્કૂલ. અને પછી ભારતીય લશ્કરમાં જોડાવા માટેના પ્રથમ પગથિયા સમાન પ્રિન્સ ઑફ વેલ્સ રોયલ ઈન્ડિયન મિલિટરી કૉલેજમાં એડમિશન. અહીંથી ગ્રેજ્યુએશન બાદ ભારતીય લશ્કરમાં જોડાયા. અને વધુ તાલીમ માટે સેન્ડહર્સ્ટ સ્થિત રોયલ મિલિટરી કૉલેજમાં મોકલવા માટે પસંદ થયેલા છ ભારતીયમાં એ હતા થિમય્યા. આ તાલીમ સફળતાપૂર્વક પૂરી કર્યા બાદ ૧૯૨૬ની ચોથી ફેબ્રુઆરીએ તેઓ લશ્કરમાં સેક્ધડ લેફટનન્ટ તરીકે કાર્યરત થયા. બ્રિટિશ ઈન્ડિયન આર્મીની રેજિમેન્ટમાં કાયમી પોસ્ટિંગ અગાઉ લશ્કરી પરંપરા મુજબ તેમને હાઈલેન્ડ લાઈટ ઈનફન્ટ્રીમાં મોકલાયા હતા.

થિમય્યાજી એક પછી એક પડાવ સફળતાપૂર્વક પસાર કરીને ૧૯૨૭ની ૨૮મી મેના રોજ તેમને ૧૯મી હૈદરાબાદ રેજિમેન્ટ (હાલની કુમાઉ રેજિમેન્ટ)ની ચોથી બટાલિયનમાં પોસ્ટિંગ મળી.

હાલના પાકિસ્તાન એટલે કે એ સમયના નોર્થવેસ્ટ પ્રોવિન્સમાં પઠાણ આદિવાસીઓ સાથેના યુદ્ધમાં તેમણે સાચા, અડગ અને ખડતલ સૈનિક બનવાના ઘણાં પાઠ શીખી લીધા. હવે જીવનમાં એક નવો વળાંક આવ્યો. ૧૯૩૫ના જાન્યુઆરીમાં તેમણે નીના કરિયપ્પા (જાણીતા આર્મી લીડર કે. એમ. કરિયપ્પાના કોઈ સંબંધી નહિ) સાથે પ્રભુતામાં પગલાં માંડ્યાં. નીનાબહેન પણ સામાજિક ક્ષેત્રે એકદમ સક્રિય. ૧૯૩૫માં કવેટામાં આવેલા ભૂકંપ સમયે અનન્ય પ્રદાન બદલ તેમને કૈસર-એ-હિન્દ મેડલથી જવાજાયાં હતાં. જાન્યુઆરીમાં લગ્ન બાદ ચોથી ફેબ્રુઆરીએ તેમને કેપ્ટન તરીકે પ્રમોશન મળ્યું. એક જ વર્ષમાં વધુ એક પ્રમોશન આવ્યું: ૧૯૩૬ની ૨૦મી માર્ચે બની ગયા પપ્પા, દીકરી મિરેલના. અને એપ્રિલમાં મદ્રાસના

યુનિવર્સિટી ટ્રેઈનિંગ કોર્પ્સમાં એડજ્યુટન્ટ (ફૌજી ઉપરીના મદદનીશ) નિમણૂક થઈ.

થિમય્યાજી સતત આગળ ધપી રહ્યા હતા. એમની અંદરનો સૈનિક સતત સજાગ, સક્રિય અને પ્રવૃત્ત રહેતો હતો. અનુભવના એરણને લીધે વ્યક્તિત્ત્વનો સરસ ઘાટ ઘડાઈ રહ્યો હતો.

વિશ્ર્વયુદ્ધ સહિતની લડાઈના અનુભવ મેળવી ચૂકેલા થિમય્યાસાહેબ માટે સ્વર્ગસ્થ લેફટનન્ટ જનરલ પરમિન્દરસિંહ ભગતે સરસ વાત કહી હતી: ‘દરેક પેઢીમાં જનરલ થિમય્યા જન્મતા નથી. એમની જેવી વ્યક્તિ ભાગ્યે જ લશ્કરમાં મળે. ધ જનરલ ઈઝ મેન્સ મેન, ધ આર્મી હિઝ સૉલ ઍન્ડ હિઝ સૉલ ધ આર્મી.’

લેફટનન્ટ જનરલ કોડાન્ડેરા સુબૈયા થિમય્યા માત્ર ભારતીય, એક વ્યક્તિ કે આર્મી ઑફિસર નહિ, ભારતીય લશ્કરની દંતકથા ગણાય કે જે આગામી પેઢી માટે ઉદાહરણરૂપ બની શકે. આ સ્તરે પહોંચવાની તેમની યાત્રામાં ઘણાં રસપ્રદ વળાંક આવ્યા, બનાવ બન્યા જેની કલ્પના સુધ્ધાં ન થઈ શકે. (ક્રમશ:)ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

T5q860Vm
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com