Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
લોહીની સગાઇ!

કવર સ્ટોરી-અનિશ ઈનામદારબૅંગલુરુમાં વસતા શ્રીધર બી. (શ્રીધર ભિંડીગનાવિલે)ને ખબર છે કે એ એચએચ પૉઝિટિવ જૂથનું એટલે કે ‘બૉમ્બે બ્લડ’ તરીકે ઓળખાતા પ્રકારનું રક્ત ધરાવે છે અને એ પણ ખબર છે કે એનું રક્ત સતત સાવધાન અને કોઈનો સાદ પડે તો દોડવા તૈયાર રહેવાની વૃત્તિ જીવતી રાખવા પણ કહે છે! ૫૮ વર્ષની વયના શ્રીધર હંમેશાં રક્તદાન કરવા તૈયાર રહેતા, એમની આ વૃત્તિમાંથી જ એમને જાણ થઈ હતી કે જગતમાં ‘બૉમ્બે બ્લડ’ ધરાવતા કેટલાક હજાર લોકોમાંના તે એક છે. શ્રીધર કેન્દ્ર સરકારની નોકરીમાંથી નિવૃત્ત થયેલા

અધિકારી છે.

રક્ત માટે સાદ પડે ત્યારે તરત જ દોડી જવા તૈયાર રહેતા શ્રીધરને મંગળવારે પોકાર મળ્યો અને તૈયારી માટે સમય હાથ પર બહુ ટૂંકો હતો તો પણ એ તામિલનાડુના વેલ્લોર ગામે જવા લાંબો પ્રવાસ કરી પહોંચ્યા અને ફરી એક વખત જવાબદારી પૂર્ણ કરી હતી. એમનો મકસદ ૩૫ વર્ષની અજાણી વ્યક્તિ, જે એના જેવું જ રક્ત જૂથ ધરાવતી હતી,નો જીવ બચાવવાનો હતો.

શ્રીધર ભારતમાં બૉમ્બે બ્લડ ગ્રુપ રક્તના થોડા દાતાઓના નેટવર્કનો એક હિસ્સો છે. કહેવાય છે કે વિશ્ર્વમાં ૪૦ લાખ લોકો વિરલ ‘બૉમ્બે બ્લડ’ રક્ત જૂથનું રક્ત ધરાવે છે. શ્રીધરને વેલ્લોરમાં એક દર્દીને આ પ્રકારના રક્તની આવશ્યક્તા હોવાની ખબર પડી હતી. દર્દી સૈમ્હાદ્રિ પોલાકી વિશાખાપટ્ટનમ ખાતે બાંધકામ ક્ષેત્રે સુપરવાઈઝર તરીકે કામ કરતો હતો. એ મૂળ ઓરિસ્સાનો છે. સૈમ્હાદ્રિ પહેલીવાર માંદો પડ્યો અને એને રક્ત ચડાવવાની જરૂર પડી ત્યારે એને એના વતનની નજીક તથા ઓરિસ્સાની સીમા પાસે આવેલી એક હૉસ્પિટલમાં ‘ઓ’ પૉઝિટિવ રક્ત આપવામાં આવ્યું હતું. સામાન્યપણે ઘણા એચ.એચ. પૉઝિટિવ રક્ત જૂથના દર્દીઓને ખોટી રીતે ‘ઓ’ પૉઝિટિવ રક્ત ગુ્રપના હોવાનું ઓળખવામાં આવે છે.

સૈમ્હાદ્રિનો સારો મિત્ર અને એની કાળજી લેનારા શ્રીનિવાસે ‘ઓ’ પૉઝિટિવ રક્ત ચડાવ્યા બાદ એની હાલત બગડી એની વાત કરતા કહે છે કે, "ડૉક્ટરોને સૌમ્હાદ્રિના અતિશય વિરલ રક્ત જૂથ હોવાની જાણ થતાં તેમણે તાકીદે એને વિઝાગ અને પછી અહીં વેલ્લોર ખાતેની હૉસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. ત્યાં સુધીમાં દર્દીનું હેમોગ્લોબિન જોખમી હદ સુધી ઘટી ગયું હતું અને એના પ્લેટલેટનું પ્રમાણ પણ ઘટતું જતું હતું. તેઓ સોશિયલ મીડિયા દ્વારા ‘બૉમ્બે બ્લડ’ રક્તના દાતાની શોધ કરતા હતા. તેમાંથી તેમને મુંબઈના જૂથે શ્રીધર સાથે સંપર્ક કરાવ્યો હતો, એવી જાણકારી શ્રીનિવાસે આપી હતી અને જણાવ્યું હતું કે, "અમે જેવી શ્રીધરને વાત કરી ત્યારે એમણે તરત જ અહીં આવવાની ટિકિટો બુક કરાવી હતી અને વેલ્લોર આવીને એમણે એક યુનિટ રક્ત (કેનેડિયન બ્લડ સર્વિસ વૅબસાઈટ અનુસાર લગભગ ૪૫૦ મિલિલિટર) આપ્યું હતું. શ્રીધરે ખરેખર બહુ ઝડપથી પગલું લીધું હતું. શ્રીધર મંગળવારે સવારે વેલ્લોર પહોંચ્યા, રક્તદાન કર્યું અને એ જ રાતે પાછા ઘરે પણ પહોંચી ગયા.

‘બૉમ્બે બ્લડ’ ઝડપથી ઓળખી શકાતું નથી. સૈમ્હાદ્રિની જેમ જ શ્રીધર પણ જિંદગીમાં બહુ લાંબા સમય સુધી એમ જ માનતા રહ્યા હતા કે તેઓ ‘ઓ’ પૉઝિટિવ રક્ત જૂથમાં જ છે. તેમને છેક ૨૦૦૨માં જાણ થઈ કે તેમનું રક્ત ‘ઓ’ પૉઝિટિવ જૂથનું નથી. તેઓ રક્તદાન શિબિરમાં લોહી આપવા ગયા ત્યારે ત્યાંના નિષ્ણાતોએ તેમને આ જાણકારી આપી હતી. શ્રીધરે કહ્યું હતું કે, "ડૉક્ટરોએ મને પાછો બોલાવ્યો અને મને એક કાર્ડ આપ્યું હતું, જેમાં હું ‘બૉમ્બે બ્લડ’ પ્રકારનું લોહી ધરાવું છું એવું પ્રમાણિત કર્યું હતું. વળી, તબીબોએ મને આ કાર્ડ સતત સાથે રાખવા જણાવ્યું હતું અને કહ્યું હતુું કે ન કરે નારાયણને મને લોહી લેવાની જરૂર પડે તો ભૂલ ન થાય. શ્રીધરે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, એચ.એચ. પ્રકારને ‘ઓ’ ઓળખવાની આવી ભૂલ એટલે થાય છે કે શરૂના પરીક્ષણમાં રક્તમાંનું ‘એચ’ ઘટકની હાજરી નિર્ધારિત કરી શકાતી નથી અથવા થતી નથી.

રક્તના ‘એ’, ‘બી’, ‘એબી’ અને ‘ઓ’ એન્ટિજન-ઘટકનું નિર્માણ કરવા માટે માસ્ટર એન્ટિજન ‘એચ’ કે મુખ્ય ઘટક ‘એચ’ની આવશ્યક્તા હોય છે, જે દરેક જૂથ રક્તમાં હાજર હોય છે, પણ કોષમાંથી ‘એચ’ ગેરહાજર હોય અને ફક્ત એનું એન્ટિબૉડી-પ્રતિદ્રવ્ય અથવા પ્રતિપિંડ પ્લાઝ્મામાં હાજર હોય તો એ અતિશય વિરલ એવાં ‘એચએચ’ જૂથનું નિર્માણ કરવામાં કારણભૂત બને છે. શ્રીધર કહે છે કે, "હવે મુશ્કેલી એવી છે કે મોટાભાગના લોકોને એ પણ ખબર નથી હોતી કે ‘બૉમ્બે બ્લડ’ ગ્રુપ અસ્તિત્વ ધરાવે છે. સત્તાવાર પત્રકમાં પણ એને માટેનો વિકલ્પ નથી. એક વાર મારે મારું ડ્રાઈવિંગ લાઈસન્સ રિન્યુ કરાવવાનું હતું અને રક્તના પ્રકારની સામે મેં બૉમ્બે બ્લડ લખીને આપ્યું તો સત્તાવાળાઓએ મને બ્લડના પ્રકારનું ખાનું ખાલી રાખીને મારું લાઈસન્સ પરત આપ્યું હતું. હવે તમે વિચારો કે હું કોઈ અકસ્માતમાં સપડાયો અને મને રક્તની જરૂર પડી તો એ લોકો જો યોગ્ય પરીક્ષણો ન કરે તો એ લોકો મને આખરે ‘ઓ’ જૂથનું રક્ત ચડાવીને મોકળા થઈ જશેને! આવો જ ભય બૅંગલુરુમાં જ વસતા આદિત્ય હેગડેને છે. એમનું રક્ત જૂથ અતિશય વિરલ ‘એચએચ’ નેગેટિવ છે. એમણે કહ્યું હતું કે, "આ એવું વિરલ રક્ત જૂથ છે કે ભૂલેચૂકે મને રક્ત લેવાની જરૂર પડી તો શું થશે, એ વિચાર સતત મારા મનમાં રહે છે.

વર્ષ ૧૯૫૨માં મુંબઈ, ત્યારના બૉમ્બેમાં ઈજા પામેલા એક રેલવે કામદાર અને ચાકુના ઘા મારવામાં આવેલા માણસને રક્ત ચડાવાની જરૂર પડી ત્યારે તે દર્દીઓની સારવાર કરી રહેલા ત્રણ તબીબો ૧૬૦ રક્તદાતાઓના રક્ત સાથે આ દર્દીઓનું રક્ત મેળવીને ચકાસણી કરતા હતા પણ સફળતા મળતી નહોતી. કલાકોના પ્રયાસો બાદ આ દર્દીઓના રક્ત જેવું જ રક્ત ધરાવતો મુંબઈનો એક રહેવાસી હાથમાં આવ્યો હતો. ત્યારે જ ડૉક્ટરોને આ રક્ત પ્રકાર અતિશય વિરલ, જવલ્લેમાં પણ જવલ્લે જ મળતો રક્ત પ્રકાર હોવાનું જાણવા મળ્યું હતું. એ રીતે આ અજાણ્યું અને નહીં ઓળખાયેલું રક્ત જૂથ મળ્યું હતું અથવા શોધી કાઢવામાં આવ્યું હતું. આ રક્ત પ્રકારને પછી ભારતના મેક્ઝિમમ સિટીનું એટલે કે મુંબઈ-બૉમ્બેનું નામ આપવામાં આવ્યું હતું. આમ એનું નામ ‘બૉમ્બે બ્લડ’ પડ્યું હતું. આ પ્રકારને ‘એચએચ’ ગ્રુપનું રક્ત પણ કહેવામાં આવે છે. આ પ્રકારનું રક્ત ધરાવનારા વિશ્ર્વભરમાં ૪૦ લાખ લોકો હોવાનો અંદાજ છે, મુંબઈમાં પ્રત્યેક ૧૦,૦૦૦ લોકોએ એક જણ આ જૂથનું રક્ત ધરાવતો હોવાનું કહેવાય છે.

બૅંગલુરુના શ્રીધર બી. એસ. એવા કેટલાક થોડા લોકોમાંના છે જેઓ વિરલ કહેવાય તેવું ‘બૉમ્બે બ્લડ’ જૂથનું રક્ત ધરાવે છે અને પ્રવાસ ખેડીને ભારતના દક્ષિણના રાજ્યોમાં તિરુપતિ, હૈદરાબાદ ચેન્નઈ અને કોઈમ્બતુર ખાતે જઈને જરૂરિયાતમંદને પોતાનું રક્ત આપ્યું છે. શ્રીધર હંમેશાં બૉમ્બે બ્લડ રક્તની જરૂર હોય તેવી વ્યક્તિને મદદ કરવા સતત તત્પર રહે છે. તેમણે કમસે કમ ૪૫ વખત પોતાનું રક્ત આપ્યું છે અને પ્રસિદ્ધિ મેળવી છે આ વખતે પણ તેમણે બૅંગલુરુથી તામિલનાડુના વેલ્લોર સુધીની ૨૦૦ કિલોમીટરની મજલ ખેડીને થેલેસિમિયાથી પીડાતા ઓળખાણ-પીછાણ વિનાના ૩૫ વર્ષના સૈમ્હાદ્રિ પોલાકીનો જીવ બચાવવા દોડધામ કરી હતી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

4t8587H
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com