Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
દિલ કી બાત કહીં લબ પે ના આયે: પ્રચાર કા ફિક્સ્ડ ગેમ!

અંદાઝે બયાં-સંજય છેલટાઇટલ્સ: ઉપર ઊઠવાની કોઇ લિમિટ ના હોય પણ માણસ જમીનથી વધુ નીચે ના પડી શકે( છેલવાણી)

અબ્દુલ પોતાનાં લગ્નની કંકોત્રી લઈને મિત્ર સલીમને ત્યાં ગયો.સલીમે કહ્યું, ‘શાદીનાં કાર્ડ આપવા માટે તું મામૂલી કપડાંમાં કેમ નીકળ્યો છે?’ અબ્દુલે કહ્યું, ‘મારી પાસે નવી શેરવાની ખરીદવા માટે પૈસા નથી!’ સલીમે તરત જ પોતાની શાનદાર શેરવાની કાઢી આપી અને પછી એ પણ અબ્દુલની સાથે કંકોત્રી વહેંચવા નીકળ્યો. એક મિત્રને ત્યાં બેઉં પહોચ્યા ત્યારે સલીમે ઉત્સાહથી કહ્યું, ‘અબ્દુલની શાદીમાં તમે સૌ ચોક્કસ આવજો. જુઓ તો ખરા આ શેરવાનીમાં અબ્દુલ કેવો શોભે છે?’ સામેવાળાએ તરત જ કહ્યું, ‘વાહ, શેરવાની તો બહુ સુંદર છે!’ સલીમે તરત જ કહ્યું, ‘હોય જ ને? આ શેરવાની મારી છે!’ બહાર નીકળીને અબ્દુલે, સલીમને ખખડાવ્યો, સલીમે કહ્યું, ‘સોરી, મારા મોંમાંથી અજાણતા જ નીકળી ગયું!!’ પછી બેઉ અબ્દુલના ચાચાને ત્યાં ગયા..ત્યાં સલીમે ચાચાને પૂછ્યું, ‘આ શેરવાનીમાં અબ્દુલમિયાં કેવા લાગે છે?’ ચાચાએ વખાણ કર્યાં. સલીમે અબ્દુલની સામે જોઈને કહ્યું, ‘જો...મેં કહ્યું હતું ને કે મારી શેરવાની તું રાખી લે! સાંભળીને અબ્દુલના ચાચાએ પૂછ્યું, ‘કેમ?શેરવાની અબ્દુલની નથી?’ સલીમે કહ્યું, ‘ના ના એ બધું જવા દોને.શાદીમાં આવજો!’

અબ્દુલ ફરી સલીમ પર ભડકી ઊઠ્યો કે શેરવાનીની વાત કાઢવાની શું જરૂર હતી? સલીમે ફરીથી ‘સોરી-સોરી’ કહ્યું. ખાતરી આપી કે હવે આવું નહીં થાય! ત્યાંથી બેઉ અબ્દુલની માસીને ત્યાં કંકોત્રી આપવા પહોંચ્યા.આ વખતે સલીમે પોતાનું મોં એકદમ બંધ રાખ્યું પણ જતી વખતે બોલી પડ્યો, ‘મૌસી,શાદી મેં જરૂર આના.ઇસકી શાદી કે લિયે દુઆ કરના ઔર હાં...શેરવાની કા કોઈ ઝિકર હી નહીં કર રહાં હૂં કિ વો કિસકી હૈ..જિસકી ભી હો પર શેરવાની કા કોઈ ઝિકર હી નહીં..’ અને મૌસી સમજી ગઈ કે અબ્દુલે પહેરેલ શેરવાની સલીમની છે!બહાર નીકળીને અબ્દુલ અને સલીમ વચ્ચે મારામારી થતાં શેરવાની ફાટીને તારતાર થઈ ગઈ!

કથાનો ભાવાર્થ એટલો જ છે કે માણસને જે કહેવું હોય છે,જે કહેવા માંગતો હોય છે,એને લાખ કોશિશ છતાં પણ છુપાવી શકતો નથી.બિચારો સલીમ પણ પોતાની વાતને દબાવી ના શક્યો જેને એણે મનમાં સ્પ્રિંગની જેમ દબાવીને રાખેલી! આજે ગુજરાત ઇલેક્શન સમયે ગુજરાતી લેખકો, કલાકારો, કોલમિસ્ટો, સંતો, મહંતો, છાપા, મેગેઝિનો બધાંના મનની વાત ધીમે ધીમે બહાર આવી રહી છે. ઘણાં કો.કો.(કોમવાદી કોલમિસ્ટો) રોજરોજ સવાર પડે માત્ર માનનીય પી.એમ. વિશે જ નહીં પણ એમના પાડોશમાં પણ કોણ કેટલા બાફેલાં બટેટા ખાય છે,કોણ કેટલા રૂપિયા રિક્ષા પાછળ ખર્ચે છે, એ લેવલની ચમચાગીરી કરવામાં ઊતરી આવ્યા છે! ચૂંટણી કમાલની ધંધાદારી ચીજ છે. એનીથિંગ પોસિબલ! જુઓને, ચુનાવી માહૌલમાં, આજકાલ નેતાઓ ધર્મનું પત્તું રમી રહ્યા છે અને સંતો કથાકારો રાજકારણ પર બોલવા માંડ્યા છે. ટૂંકમાં કોઇના મનની વાત છૂપતી નથી

ઇન્ટરવલ:

બોલ અલી ઓ ધરતી બોલ,

રાજ સિંહાસન ડામાડોળ (મિજાઝ લખનવી)

ચલો,અમારી જ વાત કરીએ તો અમે પણ ક્યાં આ ચુનાવી ચેપી રોગથી બાકાત છીએ?અમારા વડે જમણેરી કોમવાદી પાર્ટીઓની ટીકા થતી અટકતી જ નથી. મિત્રો-સગાવ્હાલાં-શુભેચ્છકો બહુ સમજાવે છે કે રહેવા દે,આજકાલ સરકાર બહુ ખારીલી છે, ના લખ વિરોધમાં પણ અમારા સેક્યલુર લિબરલ ડેમોક્રેટિક એજ્યુકેટેડ મન પર અમારો કંટ્રોલ જ નથી! શાણા લોકો સતત પૂછે છે: શું તમે ફલાણા નેતાની વિરુદ્ધમાં છો? ..ત્યારે કંટાળીને અમારે હાથ જોડીને કહેવું પડે છે: ‘મિતરોઓંઓઓ, ભારતમાં હજુ વિચારોની સ્વતંત્રતા જેવી સગવડ છે!’ પાછલી ૨૦૧૪ની લોકસભા ઇલેક્શન વખતે અમને બે-ત્રણ અંગ્રેજી ન્યૂઝ ચેનલોએ ચર્ચામાં બોલાવ્યા.પણ ત્યાં સ્ટુડિયોમાં જઈને ખબર પડી કે આખી ચુનાવ ચર્ચા ફિક્સ્ડ અર્થાત પહેલેથી ગોઠવેલી હતી! ત્યાં કોઈ એક પાર્ટીના પ્રચાર માટે બધું જ પ્રાયોજિત હતું. વળી એ જ ચેનલે અમને બીજીવાર પણ આવવા કહ્યું અને છૂપા અંદાજમાં અમારો કે અમારી ફિલ્મોના પ્રચારની યે ઓફર કરી! અને ત્યારે સમજાયું કે લોકતંત્રમાં મતદાન અંગેની ચર્ચામાં જવામાં કેટલી કમાણી છે! નેતા/પાર્ટી ચર્ચા ચગાવવા માટે પણ કેટલો ખર્ચો કરે છે!હશે.ચાલ્યા કરે. જેમ ગણપતિ ઉત્સવ, નવરાત્રિમાં કે દિવાળીમાં લાખો લોકોને તહેવારોને કારણે એ ધંધો મળે છે,એવું ચૂંટણીમાં પણ થતું હશે. આખરે આ પણ લોકતંત્રનો એક વિશાળ ઉત્સવ જ છે ને? જોકે ચુનાવી મગજમારીને છોડો પણ આજકાલ ‘ફિક્સિંગ’ ક્યાં નથી? બધે નોકરીઓ ફિક્સ થાય છે, ધંધાની ડીલ ફિક્સ થતી હોય છે, લગ્ન ઘરેઘરે ફિક્સ થતા હોય છે, ત્યાં પાછું દહેજ પણ ફિક્સ હોય છે.જો દહેજ ના અપાય તો સ્ત્રીને થતી યાતના વરસોથી ફિક્સ છે, એને કઈ રીતે મારવું-પીટવું-પ્રતાડવું પણ ફિક્સ છે!દુશ્મનોની સુપારી આપીને મર્ડર કરાવવું ફિક્સ છે.પછી સુપારી કિલર ના પકડાઈ જાય એ માટે પોલીસતંત્રમાં ફિક્સિંગ થતું હોય છે. જો એ પકડાઈ જાય તો છૂટવાનું ફિક્સ! પછી કોર્ટમાં જામીન ફિક્સ, સાક્ષીઓનું ફરી જવું પણ ફિક્સ. કોર્ટમાં બધું ગુનેગાર વિરુદ્ધ જાય તો ગુનેગારની ચાર્જશીટમાં ખામીઓ કાઢવાની સ્ટાઇલ ફિક્સ! અરે, એ બધું છોડો પણ આપણી જન્મની તારીખ સાથે મોતની ઘડી આપણી કુંડળીમાં કે તકદીરના પન્નાં પર ફિક્સ જ હોય છેને? તો પછી ચૂંટણી-ફૂંટણીનાં ફિક્સિંગ પર આટલી બધી ચિંતા શું કરવી? ક્રિકેટમાં મેચ જીતતાં જીતતાં, ખેલાડીના હાથમાંથી કેચ લપસી જાય છે તો આખા દેશને ‘મેચ ફિક્સ’ છે એવું લાગે છે. એ છૂટી ગયેલા લાલ બોલમાં કાળું નાણું દેખાય છે! પણ જો એમ હોય તોયે શું? આજકાલ આઈ.પી.એલ. મેચમાં થતી ફિક્સિંગ માટે બીસીસીઆઈમાં ઊથલપાથલ થાય છે, પણ એમાં હવે કોઈને નવાઈ જ નથી લાગતી કારણ કે ભારતના સમજુ લોકો આ વખતની આઈ.પી.એલ. સુધી સમજી જ ગયા છે કે ફિક્સિંગ જ સત્ય છે અને જીવનમિથ્યા!

સાહિત્યમાં, સમાજમાં, રાજનીતિમાં, અપરાધમાં,પત્રકારત્વમાં, ટીવી ચેનલોમાં, પ્રેમમાં, મૈત્રીમાં...બધે જ બધું ફિક્સ્ડ જોવા મળે છે. પહેલાં જીતવા માટે પૈસા મળતા હતા, આજે તો હારવા માટે પણ મળે છે. પહેલાં જૂઠ્ઠું બોલવા માલ મળતો, આજે સાચું બોલીને ચકચાર ઊભી કરવા માટે પણ પૈસા મળી શકે છે! જેથી કરીને એનો વિરોધ કરનારા ‘જૂઠ’ને ‘સચ’માં પલટી શકે! દર હપતે, દર સપ્તાહે, નેતાઓ, પાર્ટીઓનાં વખાણ કરવા લેખકો-પત્રકારોને રાજકારણીઓ તરફથી પૈસા મળતા હોય છે અથવા તો માન-અકરામો કે રાજ્યસભામાં પહોંચવા માટે લોલીપોપ અપાતી હોય છે. હવે તો આવી ચુનાવી ચમચાગીરી કોણ, કેટલી હદે જઈને કરશે એના પર સટ્ટો રમાવા માંડે તોયે નવાઈ નહીં લાગે!

યારોં, આજે દરેક ઝુબાનની કલમની કિંમત છે. આજે દરેક મંતવ્ય પર ભાવ બોલાય છે. આજે દરેક ચહેરા પર એક ‘પ્રાઇઝ ટેગ’ કે ‘કિંમતની કાપલી’ લટકે છે. આજે સત્ય-અસત્ય કે નીતિ-અનીતિ બધું જ ફિક્સ થઈ શકે છે. માટે જ ઘણીવાર અમે એવી મીઠીમીઠી કલ્પના કરીએ છીએ કે જેમ ઘણાને કોર્ટમાં ચૂપ રહેવાની, સાચું ના બોલવાની, રિપોર્ટમાં ઘાલમેલ કરવાની કિંમત મળે છે, એમ અમને પણ ન બોલવા કે ‘ન લખવા’ માટે કદીક પૈસા ઓફર થશે?(જો કે અમને તો લખવાના પણ પૂરતાં મળી રહે તોયે ઘણું છે!) એવું કાંઈ થશે નહીં કારણ કે અમે જાણીએ છીએ કે આવા વ્યર્થ વ્યંગ્ય-લેખનની વાઈડાઈ કરનારની કિસ્મત પણ ફિક્સ જ હોય છે!

એન્ડ ટાઇટલ્સ:

આદમ :એક ઉંમર પછી સ્ત્રી,ચાર્મલેસ લાગવા માંડે છે.

ઇવ :એક ઉંમર પછી પુરુષ, હાર્મલેસ!

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

1o01N06
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com