Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
સમય વર્તણૂક-વ્યવહારને સુધારે છે, અને બગાડે પણ છે

કવિતાની કેડીએ-નલિની માડગાંવકર



અને તો, તો

મને ઊંંડે ઊંંડે હજી પણ ખરું, હા હજીય, કે

મળે તન્દુરસ્તીભરી ચળકતી એ ફરી ક્ષણો,

ઉછાળું પ્રત્યૂષી રવિ મહીં રૂપેરી રજકણો,

મળે કોરી પાટી, ઉપર ફરીથી એકડ ઘૂંટું.



હજી કોઈ ધીરે ઉછીની ઘડી થોડીક હજીયે

કરેલી ભૂલોના અવસર વધુ કાળજી થકી,

નવેસર આરંભી ફરી જીવું વિના ભૂલચૂક કૈં;

મળ્યા પશ્ર્ચાત્તાપે કંઈક પછીના ડહાપણ થકી.



અમસ્તા આયુષ્યે પદ પદ વૃથા રોષ, રુસણે

કીધી જે કિટ્ટાઓ - સહુ શું ફરી એકાદ વખતે

મળી લેવા ઈચ્છા હજી ખરી; ક્ષમા દે પણ ખરાં,

અબોલાયે તૂટે, કંઈક સુધર્યો માની ગ્રહી લે,



અને તો તો ઈચ્છા હજીય ખરી, એકાદ જણને

ચહી લૌં, જાંબાજી રમી લઉં પૂરા પાગલપણે.

‘ઉશનસ્’ - નટવરલાલ પંડ્યા

-------------------------

ઉશનસ્ - ગુજરાતી સાહિત્યના ગણનાપાત્ર પ્રતિભાશાળી કવિ. સૉનેટના પરંપરિત રૂપના ઉપાસક. એકાદ સૉનેટ નહીં; સૉનેટમાળાઓ આપનાર કવિ. છાંદસ અભિવ્યક્તિમાં એમની રચનાઓ ગણાનાપાત્ર. આગલા યુગની છંદસિદ્ધિ એમણે વંદી છે. પંડિતયુગના રાજમાર્ગે ચાલ્યા પણ છે, છતાં પોતાના અનોખા અવાજને ક્યાંય દાબ્યો નથી, એ અવાજ કેવો છે? પ્રકૃતિ, ઈશ્ર્વર સાથે કૌટુંબિક ચિત્રો, સંસારની અવનવી લીલાઓ, એમાંથી પ્રગટ થતી કરુણ-મધુર અનુભૂતિઓ... બધી જ એમની કાવ્યસૃષ્ટિને સમજવાની દિશાઓ બની રહી. વાત સાચી છે; મોટા ભાગની કવિતાઓની કસોટી પથ્થર પર સંવેદનાઓ ઘસાઈ અને આખરે નિકષરેખા બનીને ઝગમગી. આ બધી એ અવાજની પ્રતીતિ કરાવે છે. એ બધામાં ભળેલું પ્રેમસંવેદન આપણે ભૂલવું જોઈએ નહીં. ગાંધીયુગની ભાવનાઓ સાથે સાથે એમણે બ. ક. ઠાકોરની સૉનેટલક્ષી શિસ્તને જાળવી. કવિ ઉશનસે કવિતા ઉપરાંત સ્મરણકથા, એકાંકી, નિબંધો અને વિેવચન ઈત્યાદિ સ્વરૂપોની પણ ઉપાસના કરી છે. એમણે અનેક સાહિત્યપુરસ્કારો અને ચંદ્રકો મેળવ્યા છે, પરંતુ કવિતાદેવીએ એમને જે પુરસ્કાર આપ્યો છે એ અલૌકિક છે. ઘાસ, તડકો, આકાશ, વનશોભા પ્રભાવક તત્ત્વો તરીકે એમની રચનાઓમાં પ્રતિબિંબિત થઈ રહી છે. પૃથ્વીના ચાહક કવિ ઉશનસે એમની અનેક કવિતાઓમાં માનવ તરીકે પૃથ્વી સાથેનો નાતો પ્રગટ કર્યોે. પ્રેમ કે પ્રકૃતિ કે પછી ઈશ્ર્વર પણ ઉશનસની રચનાઓમાં આ તત્ત્વો પરત્વેનાં સંવેદનો જે કેન્દ્રસ્થાને રહ્યાં છે. સાતત્ય અને વૈપુલ્ય ઉશનસની રચનાઓનાં ચાલકબળો બને છે.

‘અને તો, તો’ના ભાવજગતમાં અનેક રીતે ફરી શકાય પણ આ સૉનેટની શિસ્તે તો પદેપદે, શબ્દેશબ્દે અલ્પવિરામની સભરતા પ્રત્યે આંગળી ચીંધી છે.

હા, સાચી વાત છે. માણસનો અફસોસ પદે પદે છે. વીતેલા સમયને ફરી પાછો નવાનક્કોર રૂપે મેળવવાનો તરફડાટ કયા માનવીએ નથી કર્યો! પોતાનાં કર્મોની, ભૂલોની પરંપરા તો ગાઢા જંગલ જેવી છે, જેમાં વારંવાર માણસ ભૂલો પડે છે, છતાં સમયને પામવાની ઝંખના, વિનવણી માણસ કરવાનો જ છે. એ સતત, સમય સાથેની સ્પર્ધામાં હારવાનો છે જ, છતાં એ સ્પર્ધા વગર રહી શકવાનો નથી. જાણે કે બાળક પોતાનાં હાથ-પગ ઉછાળી ઉછાળીને ભાવિની તાલીમ મેળવી લેતો હોય છે. શક્તિનો સંચય કરતો હોય છે. પછડાવા છતાં કરોળિયાની જેમ ભીંત પર ચડતો ચડતો પાછો પુરુષાર્થ કરી રહ્યો છે, કારણ કે આખરે તો એ માણસ છે. ખૂણા-ખાંચાથી ભર્યો હોવાની લાક્ષણિકતાને લીધે જ એ આપણને વધારે વહાલો લાગવાનો છે. કવિ પણ આપણા સમાન ધર્મા બનીને જ કંઈક કરી રહ્યા છે.

જીવનના ગણ્યાં-ગાંઠ્યાં વર્ષો, આંગળીને વેઢે ગણાય તેટલાં જ વર્ષો બાકી રહ્યાં હોય ત્યારે જ માણસને ગતજીવન વિષેની તાજગીની ઝંખના જન્મે છે. આવી ક્ષણને જ કવિ તંદુરસ્તીભરી, ચળકતી ક્ષણો કહે છે. જેને દરેક પ્રભાતે આશાસભર બનાવી શકે. જીવનની પાટીને એવી ભરચક્ક બનાવી છે કે એને કોરી બનાવવા ભૂતકાળની અનેક સ્મૃતિઓને ભૂંસવી પડે. આયખાને નવું નક્કોર ઝંખે છે.

આવી મળતી ક્ષણો ભલે ઉછીની હોય, પણ માણસ માટે એ નવી તો છે. જેમાં એ પોતાની ભૂલોને સુધારી શકે. પોતે ભૂલ કરી છે એનો સાક્ષાત્કાર કરવો એ પણ નાની સૂની પ્રાપ્તિ નથી. આપણે કોઈને પત્ર લખીએ છીએ તો પણ ‘ભૂલચૂક માફ’ એવો ઉદ્ગાર ઉમેરીએ છીએ. ત્યારે આ તો જીવનની પાટી છે. પશ્ર્ચાત્તાપ કરનાર જો વ્યક્તિ હોય તો એની સ્વીકૃતિ કરી ક્ષમા આપનાર વ્યક્તિ કેમ ન હોઈ શકે?

સમય વર્તણૂક-વ્યવહારને સુધારે છે, અને બગાડે પણ છે, નવેસરનું જીવવું - મળવું ખૂબ મુશ્કેલ છે. જે ભૂલ કરે છે એની પાસે જ પશ્ર્ચાત્તાપની અનુભૂતિ હોય કે ન પણ હોય. ડહાપણ જ આવા પશ્ર્ચાત્તાપની ગંગોત્રી બનતું હોય છે.

માણસ જાણે પાછળ વિતાવેલા આયખાનું સિંહાવલોકન કરે છે, ત્યારની અનુભૂતિ કેવી છે? જે સત્કર્મોના બીજ વેરેલાં એ અંકુરિત થઈ તૃણ રૂપે લહેરાય છે અને જે દુર્વૃત્તિ રૂપે સેવેલા એના પણ કાંટા ભોંકાતા હોય છે. એક એક ક્ષણ જીવનમાં આગળ વધનારું પગલું બની રહી છે. રોષ, કરુણા, કિટ્ટા - બધું જ વૃથા લાગે છે. જીવનમાં કેવું મંથન સહ્યું છે કે જે નવનીત રૂપે આવી રચના કરવા પ્રેરે છે! ‘અમસ્તા અને વૃથા’ની અનુભૂતિ જ માણસની છે. હાથમાંથી સરતી રેતીના કણ કદાચ માણસ શોધી શોધીને પાછાં ખોબામાં ભરી શકે છે, પણ બિંદુ રૂપે પ્રવાહમાં ભળી ગયેલી ક્ષણને એ પાછી મેળવી શકતો નથી. એ તો પ્રવાહમાં વહેતી આગળ ધસમસતી જાય છે. જીવનની સંધ્યાએ આવા વસવસાથી ભરેલી છે. એ કિટ્ટા અને એ અબોલા જાણે બાળપણથી પ્રૌઢાવસ્થાનું સરવૈયું બની જાય છે. આ તો થઈ સમાજની વાત જેની સાથે વિવેક અને નિયમો જોડાયેલા છે.

માણસનો એક ખૂણો અંગત છે. જે એના ભીતરના વિશ્ર્વને પૂનમ કે અમાસ બનાવી શકે છે. એનો સારથી ભલે માણસ પોતે હોય પણ એ ખૂણાને શક્તિ આપનારો પ્રેમ છે. એ જ માર્ગદર્શક છે, છતાં બંધ મુઠ્ઠીમાં શું ભર્યું છે એની જાણ માણસને હોતી નથી. એ તો રચાતી જિંદગીની બાજી છે. સાહસિક બનીને એને રમી લેવાની છે, "કોઈ લૌટા દે મેરે બીતે હુએ દિન આવા અફસોસની વાત નિ:સાસા બનીને માણસની રહી સહી જિંદગીને પણ બાળી નાખતા હોય છે. ‘બચપણ’ને ખોયું છે. એની વેદના ઈન્દ્રધનુના વિવિધ રંગો જેવી છે, જેના રંગો એકબીજામાં ભળી જઈને બાકીની જિંદગી બનાવતા હોય છે. આવા ખોયેલા બાળપણને પાછું મેળવવાની ઝંખના તો પોથી ભરાય એટલી રચનાઓમાં પ્રગટ થયેલી છે. બાકી જિંદગીમાં અલ્પવિરામો જ વધુ છે. પૂર્ણવિરામ ફક્ત મૃત્યુ પાસે છે. આ રચના ફક્ત અફસોસરૂપે નથી પણ જીવનની તાજગીપૂર્ણ ક્ષણો મેળવવા માટેની ઝંખના રૂપે છે. માણસ પાસે સમૃદ્ધિની સાચી આકાંક્ષા રૂપે છે, જેની સામે ધનના ઢગલા કે પહાડ વ્યર્થ બને છે, અહીં જ સ્મૃતિ અને સ્વપ્નો સહિયારું પ્રયાગતીર્થ રચે છે.





આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

16307wX
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com