Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
અપેક્ષાના બોજમાં કચડાતું બાળપણ

કવર સ્ટોરી-પરેશ શાહ



શહેરના એક વિસ્તારમાં થોડા વખત પહેલાં એક શિક્ષિકાએ ત્રણ વર્ષના એક ભૂલકાને ફૂટપટ્ટી વડે બેદમ મારપીટ કરી હોવાની બાતમી સમાચાર માધ્યમોએ ચગાવી હતી અને અખબારોમાં માતાની કમરે વળગેલાં, કાળાં ડાઘ પડેલી, સૂજી ગયેલી આંખોવાળા એ ભૂલકાની તસવીરે અનેક સંવદેનશીલોને હચમચાવી નાખ્યા હતા. બાળકનો પીડાસક્ત ચહેરો શિક્ષિકાએ કરેલી મારપીટ કેટલી અમાનુષી હતી એ દર્શાવતો હતો.

જિંદગીમાં અતિશય સંઘર્ષ કરીને સફળ બનેલા બાસ્કેટબૉલના નિવૃત્ત પ્રોફેશનલ ખેલાડી મેજિક જ્હોનસન કહે છે, "તમામ બાળકોને થોડી મદદ, થોડી આશા અને એમનામાં ભરોસો રાખે એવા ‘કોઈ’ની તાતી જરૂર હોય છે. આ વાત આપણા શિક્ષકો નથી સમજતા એમ માતાપિતાઓ-વાલીઓ પણ નથી સમજતા. શિક્ષણનાં સિદ્ધાંત અને નવી પદ્ધતિ પાછળ જિંદગી આખી સમર્પિત કરી દેનારાં અને કોલમ્બિયાની ટીચર્સ કૉલેજના માનદ્ પ્રોફેસર ઍન લીબરમાને મહાન શિક્ષકોના ગુણ વિશે વાત કરતા કહ્યું છે કે, "મહાન શિક્ષકો તેમના બાળ-વિદ્યાર્થીઓ સાથે તાદાત્મ્ય અનુભવે છે, તેમને માન આપે છે ને માને છે કે એ દરેકમાં કશું આગવું, કશું ખાસ છે જેનું ઘડતર કરવાનું છે, તેને પોષણ આપવાનું છે. કોઈ શિક્ષણવિદ્ે માર મારીને છોકરું ઠેકાણે લાવવું એવું નથી લખ્યું કે કહ્યું.

શિક્ષણ ક્ષેત્રે આજે દેશમાં કે વિદેશમાં પુષ્ક્ળ મોટું પરિવર્તન આવ્યું છે, પણ પોતાના સંતાનને જિંદગીની હોડમાં પાછળ ન પડવા દેવાની ખોટી એષ્ણા રાખનારાં માતાપિતા અને ‘માર બુધું ને કર સીધું’ની થિયરીમાં માનનારા શિક્ષકોની માનસિકતામાં પરિવર્તન લાવી શકાયું નથી એ માનવીય સમાજની મોટી નિષ્ફળતા છે. ઉપર જણાવેલી ઘટના જેવી જ બાળકોની-વિદ્યાર્થીઓની મારપીટની ઘટના અવારનવાર બને છે. દેશના અનેક ભાગોમાંથી એને લગતી બાતમીઓ આવે છે. એટલે ખાનગી શિક્ષણના શિક્ષક દ્વારા મારપીટ કરવાની ઘટના પહેલી અને આવી જ અભાનપણાની સ્થિતિ રહી તો છેલ્લી પણ નથી. ખાનગી શિક્ષણના પ્રદેશમાં મારપીટ, જાતીય સતામણીની ઘટનાઓ તો વારંવાર બનવા લાગી છે. આપણા સમાજની એક અણઘડ અને અવિચારી રીત એવી છે કે, બાળક બોલવા લાગે કે તરત જ એ ભણવા લાગે એવા પ્રયાસો શરૂ કરી દેવામાં આવે છે અને તરત જ એને સ્કૂલમાં અને પછી ખાનગી ક્લાસ કે ટ્યૂશનમાં મૂકી દેવામાં આવે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં આ એક ‘ફૅડ’ થઈ ગયો છે. કામકાજ-નોકરી, વ્યવસાય નિમિત્તે દિવસભર ઘરની બહાર રહેનારાં માતાપિતાને બાળકને શીખવવા-સમજાવવાનો સમય જ નથી રહેતો એટલે જિંદગીમાં બધા કરતા આગળ રહે માટે બાળકને અતિ હોશિયાર બનાવવાની લાહ્યમાં ફાવે તેટલી ફી ભરીને બાળકને ખાનગી શિક્ષણ સંસ્થામાં મૂકી દેવાય છે. આ બાળકો એટલાં નાનાં અને એવાં અબૂધ હોય છે તેમને શિક્ષકો મારપીટ કરી હોવાની વાત ઘરમાં-માતાપિતાને કહેવાની સમજણ સુધ્ધાં નથી ધરાવતાં હોતાં. એમના શરીર પર મારના લીલા-કાળા ચકામા જોઈને માતાપિતાનું ધ્યાન પડે ને પૂછપરછ કરે ત્યારે આખો મામલો ‘પ્રગટ’ થાય. થોડા મહિનાઓ અગાઉ સોશિયલ મીડિયામાં એક વીડિયો ક્લિપ વાઈરલ થઈ હતી, જેમાં એક ત્રણ વર્ષની બાળકીને માતા સરવાળો શીખવે છે ને બચ્ચાની થયા કરતી ભૂલ ભૂલ અને એનાં રડવામાંથી વ્યક્ત થતો અણગમો એના રોષનું વળતર મારમાં આપે છે. ફ્રેમમાં માતા દેખાતી નથી, પણ રડીને ગુસ્સો કરતું, રડીને ભણવાનો અણગમો દેખાડતું બચ્ચું દેખાય છે... જોકે, આ ક્લિપ બદલ જાતભાતના ખુલાસાઓ કરવામાં આવ્યા હતા ખરા, પણ મૂળ વાત બાળકની અનિચ્છા અને એને ‘ભણાવી નાખવાની’ માતાની જિદ બરાબર ક્લિપ-દર્શકના મનને સ્પર્શે છે.

માના પાલવ તળે કે પિતાની બાથમાં ને ઘરની ચાર દીવાલ વચ્ચે સલામતી અનુભવતા મુગ્ધ, અણસમજુ બાળકને આપણે ઘરની બહાર સલામતીનો ભય લાગે એવા વાતાવરણમાં એના પર પ્રચંડ માનસિક દબાણ સર્જીને એનું માનસિક આરોગ્ય બગાડી રહ્યા છીએ એ સમજવાનો સમય પાકી ગયો છે. સંતાનોને ઉત્તમ શિક્ષણ મળે એટલા માટે દર વર્ષે વધતી જતી ફીનો બોજ સહન કરીને પણ માતાપિતા-વાલીઓ બાળકને સારામાં સારી સ્કૂલમાં મૂકે છે. હવે સમય જતાં બાળકને સ્કૂલનો અભ્યાસ ભારે લાગવા માંડે કે ન સમજવામાં અઘરો પડવા લાગે તો એને ટ્યૂશનમાં મોકલાવામાં આવે છે. પછી માતાપિતા માટે શરૂ થાય છે, આ આર્થિક ગણિતના દાખલાનો ઉકેલ શોધવાનો ખેલ કે છેડા મેળવવાની લડાઈ ! આ લડાઈ કે ખેલના કેન્દ્રમાં એવું બાળક છે જેને માટે માતાપિતાને સમય જ નથી. એક સમય હતો જ્યારે બાળક ચોક્કસ વિષયમાં નબળું હોય તો એ વિષયમાં ખાનગી ટ્યૂશન રાખવામાં આવતું, પણ એ બાળક માટે નીચાજોણું થતું હોય એવું લાગતું.આજે તો ગલીઓના નાકે ખાનગી ટ્યૂશનના વર્ગો નીકળી પડ્યા છે, એક સ્કૂલમાં હોય એટલી સંખ્યાના છોકરાઓ આવા વર્ગોમાં જાય છે. (કોઈ વખત જાણીતા ટ્યૂશન ક્લાસના છૂટવાના કે શરૂ થવાના સમયે જોશો તો ટ્રાફિક જામ થઈ જાય એટલી સંખ્યામાં ઊભેલાં છોકરા-છોકરી જોવા મળશે). આજે એવો સમય છે કે ત્રણ-ચાર વર્ષનાં બાળકો સ્કૂલ અને ટ્યૂશન ક્લાસના ચક્રમાં સપડાઈ જઈને બાળપણ, બાળપણની મુગ્ધતા, બાળપણનું ભોળપણ ને બાળપણની ચંચળતા ગુમાવી બેસે છે. માતાપિતા કે વાલીઓને ખબર જ નથી પડતી કે આમાંથી તેઓ શું ગુમાવી રહ્યા છે. (આ માતાપિતા પોતાની વૃદ્ધાવસ્થામાં પૌત્ર-પૌત્રીને તારો પપ્પો આવો હતો ને તારી મૉમ આવી હતી કહેવાનું ભાથું પામી શકતાં નથી!)

હવે તો નિવૃત્ત છે, પણ પહેલા ધોરણથી સાતમા ધોરણ સુધીનું ખાનગી ટ્યૂશન કરનારાં સુલોચનાબેન શાહનું કહેવું છે કે, "ભણાવતી વખતે શિક્ષક કે શિક્ષિકાની માનસિક સ્થિતિ કેવી છે એના ઉપર અનેક બાબતોનો આધાર છે. બાળકો સ્કૂલ અને ક્લાસમાંથી અપાતું હોમવર્ક કરશે જ એવું નથી. સ્કૂલનો અભ્યાસ કરવો જ પડતો હોય છે એટલે ક્લાસમાંથી અપાયેલા હોમવર્ક ભણી આંખ આડા કાન થાય છે એ ખરું છે. આ વાત ટ્યૂશન-શિક્ષકે સમજી લેવી જોઈએ. ઘરની કે અંગત સમસ્યા કે મુશ્કેલીનો ગુસ્સો ટ્યૂશનમાં આવનારા વિદ્યાર્થીઓ પર કાઢવામાં આવતો હોવાની ઘટના બનતી પણ જોવાઈ છે. બાળકને સમજી લઈને એને એ રીતે ભણાવવાનું વલણ હોવું જોઈએ.

મુંબઈના પશ્ર્ચિમનાં પરામાં રહેતાં શિલ્પા પરીખ નામનાં એક બહેન પ્રિ-સ્કૂલ (સ્કૂલમાં જવા માટેની તૈયારી કરાવતી સ્કૂલ!?)નાં બાળકોના શિક્ષણ સંબંધે ઊચ્ચ અભ્યાસ કરી એક સ્કૂલમાં જોડાયાં હતાં. પહેલો વર્ગ સવારના પોણાસાતે શરૂ થાય. માતાપિતા અડધી ઊંઘમાં રહેલા અઢી-ત્રણ વર્ષના બાળકોને ઢસડી-ઉપાડી લાવી સ્કૂલમાં મૂકી જાય. મોટા ભાગના બાળકો લગભગ ઊંઘમાં જ હોય. શિલ્પાબેન કહે છે, "હું બાળકો સાથે નીચે બેસું એટલે એમાંની એક રૂપાળી છોકરી મારી પીઠ પાછળ જઈ મારા ગળાંમાં હાથ નાખી ઊંઘી જાય. એક છોકરો મારા ટેબલના પાયાને વળગીને ઊંઘતો હોય. એક છોકરો સૌથી પહેલો વર્ગમાં આવી ટિફિન ખોલી ખાવા બેસી જતો. મને આટલા નિર્દોષ બાળકોની દયા આવતી, ભણવાનું દબાણ કરવાનું મન ન થાય. આખરે આ બેને દયાહિન થઈને, બાળકોની ઊંઘનો સમય ખોરવીને શીખવવાનું ન ફાવ્યું એને એમણે શિક્ષણ ક્ષેત્ર છોડ્યું.

વળી, દિવસે દિવસે શીખવવાની પદ્ધતિમાં ફેરફારો થઈ રહ્યા છે એની પણ નિષ્ણાતોને ફિકર થઈ રહી છે. આને કારણે વિદ્યાર્થી-બાળક પર સતત માનિસક દબાણ વધી ગયું છે અને એના માનસિક આરોગ્ય પર અસર થઈ રહી છે. એક માનસોપચાર તજજ્ઞ કહે છે, "મારી પાસે બાળકને લઈને માતાપિતા આવે છે. તેમની મુખ્ય અને પહેલી ફરિયાદ ‘આનું ભણવામાં ધ્યાન જ નથી’ની હોય છે. નવાઈની વાત છે કે જેની ફરિયાદ કરવામાં આવે છે એ બચ્ચું માત્ર પૂરા પાંચ વર્ષનુંય નથી હોતું. આટલી વયના બાળકને શું ભણવાનું છે એનું ય ભાન-સમજ નથી હોતા. ત્યારે આવાં માતાપિતાનું કાઉન્સેલિંગ કરવું પડે છે. હસતાં-રમતાં ભણવું-ભણાવવું એ લાક્ષણિકતા-રીત-સિસ્ટમ જ નાબૂદ થતી ગઈ હોવાનું સતત ભાન થયા કરે છે. એ સાથે માતાપિતાએ એમનાં ભૂલકાઓ પાસેથી અસાધારણ અપેક્ષા કરવા પહેલા કમસે કમ એમની ઉંમરનો-વયનો તો વિચાર કરવો જોઈએ

માનસરોગ નિષ્ણાતો પાલકો-વાલીઓને આ પ્રકારની સલાહ-સૂચના આપે છે ને સાથે માતાપિતાની સમસ્યાનો પણ વિચાર કરે છે. ત્રણ-ચાર-પાંચ વર્ષનાં સંતાનનાં માતાપિતાઓમાંના કેટલાક વળી આવા નિષ્ણાતોને પૂછી બેસે છે કે, "હું અને મારા પતિ ખાસ કશું ભણ્યા નથી. અમે ખર્ચા કાઢવા પૂરતું કમાઈએ છીએ. અમે તો મહેનત કરીને જીવી રહ્યા છીએ. આવનારો સમય અઘરો જ આવવાનો છે. ત્યારે અમારા છોકરાઓએ સારું ભણવું અને મોટા બનવું જોઈએ, એવું અમને લાગે છે તે ખોટું છે શું? આવી અપેક્ષા પણ એમના ભલા માટે જ છેને?

આના જવાબમાં એક ચાઈલ્ડ સાઈકૉલૉજિસ્ટે પોતાનો મત વ્યક્ત કર્યો હતો કે, "બાળક ૧૦ વર્ષનું થાય ત્યાં સુધી એને કોઈ પણ પ્રકારના શિક્ષણની જરૂર જ નથી! ખરી વાત એ છે કે બાળક માતૃભાષાને બદલે બીજી ભાષામાં શિક્ષણ લેવા માંડે છે ત્યારે એને અડચણ-અવરોધ આવવા લાગે છે. એટલે એ સ્કૂલમાં પાછળ ન રહે માટે ટ્યૂશનોમાં બેસાડી દેવાય છે. ટ્યૂશન ક્લાસમાંથી પણ એનામાં સુધારો આવતો નથી ત્યારે એ શિક્ષક પર દબાણ લવાય છે. શિક્ષક બાળક પર દબાણ લાવે છે. આ દુષ્ચક્ર છે ને એમાં તમારું બાળક ફસાયું તો એ માનસિક રીતે ઢીલું પડવા લાગે છે. એની અસર એમની શૈક્ષણિક પ્રગતિ પર થાય છે.

અહીં ૧૯૭૨માં આવેલી હિન્દી ફિલ્મ ‘પરિચય’ યાદ કરવા જેવી છે. ફિલ્મમાં ખાનગી ટ્યૂશનમાં પણ ભણવા ન માગતાં બાળકો જે તોફાનો કરે છે, શિક્ષકને ભગાડી મૂકવાની જે તરકીબો લડાવે છે, ટીચરને જે રીતે હેરાન-પરેશાન કરી મૂકે છે એ તમામમાં રસ લેતા લેતા શિક્ષક જિતેન્દ્ર આવી બાળલીલાથી વિચલિત ન થઈને પ્રેમથી બાળકોને જે રીતે સમજાવે છે તેમને પોતાના કરે છે એ બાબતને પ્રેક્ષકોએ બે હાથે વધાવી હતી. ૭૦ના દશકની આ ફિલ્મ બાદ ખાસ્સો સમય વીતી ગયો છે. કાળ પલટાવા સાથે શિક્ષણ પદ્ધતિ પલટાઈ ગઈ છે, પણ બાળકોની નિર્દોષતા, મુગ્ધતા બદલાઈ નથી. આ મુગ્ધતા અપેક્ષાઓના બોજની ગૂંગળાઈ ન જાય એની કાળજી રાખવાનું કામ માતાપિતાનું-વાલીઓનું છે.

"બાળકો તમે શું કહો છો એ ભૂલી જશે કદાચ, પણ હિણપતનો અનુભવ ક્યારેય નહીં ભૂલે, એમ અમેરિકન લેખક અને ધર્મશાસ્ત્રી કાર્લ ડબલ્યુ. બખનેરે કહ્યું છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

h8217248
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com