Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
કુલીને કૅશ નહીં, પ્રામાણિકતા વહાલી

વાત મળવા જેવા માણસની-અનંત મામતોરાકોઇ વ્યક્તિને સ્ટેશન પરથી પાંચ લાખથી પણ વધુ રોકડા ભરેલી બેગ મળી આવે અને એ વ્યકિત થોડી પણ લાલચુ હોય તો બેગ લઇને ક્યારે નવ દો ગ્યારહ થઇ જાય એની ખબર પણ ન પડે. પણ આજેય એવા પ્રામાણિક લોકો દુનિયામાં છે જે ગરીબ-મધ્યમ વર્ગના હોવા છતાં આટલી બધી રોકડ ભરેલી બેગ તેના અસલ માલિક સુધી પહોંચાડવા દોડાદોડ કરી મૂકે.

વાત છે ચેન્નઇના પરાં વિસ્તારમાં આવેલા તંબારમ સ્ટેશન પર બનેલી ઘટનાની.

પહેલી નવેમ્બરે સવારે પોણાચાર વાગ્યાની આસપાસ પ્લેટ ફોર્મ નં. ૫ ઉપર પોયામોઝી નામના કુલીએ એક નધણિયાતી બેગ જોઇ. હજી થોડીવાર પહેલાં જ સાલેમ-ચેન્નઇ એગ્મોર એક્સપ્રેસ ટ્રેને પ્લેટફોર્મ છોડ્યું હતું. આ બેગને તપાસતાં જ અંદર રોકડા નાણાં જોઇને ઘડીભર તો એ હેબતાઇ ગયો. જોકે, પળવારમાં જ એ ત્યાં ફરજ પર હાજર સાંધાવાળા તરફ ભાગ્યો. તેને અને સ્ટેશન માસ્તરને આ ઘટનાની જાણ કરી. સ્ટેશન માસ્તરે પણ પળવારનો વિલંબ કર્યા વિના રેલવે સુરક્ષા દળને આ ઘટનાની જાણ કરી.

આ બેગના માલિકને શોધી કાઢવામાં સુરક્ષા દળને સ્હેજ પણ વાર ન લાગી જે ચેન્નઇ એગ્મોર સ્ટેશને પહોંચવાની તૈયારીમાં હતો. જ્યારે આ પ્રવાસીને ખબર પડી કે તેણે બેગ ગુમાવી છે. તરત જ તેણે ફરિયાદ નોંધાવી. એજ સમયે તાબડતોબ એને સધિયારો આપવામાં આવ્યો કે તેની બેગ સલામત છે ત્યારે તેનો શ્ર્વાસ હેઠે બેઠો. આ બેગમાં કુલ પાંચ લાખ, પંચોતેર હજાર અને સાતસો વીસ રૂપિયા હતાં જે તેને સલામત સુપરદ કરવામાં આવી.

આ પ્રવાસી પેલા પોર્ટર પોયામોઝીથી એટલો બધો પ્રભાવિત થયો કે તેને રોકડ રકમ બક્ષિસમાં આપવાની ઓફર કરી. પણ પેલા પોર્ટરે તો એક પાઇ લેવાનો પણ ઇનકાર કર્યો અને કહ્યું કે એણે કશું નવું નથી કર્યું માત્ર પોતાની ફરજ નિભાવી છે.

આ કુલી એની પ્રામાણિકતા માટે જ પ્રખ્યાત નથી એણે ઘણાં, ઘરેથી ભાગી ગયેલાં કે રખડતાં બાળકોના માબાપને શોધી કાઢી તેમનું પુનર્મિલન પણ કરાવ્યું છે.

પોયામોઝી છેલ્લાં પંદર વર્ષથી આ સ્ટેશન પર કામ કરી રહ્યો છે, પણ ક્યારેય માનવતાવાદી કાર્યો બદલ પૈસાની ઓફર કરવામાં આવે તો તેણે સ્વીકાર્યા નથી.

જોકે, ચેન્નઇ ડિવિઝનલ રેલવે મેનેજર નવીન ગુલાટીને જ્યારે આ બેગ વાળી ઘટનાની ખબર પડી ત્યારે એ ખુદ આ સ્ટેશન પર દોડી આવ્યા હતા અને રેલવે કોચની ડિઝાઇન વાળુ સ્મૃતિચિહ્ન આપી તેનું આ તંબારમ સ્ટેશન પર જ જાહેર સન્માન કર્યુ હતું.

આવા હળહળતા કળિયુગમાં પોયામોઝી જેવા સતયુગી માનવો પણ વિચરી રહ્યાં છે એ વાત જ આશ્ર્ચર્ય સાથે આનંદ આપે એવી છે.

ધન્ય છે આ પ્રામાણિક પોર્ટરને અને ધન્ય છે તંબારમ રેલવે અધિકારીઓની કાર્યદક્ષતાને.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

53O106
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com