Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
નેપાળનો ગુરખા,ભારતનો પિસ્તોલ કિંગ

ખેલ અને ખેલાડી-અજય મોતીવાલાભારતીય શૂટિંગને છેલ્લાં બે દાયકા દરમિયાન અભિનવ બિન્દ્રા, ગગન નારંગ, રાજ્યવર્ધન સિંહ રાઠોર (અત્યારે સ્પોર્ટ્સ મિનિસ્ટર), અશોક પંડિત, જસપાલ રાણા, વિજયકુમાર, માનવજીતસિંહ સંધુ, સમરેશ જંગ, રોનક પંડિત, ડૉ. કરણી સિંહ, ઓમકાર સિંહ અને પ્રકાશ નાન્જપ્પા સહિત ઘણા કાબેલ અને નામાંકિત (પિસ્તોલ તથા રાઇફલ) પુુરુષ શૂટરો મળ્યા છે, પરંતુ એ બધામાં જિતુ રાયની વાત ઘણી જુદી છે. આ ૩૦ વર્ષીય શૂટર ૧૦ મીટર ઍર પિસ્તોલ અને ૫૦ મીટર પિસ્તોલ શૂટિંગમાં નિપુણ છે.

ભારતીય શૂટિંગને જેમ ૨૦૦૨ની સાલમાં ભારતીય લશ્કરના ધ ગ્રેનૅડિયર્સ રેજિમેન્ટમાંથી મૅન્ચેસ્ટર ખાતેની કૉમનવેલ્થ ગેમ્સમાં રાજ્યવર્ધનસિંહ રાઠોરના રૂપમાં ઊભરતો શૂટર મળ્યો હતો એમ ૨૦૧૪માં જિતુ રાય નામનો શૂટર લશ્કરના ગુરખા રેજિમેન્ટમાંથી મળ્યો હતો. ગુરખા રેજિમેન્ટ વિશે થોડું જાણીએ તો આ રેજિમેન્ટ ૨૦૦ વર્ષથી ભારતીય લશ્કર સાથે સંકળાયેલું છે. ૧૮૦૯-૧૮૧૪માં મહારાજા રણજિતસિંહે એ સમયની સિખ આર્મીમાં સેવા આપવા માટે ગુરખાઓની બટાલિયન બનાવી હતી અને ઇન્ડિયન આર્મી સાથેના ગુરખાઓના કાયમી સંબંધોની ત્યારે શુભ શરૂઆત થઈ હતી.

એ જ ગુરખા રેજિમેન્ટ બે સદીથી ભારતીય લશ્કર સાથે જોડાયેલું છે અને શૂટર જિતુ રાય એ જ બહાદુર સૈનિકોવાળા રેજિમેન્ટના ‘૧૧ ગુરખા રાઇફલ્સ’ યુનિટનો નાયબ સુબેદાર છે.

જિતુ રાય વિશે વધુ અંગત વાતો જાણતાં પહેલાં તેની શૂટિંગ કરિયર બાબતમાં ટૂંકમાં જાણી લઈએ. તે વર્લ્ડ ચૅમ્પિયનશિપ, વર્લ્ડ કપ, કૉમનવેલ્થ ગેમ્સ, કૉમનવેલ્થ ચૅમ્પિયનશિપ અને એશિયન ગેમ્સમાં ભારતનું નામ રોશન કરી ચૂક્યો છે.

ફરી જિતુ રાયની અંગત વાતો પર આવીએ. તેનો જન્મ ઑગસ્ટ, ૧૯૮૭માં નેપાળમાં થયો હતો. તે નેપાળી છે, પરંતુ તેની પાસે સિટિઝનશિપ ઍક્ટ (૧૯૫૫) મુજબ ભારતીય પાસપોર્ટ છે અને તે ભારતીય નાગરિકત્વ ધરાવે છે. તેણે સર્ટિફિકેટ મેળવ્યા પછી ૨૦૧૧ની નેશનલ ગેમ્સમાં ઉત્તર પ્રદેશ વતી ભાગ લીધો હતો.

જિતુ રાયને શૂટિંગનો શોખ તો નાનપણથી જ છે, પરંતુ ભારતીય લશ્કરમાં જોડાયા પછી ૨૦૧૦ની સાલમાં તે પહેલી વાર આર્મી શૂટિંગ સ્ક્વૉડમાં સામેલ કરાયો હતો. જોકે, ત્યારે તે અપેક્ષા જેવું પર્ફોર્મ નહોતો કરી શક્યો એટલે તેને તેના યુનિટમાં પાછો મોકલી દેવામાં આવ્યો હતો. એ સમયે મધ્ય પ્રદેશમાં લશ્કરના જવાનો માટે શૂટિંગની તાલીમ અપાઈ રહી હતી જેમાં વધુ ભાગ લેવાની પણ જિતુને મનાઈ કરવામાં આવી હતી.

સમય જતાં જિતુએ શૂટિંગમાં પર્ફેાર્મન્સ સુધાર્યો અને ૨૦૧૪ સુધીમાં તે આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચી ગયો હતો. એ વર્ષની શરૂઆતમાં જર્મનીના મ્યુનિક શહેરમાં શૂટિંગનો વર્લ્ડ કપ યોજાયો હતો જેમાં જિતુએ ૧૦ મીટર ઍર પિસ્તોલ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતીને સનસનાટી મચાવી દીધી હતી. શૂટિંગ વર્લ્ડમાં ત્યારે નવો સિતારો ચમકવા લાગ્યો હતો. ત્યાર પછી સ્લોવેનિયામાં વર્લ્ડ કપના બીજા તબક્કામાં ૫૦ મીટર પિસ્તોલ ઇવેન્ટમાં તેણે સિલ્વર મેડલ અને ૧૦ મીટર ઍર પિસ્તોલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. એકંદરે, તે વર્લ્ડ કપ દરમિયાન ૯ દિવસમાં ત્રણ મેડલ જીત્યો હતો. એક જ વર્લ્ડ કપમાં ભારત વતી બે મેડલ જીતનારો તે પ્રથમ શૂટર બન્યો હતો. આ ઉપલબ્ધિએ તેને સમગ્ર ભારતીય ખેલકૂદમાં ફેમસ કરી દીધો હતો.

ત્યાર પછી તો તે ઉત્તરોત્તર પ્રગતિ કરતો ગયો હતો. વિશ્ર્વભરમાં ત્યારે (જુલાઈ, ૨૦૧૪માં) ૧૦ મીટર ઍર પિસ્તોલ ઇવેન્ટમાં જેટલા પણ શૂટરો ભાગ લેતા હતા એમાં ભારતનો જિતુ રાય વર્લ્ડ નંબર વન તરીકે પંકાયો હતો. એટલું જ નહીં, ૫૦ મીટર ઍર પિસ્તોલમાં તે વિશ્ર્વમાં ચોથી રૅન્ક ધરાવતો થયો હતો. બે-ત્રણ મહિના પછી તેણે કૉમનવેલ્થ ગેમ્સમાં કમાલ કરી નાખી હતી. કૉમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં જે ભલભલા શૂટરો નહોતા મેળવી શક્યા એ સિદ્ધિ જિતુ રાયે સ્પર્ધામાં સામેલ થયાના પહેલા જ વર્ષે નોંધાવી હતી. તેણે ૫૦ મીટર પિસ્તોલ ઇવેન્ટના ક્વૉલિફિકેશન રાઉન્ડમાં ૫૬૨ પૉઇન્ટનો નવો વિક્રમ રચ્યો હતો. પછીથી તેણે એ જ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ પણ જીતી લીધો હતો. એમાં પણ તેણે એ સ્પર્ધાનો રેકૉર્ડ નોંધાવ્યો હતો. ફાઇનલ રાઉન્ડમાં તેના ખાતે ૧૯૪.૧ પૉઇન્ટ હતા જે એ રમતોત્સવનો નવો વિક્રમ હતો. ત્યાર બાદ તો જિતુ એ જ વર્ષની એશિયન ગેમ્સમાં, ૨૦૧૫ના વર્લ્ડ કપમાં ચંદ્રકો જીત્યો હતો. ૨૦૧૬નું વર્ષ પણ તેના માટે સાવ કોરું નહોતું. એમાં તે અઝરબૈજાન ખાતેના વિશ્ર્વકપમાં ૧૦ મીટર ઍર પિસ્તોલ ઇવેન્ટનો સિલ્વર મેડલ જીત્યો હતો. જોકે, ૨૦૧૬ની રિયો ઑલિમ્પિક્સ તેના માટે નિરાશાજનક રહી હતી. તે ૧૦ મીટર ઍર પિસ્તોલની ફાઇનલમાં પહોંચ્યો હતો, પરંતુ એમાં સાવ છેલ્લા નંબરે રહેતાં મેડલ જીતવાની તેની આશા પર પાણી ફરી વળ્યું હતું. ૫૦ મીટર પિસ્તોલની સ્પર્ધામાં પણ તેણે એવી જ નિરાશા જોવી પડી હતી.

૨૦૧૭ના વર્ષમાં ફરી એક વાર જિતુ રાય હાથમાં સુવર્ણચંદ્રક સાથે ભારત માટે રોશની ફેલાવી રહ્યો છે. તેણે થોડા જ દિવસ પહેલાં ૧૦ દિવસમાં ત્રણ ચંદ્રક જીતી લીધા હતા. બ્રિસ્બેનની કૉમનવેલ્થ ચૅમ્પિયનશિપમાં તેણે બે સ્પર્ધાના બ્રૉન્ઝ જીત્યા પછી ઘરઆંગણે (દિલ્હીમાં) આયોજિત વર્લ્ડ કપમાં મહિલા શૂટર હીના સિધુ સાથેની જોડીમાં મિક્સ્ડ-ટીમ ઇવેન્ટનો ગોલ્ડ મેડલ જીતી લીધો હતો.

૨૦૧૫માં અર્જુન પુરસ્કાર અને ૨૦૧૬માં રાજીવ ગાંધી ખેલરત્ન અવૉર્ડ મેળવી ચૂકેલો જિતુ રાય ૨૦૨૦ની ટોક્યો ઑલિમ્પિક્સમાં મેડલ જીતીને ઍથ્લીટો માટેના વિશ્ર્વના આ સૌથી મોટા રમતોત્સવમાં ચંદ્રક જીતવાનું સપનું પૂરું કરશે એવી આશા છે.આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

YC2Hd1
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com