Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
પોતાના પર ફેંકાયેલા ગ્રેનેડને કેપ્ટને ઝીલી લીધો અને...

યુદ્ધ કેસરી-પ્રફુલ શાહકેરળના એ પિલ્લાઇ ફેમિલીના લોહીમાં જ લશ્કરમાં જોડાવાનું હતું. મેજર એ.વી.ડી. પિલ્લાઇએ ઇન્ડિયન આર્મીમાં કામગીરી દીપાવી, તો એમના વડવા કેરળના રાજાના શાહી લશ્કરમાં હતા. મેજર એ.વી.ડી. પિલ્લાઇને કેરળના ક્ધનુર સ્થિત ઘરે ૧૯૬૭ની ૧૨મી ઑગસ્ટે દીકરો જન્મ્યો. નામ રાખ્યું દિવાકરન. પૂરું નામ દિવાકરન પદ્મકુમાર પિલ્લાઇ.

મેજર એ.વી.ડી. પિલ્લાઇ ઈચ્છતા હતા કે દીકરો પોતાની જેમ લશ્કરના ગણવેશમાં દેશની સેવા કરે. તેમણે આ ઇચ્છા કોઇની સામે વ્યક્ત કરવાની જરૂર નહોતી, કારણ કે સૌ જાણતા જ હતા, પરંતુ મેજર પિલ્લાઇને લાગ્યું કે છોકરો થોડો ઢીલોપોચો છે. લશ્કરમાં જવું હોય તો આવું વલણ ન પોસાય. આ કાચોપોચો કેવી રીતે શસ્ત્રો લઇને દુશ્મનનો સામનો કરી શકે? આ ચલાવી જ ન લેવાય.

મેજર પિલ્લાઇએ કિશોર દિવાકરનને એક રાત સ્મશાનમાં વિતાવવાની ફરજ પાડી. એકદમ એકલા. કાળી ડિબાંગ રાત, શાંતિ, સન્નાટો, જાણે આક્રંદ કરતો હોય એવા પવનના સુસવાટા, ક્યાંક કબરની મોટી થતી તિરાડનો ભ્રમ અને એમાંથી ગમે ત્યારે લાશ ડોકું બહાર કાઢે એવો ડરામણો માહોલ.

ભલભલો ભડનો દીકરો આ માહોલમાંથી ફફડાટ-ડરનો માર્યો ભાગી જાય, બેહોશ થઇ જાય કાં એનું પેન્ટ ભીનું થઇ જાય. દિવાકરન સુધ્ધાં ડરી ગયો પણ મેદાન ન છોડ્યું. એ ટકી રહ્યો આખી રાત. સવારે મેજર પિલ્લાઇ દીકરાને લેવા આવ્યા. બન્ને ઘરે પાછા જઇ રહ્યા હતા, ત્યારે દિવાકરન એકદમ બદલાઇ ચૂક્યો હતો. એની મક્કમતા હતી, વ્યક્તિત્વમાં નીડરતા હતી, હવે સામે વાળાની આંખમાં આંખ નાખીને વાત કરવા માંડ્યો. મેજર પિલ્લાઇએ નિરાંત અને સંતોષનો શ્ર્વાસ લીધો. હોઠ પર હળવું સ્મિત ફરકી ગયું. એમને હવે દીકરા પર જરાય અવિશ્ર્વાસ નહોતો.

અને દિવાકરન પદ્મકુમાર પિલ્લાઇએ પપ્પાના વિશ્ર્વાસને સાર્થક કરી બતાવ્યો.

દિવાકરન કર્ણાટકની બેંગ્લોરમાં આવેલી મિલિટરી સ્કૂલમાં ભણ્યા. ત્યાર બાદ નેશનલ ડીફેન્સ એકેડેમીમાં ગયા. ૧૯૮૮માં એન.ડી.એ.માંથી બહાર આવીને બ્રિગેડ ઑફ ગાર્ડસની ચોથી બટાલિયનમાં જોડાવાની તક મળી. જમ્મુ-કાશ્મીર તથા પંજાબ જેવા સંવેદનશીલ રાજ્યમાં ફરજ બજાવી પણ એમનું અસલ હીર ઝળક્યું મણિપુરમાં.

૧૯૯૪માં ઈશાન ભારતમાં બળવાખોરીએ માઝા મૂકી હતી, એમાં મણિપુરમાં તો હિંસાનો પાર નહોતો એટલે ભારત પાસે નિર્ણાયક પગલાં લેવા સિવાય છૂટકો રહ્યો ન હતો. આથી દેશની એકતા અને અખંડિતતા જાળવી રાખવાની જવાબદારી લશ્કરને સોંપાઇ હતી. આના ભાગરૂપે બ્રિગેડ ઑફ ગાર્ડસની ચોથી બટાલિયને મણિપુરમાં ઓપરેશન હાથ ધર્યું હતું. આ બટાલિયનનું એક મહત્ત્વનું કેરેકટર એટલે યુવાન કેપ્ટન દિવાકરન પિલ્લાઇ. ગુપ્તચર તંત્ર તરફથી આંચકાજનક માહિતી આવી હતી કે ભારતીય લશ્કરના હલનચલનને અવરોધવા માટે બળવાખોરો પુલ ફૂંકી મારવાની ફિરાકમાં બેઠા છે. ઉપરથી આદેશ ટૂંકો પણ સ્પષ્ટ હતો. એમને શોધી કાઢો, બાથ ભીડો અને ખતમ કરી નાખો. બ્રિગેડ ઑફ ગાર્ડસની ચોથી બટાલિયન જંગલમાં એક-એક ખૂણો, એક-એક ઝાડ ફ્ેંદતી-ફંફોસતી રહી, ચાર-ચાર દિવસ સુધી, પરંતુ થાક, હતાશા, નિરાશા અને ચિંતા સિવાય કાંઇ હાથ લાગ્યું નહીં.

પાંચમા દિવસે એક આશા, અણસાર મળ્યો. મણિપુરના તામેંગલોંગ જિલ્લાના સાવ સામાન્ય અને નાનકડા ગામ લોંગડી પબ્રામ તરફ લશ્કરી ટુકડી આગળ વધી રહી હતી. અચાનક બળવાખોરોને અંધાધૂંધ ગોળીબારથી આવકાર આપ્યો. સશસ્ત્ર બળવાખોરોનો હાથ ઉપર હતો. તેઓ છુપાયેલા હતા, તૈયાર હતા, પાસે શસ્ત્રો હતાં અને ગ્રામજનોના જીવની લેશમાત્ર પરવા કર્યા વગર ગોળીઓ છોડવામાં એમને કોઇ નિયમો નડતા નહોતા.

કેપ્ટન પિલ્લાઇ જવાબ આપવા માટે તૈયાર હતા પણ નાહકની જાનહાની કરવી નહોતી. ખાસ તો નિર્દોષ પ્રજા વગર વાંકગુને હિંસાનો ભોગ ન બને તેની તકેદારી લશ્કર રાખે જ. કેપ્ટન પિલ્લાઇ પણ આ જ મતના હતા. આનો બીજો અર્થ એ થાય કે પોતાના જીવ પરનું જોખમ વધારી દો. એક-એક પળનું જીવનને એક્સટેન્શન મળતું જાય. જ્યાં સુધી જીવાય ત્યાં સુધી ખરું, એમ માનીને આ ભડવીર કદમ આગળ વધારીને ફરજ બજાવતા જાય.

કેપ્ટન પિલ્લાઇએ જોયું કે એક ઝૂંપડાંમાં સંતાઇને બળવાખોરો મનમાની કરી રહ્યા હતા. તેઓ રાતના અંધારામાં હિમ્મતભેર, આગેકૂચ કરતા રહ્યા. જેવો ઝૂંપડાંનો દરવાજો ખોલ્યો કે તરત જ ધડાધડ કરતી એ.કે.૪૭ની ગોળીઓનો તેમના પર વરસાદ થયો. એક ગોળી કોણીમાં લાગી, એક હાથ પર, બીજા ખૂણામાંથી એક ગોળી આવીને છાતીમાં ઘૂસી ગઇ. અચાનક બળવાખોરની એ.કે.૪૭ જામ થઇ ગઇ. એટલે તેણે કેપ્ટન તરફ ગ્રેનેડ ફેંક્યો. આઘાત, નબળાઇ અને શરીરમાંથી વહેતા લોહી છતાં સેક્ધડના એકસોમા ભાગમાં કેપ્ટન પિલ્લાઇએ ન જાણે કેવી રીતે ગ્રેનેડ ઝીલી લીધો અને દૂર ફંગોળ્યો. પણ દૂર પડીને ફૂટવા છતાં ગ્રેનેડ તેમના પગમાંથી માંસનો લોચો લઇને જ ગયો. આ તક ઝડપી લઇને એક બળવાખોરે તેમને ખભા અને પીઠ પર જોરથી ફટકાર્યું કે બન્ને જગ્યાએ ફ્રેકચર. આસપાસ ઘમાસાણ અથડામણ વચ્ચે લોહીલુહાણ કેપ્ટન પિલ્લાઇ જાણે ધીમે-ધીમે મોત તરફ આગળ વધી રહ્યા હતા.

૧૯૯૪ની ૨૫મી જાન્યુઆરીએ કેપ્ટન દિવાકરન પદ્મકુમાર પિલ્લાઇના નામ આગળ સ્વર્ગસ્થ લાગી જવાનું હતું ? (ક્રમશ:)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

3256s1
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com